જયકુમાર ર. શુક્લ
રક્ષા મ. વ્યાસ
ગુજરાતમાં રાષ્ટ્રીય જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ ઓગણીસમી સદીમાં શરૂ થઈ.
કવિ નર્મદે ગુજરાતમાં દેશભક્તિની જ્યોત જગાવી. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘સ્વતંત્રતા’ નામના અખબારે દેશભક્તિનો પ્રચાર કર્યો. દાદાભાઈ નવરોજીએ મુંબઈ અને ગુજરાતમાં આર્થિક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગ્રત કરી. ૧૮૭૧માં સૂરત તથા ભરૂચમાં અને ૧૮૭૨માં અમદાવાદમાં ‘પ્રજાસમાજ’ નામની રાજકીય સંસ્થા સ્થપાઈ. ૧૮૮૨માં ડૉ. હરિ હર્ષદ ધ્રુવ અને ઊકાભાઈ પરભુદાસે ‘પ્રજાહિતવર્ધક સભા’ સ્થાપી. ૧૮૮૪માં અમદાવાદમાં ‘ગુજરાત સભા’ની સ્થાપના કરવામાં આવી. તેના આગેવાનો રમણભાઈ નીલકંઠ, ડૉ. બેન્જામિન, હરિલાલ દેસાઈભાઈ તથા વકીલ ગોવિંદરાવ પાટીલ હતા. તે સભા અરજીઓ દ્વારા લોકોના પ્રશ્નો પ્રત્યે સરકારનું ધ્યાન દોરતી. ગુજરાતમાં સ્વદેશીનો પ્રચાર ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી શરૂ થયો. ૧૮૭૬માં અંબાલાલ સાકરલાલ દેસાઈએ અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી સ્થાપી. તેના અન્ય આગેવાનો રણછોડલાલ છોટાલાલ, પ્રેમાભાઈ હિમાભાઈ, મણિભાઈ જશભાઈ વગેરે હતા. ૧૮૮૫ના ડિસેમ્બરમાં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો. મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ગુજરાતી સંસ્થા ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાના મકાનમાં મળ્યું. તેમાં સૂરતના ૬, અમદાવાદના ૩, વીરમગામના ૧ તથા મુંબઈના ૧૮માંથી મોટાભાગના પ્રતિનિધિઓ ગુજરાતી હતા. કાગ્રેસમાં આગેવાન ગુજરાતીઓ દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડૉ. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ સાકરલાલ દેસાઈ વગેરે હતા. ૧૯૦૨માં અમદાવાદમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું તે ગુજરાત સભાને આભારી હતું. તેની સ્વાગત સમિતિના પ્રમુખ અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. આ અધિવેશને અમદાવાદની જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર કર્યો.
૧૯૦૩માં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી દ્વારા સ્વદેશી ચળવળને વેગ આપવામાં આવ્યો. બંગાળમાં ૧૯૦૫માં સ્વદેશીની ચળવળ શરૂ થયા બાદ ‘સ્વદેશી મિત્રમંડળ’ સ્થાપવામાં આવ્યું, તેણે ‘સ્વદેશી કીર્તનસંગ્રહ’ પ્રગટ કર્યો. ૧૯૦૬માં અમદાવાદમાં ગાંધી માર્ગ પરના એક મકાનમાં સ્વદેશીની ચળવળ અંગે ભરાયેલી સભામાં, આશરે ૫૦ વિદ્યાર્થીઓમાં બંગાળીઓ પણ હતા. તેમાં પ્રથમ વાર ‘વંદે માતરમ્’ ગીતનું ગુજરાતી રૂપાંતર ગાવામાં આવ્યું. તે સભામાં બૅરિસ્ટર જીવણલાલ દેસાઈએ આ ચળવળમાં બંગાળીઓના જુસ્સાની પ્રશંસા કરી. ૧૯૦૯માં સ્વદેશી મિત્રમંડળે અમદાવાદમાં સ્વદેશી સ્ટોર શરૂ કર્યો. તેનું સંચાલન કૃપાશંકર પંડિત કરતા હતા. ૧૯૦૭માં સૂરતમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે ત્રિભોવનદાસ માળવી સ્વાગત સમિતિના પ્રમુખ હતા. તેમાં વડોદરાના પ્રોફેસર ટી. કે. ગજ્જરે મવાળ અને જહાલ જૂથ એક થાય તે માટે પ્રયાસો કર્યા હતા.
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા વડોદરાની કૉલેજના પ્રોફેસર અરવિંદ ઘોષ પાસેથી મળી. આ સમયે કચ્છી-ગુજરાતી શ્યામજી કૃષ્ણવર્માએ ૧૯૦૫માં લંડનમાં ‘ધી ઇન્ડિયન સોશિયોલૉજિસ્ટ’ નામનું માસિક શરૂ કરીને તથા ‘ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ સ્થાપીને ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિનો પ્રચાર કરવા માંડ્યો. લીંબડીના સરદારસિંહ રાણા તથા માદામ ભિખાઈજી કામા પણ પૅરિસમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રચાર કરતાં હતાં. ખેડા જિલ્લાના નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે બંગાળી પુસ્તક ‘મુક્તિ કૌન પથેર’નો ગુજરાતીમાં અનુવાદ કરી ‘વનસ્પતિની દવાઓ’, ‘યદુકુળનો ઇતિહાસ’ વગેરે નામે પ્રગટ કરી, તેમાં બૉમ્બ બનાવવાની રીતો વર્ણવી. કઠલાલના મોહનલાલ કામેશ્વર પંડ્યા અને વકીલ પૂંજાભાઈ ભટ્ટ, વલભીપુરના બેચરદાસ પંડિત, મક્ધાજી દેસાઈ, કૃપાશંકર પંડિત વગેરે આ પ્રવૃત્તિમાં સક્રિય હતા. ૧૩ નવેમ્બર, ૧૯૦૯ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા બહારથી જતી વાઇસરૉય લૉર્ડ મિન્ટોની બગી ઉપર બે બૉમ્બ નાખવામાં આવ્યા. તેમાં બેઠેલાં લૉર્ડ અને લેડી મિન્ટો બચી ગયાં; પરંતુ પાછળથી થયેલા બૉમ્બના ધડાકાથી એક સફાઈ કામદાર મરણ પામ્યો. આ બનાવ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓને પકડવામાં સરકારને નિષ્ફળતા મળી. ૧૯૨૯માં અમદાવાદમાં એક દરજીના મકાનમાં બૉમ્બ ફૂટ્યો હતો. ૧૯૩૩માં અમદાવાદમાં બે વિદેશી કાપડની દુકાનો ઉડાવી દેવા એકઠા કરેલા રાસાયણિક પદાર્થો એક મકાનમાંથી મળી આવ્યા હતા.

અમદાવાદમાં થિયૉસૉફિસ્ટ મગનભાઈ ચતુરભાઈ પટેલે ઑક્ટોબર, ૧૯૧૬માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા સ્થાપી. નડિયાદ, સૂરત, ઉમરેઠ, ભરૂચ, ગોધરા વગેરે સ્થળોએ હોમરૂલ લીગની શાખાઓ સ્થાપવામાં આવી. ખેડા જિલ્લામાં હોમરૂલ લીગની ૮૬ શાખાઓ સ્થપાઈ હતી. અમદાવાદની આસપાસનાં ગામોમાં હોમરૂલ(સ્વરાજ)નો પ્રચાર કરવા સભાઓ યોજવામાં આવી હતી. ગુજરાતમાં હોમરૂલનો પ્રચાર કરવા મુંબઈથી ‘બૉમ્બે ક્રૉનિકલ’ના તંત્રી બી. જી. હૉર્નિમૅન, જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી વગેરે નેતાઓ ગુજરાતનાં શહેરોમાં જઈને ભાષણો કરતા. એની બેસન્ટે ફેબ્રુઆરી–માર્ચ, ૧૯૧૮માં ગુજરાતનો પ્રવાસ ખેડી ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મુંબઈમાં જમનાદાસ દ્વારકાદાસ, કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યા, શંકરલાલ બૅંકર, મનસુખરામ માસ્તર, રતનજી શેઠ વગેરે ગુજરાતીઓ હોમરૂલ લીગના અગ્રણીઓ હતા. આ ચળવળ દરમિયાન ગુજરાતના લોકોમાં રાજકીય જાગૃતિ આવી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ભારત આવ્યા અને ૧૯૧૫ના મેની 25મીએ અમદાવાદમાં કોચરબમાં બૅરિસ્ટર જીવણલાલનો બંગલો ભાડે રાખી સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. વીરમગામ જંક્શને જકાત વગેરેની તપાસમાં મુસાફરોને ત્રાસ વેઠવો પડતો. ગાંધીજીએ તે અંગે સરકારને લખ્યું. વાઇસરૉય ચેમ્સફર્ડને વીરમગામની જકાતબારીની પ્રજાની હાડમારી અંગે વાત કરી. સરકારે એ જકાત રદ કરી.
આ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ હતું. અમદાવાદના મિલમાલિકોને ઘણો નફો થતો હતો. વિશ્વયુદ્ધને કારણે મોંઘવારી વધી હતી. તેથી મિલમજૂરોએ ૩૫ ટકા પગારવધારાની માગણી કરી. મિલમાલિકોએ મજૂરોની માગણી નહિ સ્વીકારતાં ગાંધીજીએ તેમને પંચ નીમવા વીનવ્યા. માલિકોએ તેનો અસ્વીકાર કરતાં ગાંધીજીએ મજૂરોને હડતાળ પાડવાની સલાહ આપી. હડતાળિયા મજૂરોની સભા રોજ ભરાતી. તેમાં ગાંધીજી મજૂરોને તેમણે લીધેલી પ્રતિજ્ઞાનું સ્મરણ કરાવી, શાંતિ જાળવવાની તથા સ્વમાન સાચવવાની આવશ્યકતા સમજાવતા. એકવીસ દિવસ ચાલેલી આ હડતાળ દરમિયાન મજૂરો ડગવા લાગ્યા; તેથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. છેવટે આનંદશંકર ધ્રુવ પંચ તરીકે નિમાયા અને હડતાળ છૂટી. ગાંધીજીને ત્રણ જ ઉપવાસ કરવા પડ્યા. પંચના ચુકાદા મુજબ મજૂરોને ૩૫ ટકાનો પગારવધારો મળ્યો. હડતાળ દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહી. આ ‘ધર્મયુદ્ધ’માંથી મજૂરો અને માલિકોએ પંચ દ્વારા ઝઘડાનો નિકાલ કરવાની પ્રેરણા મેળવી અને ૧૯૨૦માં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના થઈ.
૧૯૧૭માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવા છતાં અધિકારીઓએ ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું નહિ. છ આની પાક થાય તો અર્ધું મહેસૂલ અને ચાર આની પાક થાય તો પૂરું મહેસૂલ મુલતવી રાખવાનો નિયમ હતો. તે વરસે ૬૦૦ ગામોમાંથી એક જ ગામનું આખું અને ૧૦૪ ગામોનું અર્ધું મહેસૂલ અધિકારીઓએ મુલતવી રાખ્યું. કઠલાલના મોહનલાલ કામેશ્ર્વર પંડ્યા અને શંકરલાલ દ્વા. પરીખે બાવીસ હજાર ખેડૂતોની સહીઓવાળી અરજીઓ મુંબઈ સરકારને મોકલીને મહેસૂલ મુલતવી રાખવા જણાવ્યું. તેમણે અનેક ઠરાવો પસાર કરી અધિકારીઓને મોકલી આપ્યા. વિઠ્ઠલભાઈ પટેલ અને ગોકળદાસ પારેખે વીસેક ગામોની તપાસ કરી, કલેક્ટર સમક્ષ રજૂઆત કરી પણ તેઓ નિષ્ફળ ગયા. ગુજરાત સભાના મંત્રીઓ કમિશનરને મળ્યા, પરંતુ તેણે સારો વર્તાવ ન દાખવ્યો. ગાંધીજી ચંપારણથી આવ્યા બાદ જિલ્લાના કાર્યકરો તેમને મળ્યા. ગાંધીજીએ કાર્યકરોને પાકની માહિતી લેવા મોકલ્યા. ગાંધીજીએ અને વલ્લભભાઈએ પણ ત્રીસ-ત્રીસ ગામોની તપાસ કરી. આમ ૪૨૫ ગામોની તપાસના હેવાલો પરથી ગાંધીજીએ કલેક્ટરને પત્ર લખી જે ગામોમાં ચાર આનીથી ઓછો પાક હોય ત્યાં મહેસૂલ મુલતવી રાખવા માગણી કરી. પરંતુ અમલદારો જીદે ચડ્યા હોવાથી લડત શરૂ કરવી પડી. નડિયાદમાં ખેડૂતોની સભામાં ગાંધીજીએ સત્યાગ્રહની અનિવાર્યતા, તે માટે લેવાની પ્રતિજ્ઞા, જાનમાલનું જોખમ, જેલમાં જવાની તૈયારી વગેરે બાબતો સમજાવી. ગાંધીજી, વલ્લભભાઈ તથા જિલ્લાના કાર્યકરોએ ખેડૂતોનો જુસ્સો જાળવી રાખ્યો. સરકારની ધમકીઓ, જપ્તીઓ તથા જુલમ સામે ખેડૂતો અણનમ રહ્યા. શંકરલાલ પરીખની જમીનનું મહેસૂલ તેમના ખેડૂતે તેમને પૂછ્યા વિના ભરી દેવાથી એ જમીન શંકરલાલે સાર્વજનિક ઉપયોગ માટે આપી દીધી. માતર તાલુકાના નવાગામમાં ખાલસા કરેલાં ખેતરોમાંના એક ખેતરનો નોટિસમાં ઉલ્લેખ ન હતો. ગાંધીજીની સલાહ મુજબ તેમાંનો ડુંગળીનો પાક ઉતારી લેવા ગયેલ મોહનલાલ પંડ્યા અને ખેડૂતોની પોલીસે ધરપકડ કરી. તેમને જેલની સજા કરવામાં આવી. સજા પૂરી થયા બાદ લોકોએ તેમનું સન્માન કરી મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નો ખિતાબ આપ્યો. છેવટે સુખી ખેડૂતો મહેસૂલ ભરે તો ગરીબ ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવાની શરતે સમાધાન થયું. આ લડતથી ખેડૂતોમાં જાગૃતિ અને નીડરતા આવ્યાં તથા લોકોને વલ્લભભાઈ જેવા મહાન નેતા મળ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ, હિંદ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ક્રાંતિકારી ચળવળને દબાવી દેવા માટેની સત્તા હાથ ધરવા સરકારે ૧૯૧૯માં રૉલેટ કાયદા પસાર કર્યા. આ ‘કાળા કાયદા’ વિરુદ્ધ લોકમત કેળવીને ગાંધીજીએ ૩૦ માર્ચના રોજ પ્રાર્થના, ઉપવાસ અને હડતાળ પાડવાનો લોકોને અનુરોધ કર્યો. પાછળથી તે તારીખ બદલીને ૬ એપ્રિલ નક્કી કરવામાં આવી. ગુજરાતમાં ૬ એપ્રિલના દિવસે અમદાવાદ અને નડિયાદમાં હડતાળ પડી. અમદાવાદ, સૂરત, અમલસાડ તથા નડિયાદમાં સરઘસો કાઢીને સભાઓમાં રૉલેટ કાયદાનો વિરોધ કરતાં ભાષણો તથા ઠરાવો કરવામાં આવ્યાં. ૧૦ એપ્રિલના રોજ ગાંધીજીની ધરપકડના સમાચાર અને અનસૂયાબહેન સારાભાઈની ધરપકડની અફવા અમદાવાદમાં ફેલાવાથી મિલમજૂરોએ હડતાળ પાડીને દુકાનો બંધ કરાવી. બીજે દિવસે લોકોનાં ટોળાંએ સરકારી અને મ્યુનિસિપાલિટીનાં મકાનોનો નાશ કર્યો. એક યુરોપિયન સાર્જન્ટને મારી નાખ્યો. શહેરમાં લશ્કર બોલાવવા છતાં આગના બનાવો ચાલુ રહ્યા. ગોળીબારથી ૨૮ માણસો મરણ પામ્યા અને ૧૨૩થી વધારે ઘવાયા. વીરમગામમાં લોકોનાં ટોળાંએ સરકારી મકાનોને આગ લગાડી. પોલીસના ગોળીબારમાં છ માણસો માર્યા જવાથી ગોળીબારનો હુકમ આપનાર હિંદી અધિકારીને સળગાવી દીધો. લોકોએ રેલવેનાં વૅગનો અને સરકારી તિજોરીમાં લૂંટ કરી. મુંબઈથી ગોરા લશ્કરની ટ્રેનને અમદાવાદ જતી અટકાવવા નડિયાદના યુવાનોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. આણંદમાં ૧૩ એપ્રિલે લોકોએ હડતાળ પાડી, અંગ્રેજ સ્ટેશન માસ્તર તથા વેન્ડરનાં મકાનો બાળી નાખ્યાં. ગાંધીજીએ અમદાવાદ આવી, હિંસાના પ્રાયશ્ચિત્તરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરી, શાંતિ સ્થાપી. અમદાવાદમાં ૨૧૭ માણસો ઉપર કેસ કરીને ૧૦૬ જણને સજા કરવામાં આવી. વીરમગામમાં ૫૦ માણસો ઉપર કેસ કરીને ૨૭ જણને સજા કરવામાં આવી. ગાંધીજી નડિયાદ ગયા. ત્યાં તેમને લાગ્યું કે લોકોને કાયદાનો સવિનયભંગ કરવા નોતરવામાં ઉતાવળ કરી તે ‘હિમાલય જેવડી ભૂલ’ હતી. સરકારે મિ. હંટરના અધ્યક્ષપદે ડિસઑર્ડર ઇન્ક્વાયરી કમિટી નીમીને તોફાનોની તપાસ કરાવી.
૧૯૧૯માં ગાંધીજીએ ‘નવજીવન’ તથા ‘યંગ ઇન્ડિયા’ સાપ્તાહિકો પ્રગટ કરીને પ્રજાને સત્યાગ્રહની તાલીમ આપવા માંડી.
ખિલાફત, પંજાબના અત્યાચારો અને અધૂરા મૉન્ટફર્ડ સુધારાને કારણે અસહકારના આંદોલનનો ૧ ઑગસ્ટ, ૧૯૨૦થી આરંભ કરવામાં આવ્યો. ૧૯૨૦ના સપ્ટેમ્બરમાં મળેલી કૉંગ્રેસની બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. તેમાં સરકારી ખિતાબો, સરકારી શિક્ષણ, સરકારી નોકરીઓ તથા વકીલો દ્વારા અદાલતોનો ત્યાગ, ધારાસભાઓ અને વિદેશી માલનો બહિષ્કાર તથા દારૂબંધી અને અસ્પૃશ્યતાનિવારણ સાથે ખાદી અને રેંટિયાને અપનાવી સ્વદેશી માલ વાપરવાનો અનુરોધ કરવામાં આવ્યો. ગુજરાતમાં પણ આ કાર્યક્રમો ચાલતા હતા.
૧૮ ઑક્ટોબર, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપવામાં આવી. અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલ, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને સિટી હાઈસ્કૂલ; આણંદની ડી. એન. હાઈસ્કૂલ, ભરૂચની યુનિયન હાઈસ્કૂલ, સૂરતની સિટી હાઈસ્કૂલ અને ગોધરાની ન્યૂ હાઈસ્કૂલે સરકાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. વડોદરા, રાજકોટ, ભાવનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા રાજ્યોમાં પણ સરકારી કેળવણીનો બહિષ્કાર થયો. અમદાવાદ, સૂરત અને વડોદરાની કૉલેજોના કેટલાક અધ્યાપકોએ રાજીનામાં આપ્યાં. ગુજરાત કૉલેજના ૩૫ વિદ્યાર્થીઓએ કૉલેજનો ત્યાગ કર્યો. સૂરતની હાઈસ્કૂલોના ૮૯૦ વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલો છોડી.
અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ, કૃષ્ણલાલ દેસાઈ, ગ. વા. માવળંકર, કાલિદાસ ઝવેરી સહિત નડિયાદ, ગોધરા, સૂરત અને મોડાસાના વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજીએ ‘કૈસરે હિંદ’નો સુવર્ણપદક વાઇસરૉયને પરત કર્યો. ખેડા, સૂરત અને પંચમહાલ જિલ્લાના અનેક તલાટીઓએ રાજીનામાં આપ્યાં. વિદેશી કાપડની દુકાનો પર સ્વયંસેવિકાઓએ પિકેટિંગ કર્યું અને વિદેશી કાપડની હોળી કરવામાં આવી. 1921માં ગાંધીજીએ ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ દેશભરમાં ફેલાવ્યો. ડિસેમ્બર, ૧૯૨૧માં અમદાવાદમાં ભરાનાર કૉંગ્રેસના અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા. તેમાં સવિનય કાનૂનભંગનો ઠરાવ કરવામાં આવ્યો. અને બારડોલી તાલુકામાં નાકરની લડત શરૂ કરવાનું ઠરાવ્યું. આ દરમિયાન ઢસાના દરબાર ગોપાળદાસ અંબાઈદાસ દેસાઈએ ગાદીત્યાગ કરીને દેશભક્તિનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું. સૂરત જિલ્લાના નેતાઓ દયાળજીભાઈ, કલ્યાણજી મહેતા તથા પરાગજીભાઈએ અને ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ(છોટે સરદાર)એ પોતાની સમગ્ર મિલકત દેશને અર્પણ કરી. ખાદીના પ્રચારમાં સ્ત્રીઓ, જ્ઞાતિપંચો, સાધુસંતો અને ધર્મગુરુઓએ ભાગ લીધો. દારૂનિષેધ માટે સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પિકેટિંગ કર્યું. તેમાં સમાજના બધા વર્ગોએ સહકાર આપ્યો. અમદાવાદ, નડિયાદ, સૂરત, જંબુસર અને બોરસદની મ્યુનિસિપાલિટીઓએ રાષ્ટ્રીય શિક્ષણના ઠરાવો કર્યા. હિંદુ-મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતાનિવારણના ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ. ટિળક સ્વરાજ ફાળામાં દેશી રાજ્યો સહિતના ગુજરાતે રૂ. ૧૫ લાખનો ફાળો આપ્યો; પરંતુ મુંબઈ અને ચૌરીચૌરામાં થયેલી હિંસાના કારણે આ ચળવળ બંધ કરવામાં આવી.
૧૩ એપ્રિલ, ૧૯૨૩ના રોજ નાગપુરમાં સિવિલ લાઇન્સમાં ધ્વજ સહિતના સરઘસને પ્રવેશવા ન દેતાં, શરૂ થયેલા ઝંડા સત્યાગ્રહની આગેવાની વલ્લભભાઈ પટેલે લીધી. તેમાં મોહનલાલ પંડ્યા, પરીક્ષિતલાલ મજમુદાર, સૂરતના ડૉ. ઘિયા, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ ગુજરાતના સત્યાગ્રહીઓની ટુકડીઓએ ધરપકડ વહોરી જેલવાસ વેઠ્યો.
બોરસદ તાલુકામાં બહારવટિયાઓને પકડવામાં નિષ્ફળ ગયેલી સરકારે ત્યાં મૂકેલી વધારાની પોલીસનો ખર્ચ વસૂલ કરવા લોકો ઉપર નાખેલા રૂ. ૨,૪૦,૦૭૪ના વધારાના કર સામે લડત આપવા દરબાર ગોપાળદાસના પ્રમુખપદે સંગ્રામ સમિતિ રચાઈ. લોકોએ અન્યાયી કર નહિ ભરવાની પ્રતિજ્ઞા કરી અને એ માટે મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ તથા વલ્લભભાઈ પટેલે લોકોને અણનમ રાખ્યા. અમલદારોએ જપ્તીઓ દરમિયાન દમન કર્યું. છેવટે મુંબઈ ઇલાકાના ગૃહમંત્રીની ભલામણ મુજબ વધારાનો કર પાછો આપવાનું નિવેદન કરવામાં આવતાં, બોરસદ સત્યાગ્રહમાં પ્રજાનો વિજય થયો.
૧૯૨૮માં બારડોલી તાલુકામાં સરકારે મહેસૂલમાં ૨૫ ટકાનો વધારો કર્યો અને ૨૩ ગામોને ઉપલા વર્ગમાં ચડાવ્યાં. એટલે આખા તાલુકાનું મહેસૂલ ૩૦ ટકા વધી ગયું. તાલુકાના આગેવાનો કલ્યાણજી મહેતા અને કુંવરજીભાઈની વિનંતીથી વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહની સરદારી સંભાળી. તેમની સૂચના મુજબ ડૉ. ચંદુલાલ દેસાઈ, રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા, ફૂલચંદ શાહ, બળવંતરાય મહેતા, ડૉ. ઘિયા, ડૉ. સુમન્ત મહેતા અને તેમનાં પત્ની શારદાબહેને આવીને જુદી જુદી છાવણીઓ સંભાળી લીધી. અબ્બાસ તૈયબજી અને ઇમામસાહેબે તાલુકાના મુસલમાનોને માર્ગદર્શન આપ્યું. વલ્લભભાઈએ તેમનાં જુસ્સાદાર ભાષણો દ્વારા લોકોમાં શૂરાતન સીંચ્યું. જમીનો ખાલસા અને મિલકતો જપ્ત થવા છતાં ખેડૂતોએ ખમીર જાળવી રાખ્યું. સમસ્ત દેશમાં લોકોએ ‘બારડોલી દિન’ ઊજવીને બારડોલી તાલુકાના ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. ગવર્નરની કાઉન્સિલના સભ્ય સર ચૂનીલાલ મહેતાના પ્રયાસોથી જપ્ત થયેલી જમીનો પાછી આપવી, સત્યાગ્રહી કેદીઓને મુક્ત કરવા, બરતરફ તલાટીઓને નોકરીમાં લેવા તથા તપાસ સમિતિ નિમાય તે પછી મહેસૂલ ભરવું એ રીતે સમાધાન થયું. ખેડૂતોનો જ્વલંત વિજય થયો. આ લડતમાં સફળ નેતૃત્વ કરવા બદલ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નો ખિતાબ લોકો તરફથી મળ્યો. તપાસ સમિતિએ સૂચવેલ મહેસૂલથી ખેડૂતોને લાભ થયો.
૧૨ ઑક્ટોબર, ૧૯૨૮ના રોજ સાઇમન કમિશન બીજી વાર મુંબઈ આવ્યું ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને હડતાળ પાડીને સત્રાંત પરીક્ષા ન આપી. કૉલેજના આચાર્ય શીરાઝે તેમની સામે વેરવૃત્તિ રાખી તેથી રોહિત મહેતા(પાછળથી જાણીતા થિયૉસૉફિસ્ટ)ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ 39 દિવસની હડતાળ પાડી. સરદાર પટેલ, આચાર્ય કૃપાલાની, ગ. વા. માવળંકર, ડૉ. હરિપ્રસાદ દેસાઈ તથા ડૉ. કાનૂગોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. ગાંધીજીએ વિદ્યાર્થીઓની હડતાળને ન્યાયી ગણાવી, ૩૦ જાન્યુઆરી, ૧૯૨૯ના રોજ દેશનાં અનેક શહેરોની કૉલેજોએ હડતાળ પાડીને ‘અખિલ ભારત ગુજરાત કૉલેજ દિન’ ઊજવી શીરાઝના પગલાને ધિક્કાર્યું. ગવર્નર-જનરલ લૉર્ડ અર્વિનની સૂચનાથી વિદ્યાર્થીઓની માગણીઓ સ્વીકારાવાથી હડતાળનો અંત આવ્યો.
1929માં લાહોરમાં મળેલા કૉંગ્રેસના અધિવેશને સંપૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ કર્યો. તે મુજબ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦નો દિવસ દેશમાં સૌપ્રથમ વાર સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવાયો. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ પોતાના ૭૮ સાથીઓ સહિત સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી. દરરોજ સાંજે જુદા જુદા ગામે ભરાતી સભામાં ગાંધીજી દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ અને ખાદીના પ્રચાર સાથે સરકારી નોકરીનો ત્યાગ કરવાનો બોધ આપતા. ૬ એપ્રિલે દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો. તે પછી સમગ્ર દેશમાં સવિનય કાનૂનભંગ શરૂ થયો. ૫ મેના રોજ ગાંધીજીની ધરપકડ થઈ. સૂરત જિલ્લાના ધરાસણામાં ઇમામસાહેબના નેતૃત્વ હેઠળ મીઠાના અગરો પર ધાડ પાડવા ગયેલા સત્યાગ્રહીઓ ઉપર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો તેની દેશવિદેશનાં વર્તમાનપત્રોએ નોંધ લીધી. બારડોલી અને બોરસદ તાલુકામાં નાકરની લડત ચાલી. બારડોલી તાલુકાનાં ચાર હજાર ખેડૂત કુટુંબોએ પાંચ મહિના સુધી હિજરત કરી. ચરોતરના રાસ ગામના ખેડૂતોએ મહેસૂલ ન ભર્યું અને હિજરત કરી નાકરની લડતને સફળ બનાવી. ધોલેરા અને વીરમગામ પણ મીઠાના કાયદાભંગનાં કેન્દ્રો બન્યાં. ગાંધી-અર્વિન કરાર (માર્ચ, ૧૯૩૧) બાદ લંડનમાં બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પાછા ફર્યા બાદ ૧૯૩૨માં કૉંગ્રેસના નેતાઓની ધરપકડ થતાં લોકોએ બમણા વેગથી લડત આરંભી. ગુજરાતમાંથી હજારો સત્યાગ્રહીઓ જેલમાં ગયા. લોકોએ ચળવળ ચાલુ રાખી અને સરકારના દમનનો ભોગ બન્યા. ઑગસ્ટ, ૧૯૩૨માં કોમી ચુકાદો જાહેર થતાં ગાંધીજીએ તેના વિરોધમાં ઉપવાસ કર્યા અને હરિજનોને હિંદુઓથી અલગ ગણાતા અટકાવ્યા, તે પછી દેશભરમાં અછૂતોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી.

૧૮૩૮ – ૩૯નાં વર્ષો દરમિયાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજામંડળો સ્થપાયાં. ઉત્તર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતોના જમીન પરના હક નાબૂદ કરી જુલમ કર્યો. તેથી ખેડૂતોએ જાન્યુઆરી, ૧૯૩૮થી મહેસૂલ ભરવાનું બંધ કરી સત્યાગ્રહ શરૂ કર્યો. લોકોએ દરબારનો બહિષ્કાર કર્યો. છેવટે સરદાર પટેલે માણસાના દીવાન સાથે બંને પક્ષને ન્યાય થાય એવું સમાધાન કર્યું. રાજકોટના રાજા ધર્મેન્દ્રસિંહના અમલ દરમિયાન દીવાન વીરાવાળાએ અનેક કરવેરા લાદ્યા, ઇજારા આપ્યા તથા જુલમ કર્યો. ઉછરંગરાય ઢેબરે તે સામે લોકોને જાગ્રત કરતાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા. રાજ્યની મિલના કામદારોએ 14 કલાક લેવાતા કામ વિરુદ્ધ લડત આપી વિજય મેળવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો. સરદાર પટેલની દોરવણી મુજબ લોકોએ જુલમ સામે લડત ચાલુ રાખી. સરદાર સાથે થયેલા સમાધાનનો વીરાવાળાએ ભંગ કરતાં ગાંધીજીએ તે સામે 3 માર્ચ, ૧૯૩૯થી ઉપવાસ કર્યા. છેવટે સમાધાન થયા બાદ વીરાવાળાએ એને નિષ્ફળ કરવાના પ્રયાસો કર્યા. પરંતુ પ્રજાનું ઘડતર થયું અને જાગૃતિ આવી એ મોટો લાભ થયો. લીંબડીમાં 24 ડિસેમ્બર, ૧૯૩૮ના રોજ રસિકલાલ પરીખે પ્રજામંડળની સ્થાપના કરી. ત્યાંના દરબારે પ્રજામંડળના કાર્યકરો સામે જુલમ કરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું. એનાથી ત્રાસીને 13,000 માણસોએ હિજરત કરી. તે દરમિયાન વૃદ્ધ રાજાનું અને યુવરાજનું અવસાન થતાં અંગ્રેજ વહીવટદાર નિકલસન સાથે સમાધાન કરી, લડત બંધ કરવામાં આવી. આ દરમિયાન વડોદરા રાજ્યમાં પ્રજામંડળ દ્વારા 1940માં જવાબદાર પ્રધાનમંડળ રચવામાં આવ્યું. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ સ્થપાયા બાદ ખાખરેચી, મોરબી, ધ્રાંગધ્રા, વણોદ, જામનગર, પાલિતાણા, વળા તથા રાજકોટ મુકામે સત્યાગ્રહ થવાથી લોકોમાં નવીન ચેતનાનો સંચાર થયો.
ભારતના લોકોની સંમતિ વિના ભારતને બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલ દેશ તરીકે જાહેર કરવાના સરકારના પગલા વિરુદ્ધ પ્રાંતોમાંથી કાગ્રેસી પ્રધાનમંડળોએ નવેમ્બર, 1૧૯૩૯માં રાજીનામાં આપ્યાં. રામગઢ કૉંગ્રેસના ઠરાવ મુજબ યુદ્ધના વિરોધનો પ્રચાર કરવા વ્યક્તિગત સત્યાગ્રહ કરવા માટે ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને પસંદ કર્યા. વિનોબાએ ૧૭ ઑક્ટોબર, ૧૯૪૦ના રોજ પવનાર ગામે યુદ્ધવિરોધી પ્રવચન કરી સત્યાગ્રહનો આરંભ કર્યો. ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ભરૂચના ડૉ. ચંદુલાલ દેસાઈ તથા સૂરતના કનૈયાલાલ દેસાઈની તેઓ સત્યાગ્રહ કરે તે પહેલાં ધરપકડ કરવામાં આવી. 3 માર્ચ, ૧૯૪૧ સુધીમાં ૨૯૬ સત્યાગ્રહીઓની ધરપકડ થઈ અને રૂ. ૬,૧૫૦નો દંડ કરવામાં આવ્યો. આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાળો પાડી. શાળા-કૉલેજો, બજારો, મિલો વગેરે બંધ રાખ્યાં તથા ધરપકડોનો વિરોધ કરવા જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં હાજરી આપી.
મુંબઈમાં મળેલી કૉંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ કરવામાં આવ્યો. ૯ ઑગસ્ટની વહેલી સવારે મુંબઈમાં દેશનેતાઓ સહિત અમદાવાદમાં ગ. વા. માવળંકર, ભોગીલાલ લાલા, અર્જુન લાલા સહિત ૧૭; સૂરતમાં ચંપકલાલ ઘિયા, છોટુભાઈ મારફતિયા સહિત ૪૦; વડોદરામાં છોટુભાઈ સુતરિયા, પ્રાણલાલ મુનશી સહિત ૨૧ તથા પંચમહાલ, ભરૂચ, ખેડા જિલ્લા અને સૌરાષ્ટ્રમાંથી વામનરાવ મુકાદમ, માણેકલાલ ગાંધી, દિનકરરાય દેસાઈ, બળવંતરાય મહેતા, ઉછરંગરાય ઢેબર વગેરે કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતમાં પ્રાંતિક, જિલ્લા અને તાલુકા કૉંગ્રેસ સમિતિઓ ગેરકાયદે જાહેર કરવામાં આવી.
9 ઑગસ્ટથી અમદાવાદની મિલો, બજારો, શાળાઓ તથા કૉલેજોમાં હડતાળો પડી. અમદાવાદનાં બધાં બજારો તથા અમદાવાદ અને સૂરતની કાપડની મિલોમાં 105 દિવસની હડતાળ પડી, જે આખા દેશ માટે અદ્વિતીય ઘટના હતી. ગુજરાતનાં અનેક શહેરો તથા ગામોમાં હડતાળો પડી. ૯મીએ અમદાવાદમાં ખાડિયામાં થયેલા ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યો. લૉ કૉલેજથી નીકળેલું વિદ્યાર્થીઓનું સરઘસ ગુજરાત કૉલેજમાં પ્રવેશતાં વિનોદ કિનારીવાલા સામી છાતીએ, ગોળીબારથી શહીદ થયો. વિદ્યાર્થીઓ સભા-સરઘસોમાં જોડાતા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપતા, પત્રિકાઓ વહેંચતા, રસ્તામાં અંતરાયો મૂકતા તથા પોલીસો ઉપર પથ્થરમારો કરતા. વડોદરાથી ૩૪ વિદ્યાર્થીઓ આણંદ પાસેનાં ગામોમાં લડતનો પ્રચાર કરીને પાછા ફરતા હતા ત્યારે, ૧૮ ઑગસ્ટની સાંજે અડાસ સ્ટેશન પાસે પોલીસે તેમના ઉપર ગોળીબાર કરવાથી, ત્રણ જણ તરત અને બે જણ પાછળથી મરણ પામ્યા અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ. અમદાવાદ, વડોદરા, સૂરત, ભાવનગર, મહેસાણા સહિત અનેક સ્થળે સરઘસોમાંથી અનેક માણસોની ધરપકડો કરવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળેથી પ્રગટ થતી ગુપ્ત પત્રિકાઓમાં ચળવળના સમાચાર તથા કાર્યક્રમ આપવામાં આવતો. ગાંધીજી ગુપ્ત પ્રવૃત્તિના વિરોધી હોવા છતાં અમદાવાદમાં બી. કે. મજમુદાર, જયંતી ઠાકોર, કાંતિલાલ ઘિયાએ; ભરૂચ જિલ્લામાં છોટુભાઈ પુરાણીએ તથા સૌરાષ્ટ્રમાં રતુભાઈ અદાણીએ ગુપ્ત સંગઠન સાધી, અચ્યુત પટવર્ધનનું માર્ગદર્શન મેળવી ભાંગફોડની પ્રવૃત્તિની યોજના ઘડી. અમદાવાદમાં ‘આઝાદ સરકાર’ની રચના કરી. ‘જયાનંદ’ નામથી જયંતી ઠાકોરને શહેરસૂબા બનાવવામાં આવ્યા. બી. કે. મજમુદાર શ્રીમંતો પાસેથી નાણાં મેળવી આપતા. ઉપરાંત ફાળો કરીને કે લૂંટ દ્વારા નાણાં મેળવી હથિયારો ખરીદવાં, બૉમ્બ બનાવવા તથા ગુપ્તવાસ સેવનારાના નિભાવાર્થે તેનો ઉપયોગ થતો.
અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ‘હિંદ છોડો’ ઠરાવને ટેકો આપ્યો, કચેરીઓ બંધ રાખી, સરકારના જુલમને વખોડી કાઢવાથી સરકારે સુધરાઈને બરતરફ કરી. કર્મચારીઓની હડતાળને કારણે કલેક્ટરે રાષ્ટ્રીય ધ્વજ ચડાવવાની પરવાનગી આપી, તે કર્મચારીઓનો જ્વલંત વિજય હતો. સરકારે સૂરત, વલસાડ, નડિયાદ અને ખેડાની સુધરાઈઓ તથા પંચમહાલ, સૂરત અને ખેડા જિલ્લા લોકલ બૉર્ડ તથા સ્કૂલ બૉર્ડનો વહીવટ સંભાળી લીધો.
કિશોરલાલ મશરૂવાળાએ ૨૩ ઑગસ્ટના ‘હરિજન’ના અંકમાં ભાંગફોડની પરવાનગી આપતું લખાણ પ્રગટ કર્યું. તેની લાખો પત્રિકાઓ સમગ્ર દેશમાં વહેંચવામાં આવી. તે મુજબ ગુજરાતમાં અનેક સ્થળે તાર-ટેલિફોનનાં દોરડાં કાપવામાં આવ્યાં. પોલીસ પાર્ટી, પોલીસવાન, પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો અને હડતાળ ન પાડતી દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પોળોમાં ઘૂસીને મારતા પોલીસો પર ઍસિડ ભરેલા બલ્બ નાખી, તેમને પોળોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. અમદાવાદમાં સરકારી કચેરીઓ, પોલીસ ચોકીઓ, સુધરાઈની શાળાઓને લોકોએ આગ લગાડી. સૂરત જિલ્લાનાં અનેક ગામોના ચૉરા, જલાલપુર તાલુકાની ૧૯ પોસ્ટ ઑફિસો, ગોધરામાં શાળામંડળની કચેરી અને કેટલાંક ગામોના ચૉરાને આગ લગાડી દફતરો બાળવામાં આવ્યાં. ખેડા જિલ્લામાં પિજ ગામના વિઠ્ઠલભાઈ પટેલ સહિત યુવાનોએ ટપાલના થેલા લૂંટ્યા, તાર-ટેલિફોનનાં દોરડાં કાપ્યાં, રેલવેની ફિશ-પ્લેટો કાઢી કેટલાંક ગામોના ચૉરાઓને આગ લગાડી. નડિયાદમાં ચંપકલાલ શાહની આગેવાની હેઠળ યુવાનોએ આવકવેરા કચેરીનું દફતર બાળી નાખ્યું.
અમદાવાદમાં વિવિધ જૂથોએ બૉમ્બ બનાવી અરાજકતા ફેલાવવા પોલીસ ચોકીઓ, પોસ્ટ ઑફિસો તથા સરકારી કચેરીઓ પર બૉમ્બ નાખ્યા. શહેરસૂબાની સૂચનાથી ગોવિંદભાઈ શિણોલ સૌરાષ્ટ્રમાંથી દારૂગોળો, રિવૉલ્વરો અને કારતૂસો ખરીદી લાવ્યા. પોલીસ ચોકી ઉપર નાખવા લઈ જતાં બૉમ્બ ફૂટવાથી નારણભાઈ પટેલ અને નાનજી પટેલ મરણ પામ્યા. રાયપુર, પીપરડીની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ધડાકો થવાથી નંદલાલ જોશી અને નરહરિ રાવળ મરણ પામ્યા. જમાલપુરમાં રસાયણોનું મિશ્રણ કરતાં ધડાકો થવાથી પી. કે. ચૌધરી અને શાંતિલાલ પટેલને ગંભીર ઈજાઓ થઈ. મનહર રાવળ, રામપ્રસાદ શાહ, બાલમુકુન્દ આચાર્ય વગેરે યુવાનોએ મિલો ખૂલે નહિ તે માટે ૨૨ નવેમ્બર, ૧૯૪૨ની સાંજે પાંચ ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં ૧૬ બૉમ્બ મૂક્યા. તેના ધડાકાથી અમદાવાદમાં અંધકાર થયો. પરંતુ એક જ કલાકમાં વીજળી ચાલુ થતાં યોજના નિષ્ફળ ગઈ. મામુનાયકની પોળમાં રાસાયણિક બૉમ્બ બનાવતાં ગોવિંદલાલ પટેલ અને બાબુલાલ શંકરલાલને ઈજાઓ થઈ.
સૂરત જિલ્લામાં બૉમ્બ ફૂટવાના 34 અને આગના ૫૧ બનાવો બન્યા. જલાલપુર તાલુકામાં ૩૦ ગામોના તલાટીઓનાં અને ૪૦ ગામોની શાળાઓનાં દફતરો બાળી નાખવામાં આવ્યાં. ચીખલી, વડોદરા, મહેસાણા, સિદ્ધપુર, શિનોર તથા પંચમહાલ જિલ્લામાં મોરખલા, ઝાલોદ, વેજલપુર, અંબાલી અને હાલોલમાં બૉમ્બ ફૂટ્યા હતા. છોટુભાઈ પુરાણીએ પ્રકટ કરેલી ‘ગેરીલા વૉરફેર’ પુસ્તિકા મુજબ બૉમ્બ બનાવવામાં આવ્યા. ભરૂચ, નડિયાદ, ખેડા અને બોરસદમાં પણ બૉમ્બ ફૂટવાના બનાવો બન્યા. રાજકોટ, બોટાદ, જોરાવરનગર અને વાંકાનેરમાં બનાવેલા બૉમ્બના સૌરાષ્ટ્રમાં ધડાકા થયા હતા.
અમદાવાદમાં માદલપુર તથા કોચરબના ચૉરા તથા પંચમહાલ જિલ્લાનાં બોડીદરા, વાઘજીપુરા અને કુવાજર ગામોમાં લૂંટ કરવામાં આવી. હાલોલ તાલુકાના અંબાલી અને ભરૂચ જિલ્લાનાં વેડચ તથા સરભોણ પોલીસ સ્ટેશનો પર ચંદ્રશંકર ભટ્ટ, છોટુભાઈ પુરાણી, ગુણવંત પુરોહિત, જશવંત મહેતા વગેરેએ હુમલા કરી બંદૂકો, કારતૂસો વગેરેની લૂંટ કરી. ચંદ્રશંકર ભટ્ટ અને સાથીઓએ સૌરાષ્ટ્રમાં લખતર પાસે ટ્રેન અટકાવી સરકારી તિજોરીમાંથી એક લાખ રૂપિયાની લૂંટ કરી. ખેડા જિલ્લામાં યુવાનોએ ટપાલના થેલામાંથી નાણાં લૂંટ્યાં. આ બધાં નાણાંનો ઉપયોગ લડત માટે કરવામાં આવ્યો. કરાડી પાસે ગોંસાઈભાઈ પટેલે પોલીસની રાઇફલ ખૂંચવી લઈ કેદી ડાહ્યાભાઈ કેસરીને છોડાવ્યા. ઉત્તર ગુજરાતમાં સઈજ ગામમાં પોલીસ ગોળીબારથી ઉશ્કેરાયેલા લોકોએ ચૉરાને આગ લગાડી તથા ચૉરામાંથી નાસતા ચાર પોલીસો ને ફોજદારને મારી નાખ્યા. વડોદરા રાજ્યના ચોરંદા ગામે અંબાલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ લોકોએ રેલના પાટા ઉખાડી નાખ્યા. બારડોલી તાલુકાના લોકોએ બારડોલીથી ગંગાધરા સુધીના રેલના પાટા ઉખાડી, પુલોની ભાંગફોડ કરી. ઉત્તર ગુજરાતમાં કલોલ પાસે તથા સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે રેલવેની ફિશ-પ્લેટો કાઢી નાખવાથી માલગાડીના ડબા ઊથલી પડ્યા. આ રીતે ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં ભાંગફોડની પ્રવૃત્તિઓ ચાલી હતી.
બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ કૅબિનેટ મિશન યોજના અનુસાર ૧૯૪૬માં વચગાળાની સરકાર રચવામાં આવી. લૉર્ડ માઉન્ટબૅટન ગવર્નર-જનરલ તરીકે આવ્યા, તેમની ૩ જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત અને પાકિસ્તાન, બે સ્વતંત્ર રાજ્યોનો ઉદભવ થયો.
1 નવેમ્બર, ૧૯૫૬ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું. મહાગુજરાતની અલગ રચના ન થતાં ભાષાકીય પ્રાંતરચનાની ચળવળે જોર પકડ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની નીચે આ માટે લડત શરૂ થઈ. ૮મી ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ હાઉસ સામે દેખાવકારો પર પોલીસે ગોળીબાર કર્યા. તેમાં ચાર યુવાનો માર્યા ગયા અને એક સો જેટલા ઘવાયા. નડિયાદ, આણંદ, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં હડતાળો પડી. થોડા દિવસોમાં ચળવળ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ. ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ સપ્ટેમ્બર, ૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી. હિંસક બનાવોના વિરોધમાં મોરારજી દેસાઈએ ઉપવાસ કર્યા. સમગ્ર ગુજરાતમાં વિવિધ વર્ગોના લોકોએ ચળવળને ટેકો આપ્યો. અમદાવાદમાં વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સભા સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં લાખોની માનવમેદની ઊમટી પડી. છેવટે માર્ચ, ૧૯૬૦માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનનો ખરડો પસાર કર્યો અને 1 મે, ૧૯૬૦થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી. ગાંધીનગર તેનું પાટનગર બન્યું.

૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ સવારે ૮.૪૬ કલાકે આવેલ ધરતીકંપની પ્રથમ પ્રાકૃતિક આપત્તિ ૬.૯થી૭.૯નો રિક્ટર સ્કેલ ધરાવતી હતી. રાજ્યના વ્યાપક ભાગોમાં અસર કરનાર આ આપત્તિથી ભુજ, અંજાર, ભચાઉ અને ૬૦૦ ગામો લગભગ ધરાશાયી થયાં હતાં. કચ્છના નવ તાલુકાઓનાં લગભગ ૪૬૪ ગામડાંઓ અસરગ્રસ્ત થયાં અને તેથી માનવજીવન અને સંપત્તિને પારાવાર નુકસાન થયું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગ જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ અને અન્ય ૭૦ ગામો ઘણે અંશે ધ્વસ્ત થયાં. એ જ રીતે ખેડા આસપાસના પંચમહાલ વિસ્તારનાં ૬૦ જેટલાં નાનાં-મોટાં ગામો અને નગરો સંપૂર્ણ નાશ પામ્યાં. અમદાવાદ શહેરમાં રહેણાકનાં જૂનાં અને નવાં ઘણાં બહુમાળી મકાનો જમીનદોસ્ત થયાં અને તેમાં વસવાટ કરતાં કુટુંબોમાં પારાવાર જાનહાનિ થઈ. રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ ધરતીકંપને કારણે ભારે નુકસાન અને જાનહાનિ થઈ હતી, જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, પાટણ, ગોધરા, આણંદ, વડોદરા, ભરૂચ, સૂરત, બનાસકાંઠા અને સાબરકાંઠા વગેરેનો ઉલ્લેખ કરી શકાય. ભૂકંપના કારણે થયેલા મૃત્યુનો આંક લગભગ ૨૦,૦૦૦નો હતો.
૨૦૦૬ના ઑગસ્ટ માસ દરમિયાન અતિભારે વરસાદને કારણે નર્મદા બંધ, ઉકાઈ બંધ તથા ગુજરાત રાજ્યના અન્ય બંધો છલકાયા. આથી દક્ષિણ ગુજરાતમાં અને વિશેષે સૂરત શહેરમાં ભારે તબાહી સર્જાઈ. પૂર પછી તુરત વિવિધ શહેરોમાં રોગચાળો ફેલાયો જેમાં મુખ્યત્વે ચિકુનગુન્યા તાવના રોગે ગુજરાત રાજ્યને ભરડો લીધો. એમ ગુજરાત રાજ્ય અનેક આફતોમાંથી પસાર થઈ રહ્યું છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ઇતિહાસ – ગુજરાત’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
