દીપક ધોળકિયા

ગદરના વીરો () થી આગળ

ચબ્બા ગામમાં ધાડ

૧૯૧૫ની બીજી ફેબ્રુઆરીએ ગદરીઓએ ચબ્બા ગામે ધાડ પાડી તે ગદર પાર્ટી માટે ભારે નુકસાનકારક સાબીત થઈ. એમાં પકડાયેલા ગદરીઓમાંથી એક કાકા સિંઘે પોલીસના જુલમને કારણે બધું કબૂલી લીધું અને એમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી દીધી. આના પછી પોલીસે ડેપ્યુટી સુપરિંટેંડન્ટ લિયાકત હયાત ખાનને ગદર પાર્ટીમાં જાસુસ ગોઠવી દેવાની જવાબદારી સોંપી. લિયાકતે કૃપાલ સિંઘ નામના શખ્સ મારફતે ૨૩મી ડિવીઝનમાં કામ કરતા એના ભત્રીજા બલવંત સિંઘને કામે લગાડ્યો. ૨૧મી ફેબ્રુઆરીએ વિદ્રોહ થશે એ બલવંતે જાણી લીધું. વિદ્રોહ વિશે ચર્ચા કરવા ૧૪મીએ બધા નેતાઓ લાહોરમાં એક મકાનમાં એકઠા થયા. બલવંતનો લાહોર પોલીસમાં કોઈ સંપર્ક નહોતો એટલે એણે અમૃતસરમાં પોલીસને તાર દ્વારા આ બેઠકની જાણ કરી. પણ ત્યાંથી કોઈ ન આવ્યું. બીજા દિવસે બલવંતને નજીકના ગામે માહિતી પહોંચાડવા મોકલ્યો પણ તેને બદલે એ સ્ટેશને ગયો. ત્યાં ગદર પાર્ટીના બે નેતા હતા. એમને શંકા પડી કે બલવંત કંઈક કરે છે. એ દિવસે પોલીસ ટુકડી આવી પણ બેઠક જ્યાં મળી હતી તે મકાનમાં એ વખતે માત્ર ત્રણ જણ હતા એટલે પોલીસને લાગ્યું કે છાપો મારવાનો અર્થ નથી, બધા ભેગા થાય તેની રાહ જોવી જોઈએ. આવા કેટલાક બનાવો બન્યા પછી ગદરના નેતાઓએ વિદ્રોહ ૨૧મીને બદલે ૧૯મીએ જ કરવાનું નક્કી કર્યું કે જેથી જાસૂસો અંધારામાં રહે. પણ ૧૯મીની સવારે કૃપાલ સિંઘના સંકેત પરથી પોલીસે એ મકાનમાં જેટલા ગદરી હતા એમને પકડી લીધા. ૧૯મીની રાતે ફિરોઝપુરથી ટ્રેનમાં પચાસેક ગદરીઓ કરતાર સિંઘ સરાભાની સરદારી નીચે લાહોર ઊતર્યા. એમણે સાથે ઢોલ અને હાર્મોનિયમ પણ રાખ્યાં હતાં કે જેથી કીર્તનનો ‘જથ્થો’ (મંડળી) છે એમ લાગે. ત્યાંથી તો એ હેમખેમ નીકળી ગયા પણ ૨૦મીની સવારે બજારમાં પોલીસ સાથે એમની ચડભડ થઈ ગઈ. એક જણે પોલીસ પર ગોળી ચલાવી દીધી. પછી એક જગ્યાએ પાણી પીવા રોકાયા ત્યાં ત્રણમાંથી એક પકડાઈ ગયો અને બે ભાગી છૂટ્યા.

કરતાર સિંઘ સરાભા અને બીજા બધા પંજાબ છોડી દેવાની તૈયારીમાં હતા ત્યાં તો પોલીસે આવીને છાપો માર્યો અને બધાને પકડી લીધા.

લાહોર કાવતરા કેસ

બધા સામે કેસ માંડવામાં આવ્યો જે આપણા ઇતિહાસમાં ‘પહેલા લાહોર કાવતરા કેસ’ તરીકે ઓળખાય છે. આમાં બે જણને ફાંસી અપાઈ. પરંતુ પંજાબના ગવર્નર માઇક્લ ઑડ્વાયરને શાંતિ નહોતી થઈ. એણે ‘ડિફેન્સ ઑફ ઇંડિયા ઍક્ટ’ મંજૂર કરાવ્યો અને વ્યાપક સત્તાઓ મેળવી લીધી.

તે પછી ૮૧ જણ સામે જુદા જુદા કેસ દાખલ થયા.

કેસ દરમિયાન આરોપીઓની ઓળખ પરેડમાં એક સાક્ષી આરોપીઓને ઓળખી ન શક્યો. એણે કહ્યું કે આરોપીઓએ પાઘડીઓ બદલી નાખી છે એટલે ઓળખાતા નથી. આ સાંભળીને આરોપીઓમાંથી એક જ્વાલા સિંઘે કહ્યું કે પાઘડી બદલી છે, ચહેરા નથી બદલ્યા. જજ આ સાંભળીને ખિજાયો. એણે તરત જ જ્વાલા સિંઘને ત્રીસ કોરડા મારવાનો હુકમ કરી દીધો.

કૅનેડાથી આવેલા ગદરના નેતા બલવંત સિંઘ ખુર્દપુર માટે ઑડ્વાયરે પોતે જ લખ્યું કે આ ખૂંખાર ગદરી છે. આ ટિપ્પણીને કારણે એમને મોતની સજા કરવામાં આવી.

૧૮ વર્ષના કરતાર સિંઘ સરાભાએ પણ કબૂલ્યું કે એ વિદ્રોહ કરવા માગતા હતા. જજે એમની ઉંમરને ધ્યાનમાં લઈને કહ્યું કે એણે અપરાધ કબૂલ ન કરવો જોઈએ. વિચાર કરવા માટે સરાભાને એક દિવસ આપવામાં આવ્યો. બીજા દિવસે પણ એમણે એ જ જવાબ આપ્યો. એમને પણ ફાંસીની સજા કરવામાં આવી.

સરદાર સોહનસિંઘ ભકના સહિત ૨૪ જણને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ એમાંથી એક પણ જણે દયાની અરજી ન કરી. ફાંસીની આગલી રાતે બધા ગદરનાં ગીતો ગાતા રહ્યા. મળસ્કે જેલનો અધિકારી આવ્યો અને સમાચાર આપ્યા કે સોહન સિંઘ ભકના સહિત ૧૭ જણની ફાંસીની સજા ઉંમરકેદમાં ફેરવી દેવાઈ છે.

બીજા દિવસે ૧૯૧૫ની ૧૬મી નવેમ્બરની સવારે કરતાર સિંઘ સરાભા, જગત સિંઘ સુરસિંઘ, વિષ્ણુ ગણેશ પિંગલે, હરનામ સિંઘ સ્યાલકોટિયા અને ત્રણ ભાઈઓ બખ્શીશ સિંઘ, સુરૈણ સિંઘ અને સુરૈણ સિંઘ (બીજા)ને લાહોરની જેલમાં ફાંસી આપી દેવાઈ.

શહીદેઆઝમ ભગત સિંઘ એ વખતે આઠ વર્ષની ઊંમરના હતા. સરાભાના બલિદાને એમના મન પર ભારે અસર કરી હતી. કરતાર સિંઘ સરાભા એમના માટે આદર્શ રૂપ હતા અને ભગત સિંઘ એમના જેમ જ પોતાનું બલિદાન આપવાનાં સપનાં જોતા હતા.

૦૦૦

સંદર્ભઃ

  1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩. ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક) | સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com

દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

બ્લૉગ સરનામું: મારી બારી