અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

શ્રી વીનેશ અંતાણી  કૃત ‘પ્રિયજન’ પ્રેમના વિવિધ આયામોને પ્રગટ કરતી. પ્રેમના ઊંડાણનો સ્પર્શ કરાવતી, સરળ-ગહન ભાવોનું દર્શન કરાવતી એક એવી નવલકથા છે જેના વિશે મૂક થઈને વાચાળ થવાનો વિરોધાભાસી અનુભવ સહૃદય અનુભવતો રહે છે. ‘પ્રિયજન’ ભાવોના સાધારાણીકરણની આત્યંતિક ક્ષણોમાં આપણને મૂકી દે છે. આખી કૃતિ વાંચી લીધા પછી એક નવલકથા પૂરી કરી એવું લાગવાને બદલે વેદનાનું વન પસાર કર્યાની લાગણીમાં ભાવક ઘેરાઈ જાય છે.

કૃતિ એક નવા જ વાતાવરણમાં સતત વિકસતી રહે છે. અનેકવાર કહેવાતી કોઈ પ્રેમકથા અહીં નથી; કે નથી કોઈ પ્રણયત્રિકોણનો આભાસ. અહીં તો બે પુરુષો ને બે સ્ત્રીઓનાં – બે દામ્પત્યોનાં ભરપૂર જીવન વચ્ચેનો ઘેરો અવકાશ કૃતિનો ‘સા’ છે. કૃતિ ચાર પાત્રોમાં વહેંચાતી વહેચાતી અખંડત્વને પામતીરહે છે.

પંચાવનમેં વર્ષે પહોંચેલા નિકેત અને ચારુનું એક સમયના પ્રિયજનોનું –ચારુના ગામમાં થયેલું આકસ્મિક મિલન ને એ મિલને ઠેલી દીધેલાં વર્ષો, સ્મૃતિ માટે ઉઘાડેલી બારીઓ – એ ‘પ્રિયજન’નું પાતળું કથાવસ્તુ.

પ્રિયજન એવાં ચારુને નિકેત, કારણોસર, સમજપૂર્વક છૂટા પડેલાં છે, બંને પોતપોતાના જીવનમાં ગોઠવાય છે; પોતાનું સ્વત્વ તેમને મળેલા અનેરાં પાત્રો દિવાકરને ઉમામાં ઓગાળવા ભરપૂર પ્રયત્ન કરે છે. પણ એક ઘેરા શૂન્યાવકાશનું આછેરું આવરણ તેમના વર્તમાનને ભૂતકાળમાં ઢાળી દે છે.

નિવૃત્ત થયેલો નિકેત જીવન દરમ્યાન મનમાં જીવાયેલા ગામમાં – ચારુના ગામમાં-નિવૃત્તિનો પ્રારંભ ગાળવા માટે આવે છે ને અચાનક જ તેનું ચારુ સાથે મિલન થઈ જાય છે. ચારુના આમંત્રણથી એ ચારુને ઘેર જ આવે છે. એકબીજાને જોતાં જ બંનેને ખ્યાલ આવે છે કે આ ક્ષણ બંનેના પરસ્પર પુનઃપ્રવેશની નથી કે કેમકે એ બંને એકબીજાની અંદર જ જીવેલા છે.

બંનેના જીવનમાં વચ્ચેનાં વર્ષોનો એક અજાણ્યો પ્રવાહ વહ્યો છે. એ અજાણ્યા પ્રવાહમાં બે પાત્રો તરતાં દેખાય છે-નિકેતની પત્ની ઉમા ને ચારુનો પતિ દિવાકર. આ બંને પાત્રો કૃતિમાં પ્રત્યક્ષ હાજર નથી પણ નિકેત અને ચારુના મન પર તેમનો જે અદ્રશ્ય કબજો છે એનું બળ કૃતિને અત્યંત સંવેદનશીલ ક્ષણોમાં મૂકી દે છે. આ બંને પાત્રોએ પોતપોતાનાં પ્રિયજનોને ભરપૂર જીવન આપ્યું છે છતાં નિકેત અને ચારુનો એકબીજા વિનાનો સૂક્ષ્મ અવકાશ પૂરી શકાયો નથી. જીવનની આ ઝીણી વેદના બંનેના જીવનપટ પર ફેલાયેલી રહી છે. આથી જ તો ચારુ નિકેતને પૂછે છે કે, ‘ઉમાએ મારી ખોટ ન આવવા દીધી ?’ ત્યારે નિકેતનો ઉત્તર મળે છે : ‘એમ તો કેમ કહું? તારા સંદર્ભમાં જીવતો હતો એ વેદના ઠરીને છેક તળિયામાં સ્થિર થઈ ગઈ. તું જાણે ફ્રીઝ થઈ ગઇ મારામાં. અને ઉમા ચારે તરફ ફરી વળી.’ ઉમા નિકેતનું સર્વસ્વ પણ કેન્દ્રબિંદુ તો ચારુ જ.

ચારુએ પણ જીવનભર એ જ અનુભવ કર્યો. એના મનના તળિયામાં સમુદ્ર જેવી જ એક બીજી જીવનસૃષ્ટિ જીવતી રહી.

આ બંનેને પ્રેમ દરિયાકિનારે જ ઊગ્યો, પાંગર્યો ને વિસ્તર્યો તેથી એ નિઃસીમ બની શકયો, પ્રૌઢ બની શક્યો. આ પ્રૌઢીને જાળવતાં જાળવતાં મનુષ્ય હોવાને નાતે એ બંને બેવડ વળી જાય એટલી હદે તૂટી ગયાં છે પણ પોતાની પ્રૌઢી છોડી નથી. આથી જ તો ‘સમયનાં કેટલાં વન પસાર કરવાનાં હોય છે?’ એવા ચારુના ઉદ્ગારના જવાબમાં અપાયેલો નિકેતનો ઉત્તર પરિપક્વતાનો દ્યોતક છે. એ કહે છે ‘તે પણ ઘવાયા વિના. જેવા હોઈએ તેવા જ પાર નીકળવાનું . એ વનનો એક પણ કાંટો ચુભવો ન જોઈએ કે એક પણ ફૂલ જોયા વિનાનું ન રહી જવું જોઈએ.

સમયના વન તરફની આ પ્રામાણિક નિષ્ઠાને કારણે જ ચારુને નિકેત પોતપોતાને મળેલા જીવનને પૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરી શક્યા છે ને એ પ્રયત્નમાં મહદંશે સફળ પણ બની શક્યાં છે; બંનેનાં જીવનમાં આવેલાં અજાણ્યાં પ્રિયજનોનું કેન્દ્રબિંદુ બની શકયા છે. ઢળતા જતા જીવનની એક સમજે ચારુ ઓફિસથી આવેલા દિવાકરને પૂછે, તમે થાકી ગયા છો ?’ ને જવાબ મળે, ‘તારા જેવી પત્ની હોય અને થાકી જવાય.” સંતાનો સાથે રમતના મેદાનમાં બેઠેલા ચારુ દિવાકર બધાની વચ્ચે એકલા પડી શકે, ખોવાઈ જઈ શકે એટલી હદે ચારુએ દિવાકરને પોતામાં ઓગાળ્યો છે.

નિકેત- કદાચ પુરુષ હોવાને કારણે ઉષામાં આટલો બધો ઓગળી શક્યો નથી પણ એણે ઉમાને પોતાની તો કરી જ છે. પોતાના ભૂતકાળને દમ ભરીને ભૂલતાં ભૂલતાં એ ઉમાને પોતાની અંદર પ્રવેશવાની તક આપતો આપતો ઉમાનો પ્રિયજન બની બેસે છે. ઝીણી વેદનાને જીવતાં જીવતાં આ બંને પાત્રો આટલું કરી શક્યાં એ એમના પ્રેમની હેસિયત સૂચવી જાય છે.

પણ કૃતિના વિસ્તાર માટે આટલું પૂરતું નથી. આ બંનેનો અનુરાગ વિરહની કસોટીએ ચડ્યો છે ત્યારે,ભાર તડકાના વાતાવરણની વચ્ચે વૃક્ષના વિસામા જેવાં દિવાકરને ને ઉમાનાં પાત્રો જે રીતે અહીં ઊઘડ્યાં છે તે ક્ષણો ક્ષણભર તો ચારુ – નીકેતને પણ વિસરાવી દે છે. દિવાકર ને ઉમાની બાથ બહુ મોટી છે. પોતપોતાનાં પ્રિયજનોને તેમની ઉદાસીન ક્ષણોની સાથે બંનેએ સ્વીકારી લીધાં છે. આ ઉદાસીન ક્ષણોનાં બંને સાક્ષી હોવા છતાં ખબર હોવાનો ભાવ તેઓ કળાવા દેતા નથી. ને જયારે આ ભાવ કળાવાની તક બંને ઝડપે છે. ત્યારે ચોકવાનું ચારુ-નિકેતના ભાગે આવે છે.

ઉમાએ નિકેતની ક્ષણેક્ષણ પ્રમાણી છે. કાશ્મીરના પ્રવાસે ગયેલો નિકેત, શિકારામાં બેઠાં બેઠાં ભરપુર સુખ અનુભવે છે અને બરાબર ત્યારે જ ચારુનો ચહેરો તરવરી ઊઠે છે. પરિણામે વિહવળતાનો ઓછાયો તેના પર ફરી વળે છે. આ જોઇને ઉમા કહે છે. ‘તમારા ચહેરા પર આવડો મોટો સળ પેડ ને હું ન ઓળખું? તમારા તરફ મારી પીઠ હોય તોપણ મને ખબર પડે. જયારે આ તો તમારો ચહેરો મારી સામે છે.’

ઉમા, નિકેતના અવસાદની સતત સાક્ષી છે. મૂક રીતે નિકેતની હૃદયગુહામાં કોઈનો આકાર તેણે જોયો છે.. પણ ઉમા ખૂલે તો છે પોતાની જીવનસંધ્યાની ક્ષણે. નિવૃત્ત થયેલો નિકેત ફરીથી એકવાર ભરપૂર ક્ષણોની વચ્ચે ચારુને સંવેદે છે ત્યારે પાન બનાવતી ઉમાના હાથ તેના ખભાને સ્પર્શે છે. નિકેત એને કોઈ સંદર્ભ વિના પ્રશ્ન કરે છે, ‘આવું કેમ બનતું હશે?’ ત્યારે માત્ર અનુભવથી જ સમજેલી ઉમા કહે છે, ‘સમજી શકાય એવું છે. આ બધાની ઉપર તમારી અંદર બીજો પણ એક સમયખંડ જીવતો હોય તો –‘ ને નિકેત લગભગ ફાટી આંખે જોઈ રહ્યો. ઉમા ત્યારે સ્પષ્ટ થતા કહે છે, ‘એનું નામ આજે તો મને કહો.. જયારે તમારો પંચાવન વર્ષનો પ્રવાસ પૂરો થયો હોય, પૌત્ર સાઇકલ ફેરવતો હોય, પત્ની પાન બનાવતી હોય ત્યારે પણ તમારી પાઈપ ઉપર જલતો વર્તમાન થોડી ક્ષણો માટે ઠરી જાય ને છતાં તમે પ્રમાણિક ન બનો? હવે આપણા જીવનમાં તરડ નહીં પડે. સંબંધોની ઉપર ઘણું જીવી લીધું આપણે. હું તમારી ક્ષણેક્ષણને ઓળખું એવું અભિમાન રાખું ને છતાંય તમારી અંદર લાંબા પટ જેવા વિસ્તરેલા એક સમયખંડ વિશે કશું જ જાણતી ન હોઉં એ મારી કેવડી મોટી નિષ્ફળતા કહેવાય? તમે એવું ઈચ્છો છો કે હું તમારા વિષે અધૂરી રહું ? આ ઉમાનો ચહેરો છે, જેને નિકેત કદાચ પહેલીવાર, આવી નાજૂક ક્ષણે ઓળખી શક્યો છે, ઉમાની આ આકૃતિ સમક્ષ નિકેત ક્ષણભર ઝાંખો પડે છે.

બરાબર ઉમા જેવો જ ચહેરો દિવાકર પણ ધરાવે છે એ ચારુ – નિકેતના જીવનનું સુખદ આશ્ચર્ય છે. જીવનસંધ્યાએ દિવાકર ચારુને પૂછી બેસે છે. ‘ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે તું મારી બનુંમાં જીવતી હોય છે છતાં જોજનો દૂર હોય છે…. હું માત્ર જાણવા માંગું છું . હું તને કશુંક ઓછું આપતો હોઉં એવું લાગે છે… તારા મનનો એક ખૂણો રણ જેવ બળબળતો જીવે છે ને તારા મનનો એ પ્રદેશ હું શોધી શક્યો નથી. હું તો આખી ચારુને મારા હોવાપણાથી ઢાંકી દેવા માંગું છું.’ જવાબમાં ચારુ કહે છે , ‘તે ઢાંકી જ છે.’ ત્યારે દિવાકર પૂછે છે, ‘તો પછી?’

‘એનું નામ શું છે?’ પૂછતી ઉમાને ‘તો પછી?’ પૂછતો દિવાકર, એક બિંદુ પાસે અનાયાસ ભેગા થઇ જાય છે. બંનેમાં પ્રિયજન તરીકે રહેલું સંવાદનું આ તત્ત્વ પ્રેમના એક રૂપનું ઉદઘાટન કરે છે જે રૂપમાં માલિકીભાવનો, અણધડ અધિકારતવનો અભાવ છે. ચારુ-નીકેતને પોતાનાં બનાવવામાં કશુંક ખૂટ્યાનો ભાવ ચારુ-નીકેતને બદલે આ બંને અનુભવે છે ! ભાવક આ ક્ષણે મુખ્ય પાત્રોને ભૂલીને ઉમા-દિવાકર વચ્ચે બીડાઈ જાય છે. તેની આજુબાજુ આ બંને કોમળતાની વજ્ર દીવાલ ઊભી કરી દે છે.

‘પ્રિયજન’ સંજ્ઞા વિસ્તૃત થતી થતી પરાકાષ્ઠાએ પહોચે તો છે દ્રષ્ટિને અંતે. વિદાય લેતો નિકેત ચારુને પૂછે છે, ‘અત્યારે કેવો અનુભવ થાય છે?’ ચારુ કહે છે, ‘દિવાકર બીજીવાર મૃત્યુ પામતા હોય એવું લાગે છે.’ ને વિદાય લેતા નિત ઉમા પાસે પહોંચવા ઉતાવળો બને છે. ઉમા ને દિવાકરના આરોહાનનું આ અંતિમ ચરણ છે. કોણ કોનું પ્રિયજન છે એ વાત વિચારવાનો હવે અવકાશ જ રહેતો નથી, ને અર્થ પણ નહીં. બધાં પાત્રોની રેખાઓ પરસ્પરમાં ઓગળી જાય છે ને ચારે જણ બને છે ભાવકના પ્રિયજન.

કવિ સાદ્યંત, પ્રચ્છન્ન રીતે સૂક્ષ્મ કસકનો અનુભવ આપે છે. કરુણનું ધીમું ગાન સહૃદયના મનોજગતના સુકાયેલા તળાવ જેવા ચીરા પાડતું પાડતું કૃતિને અંતે ન સહેવાય તેવા વેદનાના ઓથાર નીચે ચાંપી દે છે. પાત્રોની બાહ્ય પ્રસન્નતા તેમાં સહેજ પણ મદદ કરતી નથી. દ્રષ્ટિનો અનુભવ મીરાંની જીવનભરની વેદનાની યાદ અપાવે એવો ગેરુઓ રંગ ધારણ કરે છે. ભાવક પણ કશાકથી છૂટા પડી ગયાની વેદનાને આત્મસાત કરે છે.

કૃતિમાં પ્રગટ થયેલો પ્રેમનો મર્મ ‘પ્રેમ’ એવી સામાન્ય સંજ્ઞાના સમાવેશની બહારનો છે. એની નિઃસીમતા મૌનસમાધિમાં મૂકી દે છે. કૃતિ બને છે એક પ્રેમોપનિષદ. નવલકથાને બહાને અહીં જે કહેવાય છે તેની સાથે ભાવકનો એક અનોખો અનુબંધ રચાય છે. આ નિઃશબ્દ ક્ષણોને માણવા જેવી છે – ‘પ્રિયજન’ના પ્રિયજન બનીને.


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.