સંવાદિતા

ઘર છોડી જનાર દરેક માણસ કંઈ અપરિપક્વ કે પલાયનવાદી હોતો નથી. એ દરેકને ઘર અને સ્વજનો સાથેના જીવનમાં કશુંક ખૂટતું – તૂટતું લાગે છે જે એને કદાચ અન્યત્ર મળી જવાની આશા હોય છે .

ભગવાન થાવરાણી

છાપામાં આપણે છાશવારે ‘ ખોવાયા છે ‘ , ‘ ચાલ્યા ગયા છે ‘ , પતો આપનારને યોગ્ય બદલો ‘ અને ‘ તું પાછો આવી જા, તને કોઈ ખીજાશે નહીં’ જેવી જાહેરાતો વાંચતા હોઈએ છીએ. જાહેર સ્થળો, બસ કે રેલ્વે સ્ટેશન, ચોક, દીવાલો અને શૌચાલયોમાં પણ આવી જાહેરાતના પોસ્ટર ચોંટાડેલા હોય છે.
બાળકોના અપહરણ, ઘરેથી ચોરી-ચપાટી કરી ભાગી છૂટેલા બાળકો કે પ્રેમીઓ અને માનસિક રીતે અસ્વસ્થ ભાગેડૂઓનું તો જાણે સમજ્યા પરંતુ સંપૂર્ણ સાજા-નરવા, સમજદાર, પુખ્ત અને વિશેષ તો દરેક રીતે સુખી લાગતા લોકો શા માટે ઘર છોડીને ચાલ્યા જતા હશે ? શું ઓછું આવી જતું હશે આવા લોકોને એ એક કોયડો છે. દરેક સંભવિત કારણોમાંથી કોઈ એક સર્વસામાન્ય અને પ્રતિતિકર તારણ કાઢવું અઘરી વાત છે.
હિંદી લેખક નિર્મલ વર્માની લાંબી વાર્તા ‘ કવ્વે ઔર કાલા પાની ‘ આવા એક માણસ અને એના પરિવારની વાત કરે છે. એ દસ વર્ષ પહેલાં રાતોરાત ઘર છોડી ચાલ્યા ગયેલા એકંદરે સુખી લાગતા ત્રણ ભાઈઓમાંના વચેટ ભાઈની કથા છે. એના પરિવાર જનો – મોટા ભાઈ, નાનો ભાઈ, પિતા ( જે હવે મૃત્યુ પામ્યા છે ) અને મા – એને શોધવા શહેરની પોલિસ ચોકીઓ, ઈસ્પિતાલો અને શબઘરો ઘૂમી વળે છે પણ એની ભાળ મળતી નથી. એ મૃત્યુ પામ્યો હશે એમ બધા ધારી લે છે અને અચાનક એક દાયકા પછી એનો પત્ર આવે છે. એ શહેરથી જોજનો દૂર કુમાઉંની પહાડીઓમાં વસે છે. એનો નાનો ભાઈ અને વાર્તાનો સહનાયક ‘ કુટુંબના ભલા ‘ માટે એને મળવા નીકળી પડે છે. એ પોતે ઘર – ગૃહસ્થી અને બાળકોવાળો સરેરાશ મધ્યમવર્ગીય ‘ જવાબદાર ‘ નોકરિયાત છે જે ઘરથી આટલે દૂર ક્યારેય ગયો નથી. મોટા ભાઈએ પરાણે એને ભાઈને મળવા મોકલ્યો છે. સાથે બાપદાદાના વખતનું મકાન વેચવા માટેના દસ્તાવેજોમાં એ વચેટ ભાઈની સહી લેવા પણ !
ભાઈ હવે પહાડો વચ્ચે આવેલા અને કોઈ રીતે હિલ – સ્ટેશન ન કહેવાય એવા દુર્ગમ ગામના ઉપરવાસમાં આવેલા જંગલમાં સન્યાસી જીવન ગાળે છે પણ મનથી સન્યાસી નથી. ગામલોકો માટે એ બાબા કે સ્વામીજી છે. એ એકલો રહે છે. નાનો ભાઈ એને મળે છે. એને એવી કોઈ ઈચ્છા નથી કે ભાઈને ઘરે પરત આવવાનું કહે. પોતાની સ્થિર ચાલી જતી જિંદગીમાં આ ભાઈ પરત આવી વિક્ષેપરૂપ બને એવી કોઈ ઈચ્છા એની કે મોટા ભાઈની પણ નથી. માની ઈચ્છાને તો ગણકારે છે જ કોણ ? એ સાથે મકાનના કાગળો અને મા અને મોટાભાઈની ચિઠ્ઠીઓ પણ લઈ ગયો છે. ( જેથી મકાનના કાગળોમાં સહીઓ કરાવવાનું સરળ રહે ! ) ભાઈને મળતાં, બધા સાથે હતા એ સમયની સ્મૃતિઓ તો સળવળે છે પરંતુ થોડીક વાર માટે જ. નાનાનો મુખ્ય હેતુ તો ભાઈની સહીઓ લઈ પરત પોતાના સુરક્ષિત જીવનમાં નાસી છૂટવાનો જ છે. હવે સન્યાસી લેખાતો ભાઈ કહે છે પણ ખરો કે મેં કશું ત્યાગ્યું નથી. મને હજી પણ તમે બધા યાદ આવો છો. હું સન્યાસી નથી. લોકોની મારામાં આસ્થા એ એમની શ્રદ્ધાની વાત છે. મારામાં એવું કશું ચમત્કારિક નથી. તમારા બધાથી અળગો રહું છું એટલું જ. હું કોઈ જ્ઞાન – ધ્યાન કે પૂજા – પાઠ કરતો નથી. કુટુંબ સાથે હતા ત્યારની એમની શ્વાસની તકલીફ પણ હજુ જેમની તેમ છે. એ નાના ભાઈને એ જ ભાવપૂર્વક મળે છે જે પહેલાં હતો. ઘરના બધાના ખબરઅંતર પૂછે છે, માના વિશેષ. બબ્બે દીકરા શહેરમાં હોવા છતાં એ એકલી રહે છે એનું દુખ વ્યક્ત કરે છે. યથાસંભવ સરભરા કરે છે એ એના ‘ છોટે ‘ ની. દસ વર્ષના અંતરાલ પછી નાનાને આ વચેટ ભાઈ એમના મૃત પિતાની પ્રતિકૃતિ સમા લાગે છે.
પૈતૃક મકાન વેચીને એ પૈસાનું ઉપજાઉ રોકાણ કરવાની વાત એમને રુચતી નથી પણ એ કોઈ રકઝક કરતા નથી. એ નાના ભાઈને ભાર અને ભાવપૂર્વક પોતાની સાથે રાત રોકાઈ જવા કહે છે પણ નાનાને હવે અજાણ્યા લાગતા ભાઈ સાથે રહેવું મંજૂર નથી. નાનો ભાઈ એમને પૂછે છે, ‘ આટલા વર્ષો તમે અમને જાણ પણ ન કરી કે તમે અહીં છો ! ‘ જવાબ  ‘ શો ફાયદો ? જીવતો છું એ જાણી તમારી કઈ તકલીફ ઓછી થાત ! ‘  પ્રતિ પ્રશ્ન  ‘ તો હવે કેમ લખ્યું ? ‘ જવાબમાં મૌન.
અમુક સત્યો સાવ અનાવશ્યક હોય છે. એમને કહેવા – ન કહેવાથી કશો ફરક નથી પડતો. ‘ તો તમે ઘર છોડીને શા માટે જતા રહ્યા ? ‘  જવાબ  ‘ ત્યાંના લોકો માટે મારું કોઈ મહત્વ નહોતું એટલે. ‘  ‘ અને અહીં ? ‘  ‘ અહીં લોકો છે જ ક્યાં ! ‘  નાનાનો છેલ્લો પ્રશ્ન  ‘ સ્વજનોને સાવ છોડી દેવા શક્ય છે ? ‘ જવાબ  ‘ ના, નથી. એટલે તો મેં તમને લોકોને પત્ર લખ્યો.’
 
એ મકાન – વેચાણના કાગળોમાં કોઈ દલીલ વિના સહીઓ કરી આપે છે. ‘ છોટે ‘ પણ કશું બોલ્યા વિના જાણે મનોમન ભાઈને અલવિદા કરી નીકળી જાય છે.
કવિ મંગલેશ ડબરાલની  એક કવિતા ‘ ગુમશુદા ‘1 આવા જતા રહેલા લોકોની વાત જરા જૂદી રીતે કહે છે.

शहर के पेशाबघरों और अन्य लोकप्रिय जगहों में
उन गुमशुदा लोगों की तलाश के पोस्टर
अब भी चिपके दिखते हैं
जो कई बरस पहले दस बारह साल की उम्र में
बिना बताए घरों से निकले थे

पोस्टरों के अनुसार उनका क़द मँझोला है
रंग गोरा नहीं गेहुँआ या साँवला है
हवाई चप्पल पहने हैं
चेहरे पर किसी चोट का निशान है
और उनकी माँएँ उनके बगै़र रोती रह्ती हैं

पोस्टरों के अन्त में यह आश्वासन भी रहता है
कि लापता की ख़बर देने वाले को मिलेगा
यथासंभव उचित ईनाम

तब भी वे किसी की पहचान में नहीं आते
पोस्टरों में छपी धुँधँली तस्वीरों से
उनका हुलिया नहीं मिलता
उनकी शुरुआती उदासी पर
अब तकलीफ़ें झेलने की ताब है
शहर के मौसम के हिसाब से बदलते गए हैं उनके चेहरे

कम खाते कम सोते कम बोलते
लगातार अपने पते बदलते
सरल और कठिन दिनों को एक जैसा बिताते
अब वे एक दूसरी ही दुनिया में हैं

कुछ कुतूहल के साथ
अपनी गुमशुदगी के पोस्टर देखते हुए
जिन्हें उनके माता पिता जब तब छ्पवाते रहते हैं
जिनमें अब भी दस या बारह
लिखी होती है उनकी उम्र ।

હિંદી કવિતાનો ભાવાનુવાદ :
:  ખો વા યા   છે   :
શહેરના પેશાબ-ઘરો
અને અન્ય લોકપ્રિય જગ્યાઓએ
એ ખોવાયેલા લોકોની શોધખોળના પોસ્ટર
હજી પણ ચોંટાડેલા દેખા દે છે
જે અનેક વર્ષો પહેલાં 
દસ કે બાર વર્ષની ઉંમરે
નીકળી ગયા હતા ઘરેથી
કહ્યા વિના
પોસ્ટરોમાં દર્શાવ્યા અનુસાર
એમનો બાંધો મધ્યમ
અને વાન ઘઉંવર્ણો કે શ્યામ છે
હવાઈ પગરખાં પહેરેલાં
ચહેરા પર વાગ્યાનું નિશાન
અને એમની માઓ
એમના વિયોગમાં રડ્યે રાખે છે
પોસ્ટરોના અંતે એવું પ્રલોભન પણ હોય
કે ખોવાયેલ જણનો પતો આપનારને
ઉચિત ઈનામ અપાશે
તેમ છતાં 
એ લોકો જડતા નથી
પોસ્ટરોમાં છપાયેલા એમના ઝાંખા-પાંખા ફોટાઓ સાથે
એમના ચહેરા મેળ નથી ખાતા
એમના ચહેરાઓ ઉપરની પ્રારંભિક ઉદાસી ઉપર
હવે હાડમારીઓના પ્રહારોના ચિહ્નો છે
શહેરની તાસીર અનુસાર
બદલાઈ ચૂક્યા છે
એમના ચહેરા
ઓછું ખાતા, ઓછું સૂતા, ઓછું બોલતા 
નિરંતર પોતાનું સરનામું બદલતા
સીધા અને આકરા દિવસો એકસરખા વિતાવતા
એ લોકો હવે જૂદી જ દુનિયામાં છે
થોડાક કુતુહલ સાથે
પોતે ખોવાયાના પોસ્ટરો પોતે જ નીરખતા
જે એમના માતા-પિતા હજુ પણ છપાવ્યે રાખે છે
અને જેમાં હજી પણ દેખાડાય છે એમની ઉંમર
દસ કે બાર વર્ષ ….
– મંગલેશ ડબરાલ

1


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.