પારુલ ખખ્ખર
રાતના બે વાગ્યા છે, ચંદ્રનું ઓઘરાળું અજવાળું બારીમાંથી આસ્તેકથી પ્રવેશીને પલંગની કોર પર બેસી ગયું છે. મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો, ‘આજે કઈ તિથી છે?’ ન યાદ આવ્યું. અજવાળાને પણ મારી જેમ ઊંઘવામાં રસ ન હોય તેમ મારી સામે ઠરીને બેઠું છે. વાર્તા સાંભળવા ઉત્સુક બાળકની જેમ મારી સામે આશાભરી આંખે ટગર ટગર તાકી રહ્યું છે. મેં પણ એની સામે તાકીને જોયે રાખ્યું, કદાચ વાર્તા સુજી આવે! ન સુજી. સંવાદવિહીન અવસ્થામાં અમે એકબીજાનો સાથ માણી રહ્યાં. એ કેટલાયે ઘરોમાં, કેટલીયે બારીઓ વાટે કોણ જાણે કેટલાયે પલંગ પર બેસીને આમ વાર્તાની ઉઘરાણી કરતું હશે! કદાચ ક્યાંકથી વાર્તા મળી જતી હશે, ક્યાંક વાર્તા બની પણ જતી હશે!
મેં પલંગની જમણી બાજુએ ખાલી રહેલ વિશાળ જગ્યા પર નજર ફેરવી. આ એ જગ્યા હતી જેને લોકો ‘સ્પેસ’ કહેતા હોય છે. મેં બસ એમ જ એ સ્પેસ પર હાથ ફેરવ્યો. ચોળાયા વગરની ચાદરનો લીસ્સો સ્પર્શ ત્રીસ દિવસથી આદતનો ભાગ બની ગયો છે. ઓશીકા સામે જોયું તેલના ડાઘા વગરનું ચોખ્ખુંચણાક કવર હુંફાળુ મલકતું હતું અદ્દલ બીજા રૂમમાં નિંદર માણી રહેલા પેલા શખ્સની જેમ જ! મેં પ્લાસ્ટરવાળા પગને સહેજ ઊંચો લીધો, એની નીચે ઓશીકું મૂક્યું. અજવાળાની આંખોમાં ચમક આવી! એ જરા નજીક આવ્યું. હું દિવાલને ટેકો લઈ નિરાંત જીવે બેઠી. ઓશીકા નીચેથી એક્સ-રે બહાર કાઢ્યો. સહેજ ઊંચો કરી બારી સામે ધર્યો, અજવાળાએ પણ માથું ઊંચુ કર્યું. એક્સ-રેમાં દેખાતા કાળપભર્યા સફેદ રંગના પગને જોઈ રહી. કેટલો કદરુપો! ન આંખને ઠારે તેવા રંગ-રૂપ કે ન આકાર! કોઈ સ્ત્રીનો પગ આટલો અરસિક કેમ હોઈ શકે? જે પગની પાનીઓને ગુલાલની ઢગલીની ઉપમાઓ અપાતી હોય, જે પગના તળિયાના ખાડા જોઈ ‘શુકનવંતી’નું બિરુદ મળતું હોય, જે પગને ક્રીમ અને માલિશ વડે સુંવાળા બનાવવામાં આવતા હોય, જે પગની નાજુક આંગળીને જોઈને અનેક ઉપમાઓ સુજતી હોય, જે પગના શેપ અપાયેલા મનમોહક નખને નેઇલપેન્ટ વડે રમ્ય બનાવવામાં આવતા હોય એ પગ આટલા શુષ્ક!. એ પગલું ઉપાડે ત્યાં રસના ઘોયાઓના શ્વાસ અધ્ધર થઈ જતાં હોય, એ પગલું નીચે મૂકે ત્યારે એની નીચે કચડાઈ જવા હજારો હૈયાઓ તલપાપડ થતાં હોય એવો એક સ્ત્રીનો પગ આવો નીરસ કેમ હોઈ શકે?
એ પગ પોરો ખાવા સોફા પર લંબાવાયા હોય ત્યારે તડકો એને સ્પર્શવા રઘવાયો થતો હોય, એ પગ બીજા પગ પર ચડાવીને ધીમોધીમો ઝુલતો હોય ત્યારે જગતભરના કવિઓની લેખનશૈલી ડામાડોળ થઈ જતી હોય, એ પગ પાર્લરમાંથી પેડીક્યોર થઈને આવે ત્યારે ભલભલા તપસ્વીઓના તપ પર પાણી ફરી વળતું હોય, એ પગની પીંડીની રેશમી ઝલક પામવા નગરજનોની નજર ભરબજારે શરમ નેવે મૂકીને નીચી નમતી હોય! આ એ જ પગ આજે એક્સ-રેના અરીસામાં સાવ નફ્ફટ-નિર્લજ થઈને ઉઘાડો ઊભો હતો.
અજવાળાએ એક્સ-રે પાછળથી ડોકું લંબાવી પૂછ્યું ‘બસ.. આટલી જ છે પગની વારતા?’ હું કશો જવાબ આપું એ પહેલાં તો રાસ રમતાં વાગેલી ઠેસ એના બધાજ દર્દો સહિત ફરિયાદની મુદ્રામાં આવી ઊભી, પગના તળિયે થયેલી કપાસીની ચીસ અમાસી રાતના અંધારની જેમ ચોતરફ ફરી વળી, એડીમાં પડેલા વાઢિયામાં ચોર્યાસીલાખ વહાણોના કાફલા ડૂબવા લાગ્યાં, આંગળીઓના કપાયેલા નખ ડસ્ટબીનમાં પડ્યાં પડ્યાં ગુંગળાવા લાગ્યાં, પાકી ગયેલું નયું લવકારા મારતું દોડતુંક રોમેરોમ ફરી વળ્યું, સળગતાં ફટાકડા પર મૂકાઈ ગયેલું તળિયું એના ફરફોલાનો અસબાબ લઈ આવી ચડ્યું, ખેતરે જતાં વાગેલી બાવળની શૂળ પીડાના તમામ આયામો પાર કરીને છાજીયા લેવા લાગી, ચંપો ઉતારવા મારેલ ઠેકડાએ ધણધણાવી નાંખેલ આખોયે પંજો ધ્રુજતો ધ્રુજતો દયાની માંગણી કરતો કરગરી રહ્યો, બાજુના ફળિયાની રંગોળી જોવા દિવાલ પરથી લસરતા થયેલો કરકરો સ્પર્શ લોહીના ટશિયા સાથે નિર્દોષતાની સાબિતી આપતો નતમસ્તક ઊભો રહ્યો, નવા ચપ્પલનો નવોનવો ડંખ એનું ગુલાબી માંસ દેખાડવા તત્પર થયો.
હું સ્તબ્ધ બની પગના પંજાનો એક્સ-રે જોઈ રહી હતી અને પગ પોતાના અવનવા રૂપ સાથે અવનવા વેશ લઈને સાક્ષાત થયો હતો. હું વિચારતી રહી કે… આ એ જ પગ જે દુધે ધોવાઈને કંકુ-ચોખા વડે પૂજાયા છે, આ એ જ પગ જેના પર મહેંદીની ભાત ઘાટો રંગ લાવી છે, આ એ જ પગ જે બાળપણમાં મોંમા લઈ ચૂસાયા છે, આ એ જ પગ જે અંતિમ સમયે નનામી પર કચકચાવીને બંધાયા છે, આ એ જ પગ જે કંકુની થાળીમાં ઝબોળાઈને ગૃહપ્રવેશ પામ્યાં છે, આ એ જ પગ જે પ્રિયજનના સાજા થયાની માનતા ઉતારવા ચપ્પલ વગર કુળદેવતાના દર્શને ગયાં છે, આ એ જ પગ જે ઉતરાયણના દિવસે કાચ પાયેલ દોરાની ગુંચમાં ફસાયા છે, આ એ જ પગ જે ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ કહીને વળાવી દેવામાં આવ્યાં છે. આ એ જ પગ જે ઘુંઘરુની નાગચૂડમાં ફસાઈને તરફડતાં રહ્યાં છે, આ એ જ પગ જે એવોર્ડ સ્વીકારવા મખમલી લાલ જાજમ પર ચાલ્યાં છે, શું આ એક્સ-રેમાં દેખાય છે તે એ જ પગ છે?
મને પગના અવનવા સ્વરુપોનો સક્ષાત્કાર થઈ રહ્યો હતો અને અજવાળાને મજા પડવા લાગી હતી. મને થયું…આ એ જ પગ જેના માટે ચીઠ્ઠીમાં લખીને અપાયું હતું ‘આપકે પાંવ બહોત હસીન હૈ… ઇસે જમીન પે મત ઉતારીયેગા’? આ એ જ પગ જે સતીત્વની ખાતરી આપવા અગ્નિપથ પર ચાલ્યાં છે? આ એ જ પગ જે વૃંદાવનની ગલીઓમાં રાસ રમ્યાં છે? આ એ જ પગ જે લક્ષ્મણરેખા પાર કરીને વાયા અશોકવાટિકા થઈ જંગલમાં જઈને વિરમ્યાં છે? આ એ જ પગ જે દેશને ચન્દ્રક અપાવવા દોડ્યાં છે? આ એ જ પગ જે ‘ડોલ્સ હાઉસ’ના ઉંબરાને ઓળંગી ગયાં છે? આ એ જ પગ જે રાણાનો મહેલ છોડી કાન્હાના મંદિર તરફ વળ્યાં છે? આ એ જ પગ જે સ્વતંત્રતા અભિયાનમાં પતિના પગલામાં પગલું ભેળવીને દોડ્યાં છે? આ એ જ પગ જે દીનદુઃખીયાની સેવામાં ઘસાયા છે? આ એ જ પગ જે વતનને આઝાદ કરાવવા શસ્ત્રોની સાથે બાળકને ખભે લઈને ઘોડે ચડ્યાં છે? આ એ જ પગ જે વનમાં ગયેલા પ્રિયતમની રાહમાં ઝરુખા સાથે જડાઈ ગયાં છે? આ એ જ પગ જે પાંચ પાંચ પતિઓ સાથે વનમાં ફર્યા છે? શું ખરેખર આ એ જ પગ છે? જે સ્ત્રી પગ પારિજાતની કોમળતાનું વરદાન પામીને અલગ અલગ માર્ગે અલગ અલગ હેતુ સાથે ફર્યા છે એ આવા અણઘડ હાથે ઘડાયેલા પાત્ર જેવાં બેડોળ કેમ છે?
હું હજુયે એક્સ-રે સામે ધારીધારીને જોઈ રહી છું. આ નળાકાર કુરુપ હાડકા સાથે જોડાયેલ અન્ય હાડકાનું માળખુ એટલે જ પગ? જો આ જ અસલી પગ છે તો પછી પેલા ચાલતાં, દોડતાં, કસરત કરતાં, દોરડા કુદતાં, સાયકલ ચલાવતાં, સ્કૂટીને કીક મારતાં, કારને બ્રેક મારતાં, રેતીમાં ખૂંપતાં, બરફ પર લસરતાં, નાચતાં, પરેડ કરતાં, રાસની ઠેસ લેતાં, ડગુમગુ ચાલવાનું શીખતાં એ ક્યા પગ છે? ક્યુ સત્ય માનવું? એક્સ-રેમાં દેખાય છે તે કે પછી અન્ય સમયે જોયું,અનુભવ્યું છે એ? અર્ધ ઉજમાળી રાતે છ બાય સાતના પલંગ પર ડાબી તરફનું ગાદલું પચાવીને અસ્થિભંગ થઈ પ્લાસ્ટરમાં લપેટાયેલો મારો પોતાનો પગ મને સાંભર્યો. મેં એક્સ-રેને નજર સામેથી દૂર કરીને પેલા ચોખ્ખા ઓશીકા નીચે મૂક્યો. થોડીવાર સફેદ પાટામાં જકડાયેલા પગ તરફ જોયે રાખ્યું પછી સહસા અજવાળા તરફ ધ્યાન ગયું. એ અધીરું થઈ કશુંક બોલવાની રાહમાં હતું. એની તાલાવેલી જોઈ મેં પૂછ્યું ‘તારે કશું કહેવું છે?’
એ કહે ‘હાસ્તો’
મેં થાકેલા સ્વરે કહ્યું ‘કહેવા જેવું બધું જ આ એક્સ-રે કહી ચૂક્યો છે તારે કશું નવું કહેવાનું હોય તો કહે’
એ ધીરગંભીર સ્વરે બોલ્યું ‘તને એક્સ-રેએ જે બતાવ્યું તે ભૂલી જા, તને તારી આંખોએ જે બતાવ્યું એ ભૂલી જા, તને તારી અંદર જે અનુભવાયું એ ભૂલી જા… ફક્ત આ પાટાની શુભ્રતા તરફ જો, આ પ્લાસ્ટરની મક્કમતા તરફ જો, આ પગ સિવાયના તમામ સ્વસ્થ અંગો સામે જો, આ રાતના હાંફતા અંધાર તરફ જો, આ ઝાંખાપાંખા તારલાઓ સામે જો, જે છે તે આ ક્ષણ છે. જે છે તે આ ક્ષણનું સત્ય છે. આ પીડા, આ વેદના, આ અસહાયતા, આ પરાધિનતા બધું જ આ ક્ષણે છે, આવનારી ક્ષણોમાં નહીં હોય તે નિશ્ચિત છે. તું બસ… આ ક્ષણોને પસાર થતી જોઈ લે. એને પકડવા ન મથીશ કે ન એને ધક્કો મારીશ. બસ… સાક્ષીભાવે જોયા કર. આ ક્ષણોને પસાર થવા દે… બધા જ દર્દો શમી જશે, કોલાહલો શાંત થશે. બસ… તું જોયા કર…
મારી આંખો પર ભાર વર્તાવા લાગ્યો. પાટાની શુભ્રતા પર સ્થિર થયેલી મારી આંખો બીડાતી ગઈ… બીડાતી ગઈ… જ્યારે ખુલી ત્યારે પૂજાઘરમાંથી ‘ઠુમક ચલત રામચંદ્ર… બાજત પૈજનિયા…’ સંભળાઈ રહ્યું હતું. સૂર્યનો કોમળ તડકો બારી વાટે પાટાની શુભ્રતાને ઉજમાળી રહ્યો હતો. મેં કેલેન્ડરમાં જોયું આજે પ્લાસ્ટર ખુલવાનું હતું. હું આકાશ સામે જોઈને મલકી, મારું પ્લાસ્ટર તો કાલે રાતે જ ખુલી ગયું હતું.
‘એતદ્’ સામયિકના જૂન-ઓગસ્ટ ૨૦૨૨ના અંકમાં પ્રકાશિત
સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

બહુ જ સુંદર અભિવ્યક્તિ
LikeLike