ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં સરકારો જાતભાતના વેરા નાખતી આવી છે. વિકસીત દેશો હોય કે વિકાસશીલ, વેરાના પ્રકાર અને પ્રમાણ જુદા હોઈ શકે, પણ વેરા હંમેશા રહેવાના. યુરોપીય સંગઠન તરીકે ઓળખાતા યુરોપ ખંડના સત્તાવીસ દેશોના સમૂહ દ્વારા ૨૦૨૬ના આરંભથી એક વિશિષ્ટ પ્રકારના વેરાની ઘોષણા કરવામાં આવી છે. ‘કાર્બન એડજસ્ટમેન્ટ મિકેનીઝમ’ (સી.બી.એ.એમ.) તરીકે ઓળખાવાયેલા આ વેરાની ઘોષણાના પ્રત્યાઘાતરૂપે ભારત સહિત અન્ય દેશોએ ચિંતા વ્યક્ત કરી છે.
વિશ્વભરમાં થઈ રહેલું જળવાયુ પરિવર્તન દિનબદિન તીવ્રતર થતું રહ્યું છે. તેના માટે અનેકવિધ પરિબળો કારણભૂત છે. એ પૈકીનું એક મહત્ત્વનું પરિબળ એટલે કાર્બન ડાયોક્સાઈડ સહિતના ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન. કોલસો, ઈંધણ અને વાયુના જુદા જુદા ઉપયોગો થકી આ વાયુઓનું ઉત્સર્જન સતત થતું રહે છે, જે સરવાળે પર્યાવરણને હાનિ કરે છે અને જળવાયુને અસર કરતાં સમગ્રપણે પૃથ્વીના તાપમાનમાં વધારો કરે છે. જરૂરિયાત, સુવિધા અને વિકાસના નામે ઉત્સર્જન સતત વધતું જ રહ્યું છે.

યુરોપીય સંગઠન દ્વારા આગામી બે વર્ષમાં આની પર વેરો નાખવાનું સૂચવાયું છે, ત્યારે ભારતની ચિંતા જરા જુદા કારણને લીધે છે. આ દેશોમાં નિકાસ કરતા દેશોએ જે તે ચીજની ઉત્પાદનપદ્ધતિને લગતી હજારેક વિગતો પૂરી પાડવાની રહેશે. ભારતસહિત બીજા નિકાસકર્તા દેશોને આ વિગતો પૂરી પાડવાની લાંબી અને જંજાળયુક્ત પ્રક્રિયામાં દાખલ થવું પડશે એ ઉપરાંત બીજો મુખ્ય વાંધો એ છે કે આ રીતે ઘણાં વ્યાવસાયિક રહસ્યો બાબતે તેમણે સમાધાન કરવું પડશે.
૨૦૨૨માં લોઢું, સ્ટીલ અને એલ્યુમિનિયમની ભારતની કુલ નિકાસનો ચોથો ભાગ યુરોપીય સંગઠનમાં હતો. તેની કિંમતમાં પણ વીસથી પાંત્રીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે.
સાવ પ્રાથમિક સ્તરે જોઈએ તો કાર્બનવેરો અશ્મિજન્ય ઈંધણના ઉપયોગ દરમિયાન થતા કાર્બન ઉત્સર્જન પરનો સીધો વેરો છે. એટલે કે પ્રદૂષણ કરવાની અને જળવાયુ પરિવર્તનમાં ભાગીદાર બનવાની હવે કિંમત ચૂકવવાની થશે. વધુ કિંમત ચૂકવવી ન પડે એ માટે ઉદ્યોગો ઉત્સર્જનમાં ઘટાડો થાય એવી ઉત્પાદનપદ્ધતિ અપનાવશે અને શક્ય ત્યાં સુધી સ્વચ્છ ઊર્જાનો પ્રયોગ હાથ ધરશે એમ માનવામાં આવ્યું છે. કાગળ પર કદાચ આ જોગવાઈ અસરકારક જણાય એમ બને, પણ વાસ્તવમાં એમ બનશે કે કેમ એ સમય કહેશે.
ખરું જોતાં ધનિક અને વિકસીત દેશો સ્વચ્છ ઊર્જાના ઉપયોગવાળી ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે એમ હોવા છતાં એવું કરતા નથી. અને પોતાની એ જવાબદારી તેઓ વિકાસશીલ દેશો પર ઢોળવા માગે છે. આ કારણે એક સૂચન એવું પણ કરાયું છે કે આ રીતે થતી આવકને યુરોપીય સંગઠનમાં ઊમેરો કરવાને બદલે વિકાસશીલ દેશો માટે તેનો ઉપયોગ કરવામાં આવે.
ભારત સરકારે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુ.ટી.ઓ.) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. અન્ય અસરગ્રસ્ત દેશો સાથે પણ તેણે હાથ મિલાવવા પડશે. આ વેરાને પહોંચી વળવા સ્થાનિક ઉદ્યોગો પર આ જ પ્રકારનો કોઈ અન્ય વેરો નાંખવામાં આવશે એવા અહેવાલ પણ છે. અમેરિકા જેવો વિકસીત દેશ યુરોપીય સંગઠનના આ પગલાને અનુસરી શકે કે કેમ એ બાબતે પણ અવઢવ છે. હાલ તો અમેરિકાએ ‘સી.બી.એ.મ.’ સામે વિરોધ નોંધાવ્યો છે, તો બીજી તરફ આ જ પ્રકારનો વેરો અમેરિકાના ઉદ્યોગો પર લાદવાની વાતચીત પણ થઈ રહી છે.
ધારો કે આવો વેરો લાદવામાં આવે તો પણ મોટી કંપનીઓ એ વેઠી શકે, પણ નાના ઉદ્યોગો માટે તેનું ભારણ વધુ પડતું બની રહે. અલબત્ત, એ સવાલ એ પછી ઉભો જ રહે છે કે જે હેતુ માટે આ પગલું ભરવામાં આવે છે એ હેતુ સિદ્ધ થશે કે કેમ.
એવું નથી કે યુરોપીય સંગઠન આમ કરનાર પહેલવહેલું છે. ઉત્તર યુરોપનાં ફીનલેન્ડ, સ્વીડન અને નોર્વે જેવા નાનકડા દેશોમાં એ છેક ૧૯૯૦ના દાયકાથી ચલણમાં છે. કેનેડાએ ૨૦૧૯થી આ માળખાને અપનાવ્યું છે, તો અગ્નિ એશિયાના દેશોમાં સૌ પ્રથમ તેનો અમલ સીંગાપુર દ્વારા ૨૦૧૯થી કરવામાં આવ્યો.
આ નીતિના લાભ અનેક ગણાવાયા છે, એમ એની સામે દલીલો પણ વિવિધ થઈ રહી છે. એક દલીલ મુજબ આની વિપરીત અસર ઓછી આવકવાળાં જૂથ પર થશે, જેમની મુખ્ય આવક જરૂરિયાતની ચીજોના પરિવહન થકી છે તેમજ પોતાની આવકનો મોટો હિસ્સો જેઓ ઉર્જાના ખર્ચ પાછળ ખર્ચે છે. બીજો એક મુદ્દો એ છે કે વેરો નાખવાને બદલે નાણાંનો સીધો ઉપયોગ મૂળભૂત માળખાકીય સુવિધાઓને હરિત બનાવવા પાછળ કરવો જોઈએ. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં અશ્મિજન્ય ઈંધણો તેમજ કોલસો, વાયુ અને તેલના વ્યવસાય સાથે રાજકીય સાંઠગાંઠ ધરાવતી લૉબી હોય છે. તેમને પણ ધ્યાનમાં લેવાવા જોઈએ. ઊર્જાનો વધુ માત્રામાં ઊપયોગ કરનારા ઉદ્યોગો કાર્બનવેરાનો વિરોધ કરતા હોય છે. કેમ કે, એમ કરવાથી કિંમતો વધે છે અને સ્પર્ધાત્મકતા નબળી પડે છે. આને કારણે તેઓ પોતાનું ઉત્પાદન એકમ એવા પ્રદેશમાં ખસેડવા ઈચ્છે છે કે જ્યાં આવી નીતિઓ અમલી ન હોય.
યુરોપીય સંગઠનના દેશો હોય કે અન્ય, વિવિધ ઓઠા હેઠળ આવક ઊભી કરવા માટે અલગ અલગ નામવાળી યોજનાઓ તૈયાર કરવામાં સત્તાધીશોને ફાવતું જડે છે. આથી એક નાગરિક તરીકે આવા વેરાની આખરી અસર આપણી પર જ પડવાની છે. ત્યારે એટલી અપેક્ષા રાખવી અસ્થાને નથી કે આવા વેરા કેવળ રાજ્ય માટે આવક ઊભી કરવાનો સ્રોત બનવા પૂરતા મર્યાદિત ન બની રહે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧ – ૦૨ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
