• ધરતીની બે પ્લેટ્સ ભેગી થઈ ત્યાં હિમાલય બન્યો અને એ દર વર્ષે ઊંચકાય એ જાણીતી વાત છે, પણ હવે જે સંશોધન સામે આવ્યું એ ડરામણું છે, કેમ કે તેમાં પેટાળમાં મોટી તોડફોડ થવાની શંકા વ્યક્ત થઈ છે

ભારતીય પ્લેટના બે ભાગ થશે? યુરેશિયન પ્લેટના ભાર નીચે દબાઈ રહેલી ઈન્ડિયન પ્લેટ ઓલરેડી નીચેની તરફ વળી ચૂકી છે. હવે એ વળેલા ભાગમાં તિરાડો પડી રહી છે. એટલે ખાજલીમાં જેમ વિવિધ પડ હોય અને એક પછી એક નોખાં પડવા લાગે એવી સ્થિતિ સર્જાઈ રહી છે. અલબત્ત ખાજલી જેટલી તિરાડો કે પડ નથી. અત્યારે તો એક જ તિરાડ જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં અમેરિકામાં યોજાયેલી અમેરિકન જિયોફિઝિકલ યુનિયનની કોન્ફરન્સમાં આ અંગેનું સંશોધનપત્ર રજૂ થયું. એ જોયા-જાણ્યા પછી વિજ્ઞાનીઓની ચિંતા વધી છે. એક તો હિમાલય વિસ્તાર પહેલેથી ભૂકંપગ્રસ્ત છે. ત્યાં વારંવાર મોટા ભૂકંપ આવે છે અને ભવિષ્યમાં આવે એવી આગાહીઓ થઈ છે.

એ ભય વચ્ચે આ નવો ભય ઉમેરાયો છે. પેપરમાં રજૂ થયેલી વિગત મુજબ નીચે વળેલી ભારતીય પ્લેટમાં ફાંટ પડી છે, જે ડિલેમિનેશન કહેવાય. ડિલેમિનેશન કંઈ રાતોરાત થવાનું નથી, પણ પાંચ વર્ષ લાગે અને પાંચસો વર્ષેય લાગે. તેનો આધાર તો ધરતીના પેટાળમાં કેવીક રમઝટ બોલે છે તેના પર છે. ડિલેમિનેશન દરમિયાન જે તિરાડ પડી તેમાં પેટાળમાં રહેલો અને મેન્ટલ કહેવાતો ઘટ્ટ પ્રવાહી ભાગ ઘૂસી રહ્યો છે. એટલે તિરાડ પહોળી થતી રહે એમાં કોઈ શંકા નથી. માહિતી અને માર્ગદર્શન અત્યારે િવજ્ઞાનીઓને આ ભાંગતૂટ વિશે પ્રાથમિક માહિતી મળી છે.

સદ્્ભાગ્યે ટેક્નોલોજી ઘણી વિકસી છે. ધરતીના પેટાળમાં ઊંડે સુધી શું ચાલી રહ્યું છે એ જાણવા માટે હવે આપણી પાસે ઘણી સુવિધાઓ છે. એટલે આગામી સમયમાં વધુ સંશોધકો ઈન્ડિયન પ્લેટની તિરાડની ઉલટતપાસ કરશે એ નક્કી છે. એ પછી જ તારણ પર આવી શકાશે કે ઈન્ડિયન પ્લેટ ખરેખર તૂટવાની છે કે નહીં? અત્યારે ભય વ્યક્ત થયો છે એ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે થયો છે, એટલે સાવ ખોટો નથી. પરંતુ વિજ્ઞાનમાં સતત તપાસ કરતી રહેવી પડે. એ તપાસ હવે થશે. એટલું નક્કી છે કે ધરતીના પેટાળમાં હલચલ વધી છે. પરંતુ વધુ માહિતી મળશે એ પછી જ વિજ્ઞાનીઓ ખરેખર શું થવાનું છે એ અંગે કોઈ માર્ગદર્શન પર આવી શકશે.

આ રીતે ફંટાઈ રહી છે ભારતીય પ્લેટ

  • ભારતીય અને યુરેશિયન પ્લેટના ટકરાવને કારણે હિમાલચ ઊંચો થાય છે, એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે સરેરાશ 2 સેન્ટિમિટર વધે છે.
  • હવે નવી વાત એ છે કે ભારતીય પ્લેટ પોતે જ બે ભાગમાં ફંટાઈ રહી છે. ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં આ ફંટાવાની પ્રક્રિયાને ડિલેમિનેશન કહેવાય છે.
  • ૭ કે તેનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવે તો પછી દાયકા સુધી ત્યાં એવો મોટો ભૂકંપ આવવાની શક્યતા રહેતી નથી.
  • બન્ને ટકરાઈ રહી છે એટલે હિમાલય ઊંચકાઈ રહ્યો છે
  • યુરેશિયન પ્લેટ, જે ઉપરની તરફ છે

ધરતી પર સતત હલચલ કરતી પ્લેટ્સ

• ઉત્તર અમેરિકન પ્લેટ • યુરેશિયન • આફ્રિકન • પેસેફિક • નાઝકા • દક્ષિણ અમેરિકન • કેરેબિયન • સ્કોશિયા • એન્ટાર્કટિક • સોમાલી • અરેબિયન • ઈન્ડિયન • ફિલિપાઈન્સ • ઓસ્ટ્રેલિયન