કૃષ્ણ દવે
એમ ઉછીના સુખના છાંટે કોઈ’દિ ના છલકાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.
એક બે લીલાં, એક બે સૂકા તરણાં ને આ ઝૂલતી ડાળો;
આપણી નાની ચાંચ ગૂંથીને મેળવી આપે સુખનો તાળો.
એ ય ને નાનું આભ માળામાં ટહુકે ને મલકાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.
દુ:ખની હેલી હોય લગાતાર તોય નથી તલભાર મૂંઝાતું;
ધૂળની નાની ઢગલી સાથે રમતાં જેને આવડી જાતું.
એ ય ધજાની જેમ મજાની લ્હેરખીમાં લ્હેરાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે
મૂળને જરાક મ્હેંક મળી તો એમ થયું કે આપતો આવુ.
રંગની છાલક ડાળને આવેલ સપનાં ઉપર છાંટતો આવુ.
એ ય ને એમાં સાંજ પડે તો ખરતાં ક્યાં શરમાઈએ અમે ?
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.
તા-૨૦-૧૨-૨૦૧૯
**
: આસ્વાદ :
દેવિકા રાહુલ ધ્રુવ
શિશુસહજ નિર્દોષતાથી થતો કવિતાનો ઉઘાડ ‘આવડે એવું ગાઈએ અમે’ મનોગમ્ય બન્યો છે. ચાર પંક્તિઓના ત્રણ અંતરામાં લખાયેલ આ ગીતની ધ્રુવપંક્તિ વાંચતાની સાથે, ઝુમતા લયને કારણે, મન મલકાટ અને મસ્તીથી આનંદિત થઈ ઊઠે છે.
એમ ઉછીના સુખના છાંટે કોઈ‘દિ ના છલકાઈએ અમે.
હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે.
સ્વમાન અને આત્મશ્રદ્ધાના રણકા સાથે સંગીતનો નાદ લઈને આ ગીત આવે છે. કશું જ સમજાવવાની જરૂર વગર શીરાની જેમ ગળે ઉતરી જઈ આપમેળે ગણગણવાનું શરૂ થઈ જ જાય છે. ઉછીનું સુખ ખુશી આપતું નથી. નાની પણ પોતીકી મોજ કેવી મઝાની હોય છે એ વાતને આગળ વધારતા કવિ કહે છેઃ
એક બે લીલાં, એક બે સૂકા તરણાં ને આ ઝૂલતી ડાળો;
આપણી નાની ચાંચ ગૂંથીને મેળવી આપે સુખનો તાળો.
પ્રકૃતિની રોજેરોજની નજર સામે જ થતી રહેતી સાહજિક પ્રવૃત્તિઓ ખૂબ ખૂબીથી જોતી કવિની નજર વિરોધાભાસની વચ્ચે પણ ઊંચેરા આનંદને શોધે છે. તરણાં લીલાં હોય કે સૂકાં પણ ડાળ તો ઝુલતી જ રહે છે ને વળી એના પર બેઠેલ,ચાંચમાં ચાંચ પરોવીને શ્વસતાં પંખીઓ. એના ટહુકાથી ઉભરાતું આકાશ અને એ જોઈને છલકાતું માનવીનું મન..“ એ ય ને નાનું આભ માળામાં ટહુકે ને મલકાઈએ અમે.” કેવી સુંદર સમજણની સરખામણી! વાહ… હોય નાની પણ મોજ પોતીકી આવડે એવું ગાઈએ અમે…
એ જ વિષય આગળ ક્રમિકપણે ગતિ કરીને વળી એક બીજું દૄશ્ય ઊભું કરે છે. નાની સરખી ધૂળની ઢગલી સાથે રમવાની મઝા લેતું મન કેવું બાલસહજ હશે! અને બાળકને મન તો સુખ શું કે દુઃખ શું? એ તો સદા મસ્તીમાં. ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ એ ક્યારેય મૂંઝાતું નથી. કારણ કે, બધી પરિસ્થિતિઓમાં એની તો સ્થિર મનોભૂમિકા છે. કવિએ કેવા ઉચિત શબ્દોમાં આંખ ઠરતું દૄશ્ય ઊભું કર્યું છે! “દુ:ખની હેલી હોય લગાતાર તોય નથી તલભાર મૂંઝાતું. ધૂળની નાની ઢગલી સાથે રમતાં જેને આવડી જાતુ.” પીડાનો પહાડ હોય, આફતોની આંધી હોય કે દુઃખોની હેલી હોય એ તો બસ નિજાનંદે મહાલતું રહે છે. આભે ફરકતી ધજાની જેમ મઝાની લ્હેરખીમાં લહેરાતું રહે છે. જીવનની સફળતાની આ જ તો ચાવી છે, કહો કે સાચા જીવનની જડીબુટ્ટી છે આ તો. રવીન્દ્રનાથ ટાગોરની કલ્પનાનો ભાવ અહીં છતો થયેલ વરતાય છે કે, ‘દિલ શિશુનું હોવું અને દિલને દુનિયા ન હોવી”.
ત્રીજાં અંતરામાં આવા સુંદર ભાવના પમરાટને, ખૂબ સાહજિક રીતે કવિ કહે છે કે,”મૂળને જરાક મહેક મળી તો એમ થયું કે આપતો આવું’.. કેવી ઊંચી અને ઉમદા ઇચ્છા! અને તે પણ અતિ ૠજુતાપૂર્વક અને નમ્રપણે. ક્યાંય ગુમાનનો લેશમાત્ર છાંટો નથી. એટલું જ નહિ કલ્પના તો જુઓ? ‘રંગની છાલક ડાળને આવેલ સપનાં ઉપર છાંટતો આવુ’..ડાળને જાણે કે સ્વપન આવ્યું હોય અને તેમાં આ એક નવો રંગ છાંટી આવવાની ખેવના છે. અદભૂત અલંકાર પ્રયોજ્યો છે. કોના મૂળને મ્હેંક મળી છે, કઈ ડાળને સ્વપ્ન આવ્યું અને કયો રંગ છાંટવાની અહીં વાત છે એ ભાવકના મનોજગત પર છવાઈ જાય છે. સ્વાભાવિકપણે જ અહીં ‘ગમતાનો ગુલાલ’ કરવાની કવિ શ્રી મકરંદ દવેની કવિતા યાદ આવી જાય છે.
આખાયે ગીતનો આ જ તો સંદેશ છે કે, ફૂલ જેવા હળવા થઈને રહો, મનને મસ્તીમાં રાખો, સારું અને ગમતું બધું વહેંચતા રહો, કોઈના સપનામાં રંગો ઉમેરતા રહો અને એમ કરતાં કરતાં ખરી જઈએ તો પણ શું? ‘એય ને એમાં સાંજ પડે તો ખરતાં ક્યાં શરમાઈએ અમે ?’
જીવનની સાંજ પડે ઢળીએ કે ફૂલોની પાંદડી કે ડાળ પરના પાનની જેમ ખરીએ તો પણ શું વાંધો? સહજપણે સારું કામ કરનારને વળી શરમાવાનું ક્યાં?
ખરેખર, કવિ શ્રી કૃષ્ણ દવે કહે છે તેમ જીવનની નાની નાની પળોને ઉજવતું ૨૦૧૯ના વર્ષનું આ છેલ્લું ગીત એક શ્રેષ્ઠ ગીત તરીકે આપણને મળ્યું છે. કુદરતને ખોળે બેસીને લખાયેલ એક સુંદર ચિત્ર ઉપસાવે છે. કવિતાનો લય એનું ખૂબ મોટું જમા પાસું મેં અનુભવ્યું. એવું અને એટલું બધું કે બીજી સવારે આ ગીતના લયની જબરદસ્ત અસરે એ જ લયમાં એક ગીત લખાવ્યું જેના શબ્દો છેઃ
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.
ddhruva1948@yahoo.com
