હરેશ ધોળકિયા
જગતમાં ત્રણ પ્રકારનાં વ્યકિતત્વ ધરાવતા લોકો છે.
પહેલા છે ‘ સૂર્ય જેવા પ્રકાશિત લોકો.’ આ લોકોની ખાસીયત એ છે કે તેઓ સ્વયં પ્રકાશિત છે. એટલું જ નહીં, બીજાઓને પણ પ્રકાશ આપે છે. તેઓ પરમ સ્વતંત્ર લોકો છે. તેમને કોઈ કયારેય પણ એક પળ માટે પણ બંધનમાં રાખી શકે નહીં. બીજું, તેઓ પ્રજ્ઞાશીલ લોકો છે. તેમની પ્રજ્ઞા કલ્પનાતીત ઝળહળતી રહે છે જેના પ્રકાશમાં વિશ્વ પ્રગતિ કરે છે. આજ સુધીની બધી જ પ્રગતિ આ પ્રજ્ઞાશીલ લોકોના કારણે થઈ છે. આવા લોકો એક પળ પણ સમાજમાંથી ખસે તો સમાજ છિન્નભિન્ન થઈ જાય. આજ સુધીના જગતના વિવિધ ક્ષેત્રોના મહાન લોકો એ આ સૂર્ય જેવા પ્રકાશિત લોકો છે. તેમાં ઋષિઓ, સંતો, વિરલ વિજ્ઞાનીઓ વગેરે લોકો આવે છે જેઓ દુનિયાને સતત સ્વસ્થ પ્રગતિ તરફ લઈ જાય છે. આવા લોકો વિરલ હોય છે. ત્રણસો-ચારસો વર્ષોમાં એકાદ વાર આવતા હોય છે.
બીજા છે ” ચન્દ્ર પ્રકાશિત લોકો.” આ લોકો પણ એટલા જ તેજસ્વી છે, પણ તેમનો પ્રકાશ સૂરજ જેટલો ઝળહળતો નથી. ચન્દ્ર જેવો ઝળહળે છે. પેલા લોકોના કારણે સમગ્ર વિશ્વને લાભ થાય છે, તો આ લોકોના કારણે તેમના ક્ષેત્રને ફાયદો થાય છે. આમાં વિજ્ઞાનીઓ, વિચારકો, કર્મનિષ્ઠો, ઉતમ સેવકો વગેરે આવે છે. આ લોકોના કારણે પણ જગતને ફાયદો જ થયા કરે છે. માત્ર ક્ષેત્ર મર્યાદિત છે.
અને ત્રીજા છે ” આગિયાનો પ્રકાશ ધરાવનારા લોકો.” તેમના પાસે તો માત્ર ટીમટીમાતો પ્રકાશ હોય છે. ઝળહળાટનો તો સવાલ જ નથી. આ બાબતનું તેમને ભારે દુઃખ હોય છે. તેમનો અહંકાર તેના કારણે સતત ઘવાય છે. એટલે તેઓ એક જ કામ કરે છે કે પહેલા બે લોકો સામે પોતાની નબળી પાંખોથી સતત ધૂળ ઊડાડયા કરે છે. સૂર્યને ઝાંખો કરવાનો ભારે પ્રયાસ કરે છે. સાથે આ સૂર્ય લોકો નકામા છે, પોતાથી ઉતરતા છે એમ બરાડા પાડયા કરે છે. થોડી પણ પહેલા બેની સિધ્ધિ જોવા મળે કે, આજની ભાષામા, ટ્રોલ કરી તેમનું ચારિત્ર્ય હનન કરે છે. તેમનું આ એક માત્ર મુખ્ય કાર્ય કરે છે. તેમાં તેમને ભારે વિકૃત આનંદ આવે છે.
પહેલા બે પ્રકારના લોકોના કામમાં કેમ સતત ખલેલ પહોંચાડયા કરવી અથવા કામ તેઓ કરે અને લાભ પોતે કેમ લેવો તે જ તેમનો મુખ્ય શ્રમ હોય છે. અને, કમનસીબે, ઘણી વાર તેઓ સફળ થતા દેખાય છે. કોઈ પ્રથમ પ્રકારના માણસને બદલે આગીયા પ્રકારના ” મહાન” માણસને આગળ કરી, તે આ માણસ કરતાં વધારે મહાન છે એમ સાબિત કરી, પેલાને ઉતારી પાડવાનો પ્રયાસ કરે છે. તે માટે જરુર પડે તો ઈતેહાસ બદલાવવાનો પણ પ્રયાસ કરે છે.
દરેક સમાજમાં આ ત્રણ પ્રકારના લોકો હોય છે.
અત્યારે ” આગીયા યુગ” ચાલે છે.
એનો અર્થ નથી કે બીજા બે પ્રકારના લોકો નથી. હા, અત્યારે વૈશ્વિક કક્ષાના પ્રજ્ઞાશીલ-સૂર્ય પ્રકાશિત- લોકો સમગ્ર વિશ્વમાં કયાંય નથી. હમણાં આવવાની શકયતા પણ નથી. આગળ કહ્યું તેમ તેઓ વિરલ હોય છે. છેલ્લાઓમાં ગાંધી, વિનોબા કે આઈન્સ્ટાઈન હતા. હવે આવે ત્યારે સાચા. હા, બીજા પ્રકારના- ચન્દ્ર પ્રકાશિત-લોકો ઘણા છે. પોતપોતાના ક્ષેત્રમાં ઉતમ કામ કરે છે. પણ તેઓ આગીયા પ્રકાશિત લોકોની તુલનામાં લઘુમતિમાં છે. તેઓ પ્રચારમાં માનતા ન હોવાથી અને ચૂપચાપ કામ કરતા હોવાથી મીડિયા તેમની કયારે નોંધ નથી લેતું. મીડિયા તો પળેપળ આગીયા પ્રકાશના લોકોની ખુશામતમાં વ્યસ્ત છે. તેમની ખીદમત કરે છે. એટલે, અપવાદ બાદ કરતાં, આ લોકો વિશે લોકોને જાણ થતી નથી.એ સંદર્ભમાં આગીયા યુગ ચાલે છે.
કોઈ પૂરાવા?
ચારે તરફ નજર કરો. અત્ર સર્વત્ર દેખાશે. બધા ક્ષેત્રોમાં દેખાશે. છાપાં ખોલો, ટી.વી. ખોલો, ઈન્ટરનેટ ખોલો, મોટા ભાગના કાર્યક્રમોમાં જાવ, એ “મહાન” લોકોનાં દર્શન થશે. છાપાઓમાં સતત તેમને અભિનંદન મળતાં હશે (જે તે પોતાને જ ખર્ચે આપતા હશે ! ) કૂતરાંની પૂંછડીને અડકશે તો પણ તેને લોકાપર્ણ કહેવાતું હશે. વર્ણન કરતા હશે તે એક પણ કામ થયું નહીં હોય, છતાં તેની સિધ્ધિને ગવાતી હશે. તેમની ચાલીસાઓ લખાતી હશે. રેંકીંગમાં આગળ પડતા દેખાતા હશે. તેમનાં ચરિત્રો લખવા, તેમના ઈન્ટરવ્યૂ લેવા બધા પડાપડી કરતા હશે. તેઓ પણ પ્રમુખ કે મંત્રી કે છેવટે પંદરમા ઉપમંત્રી થવા મથામણ કરતા હશે. તે માટે જે તે સંસ્થાનું નિકંદન નીકળી જાય તેમાં તેમને વાંધો નહીં હોય. પણ પોતાને પદ મળવું જ જોઈએ. ” હું કોણ, ખબર છે ? મિયાં ફુસકી !” જેમ ભગવાન સર્વત્ર છે, તેમ આ આગીયાઓ પણ સર્વત્ર જોવા મળશે.
આગીયાઓના લક્ષણ શું?
સામાન્યતાની, સરાસરીપણાની હરિફાઈ. તેમને શ્રેષ્ઠત્વનો આગ્રહ નથી હોતો. સામાન્ય કામ હોય તો પણ ચાલે. કર્યા પછી તરત કામ નબળું પડી બગડી જાય તો પણ ચાલે. (અને આમ જ થતું હોય છે.) અને કામ કરતાં ભ્રષ્ટાચાર મહત્વનો હોય છે. કામ સારું કર્યું હોય કે ન કર્યું હોય, છતાં તેને જ કામ મળવું જોઈએ તેવો હિંસક આગ્રહ. ઉતમ કામ કરનાર હાજર હોય તો તેને ન જ મળે તેવા તીવ્ર પ્રયાસો કરવા.
” પણ તેમાં તમને વાંધો શું છે ? તમને પ્રમુખપદ નથી મળતું માટે ઈર્ષ્યા તો નથી કરતાને?”
આગીયાની વળી કયારેય ઈર્ષ્યા થાય ! તો તો તે કરનાર પોતે પણ પરમ આગીયો જ બની જાય.
તો?
ચિંતા સમાજની થાય છે. હજારો વર્ષોની ત્રદ્ષિઓની મહેનત પછી ભારતીય કે વૈશ્વિક સમાજ ઊભો થયો છે. લાખો કરોડો લોકોએ પોતાના ભોગ આપ્યા છે. અનેક ઉતમ સંસ્થાઓ સર્જી છે. ઉતમ નિયમોની રચના કરી છે. અનેક મૂલ્યો ઊભાં કર્યા છે. લાખો લોકોએ પોતાના જીવ આપી ભારતને સ્વતંત્રતા અપાવી છે. તે પછી પણ અનેક લોકોએ રાત દિવસ શ્રમ કરી તેને
સમૃધ્ધ બનાવેલ છે. સર્જન કરતાં વર્ષો લાગે છે.
પણ આ આગીયાઓને આ બધાની જરા પણ નથી પડી. તેમને રસ છે પોતાની સામાન્યતાનો સતત પ્રચાર કરવાનો. ઉતમ લોકોને સતત ટ્રોલ કરવાનો. તેમનું ચારિત્યહનન કરવાનું. બીજું કશું ન મળે તો ધર્મ કે કોમ કે રંગના નામે વ્યકિતને ખલાસ કરી નાખવી. લોકોને ઉશ્કેરી નાખવા અને તેના કારણે જો લીંચીંગ કે હત્યા પણ થાય તો ખુશ થવું. તેના વીડિયોઝ મોકલવા. ભારતીય સમાજ આમ પણ હજારો વર્ષોથી જ્ઞાતિઓમાં વિભાજિત છે. પણ ગ્રામ્ય સમાજ હતો ત્યાં સુધી, દુઃખી હોવા છતા, અનુકૂલન કરી રહેતા હતા. પાછળથી તેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ભળ્યા. વિખવાદો થતા, પણ ભારતીય સંસ્કૃતિ ઉદાર હોવાથી તેમને પણ સમાવી લેવામાં આવતા. પણ અંગ્રેજોએ આ વિભાજનવૃતિને ઉશ્કેરી. બે કોમને સતત લડાવી મારી. મૂર્ખ અને ઝનૂની આગીયા લોકો ન સમજયા અને લડતા રહ્યા. વિશ્વામિત્રથી લઈ બુઘ્ધ, કબીર, નાનક, નરસિંહ મહેતા, ગાંધીજી બધાએ સમાજને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કર્યો. પણ દેશનું વિભાજન થઈને જ રહ્યું. કરોડો લોકોને ભયાનક તકલીફો પડી. તેમાં જેટલો અંગ્રેજોનો વાંક હતો, તેટલો જ આપણો પણ વાંક હતો કે વગર સમજયે આપણે તેમને વશ થઈ જતા હતા. સ્વાતંત્ર્ય પછીના શરુઆતના લોકોએ પુનઃ શાંતિ સ્થાપવાના મહારથ પ્રયાસો કર્યા અને સફળ થયા. પણ તેઓ જતાં નેતૃત્વ આગીયાઓના હાથમાં આવી ગયું. બસ ! પછી શું જોઈએ. ફરી વિભાજિત માનસને ઉશ્કેરવાની શરુઆત થઈ છે. વ્યર્થ લોકોને મહત્વ અપાય છે. વ્યર્થ કાર્યો કરાય છે. પાયાના મુદાઓને અવગણાય છે. પણ આ બધાના પરિણામે હજારો વર્ષોથી સર્જાયેલ સંસ્કૃતિ વિખરાઈ રહી છે. ચારે બાજુ અસ્વસ્થતા પ્રસરતી જાય છે. કલાઈમેટ ચેન્જ કે કોરોના કરતાં આ વિભાજિત માનસને ઉશ્કેરવાની પ્રવૃતિ વધારે જોખમી, પ્રાણઘાતક છે. સમાજને પાયાથી હલાવી રહેલ છે. સમાજના પાયાને નબળો બનાવી રહેલ છે. એક બાજુ વૈશ્વિકરણ થતું જાય છે, મંગળ પર જવાની વાતો થાય છે અને અહીં આગીયાઓ દસમી સદીમાં ઘસડી રહ્યા છે. પહેલા બે પ્રકારમાંથી નેતૃત્વ નથી. હોય તો આ આગીયાઓ તેમને આવવા દે તેમ નથી. આવે તો પળમાં ખલાસ કરી નાખે છે. મારી પણ નાખે છે. એટલે તેઓ ચૂપ છે. માટે આ આગીયાઓ નિરંકુશ છે. માત્ર ભારતમાં જ નહીં, સર્વત્ર આ સ્થિતિ છે. આ તો સારું છે કે એંસી ટકા લોકો શાંત છે. માટે શાંતિ રહે છે. પણ તેઓ પણ સમજી શકતા નથી કે કોને ટેકો આપવો. મોટા ભાગના વિચાર કરી શકતા નથી. એટલે આવેશને વશ થઈ જાય છે.
આનો ઉપાય નથી?
એના માટે સૂર્ય પ્રકાશિત લોકોની હાજરી અનિવાર્ય છે. તેમની પ્રજ્ઞા, તટસ્થતા, તેમનું ભવ્ય વ્યકિતત્વ જ આ કરી શકે. તે શકય નથી. ચન્દ્ર પ્રકાશિત લોકો પણ કરી રહ્યા છે, પણ તેમનો પ્રભાવ તેમના ક્ષેત્રમાં વધારે છે. સમગ્ર સમાજમાં નથી હોતો. છતાં નાના મોટા પ્રયાસો સર્વત્ર થઈ રહ્યા છે. તે બ્રેક મારવાનું ચોકકસ કામ કરે છે. પણ સોશિયલ મીડિયાને અટકાવી શકાય તેમ નથી. તેમાંથી ઓકાતું વિષ અટકાવી શકાય તેમ નથી. લોકો પોતે સમજે, આગીયાઓને નકારે, સાચા લોકોને જ આગળ કરે, તો જ સ્વસ્થતાની શકયતા છે.
આમ તો આ કામ શિક્ષણનું છે, પણ શિક્ષણ વ્યાપારીકરણમાં ફસાઈ ગયું છે. એટલે તેના પાસેથી પણ અત્યારે સો ટકા આશા રાખી શકાય તેમ નથી.
સ્વસ્થ-શાંત લોકો જ આશા છે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
