ફિર દેખો યારોં

બીરેન કોઠારી

આપણા આહાર અને આહારપ્રણાલિમાં છેલ્લા બે-ત્રણ દાયકામાં ધરમૂળથી પરિવર્તન આવતું રહ્યું છે. પરિવર્તન આવશ્યક અને આવકાર્ય છે, અને તે મોટે ભાગે એકવિધતાનો ભંગ કરવા માટે થતું હોય છે. જો કે, મનુષ્યેતર જીવો માટે આવું પરિવર્તન ઘણી વાર ઘાતક નીવડતું હોય છે. આનું એક ઉદાહરણ એટલે પશ્ચિમ ઘાટની વનસ્પતિસૃષ્ટિ.

પશ્ચિમ ઘાટ અનેક પ્રકારની જૈવવિવિધતાઓ માટે જાણીતો છે. અત્યારે તે અન્ય ‘આયાતી’ વનસ્પતિ દ્વારા થતા આક્રમણ અને તેને પગલે સર્જાતી પર્યાવરણીય અસંતુલનની સ્થિતિનો તીવ્રપણે સામનો કરી રહ્યો છે. આ વિસ્તારમાં નૈસર્ગિક રીતે ઊગી નીકળતી વનસ્પતિને સ્થાને હવે અન્ય વિદેશી વનસ્પતિઓ તેમજ આર્થિક રીતે મૂલ્યવાન ગણાતી કૉફી, સોપારી, સાગ, લાલ ચંદન, મેહોગની, રબર જેવી જાતોનું વાવેતર થઈ રહ્યું છે. આટલું ઓછું હોય એમ લેન્‍ટેના, યુપેટોરિયમ, પાર્થેનિયમ નામની આક્રમક વનસ્પતિનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે, જેને કારણે જૈવિક અસંતુલન પેદા થઈ રહ્યું છે. શિકાર પર નભનારા જીવ માટે આને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. આવાં પ્રાણીઓ હવે માનવ વસાહતો તરફ વળી રહ્યા છે, અને માનવ-વન્ય પશુ વચ્ચે ટકરાવના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે.

રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્યના ધોરીમાર્ગો અને જિલ્લાના મુખ્ય માર્ગોની આસપાસના વિસ્તારમાં બદલાવ આવી રહ્યો છે. ‘આયાતી’ વનસ્પતિની પ્રજાતિ આક્રમક હોવાથી આ વિસ્તારનાં ફળાઉ વૃક્ષો નષ્ટ થઈ રહ્યાં છે, જેમાં જંગલી આંબા, જંગલી ફણસ, જંગલી કેળ, તેમજ વિવિધ પ્રકારનાં ઠળિયા વિનાનાં રસદાર ફળોનો સમાવેશ થાય છે. આવાં ફળો વાનર કુળનાં તેમજ અન્ય પ્રાણીઓ, ખિસકોલી, ઉંદર વગેરે માટેનો ખોરાક હોય છે. અને આવાં પ્રાણીઓનો ભક્ષ માંસાહારી પશુઓ કરતાં હોય છે. વિશાળ કદનાં-દીપડા જેવાં સસ્તન પ્રાણીઓ માનવવસાહતમાં પ્રવેશવાના બનાવો વધી રહ્યા છે. આમ, વનસ્પતિસૃષ્ટિમાં આવી રહેલા પરિવર્તનની વિપરીત અસર અનેકવિધ રીતે અને ક્ષેત્રે થઈ રહી છે.

કર્ણાટકમાં આવેલો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન છેક ૧૯૯૦ના દાયકા સુધી અનેક તૃણાહારી પશુઓ માટેના આહારનું મહત્ત્વનું સ્થાન હતો. આને કારણે તે શિકારી પશુઓનું અગત્યનું શિકારસ્થાન પણ બની રહ્યો હતો. ઈ.સ. ૨૦૦૦ના દાયકાના મધ્યથી આ વિસ્તારમાં પાર્થેનિયમ નામની વનસ્પતિ નાનાં ઝુંડમાં દેખાવા લાગી. વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોએ તેને ઉખેડી કાઢવા માટે સંયુક્ત રીતે પ્રયાસ કર્યા, પણ વ્યર્થ!

એ જ રીતે એક ચોમાસા પછી આ વિસ્તારમાં લેન્‍ટેનાએ દેખા દીધી. આસપાસનાં સાઠ ગામનાં બારસો જેટલા ગ્રામજનોએ વનવિભાગના સહયોગમાં તેને ઉખેડી કાઢવાની ઝુંબેશ ચલાવી, પણ એ નિષ્ફળ ગઈ. આજે આ રાષ્ટ્રીય ઉદ્યાનના લગભગ પંચોતેર ટકા વિસ્તારમાં લેન્‍ટેના છવાયેલી છે. હજી તેને ઉખેડવાના પ્રયત્નો ચાલુ છે, પણ તેની વૃદ્ધિ અનેકગણી ઝડપી છે.

આવી આક્રમક વનસ્પતિઓ ઘાસિયા ભૂમિમાં ઊગી નીકળી હોવાને કારણે અહીંના નિવાસી તૃણાહારી પશુઓ કાં સ્થળાંતર કરવા લાગ્યા છે, કાં નષ્ટ થવા લાગ્યા છે.

કર્ણાટકના બીલીગીરી રંગાસ્વામી ટેમ્પલ ટાઈગર રિઝર્વમાં પણ ચાલીસ ટકાથી વધુ વિસ્તાર લેન્‍ટેનાથી આચ્છાદિત થઈ ગયો છે. આહારના અભાવ અને મર્યાદિત અવરજવરને લઈને શિકારી પશુઓ માનવ વસાહત તરફ વળી રહ્યા છે. દીપડાઓ ગામમાં પ્રવેશીને કૂતરાં અને પાલતૂ પશુઓને લઈ જાય છે, જ્યારે વાઘ માનવ તેમજ ઢોર પર હુમલા કરે છે.

વિકાસકાર્યો, ખનનકામ, પ્રવાસન, દબાણ વગેરે માનવ-પશુ વચ્ચેના ટકરાવનાં વધતા બનાવોનાં મુખ્ય કારણ છે. હાથી, વાઘ જેવાં પશુઓની અવરજવર માટે વપરાતા કોરીડોર વચ્ચેનાં જોડાણ ઘણા વિસ્તારમાં નષ્ટ થયાં છે યા બદલાયા છે. બદલાવાનું મુખ્ય કારણ કૃષિ અને વ્યાપારી વાવેતરના વિસ્તારમાં થઈ રહેલી વૃદ્ધિ. જેમ કે, વાંસ અને કેળ હાથીઓનો મુખ્ય ખોરાક છે, જે હવે અનેક કારણોસર અપૂરતો થઈ રહ્યો છે. આને કારણે હાથીઓ પોતાના સ્થળાંતર માર્ગમાં જે આવે એ- સોપારીનાં વૃક્ષ, અનાનસના બગીચા, મરીના વેલા અને ડાંગરનો પાક સુદ્ધાં ઝાપટતા રહે છે. માનવસર્જિત માળખાકીય સુવિધાઓના કોરીડોર, જેમાં પાઈપલાઈન, વીજપરિવહનની લાઈન, માર્ગ તેમજ સિંચાઈના પ્રકલ્પ વગેરેને કારણે આમ બની રહ્યું છે.

પર્યાવરણ અનેક રીતે અસંતુલિત થઈ રહ્યું છે, જેમાંનાં મુખ્ય પરિબળો માનવસર્જિત છે. આ અસંતુલનની અસરને ખાળવા માટે વિવિધ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં બીજ ફેંકવામાં આવે છે, સ્થાનિક ફળાઉ ઝાડના વાવેતર માટે ગામલોકોને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. પણ આ બધા પ્રયત્નોની સામે વિકાસની ઝડપ એટલી બધી છે કે પ્રયત્નો ઓછા પડે!

લેન્‍ટેનાનો ઉપદ્રવ આમ તો છેલ્લાં બસો વરસથી છે, અને પશ્ચિમ ઘાટ પસાર થાય છે એ ચારે રાજ્યોમાં સમસ્યારૂપ છે. પણ હવે તેના ઉપદ્રવે માઝા મૂકી છે. નૈસર્ગિક રીતે ઘાસિયાં મેદાન વિકસવા દેવાય અને માનવો દ્વારા લેન્ટેનાને ઊખાડી ફેંકાય એ સિવાય તેને અટકાવવાનો કોઈ ઊપાય નથી. ઘાસિયાં મેદાન વિસ્તરે અને વધતા રહે તો તૃણાહારી પશુઓ વનમાં જ રહે અને તેમનો ભક્ષ કરનારાં શિકારી પશુઓ પણ પોતાના વિસ્તારમાં રહેતાં થાય.

આમ, વન વિભાગ અને ગ્રામજનો મળીને આ મોરચે લડી રહ્યા છે ખરા, પણ પરિસ્થિતિ પુન: યથાવત્‍ થશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. કેમ કે, એ માટેના ઉપાયો લાંબા ગાળાના છે, જ્યારે વિપરીત પરિબળોની ઝડપ તેને અતિક્રમી જાય એવી છે. આ પરિસ્થિતિનો ભોગ બનનારો વર્ગ અલ્પ પ્રમાણમાં છે, જ્યારે વિકાસનાં ફળનો લાભ લેનારો વર્ગ બહોળા પ્રમાણમાં. આવામાં કેવળ પોતાના લાભને બદલે નૈસર્ગિક સંપદાને થઈ રહેલા નુકસાન વિશે વિચાર કોણ કરે?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯– ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)