પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ
ગુલાબભાઇ જાનીએ છેક શાળા- કૉલેજના સમયથી જ વિનોબાજીના પ્રભાવ હેઠળ ખાદી અપનાવી હતી. શૈક્ષણિક પ્રવૃત્તિ તરફના લગાવને કારણે તેઓ LIC Of India ની નોકરી છોડી કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા.અત્યંત સાદાઇને વરેલા તેમનાં પત્ની ઉષાબહેન સંસ્કૃતના પ્રખર પંડિત ડી.પી. જોષીનાં દિકરી હોવાથી તે પણ શિક્ષણ સાથે સંકળાયેલા હતાં. આપણો અનુભવ કહે છે કે ‘પાકા ઘડે કાંઠા ન ચઢે’.વિજ્ઞાન પણ સ્વિકારે છે કે જન્મથી માંડી શરૂઆતનાં છ વર્ષનો ગાળો અત્યંત મહત્વનો છે. આમ,બાળકોનાઘડતર બાબતે ધાર્યાં પરિણામ મેળવવા કેળવણીનો કક્કો અને સંસ્કારસિંચનની બારાક્ષરી બાળપણથી જ ઘૂંટાવવી જોઇએ. તેથી રામકૃષ્ણ તથા વિવેકાનંદના વિચારોનાપ્રભાવ હેઠળ જાની દંપતિએ છેક 1968માં સિસ્ટર નિવેદિતા સ્કૂલની સ્થાપના કરી હતી.આજકાલ કરતાં આ દંપતિનો શિક્ષણ સાથેનો નાતો આજે છ દાયકા જેટલો પાકટ અને અનભવસમૃદ્ધ થઇ ચૂક્યો છે. સ્વાભાવિકપણે જ તેમની પ્રવૃત્તિઓનો ઝોક બાળકેન્દ્રી રહ્યો છે. અનુભવના નિચોડ તરીકે તેઓ અવારનવાર પોતાના ત્રૈમાસિક ‘સમુદ્દગાર’ તેમજ અન્ય સામયિકોમાં સતત લેખો લખતા રહ્યા છે. તેમના લેખોનું સંકલનથી આ પુસ્તક તૈયાર થયું છે.
પુસ્તકના કુલ 34માંથી પાંચ લેખો બાળશિક્ષણને લગતાં છે. આ સિવાયનાં અન્ય લેખોમાં બાળઉછેર અને બાળમાનસ વિશે મહત્વની વાતો ચર્ચવામાં આવી છે. પુસ્તકમાં શિક્ષકો ઉપરાંત વાલીઓને તાલીમ અને માર્ગદર્શન આપતાં લખાણોનો પણ સમાવેશ છે.સંતાનના શિક્ષણમાં મા-બાપની ભૂમિકા તેમજ તેમને સૌથી વધુ મૂંઝવતા સંતાનના અભ્યાસના માધ્યમની પસંદગી વિશેની બાબતેની ચર્ચા પુસ્તકમાં આવરીને એ અંગે પોતાનાં વિચારો રજૂ કરાયા છે.
લેખકે નોંધ્યું છે કે આપણા કરતાં ક્યાંય પછાત મનાતા કેન્યા જેવા નાનકડા દેશમાં પણ દર દસ હજારે સંશોધનકર્તા વિદ્યાર્થીની સંખ્યા 6 છે, જ્યારે ભારતમાં એ આંક માત્ર 4 છે! આમ, શિક્ષણ બાબતે ભારત કેન્યા કરતાં પણ પાછળ છે, ત્યાં ઇઁગ્લેન્ડ, અમેરિકા કે રશિયા સાથેની સરખામણી ઘણી દૂરની બાબત હોવાનું તેમણે ખેદ સાથે નોંધ્યું છે. લેખકે પરિવર્તન એક સાહજિક અને આવકાર્ય પ્રક્રિયા માની છે અને બાળકોને માત્ર જાણકારીના જાળામાં ગૂંચવી નાંખતી આપણી હાલની શિક્ષણપદ્ધતિમાં પરિવર્તન તથા નવીનીકરણની તાતી જરૂરિયાત હોવાનો તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. ખામીયુક્ત શિક્ષણપ્રણાલી તરફ આંગળી ચીંધીને ગુલાબભાઇ એક ડગલું આગળ વધ્યા છે અને તેના વ્યવહારુ ઉકેલની મડાગાંઠ ઉકેલવામાં જોડાઈ કેટલાક મહત્વનાં દિશાનિર્દેશ આપ્યા છે. તેમાં ‘લર્નિંગ વિધાઉટ સ્કૂલ’, પુસ્તક સાથે પરીક્ષાનો પશ્ચિમી પદ્ધતિ વિચાર તથા શ્રમનું મહત્વ જાળવી અપાતા ગાંધીશિક્ષણ એમ વિવિધ ઉપલબ્ધ વિકલ્પો પર પોતાના વિચારો જણાવ્યા છે. તેમાં, વિદ્યાર્થીની વિષયવાર ક્ષમતાનો માપદંડ રાખતા અરવિંદ આશ્રમની રોચક શિક્ષણ પ્રણાલીનો પણ ઉલ્લેખ છે. આ લખાણોમાં ગુલાબભાઇના વિસ્તૃત અભ્યાસની છાપ સ્પષ્ટપણે વરતાય છે. તેમનો મત છે કે વિદ્યાર્થીને જાણકારીથી જ્ઞાન તરફ અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગ કરવા તરફ દોરી જવા જોઇએ.
પુસ્તકમાં બે પ્રકરણ મહાવિદ્યાલયને લગતાં છે. તેના એક પ્રકરણમાં નાલંદાનો રસાળ ઇતિહાસ અને મહત્વ આવરી લીધા છે.
શિક્ષણ સાથે કારકીર્દીનો સંબંધ જોતાં પુસ્તકમાં એક પ્રકરણમાં કારકીર્દીને પણ ફાળવવામાં આવ્યું છે, જેમાં ‘ઘસાઇને ઉજળા થવા’ પર ભાર મૂકાયો છે.
પુસ્તકનું એક પ્રકરણ ‘મૂલ્ય શિક્ષણના અમારા પ્રયોગો’ સૌથી નોખું છે. એ પ્રકરણમાં શિક્ષણમાં તેમણે કરેલા પ્રયોગોનું બયાન છે. જેમાં શિક્ષણ સાથે રચનાત્મક કાર્યક્રમો દ્વારા બાળકના ઘડતર કરતા કાર્યક્રમો ધ્યાનાકર્ષક છે. આ જ રીતે છેલ્લું પ્રકરણ સિસ્ટર નિવેદિતા વિશે તથા નિવેદિતા શાળાના શિક્ષણકાર્ય અંગે છે. પુસ્તકમાં ક્યાંક કોઈબાબતે પુનરાવર્તન જણાય છે પરંતુ સમાવિષ્ટ લેખો સમયના લાંબા ફલકમાં લખાયેલા હોવાથી ક્વચિત આમ બન્યું હોવાની નોંધ લેખકે આરંભમાં આપી જ છે.
લેખકે વ્યક્તિગત ધોરણે વિદેશ પ્રવાસ ખેડ્યા હોવાથી તેમનાં વિદેશી શિક્ષણના અભ્યાસો અને તારણો વધુ આધારભૂત બની રહે છે. લખાણોમાં તેમના દીર્ઘ અને ઘૂંટાયેલા અનુભવની છાયા છે. પુસ્તકનાં પ્રકરણોમાં આંકડાકીય માહીતી ઉપરાંત અનેક ઠેકાણે કાકાસાહેબ કાલેલકર, ગાંધી અને ટાગોર સહિત અનેક નામી વિચારકો, ચિંતકો અને કેળવણીકારો સાથે આઇનસ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોનાં અવતરણો છે. તેથી કેળવણી તથા શિક્ષણવિષયક તેમનીરજૂઆત ઘણી અસરકારક, આધારભૂત અને માર્ગદર્શક જણાય છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
કેળવણીની કેડીએથી : ગુલાબભાઇ જાની
પૃષ્ઠસંખ્યા : 172
કિંમત : ₹ 200
આવૃત્તિ: પ્રથમ
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન
વિજાણુ સંપર્કઃ janigulabbhai@gmail.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
