તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.
આપણામાંના ઘણાને વિચાર આવ્યો હશે કે કશુંક વાગે એ પછી સમયાંતરે ઘા રુઝાઈ જાય, પછી ત્યાં શરીરના કોષો ક્રિયાને અટકાવી દે છે. આ કુદરતી જરૂરી પ્રક્રિયા અવિરત ચાલતી જ રહે છે, તે પણ આપણી જાણ બહાર! હવે કોઈ વખત એવું બને કે અનન્ય અને થોડાં જાણીતાં કારણો આ પ્રક્રિયાને ખોરવી નાખે છે, અને શરીરના કોષો બેધડક કશા પણ નિયંત્રણ વિના વધવા માંડે અને ગાંઠ, રસોળી કે ચાંદા રૂપે દેખા દે. આમાંની કેટલીક ગાંઠો સાદી પણ હોય, અને નુકશાન કરે એવી કે જીવલેણ પણ હોય, જેને અમારી દાક્તરી ભાષામાં ન્યુઓપ્લાસિયા (Neoplasia) કહેવાય, અને એમાં સામાન્ય રીતે ઓળખાતા કેન્સર (કર્કરોગ)નાં લક્ષણો પણ હોય. ચાલો આજે એ વિષે થોડું વિચારીએ.
ન્યુઓપ્લાસિયા શરીરના અંગમાં કોઈપણ કોષોમાં થઈ શકે, ચામડી, માંસપેશીઓ, અસ્થિ, અસ્થિમજ્જા, હોજરી અને આંતરડાં, મુખ, ગુદાદ્વાર, ગુદા, પેશાબની કોથળી, કલેજું, મગજ અને જ્ઞાનતંતુઓ, લોહી, લસિકાગ્રંથિઓ, આંતરસ્ત્રાવની ગ્રંથિઓ વગેરે. આ થાય ત્યારે જે તે અંગના કોશો અનિયંત્રિત વધવા માંડે, જે તે અંગના ભોગે વધતાં જઈને એ જોડેનાં અંગોને પણ દબાણ આપે, એમાં પ્રસરે, વળી લોહી અને લસીકાનળીઓ દ્વારા શરીરનાં બીજા દૂરના અંગોમાં પણ પ્રસરે છે, જો તે કેન્સર હોય તો!
ન્યુઓપ્લાસિયાના ત્રણ પ્રકાર છે, સામાન્ય બિનઉપદ્રવી જેને બીનાઈન (Benign) કહેવાય, અને બીજો પ્રકાર તે, કેન્સર (Cancer કે Carcinoma) અથવા મેલિગ્નન્ટ (Malignant). ત્રીજો પ્રકાર એ આ બંનેના સંયુક્ત (Mixed) કોષોથી બને છે.
(૧) કેન્સર કે કર્કરોગ – ગાંઠ, રસોળી કે ચાંદું. આમાં કોશો જે તે અંગમાં વધે અને સાથે-સાથે ઉપર જણાવ્યા પ્રમાણે પ્રસરવાની શક્તિ ધરાવતા હોય છે. અને સમયસર સારવાર/સર્જરીથી કાઢી ના નખાય તો જીવલેણ બને છે. દા.ત. થાનનું કેન્સર (carcinoma breast), હોજરીનું કેન્સર (Gastric Cancer), ચામડીનું કેન્સર (Squamous Celled Carcinoma), ફેફસાનું કેન્સર (Lung Cancer) વગેરે. આ પ્રકાર લસીકાનળીઓ (Lymphatics) દ્વારા લસીકાગ્રંથિઓ (Lymphnodes)માં અને આખરે લોહી દ્વારા પ્રસરે છે.
(૨) સારકોમા (Sarcoma) મોટેભાગે માંસ પેશીઓમાં થાય. દા.ત. ચરબીનું Liposarcoma, હાડકાંનું Osteosarcoma, જ્ઞાન તંતુનું Neurosarcoma કહેવાય છે. આ પ્રકાર મોટેભાગે લોહીની નળીઓ દ્વારા પ્રસરે છે, અને ઝડપથી જીવલેણ બને છે.
(૩) સાદી ગાંઠ (Benign), મસા, રસોળી, ચાંદું – આ ગાંઠ જે અંગમાં હોય ત્યાંથી દૂરનાં અંગોમાં પ્રસરતી નથી. દા.ત. ચરબીની સાદી ગાંઠ લાઇપોમા (Lipoma), થાનમાં યુવાનીમાં થતી ગાંઠ ફાઇબ્રોએડીનોમા (Fibroma/Fibroadenoma), ઓસ્ટિઓમા (Osteoma), વગેરે.
(૪) ઘણીવાર બંને પ્રકારના કોશો એક જ ગાંઠ કે ચાંદામાં દેખાય, એ ત્રીજો પ્રકાર (Mixed, like Teratoma).
વળી એવું પણ જણાયું છે કે ઘણા અંગોમાં એવી પ્રક્રિયા થયા કરે, જે લાંબા સમયે સાદા રોગમાંથી કેન્સરમાં પરિવર્તિત થાય છે, જેને પ્રી કેન્સરસ (Pre-cancerous) કહેવાય, દા.ત. શિશ્નની ચામડી ઉપર લ્યુકોપ્લેકિયા (Leukoplakia), મોઢાનું દાંતના લીધે થયેલું ચાંદું (Tooth Ulcer), થાનમાં થતું પેગેટ્સ (Paget’s) ચાંદું, ગર્ભાશયના દ્વાર પરનું ચાંદું (Dysplasia, Chronic Cervicitis) વગેરે. જો કે સાદી ગાંઠ કે ચાંદું લાંબા સમયે વર્ષો સુધીમાં કેન્સરમાં રૂપાંતરિત થાય તો કહેવાય નહીં. એ પણ જાણી લો કે જે પ્રકારના કોષોમાં કેન્સરનો ઉદ્ભવ થયો હોય એ પ્રમાણે એનું નામકરણ થાય છે. ચામડી, ગ્રંથિઓ અને આંતરડાની અંદરના પડના કોષોમાંથી થતા રોગને કેન્સર (Cancer, Carcinoma) કહેવાય અને અન્ય માંસપેશીમાં થાય તેને સારકોમા (Sarcoma) કહેવાય છે. આ બંનેની પ્રકૃતિ વિભિન્ન હોવાથી તેના પ્રસરવાની પ્રક્રિયા અને સારવાર જુદા પડે છે.
કેન્સર એ હૃદય રોગ પછીનું બીજા નંબરનું મૃત્યુનું કારણ છે. એના થવાના કારણો એટલા બધા ઓળખાયા છે કે જાણીએ તો ગભરાઈ જવાય, અને તેને લગતું વિજ્ઞાન ખૂબ જ જટિલ છે. આવા કેન્સરને પ્રોત્સાહિત કરે અથવા પેદા કરવા સક્ષમ કારણો થોડા જાણવા જોઈએ, જે નીચે પ્રમાણે છે.
(૧) સિગારેટ સ્મોકિંગ, ફેફસાનું Lung cancer. ગુટકા ચાવવાથી Submucous Fibrosis નામની કેન્સર પહેલાંની પરિસ્થિત ખૂબ જ પીડાદાયક છે.
(૨) વિવિધ જાતના રસાયણો, Various Chemicals. પેશાબની કોથળીનું કેન્સર (Carcinoma Bladder) એ એનીલિન ડાઈ (Aniline Dye)થી થાય છે.
(૩) સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો (Ultraviolet Rays), મીલેનોમા (Melanoma)નું કેન્સર.
(૪) ક્ષ-કિરણો, રેડિયેશન X-rays.
(૫) ઘણા વાઇરસ, દા.ત. આફ્રિકામાં જડબાનું Burkitt’s Lymphoma કેન્સર, EBV (Epstein Barr Virus)થી સ્ત્રીઓમાં ગર્ભાશયનું કેન્સર HPV (Human papilloma Virus) અને Herpes Virusથી થાય છે.
(૬) આનુવંશિક/જેનેટિક (Genetic), દા.ત. Teratoma, કેટલાંક થાનનાં કેન્સર (Breast Cancer)
(૭) શરીરની રોગને પારખી સામનો કરવાની શક્તિનો બગાડ (Compromised Immunity). દા.ત. AIDSના દર્દીમાં Kaposi’s Sarcoma નામનું કેન્સર.
(૮) વધારે પડતો તૈલી ખોરાક.
(૯) સડેલાં ફૂગવાળાં ધાન કે મગફળીના ઝેર (Aflatoxins)થી કલેજાનું (Liver) કેન્સર.
(૧૦) વધારે પડતા દારૂનું સેવન અને સાથે માંસ (Red Meat)નું ભોજન.
(૧૧) એ પણ જાણવું જરૂરી છે કે અમુક કેન્સર અમુક દેશોમાં વધારે જોવા મળે, પુરુષ અને સ્ત્રીનાં અંગો પ્રમાણે કેન્સર જુદાં હોય, ઉંમર પ્રમાણે પણ જુદાં કેન્સર થાય.
(૧૨) નહીં મટતું ચેપી ચાંદું (Chronic Infection).
જોકે યાદ રાખવું કે આ બધાં જ કારણો એકાદવારના સેવન કે ઉપયોગથી ના થાય. એકાદ બે સિગારેટ પીધી હોય તો ના થાય, પણ વર્ષો સુધી પીધી હોય તો ફેફસાનું (Lung) કેન્સર થઈ શકે. લાંબા ગાળાનો કારણો સાથે સમાગમ જરૂરી છે.
કેન્સરની લાલબત્તી બતાવતા ચિહ્નો – (Warning Signs of Cancers)
(૧) ખાવા પીવામાં ફેરફારની નિશાનીઓ – ગળે ખોરાક ના ઊતરે (Dysphagia), વારંવાર થતા લોહીના ઝાડા (Bloody Diarrhea) કે ઊલટી (Vomiting), ખોરાક ના પચે (Chronic Indigestion), મળત્યાગ વખતે લોહી પડે (Passing blood in stools), બંધ કોશ (Chronic Constipation), વગેરે.
(૨) ચામડીનું મટે નહી એવું ચાંદું (Chronic Non-healing Ulcer)
(૩) ના સમજાય એવું લોહી ઝરવું/વહેવું (Unexplained Bleeding), દા.ત. બ્રશ કરતી વખતે સામાન્ય કરતાં વધારે લોહી નીકળે, માસિક બંધ થયા પછી મોટી ઉંમરે, ફરી ચાલુ થાય.
(૪) ચામડી પરનો મસો કે લાખું વધે કે તેમાંથી લોહી ઝરે. (Changes in Mole or Wart).
(૫) ખાંસી જે કોઈ પણ દવાથી ના મટે (Nagging cough), ગળફામાં લોહી આવે, અવાજ જાડો થઈ જાય (Hoarseness of Voice).
(૬) શરીરના અંગમાં ગાંઠ થાય, દા.ત. થાનની ગાંઠ.
(૭) આંતરસ્રાવના અચાનક ફેરફારથી તેને લગતા રોગો દેખાય. દા.ત. થાઇરોઇડ અને એદ્રીનલની ગાંઠ.
આવાં કારણોની યાદી ખૂબ લાંબી આપી શકાય, છતાં ખાસ નોંધવાનું કે આ નિશાનીઓ કેન્સર સિવાયના રોગોમાં પણ થાય છે, અને કેન્સર છે કે બીજો કોઈ રોગ છે તે જાણવા ઘણા ટેસ્ટ અને બાયોપ્સિ (Biopsy) પણ કરવી પડે.
આટલું જાણ્યા પછી પ્રશ્ન થાય કે કેન્સર ના થાય માટે શું કરવું? (Preventive Measures)
(૧) તમાકુનું સેવન બંધ કરવું. ખાસ કરીને ગુટકા ચાવવા સદંતર બંધ કરવા.
(૨) વિટામિન સી વાળા ફળો, વિટામિન એ વાળા શાકભાજી, સંપૂર્ણ રેસા સાથેના ધાન, વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો. તૈલી પદાર્થો ઓછા ખાવા. (બંધ ના કરાય).
(૩) સંઘરેલો અને પ્રિઝર્વેટિવવાળો ખોરાક ત્યજવો, કારણ કે સાચવવા નાખેલા રસાયણો કેન્સર માટેનું કારણ ગણાય છે.
(૪) સમયસરની અને સમયાનુસાર યોગ્ય સ્પેશ્યાલિસ્ટ દાક્તરી તપાસ અને સારવાર. (Regular Medical Checkup by specialist).
એવું કહેવાય છે કે દુનિયામાંનો કોઈપણ પદાર્થ એલર્જી કરી શકે, એમ કેન્સર માટે પણ કહી શકાય.
જોકે આથી ગભરાવાનું નથી, મોત તો આવવાનું જ છે, પછી તે કોઈપણ રૂપે આવે. અને જો જલદી નિદાન અને તુરંત યોગ્ય સારવાર થાય તો બીજા રોગોની જેમ કેન્સર પણ સંપૂર્ણ મટી શકે છે. આ માટે સર્જરી, રેડિયોથેરાપી, કે કીમોથેરાપીનો ઉપયોગ જગજાહેર છે.
ક્રમશ:
ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
