ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ઘણી હકીકતો એવી હોય છે કે જેની આપણને જાણ હોય, પણ એ અચાનક પ્રસાર માધ્યમોમાં ચમકવા લાગે એટલે નવેસરથી એ તરફ આપણું ધ્યાન દોરાય. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કેટલીક વિગતો રજૂ કરી, જેને કારણે આપણા રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વધુ એક વાર સમાચારોમાં ચમક્યો. શિક્ષણમંત્રીએ આપેલી માહિતી અનુસાર છેલ્લા બે વરસોમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ પડી રહી છે. કુલ ૧,૬૦૬ સરકારી શાળાઓમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ વચ્ચે કેવળ એક જ શિક્ષક છે. વર્ષ ૨૦૨૨માં કુલ સાતસો શાળાઓમાં આ સ્થિતિ હતી. બે જ વર્ષમાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓનો આંકડો બમણા કરતાં વધી ગયો છે.

આના કારણમાં તેમણે એ પણ જણાવ્યું કે શિક્ષકો પોતાની મનપસંદ જગ્યાએ બદલી લેતા હોવાને કારણે આ સ્થિતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં બત્રીસેક હજાર સરકારી શાળાઓ છે. માન્યું કે ૨૦૨૩ના અંત સુધીમાં એક જ શિક્ષક ધરાવતી શાળાની સંખ્યા વધીને ૧,૬૦૬ સુધી પહોંચી, પણ એ અગાઉ સાતસો શાળાઓમાં આ સ્થિતિ હતી એ નાનીસૂની વાત કહેવાય? વર્ષ ૨૦૧૬માં પણ ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યા અનુસાર સરકારી શાળાઓમાં તેર હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ હતી.

સરકારે આપેલી વિગત અનુસાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં આ ઘટ સૌથી વધુ હતી, જ્યારે તેની પછીના ક્રમે પંચમહાલ અને દાહોદ જિલ્લા હતા. આ જ પક્ષની સરકારના તત્કાલીન શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સુયોગ્ય ઉમેદવારો મેળવવામાં સરકારને મુશ્કેલી પડી રહી છે, છતાં સરકાર વહેલામાં વહેલી તકે એ જગ્યાઓ ભરશે. હાલના શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ વેઠવું ન પડે એ માટે જ્ઞાનસહાયકોની ભરતી, હંગામી પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કે શિક્ષકોની બદલીના મેળા યોજવાના પ્રયાસો ચાલુ છે.

શિક્ષણમંત્રીએ એમ પણ જણાવ્યું કે ભલે ૧,૬૦૬ સરકારી શાળાઓ એક જ શિક્ષક વડે સંચાલિત હોય, એમાંની અડધીઅડધ શાળાઓએ ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (આર.ટી.ઈ.) અનુસાર પ્રતિ ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનું પ્રમાણ જાળવી રાખ્યું છે. ‘ઓપરેશન સફળ, પણ દર્દીનું મૃત્યુ’ જેવી કક્ષાનો આવો ચમત્કાર શી રીતે થઈ શકે એવો કોઈને વિચાર આવે તો આંકડા જુઓ, જે પણ શિક્ષણમંત્રીએ જાહેર કરેલા છે: ‘આ ૧,૬૦૬ શાળાઓ પૈકી વીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચથી ઓછી છે, અને ૮૬ શાળાઓમાં તે પાંચથી દસની વચ્ચે છે. ૩૧૬ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧થી ૨૦ની વચ્ચે છે, જ્યારે ૪૧૯ શાળાઓમાં તે ૨૧થી ૩૦ની વચ્ચે છે. ૬૯૪ શાળાઓમાં ૩૧થી ૬૦ વિદ્યાર્થીઓ છે અને ૭૧ શાળાઓમાં ૬૧થી વધુ વિદ્યાર્થીઓ છે.’ બેસી ગઈ ને સરેરાશ? આ સરેરાશ બેસાડવામાં એ પણ ખ્યાલ આવે છે કે શાળાઓમાં મૂળભૂત રીતે વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી છે.

આ તો કેવળ સરકારી શાળાઓ અને એમાં શિક્ષકોની ઓછી સંખ્યાની જ વાત છે. અહીં અપાતા શિક્ષણનું સ્તર સાવ અલગ જ મુદ્દો છે. ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો સ્ટેરોઇડ લઈને બાવડાં ફુલાવવાના અને એ ફુલાયેલા બાવડાં જોઈને ગૌરવ લેવાના સામૂહિક ઉપક્રમ બની રહ્યા છે. ‘જ્ઞાન સહાયક’ જેવી ‘ક્રાંતિકારી’ પદ્ધતિના અમલ દ્વારા બાળકોના ભાવિ સાથે રમત રમાય છે. શિક્ષકોને શિક્ષણ સિવાયનાં વિવિધ કાર્યોમાં જોતરતા રહેવાનું સામાન્ય બની રહ્યું છે. આવા માહોલમાં ચર્ચા થાય તો પણ કેવળ શિક્ષકોની ઘટની! શું આ ઘટ રાતોરાત પેદા થઈ ગઈ છે?

હજી ઘણા ભાવુક લોકો ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીના કથળતા જતા સ્તર અંગે ચિંતા કરતા જોવા મળે છે. તેમને બિચારાઓને અણસાર સુદ્ધાં નથી કે કેવળ ગુજરાતીનું જ નહીં, સમગ્રપણે શિક્ષણનું સ્તર પાતાળે ગયું છે, અને હવે તો એ વાત પણ જૂની થઈ ગઈ છે. આપણી પાસે ગૌરવ લેવા જેવી ઓછી બાબતો છે કે માતૃભાષા અને એવી બધી બાબતોના સ્તરની ફિકર કરીએ? અખબારો કે પ્રસાર માધ્યમોમાં પ્રયોજાતી ગુજરાતી ભાષાનું સ્તર જોઈને ઘણા મુગ્ધ જીવોને ફિકર થાય છે કે ગુજરાતીનું કોઈ રણીધણી રહ્યું નથી. તેઓ જે જોઈ રહ્યા છે એ તો ફળ છે. જે વૃક્ષ પર તે બેઠું છે એનાં મૂળિયાંમાં કેટલો સડો થઈ ગયો છે એ તેઓ સમજી શકતા નથી.

જગતમાં એવા લોકો જૂજ હશે કે જેમના પોતાના જ પ્રદેશમાં, પોતાનું બાળક માતૃભાષામાં બોલે એ સાંભળીને એમને આશ્ચર્ય થાય. આવી દુર્લભ પ્રજાતિમાં આપણો સમાવેશ થાય છે એ ઓછા ગૌરવની વાત કહેવાય? સરકારી પાઠ્યપુસ્તકોમાં એક નજર કરો, એ ભણાવનાર શિક્ષકોને મળો, સારા ગણાતા વિદ્યાર્થીઓ સાથે વાત કરો તો જે લઘુત્તમ સામાન્ય બાબત જોવા મળશે તે હશે માતૃભાષાની મૂળભૂત જાણકારીનો અભાવ, અને એ અંગેની જાણકારી ન હોવાની અજ્ઞાનતા. આનાથી વધુ કેવી દુર્દશાની અપેક્ષા રાખી શકાય? રાજકીય લાભ લેવાની ગણતરીએ શિક્ષણપ્રણાલિને આયોજનબદ્ધ રીતે ખતમ કરાઈ રહી હોય એવી પરિસ્થિતિમાં નાગરિકો જાતભાતનાં ગૌરવ લેવામાંથી ઊંચા ન આવતા હોય એ કેવી કરુણતા!

રાજ્યમાં વિકાસ ડબલ એન્‍જિનની ગતિએ થઈ રહ્યો હોય, એ જોઈને નાગરિકો હરખાતા હોય, રાજ્યના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે દોટ મૂકતા હોય એ સ્થિતિમાં રાજ્યના શિક્ષણમંત્રી શિક્ષકોની ઘટ માટે જે કારણ આપે એ માની લેવું જોઈએ. કેમ કે, શિક્ષકોની ઘટ પૂરાશે તો પણ શિક્ષણની સ્થિતિમાં બદલાવ આવશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪– ૦૩ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)