સંવાદિતા

આપણા સૌની બચપણની સ્મૃતિઓના ગામોમાં આવા થિયેટરો હતાં જ્યાં હવે શોપીંગ સેંટરો ધમધમે છે અને જ્યાં હજી પણ આપણી ખટમીઠી સ્મૃતિઓના અવશેષ ધરબાયેલા પડ્યા છે.

ભગવાન થાવરાણી

આજે વાત કરીએ ૧૯૮૮ ની એક ઉત્તમ ઈટાલિયન ફિલ્મ ‘ સિનેમા પેરેડીસો ‘ એટલે કે ‘ પેરેડાઈઝ ટોકીઝ ‘ વિષે. ફિલ્મના નિર્દેશક છે ગિસેપ તોરનાતોરે . આ આપણામાના એવા લોકોના મનની  વાત છે જેમનું પોતાનું એક ગામ હતું, ગામનું એક ચર્ચ ( કે મંદિર ) હતું, ચર્ચનો પાદરી ( કે પૂજારી ) હતો, નિશાળ હતી, ચોક હતો, ચોકમા બહુ ભીડ નહીં એવી આછેરી ચહલપહલ હતી અને સૌથી અગત્યનું કે એ ચોકમાં એક સિનેમા હતું જ્યાં દર અઠવાડિયે નવી ફિલ્મો ‘ ચડતી ‘ ! આ ગામના આબાલવૃદ્ધ ફિલ્મઘેલા લોકો એ ફિલ્મો અને એની વાર્તાઓ રીતસરની જીવતા. એમના આનંદ, દુખ, ઉલ્લાસ, ઉદાસી, પ્રેમ અને નિરાશાઓ એ સિનેમા અને એમાં લાગતી ફિલ્મો સાથે વણાયેલી હતી.
‘ સિનેમા પેરેડીસો ‘ 1ગાથા છે દ્વિતીય વિશ્વ યુદ્ધેતર ઈટાલિના એક નાનકડા ગામ ગિઆનકેલ્ડોની,  ત્યાંના સિનેમાગૃહ ‘ પેરેડીસો ‘ અને એના પ્રોજેકશનીસ્ટ આલફ્રેડોની, તેની સાથે એક ફિલ્મઘેલા  બાળક તોતો ઉર્ફે સાલ્વાટોર ઉર્ફે સાલ્વાટોર ડી વિત્તાની દોસ્તીની. .
ફિલ્મ વર્તમાન – ૧૯૮૮ માં શરુ થાય છે અને પછી ભૂતકાળમાં સરી પડી પાછી વર્તમાનમાં આવે છે. જગવિખ્યાત ફિલ્મસર્જક સાલ્વાટોર ડી વિત્તાને એની માનો ગામેથી ફોન આવે છે કે એનો મિત્ર આલફ્રેડો અવસાન પામ્યો છે અને એ મિત્રની અંતિમયાત્રામાં હાજર રહેવા માંગતો હોય તો તુરત ગિઆનકેલ્ડો પહોંચે. સાલ્વાટોર ઉર્ફે તોતો ત્રીસ વરસ પહેલાં એનું ગામ, વિધવા મા મારિયા, નાની બહેન લિયાને છોડીને રોમ આવી વસ્યો છે જ્યાં એણે એક ફિલ્મકાર તરીકે વિશ્વવ્યાપી કીર્તિ અને કલદાર હાંસલ કર્યા છે. એ પછી એ ક્યારેય ગામ ગયો નથી. મા સાથે અછડતો ટેલિફોન – વ્યવહાર જળવાયો છે, બસ . સંદેશો મળતાં એ સ્મૃતિવનમાં સરી પડે છે.
૧૯૪૪. બાળક તોતો ફિલ્મઘેલો છે. ભણવામાં હોશિયાર પણ એ સંમોહિત છે ફિલ્મો અને એના ઝગમગતા સિતારાઓની આભાથી. મા એને દૂધ લેવા મોકલે અને એ દૂધના પૈસામાંથી ફિલ્મની ટિકિટ લઈ સિનેમામાં બેસી જાય ! એના પિતા યુદ્ધના મોરચે ગુમ છે અને એમને મૃત માની લેવામાં આવ્યા છે. ક્યારેક એ સિનેમાના પ્રોજેક્ટર રૂમમાં ઘુસી જાય અને પ્રોજેકશનીસ્ટ આલફ્રેડોની કારીગરી મુગ્ધતા અને કુતુહલપૂર્વક જોયા કરે. શરુઆતમાં એને હડધૂત કરી હાંકી કાઢતો આલફ્રેડો ધીમે ધીમે એનું બાળમાનસ સમજે છે અને એને રીલ બદલવા, પ્રોજેક્ટર ચાલુ કરવા વગેરેનો કસબ શીખવે છે. બન્નેની મૈત્રી કાળેક્રમે પ્રગાઢ સ્વરૂપ પકડે છે અને સંતાનવિહોણો આલફ્રેડો તોતોને પોતાનો માનસપુત્ર માનવા લાગે છે.
પેરેડાઈઝ સિનેમા ગામના પાદરીની માલિકીનું છે. સમાજના ‘ નૈતિક મૂલ્યો ‘ ની જાળવણી માટે પાદરીએ એક નિયમ રાખ્યો છે. ફિલ્મ જાહેર જનતા માટે પ્રદર્શિત થાય એના આગલા દિવસે પોતે એકલા સિનેમામાં જઈ આલફ્રેડોને આખી ફિલ્મ ચલાવવાનું કહે અને જેવા પડદા પર કોઈ ચુંબન કે આલિંગન જેવા દ્રષ્યો આવે કે તુરત પોતાના હાથની ચેતવણીસૂચક ઘંટડી વગાડે. એનો અર્થ આલફ્રેડોએ એવો સમજવાનો કે એ દ્રષ્યની પટ્ટી એણે કાપી નાંખવાની છે !
ગામના ચોકની બરાબર મધ્યમાં આવેલા આ એકમાત્ર સિનેમા હોલમાં રાત્રિનો છેલ્લો શો છૂટે કે તરત ચોકમાં જ પડ્યો – પાથર્યો રહેતો એક ગાંડો લોકોને બૂમો પાડી ચોક તાબડતોબ ખાલી કરવાની કડક સૂચના આપે કારણ કે એણે ચોકને ‘ તાળું મારવાનું ‘ છે !
એક દિવસ પ્રોજેક્ટર રૂમમાં જ્વલનશીલ ફિલ્મ રોલ સળગી ઊઠતાં આગ લાગે છે. તોતોની હાજરીમાં આલફ્રેડો ગંભીર રીતે દાઝે છે. તોતો એને બચાવી તો લે છે પણ એ બન્ને આંખો ગુમાવે છે. આખું સિનેમા સળગી જાય છે.
ગામનો એક નવ-શ્રીમંત સિનેમાનું પુનર્નિર્માણ કરાવે છે. નવા રંગરૂપ સાથેના સિનેમાના પ્રોજેક્ટર રૂમનો હવાલો બાળક તોતોને સોંપવામાં આવે છે કારણ કે ગામમાં એના સિવાય કોઈને એ કામ આવડતું નથી !
તોતો યુવાન થાય છે. હવે એને બધા સાલ્વાટોર કહે છે. અંધ આલફ્રેડો ક્યારેક આવીને સાલ્વાટોર સાથે પ્રોજેક્ટર રૂમમાં બેસે છે. સાલ્વાટોર પણ એને પરમ મિત્ર અને પિતા સમાન માન આપે છે. ગામમાં નવી રહેવા આવેલી એલેના નામની છોકરીને જોઈ એ એના પ્રેમમાં પડે છે પણ એલેનાના શ્રીમંત માબાપને આ સંબધ મંજૂર નથી. અનુભવી આલફ્રેડોને આ પ્રેમ નામે પદારથ અને એનાથી થતા ખાનાખરાબીના રહસ્યોની ખબર છે. એલેનાના પ્રેમના કારણે હવે પોતાના નાના મુવી કેમેરાથી નાની – નાની ફિલ્મો પણ બનાવવા લાગેલા સાલ્વાટોરને એ ચેતવે છે કે પ્રેમમાં પાગલ થઈશ તો તારું ભવિષ્ય બની રહ્યું ! તારું સ્થાન આ ભૂખડીબારસ ગિઆનકેલ્ડોમાં નહીં, રોમ જેવી કલા નગરીમાં છે. આ બધું છોડીને ભાગ અને ત્યાં જઈ તારું અધિકારપૂર્વકનું નામ કમાવ ! તારા જેવા હોનહાર માટે અહીં કશું જ નથી. જતો રહે. પાછું વાળીને જોઈશ નહીં. મને કે તારા કુટુંબને યાદ કરીશ નહીં. લાગણીવેડામાં પડીશ નહીં.
ઘણી કશ્મકશ પછી સાલ્વાટોર રોમ જતો રહે છે. ત્યાં એને એની ક્ષમતા મૂજબની કીર્તિ પ્રાપ્ત થાય છે. એ હવે વિખ્યાત ફિલ્મસર્જક સાલ્વાટોર ડી વિત્તા છે. સમગ્ર દેશ એના નામ અને કામથી પરિચિત છે.
ત્રીસ વર્ષ. આલફ્રેડોની સલાહ અક્ષરશ: માની એણે પોતાના ગામ કે સ્વજનો ભણી પાછું વાળીને જોયું નથી. ગામમાં મા હવે વૃદ્ધ થઈ છે અને એકલી રહે છે. બહેન પરણી ગઈ છે અને એના ઉમરલાયક બાળકો છે. અચાનક આ દુખદ સમાચાર !  એ ગામ જવાનું નક્કી કરે છે. ગામ હવે નાનું એવું શહેર બન્યું છે. બધું બદલાઈ ગયું છે. એના પરિચિતો બધા હવે વૃદ્ધ થયા છે. સહાધ્યાયીઓ એની જેમ પાકટ. એ મોટા ભાગનાને ઓળખી જાય છે. લોકો એની નામનાથી પરિચિત છે. મા એના બારણે ટકોરાને ઓળખી જાય છે. ‘ આ તો મારો તોતો જ ‘ વિચારતી એ બહાવરી બની બારણું ખોલવા દોડે છે. એના હાથમાં ગૂંથાઈ રહેલા સ્વેટરના તાણાવાણા એની દોટ સંગે ઉખડે છે એના સ્મરણોના ઘોડાપૂર સાથે !
સાલ્વાટોર આલફ્રેડોની અંતિમ યાત્રામાં શામેલ થાય છે. આલફ્રેડોની વિધવા એને કહે છે કે એ તારા નામે બે વસ્તુ મૂકતા ગયા છે. તું નાનો હતો ત્યારે જેના પર ચડીને ફિલ્મનું રીલ ફેરવતો એ સ્ટૂલ અને ફિલ્મનું એક રીલ.
ફિલ્મના એક હૃદયવિદારક દ્રષ્યમાં હવે ખખડધજ બનેલા સિનેમા પેરેડીસોને સુરંગથી ઉડાડી દેવામાં આવે છે. એ જગાએ હવે આધુનિક પાર્કીંગ લોટ બનવાનો છે. જેમની સ્મૃતિઓ આ સિનેમા સાથે જોડાયેલ છે એ બધા એ કરુણ દ્રષ્ય જોવા ટોળે વળે છે અને સજળ નેત્રે પોતાના સપનાના મહેલને કડડભૂસ થઈ તૂટી પડતું નિહાળે છે. પ્રેક્ષકોમાં તોતો – સાલ્વાટોર પણ છે. એના માટે તો એ થિયેટર એના જીવનનું સૌથી અગત્યનું પ્રકરણ !
ફિલ્મનું અંતિમ દ્રષ્ય. પોતાના ઘરે રોમ પાછા ફરી સાલ્વાટોર પેલા આલફ્રેડોવાળા ફિલ્મના રીલને પ્રોજેક્ટર પર ચડાવે છે. એના આશ્ચર્ય વચ્ચે એ નિહાળે છે એ બધા અંતરંગ રોમાંસના સાંધી દીધેલા દ્રષ્યો જે પાદરીએ ફિલ્મમાંથી કપાવી નંખાવેલા પણ આલફ્રેડોએ એના પરમ મિત્ર તોતો માટે સાચવી રાખેલા !
મૂળ ફિલ્મઆશરે ત્રણ કલાક લાંબી છે જે બાળક તોતો, યુવાન સાલ્વાટોર અને પ્રૌઢ સાલ્વાટોર ડી વિત્તાની કથની વચ્ચે વહેંચાયેલી છે.
ફિલ્મના બધા મુખ્ય પાત્રોની ભૂમિકાઓ એમની ઉંમરના બદલાતા દૌર અનુસાર અલગ – અલગ કલાકારોએ ભજવી છે, એક આલફ્રેડોના પાત્ર સિવાય જે ફિલીપ નોઈરેટ નામના ફ્રેંચ અભિનેતાએ અદ્ભૂત રીતે ભજવ્યું છે.
ફિલ્મને ૧૯૮૯ ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કર મળેલો. એની ગણના વિશ્વની સર્વકાલીન ઉત્તમ ફિલ્મોમાં થાય છે.

1


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.