અંકિતા સોની
પોલીસ સ્ટેશનમાં આજે સવારથી જ દોડાદોડ હતી. લોકોની ભીડ જામતી જતી હતી. જેને ખબર મળે એ તરત જોવા આવતું. ” ઘોર કલિયુગ છે ભાઈ!” કેટલાક લોકો બોલી રહ્યા હતા. છેવટે પોલીસ સ્ટાફે જેમ તેમ કરીને ભીડને ત્યાંથી હટાવી.
વાત જ કંઈક એવી હતી. વહેલી સવારે શહેરના છેવાડે આવેલા મંદિરના પગથિયે પૂજારીને ધાબળામાં વીંટાળેલી નવજાત બાળકી મળી આવી હતી. થોડીક વાર આમતેમ એના માબાપની તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહીં. બાળકી ભૂખથી ખૂબ રડી રહી હતી. પાસે આવેલી ગૌશાળામાંથી તાજું દૂધ લાવીને બાળકીને પીવડાવ્યું. ધીમે ધીમે દર્શનાર્થીઓ આવવા લાગ્યા. લોકોની મદદથી પૂજારી બાળકીને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યાં.
પોલીસે બાળકીના માબાપને જેમ બને એમ જલ્દી શોધવાનું બીડું ઝડપ્યું. સી.સી.ટીવી.ની ફુટેજના આધારે શકમંદોને પકડી પાડી પૂછપરછ કરી. થોડા કલાકોમાં બાળકીને નોંધારી ત્યજનાર માણસ ઝડપાઈ જ ગયો. એ માણસ બીજો કોઈ નહીં પરંતુ એનો સગો બાપ નીકળ્યો! પોલીસે કડકાઈ બતાવી તો ભયનો માર્યો સાચું બોલી ગયો. કેટકેટલીય બાધા–આખડીઓ કર્યા પછી દીકરો જ આવશે એવા કોઈ પાખંડી તાંત્રિક પર વિશ્વાસ મૂકીને રૂપિયાનું પાણી કર્યું. પણ છેવટે ત્રીજી દીકરી જ આવી. હવે એ અને એની પત્ની આ દીકરીને રાખવા જ નહોતા માંગતા.
બાળકીની સલામતીને પ્રાથમિકતા આપવી વડા પોલીસ અધિકારીને જરૂરી લાગી એટલે મહિલા સામાજિક કાર્યકરને બોલાવીને હાલ પૂરતી બાળકી સોંપવામાં આવી. મીડિયામાં સમાચાર વાયુ વેગે પ્રસર્યા. અનેક લોકોએ બાળકીને દત્તક લેવાની તૈયારી પણ બતાવી.
આખરે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને કેનેડામાં વસતા એક નિઃસંતાન દંપતીને એ બાળકી સોંપાઈ. હંમેશા ખુશમિજાજ રહેતી એ બાળકીના નવા માતાપિતાએ એને ‘હેપ્પી‘ નામ આપ્યું. ખૂબ જ જતન અને લાડકોડથી બાળકી મોટી થઈ. ઉચ્ચ શિક્ષણ મેળવીને એ પુરાતત્વ સંશોધક બની.
પોતે મૂળ ભારતીય છે એ સચ્ચાઈથી અજાણ હેપ્પીને ભારત દેશ પ્રત્યે પહેલેથી જ લગાવ અનુભવાતો. ઈન્ટરનેટના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને પુરાતત્વ અવશેષોની રસપૂર્વક માહિતી મેળવતી. એ અરસામાં બીમારીમાં એની માતાનું મૃત્યું થયું. હવે પિતા એકલા જ રહ્યા. માતાની જૂની ડાયરીમાંથી એને કેટલાક જરૂરી કાગળિયા ને ફોટા મળ્યા. પિતાના મુખે પોતે દત્તક પુત્રી હોવાનું રહસ્ય ખૂલતાં ભારત આવવાની અદમ્ય ઈચ્છાને એ રોકી ન શકી અને સંશોધનના બહાને એ પોતાની ટીમ સાથે ભારત પહોંચી.
હેપ્પીએ ભારત આવીને અનેક સ્થળોની મુલાકાત લીધી. અહીંના લોકોની પાસેથી રીતભાત અને બોલી પણ શીખી.
એક વાર હેપ્પી હજારો વર્ષ જૂના–પુરાણા એક મંદિર અને એની નજીક આવેલી વાવનું નિરીક્ષણ કરવા રોકાઈ. સરતચુક એનું પર્સ ક્યાંક પડી ગયું. એક અર્ધપાગલ ભિખારી જેવા લાગતા માણસે એનું પર્સ ઉપાડી લીધું અને મંદિરના ઓટલે જઈને ખાવાનું મેળવવા માટે પર્સ ફંફોસવા લાગ્યો. હેપ્પીના સાથીદારની નજર એના પર પડી અને હેપ્પીને જાણ કરી અને બધાએ એ ભિખારીને ઘેરી લીધો. હેપ્પીએ પર્સ તપાસ્યું. બીજું બધું અકબંધ હતું. પર્સમાંથી નીચે પડેલા કાગળિયા અને ફોટોગ્રાફ લેવા જતાં હેપ્પીની નજર એક ફોટા પર પડી અને એની આંખમાં ચમકારો થયો.
પેલા ભિખારીના ચહેરાને ધ્યાનથી જોયો. થોડી ક્ષણો માટે એ વિચારમાં પડી ગઈ.
“વૉટ હૅપન હેપ્પી?” એના જોડીદારે એને ઢંઢોળી.
“નથિંગ..” કહીને એણે પેલા ભિખારીને થોડું ખાવાનું આપીને મંદિરના પગથિયે બેસાડ્યો. પછી એના પિતાને ફોન જોડીને ગળગળા થઈને બસ એટલું જ બોલી, ” ડેડી.. યુ નો..આઈ રિયલી લવ યુ સો મચ..”
