મંજૂષા
વીનેશ અંતાણી
આપણી આસપાસનું વાતાવરણ આપણને ઘડે છે. સફળતાને વરેલા લોકોએ એમની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કર્યું હોય છે, તેઓ સામાન્યપણાથી સંતોષ માનતા નથી
તુર્કીની કહેવત છે: તમારો સંગાથ સારો હશે તો કોઈ પણ રસ્તો લાંબો લાગશે નહીં. આ કહેવત જીવનમાં ઉત્તમ વ્યક્તિઓને સાથે રાખવા પર ભાર મૂકે છે. ઘણા લોકોને સામાન્યતામાં જ રસ પડે છે, તેઓ ઉત્તમ તરફ ધ્યાન આપતા નથી, બલકે તેની અવગણના કરે છે. એમને ક્ષુદ્ર બાબતો, સામાન્ય મિત્રો, નીચું ધ્યેય ધરાવતા સાથીઓ, દૂષિત વાતાવરણ જેવી નકારાત્મક બાબતોમાં રસ પડે છે. એમનો જીવનપથ સરળતાથી કપાતો નથી કારણ કે એમણે સામાન્યતાને એમની અંદર વિકસવા દીધી હોય છે. એમણે સારાં કે ઉત્તમ પરિણામની આશા રાખી હોતી નથી, એમને એમની ક્ષુદ્રતા જ ઉત્તમ લાગે છે.
જિંદગીનાં કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે વ્યક્તિએ એની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કરવું જોઈએ. શરીરની જેમ આપણા મન, આપણા વિચારો, આપણી સંવેદનાને પણ પૌષ્ટિક આહારની જરૂર પડે છે. માનસિક તંદુરસ્તી માટે ઉત્તમ વાતાવરણની આવશ્યકતા રહે છે. કહેવાયું છે કે દરેક વ્યક્તિમાં અનેક પ્રકારની ક્ષમતા રહેલી હોય છે, છતાં બધા એમની ક્ષમતાનો પૂરો ઉપયોગ કરી શકતા નથી, જ્યારે કેટલાક લોકો એમની ક્ષમતાનો વધારે કસ કાઢીને સફળતાનાં નવાં શિખર સર કરે છે. સફળતાને વરેલા લોકોના જીવનનો અભ્યાસ કરવાથી ખબર પડે છે કે એમણે એમની આજુબાજુ ઉત્તમ વાતાવરણ ઊભું કર્યું હોય છે, તેઓ સામાન્યપણાથી સંતોષ માનતા નથી.
વ્યક્તિ સામાન્ય વિચારો ધરાવતા લોકોના સંપર્કમાં હશે તો એના વિચારો, અભિગમ, જીવન માટેની સમજ અને દૃષ્ટિ સામાન્ય જ રહેવાની છે. એમને ઉત્તમ શું છે તેની ખબર જ હોતી નથી. તુચ્છ લોકોનું સાન્નિધ્ય વ્યક્તિને તુચ્છ પ્રકારની વ્યક્તિ બનાવે છે. એની સામે ઊંચા વિચારો ધરાવતા લોકોનો સહવાસ આપણા વિચારોને, આપણા અભિગમને, આપણાં માપદંડોને, ધ્યેયોને ઊંચા બનાવે છે. સદા નિરાશામાં જ જીવતા લોકો એમની આજુબાજુ નિરાશાનું વાતાવરણ ઊભું કરે છે. મહત્ત્વાકાંક્ષી લોકો આપણી મહત્ત્વાકાંક્ષાને હવા દેતા રહે છે.
એવા લોકો પણ જોવા મળે છે, જેમણે સરેરાશ સફળતાથી સંતોષ માની લીધો હોય છે. અહીં સફળતાનો અર્થ માત્ર ભૌતિક સફળતા જેવા સંકુચિત અર્થમાં લેવાનો નથી. માનવનું એકમાત્ર ધ્યેય ભૌતિક સફળતા કે ભૌતિક સુખ જ હોઈ શકે નહીં. સરેરાશ જીવનમાં સંતોષ માની લેનાર લોકોએ એક પ્રકારની શરણાગતિ સ્વીકારી હોય છે. તેઓ થોડો સમય ઉત્તમ અભિગમ સાથે કામ પાડવાના પ્રયત્ન કરે છે, પરંતુ આરંભિક નિષ્ફળતાની સામે ઘૂંટણ ટેકવી દે છે. એવા લોકોએ આ કથન પર ધ્યાનથી વિચારવાની જરૂર છે – ‘તમે જવા માગતા હોય તે અજાણી જગ્યાએ કોઈ તમારી સાથે આવવા તૈયાર ન હોય તો પણ તમે ઇચ્છેલા માર્ગે એકલા જજો. આગળ જતાં માર્ગમાં તમારા જેવું જ વિચારતા થોડા લોકોનો સથવારો તમને મળતો રહેશે.`
આપણે વિરોધાભાસી સમયમાં જીવી રહ્યા છીએ. એક તરફ પ્રખર બુદ્ધિમત્તા છે, અસામાન્ય પ્રગતિ છે, ઉચ્ચ પ્રકારની સિદ્ધિઓ જોવા મળે છે. તેની સામે વ્યાપક સ્તરે ક્ષુદ્રતાનો અનુભવ થઈ રહ્યો છે. આ ક્ષુદ્રતાએ જીવનનાં ઘણાં પાસાંને આવરી લીધાં છે. રાજકારણમાં જોવા મળતી ક્ષુદ્રતા, ધાર્મિક પ્રવૃત્તિમાં નીચે ગયેલું ધોરણ, કળા-સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં પ્રવર્તી રહેલી સામાન્યથી પોરસાઈ જવાની મનોવૃત્તિ. હવે બહુ ઓછા લોકોને સાધના કરવાની જરૂર લાગે છે. તદ્દન સામાન્ય કવિતા કે વિચારોને ફેસબુક જેવાં માધ્યમમાં મળતા ઢગલાબંધ લાઇક્સ વ્યાપક સ્વીકૃતિનો ભ્રામક સંતોષ જન્માવે છે અને ઉત્તમ પ્રકારનું કામ કરવા માટેની નિષ્ઠા અને પ્રયત્નો પર ચોકડી મારે છે. વ્હોટ્સએપ પર મૂકવામાં આવતી પોસ્ટ્સમાં સામાન્યતા વકરી ઊઠી છે. એક ગ્રુપમાંથી આવેલી ગમે તેવી સામાન્ય પોસ્ટ બીજાને ફોરવર્ડ કરતાં પહેલાં આપણે આપણી પોતાની કક્ષાનો કે સામેની વ્યક્તિની કક્ષાનો વિચાર કરતા નથી. એ રીતે ક્ષુદ્રતાનાં ચેપી જંતુ ફેલાતાં રહે છે. કરુણતા એ છે કે આપણે તેનો આનંદ માણીએ છીએ.
ઘણા લોકો બીજાની સફળતા કે સિદ્ધિનો ખુલ્લા મને સ્વીકાર કરતાં પણ ખચકાય છે. રાજકારણમાં આગળની સરકાર દ્વારા કરવામાં આવેલાં સારાં કામોનો અસ્વીકાર આનું એક દૃષ્ટાંત છે. આગળના સમયમાં થયેલાં કાર્યોમાં બધું જ ખરાબ હોય કે અયોગ્ય હોય તેવું માની લેવું કે પ્રજાસમૂહના મનમાં તે અસત્ય ઠોકી બેસાડવાની કળા આગળ જતાં વિનાશક સાબિત થઈ શકે. જૂઠ્ઠો અને ભ્રામક પ્રચાર પણ ક્ષુદ્રતાનું જ બીજું પાસું છે. એક સમયે કોન્ગ્રેસે પણ એવું જ કર્યું. એમાં વ્યક્તિપૂજાના વળગણે બહુ મોટો ભાગ ભજવ્યો. ઉત્તમનો આગ્રહ ભુલાયો. પરિણામ આપણી સામે સ્પષ્ટ છે.
આપણી આસપાસનું વાતાવરણ આપણને ઘડે છે. ઉચ્ચ વિચારોની જાદુઈ શક્તિના હિમાયતી ડેવિડ જે. શ્ર્વાર્ટઝ ક્ષુદ્રતા અને ઉત્તમ વચ્ચેનો ફરક સમજાવવા સરળ ઉદાહરણ આપે છે. ‘દરેક ખેડૂતને ખબર હોય છે કે એ એના ખેતરમાં ઉત્તમ ખાતર નાખશે વધારે સારો પાક ઊગશે.’
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
