મંજૂષા

વીનેશ અંતાણી

દરેક વ્યક્તિ બીજાથી જુદી છે. જેમ આપણી પદ્ધતિઓ છે, આપણા અભિગમ છેઆપણી ટેવો છે તેમ અન્ય વ્યક્તિમાં પણ એની પદ્ધતિ, અભિગમ, આદતો હોઈ શકે.

ત્રીસ વર્ષની હીના પાંચ વર્ષના લગ્નજીવન પછી વિચિત્ર પ્રકારની મૂંઝવણમાં મુકાઈ છે. એને એના પતિ યોગેશ માટે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી, છતાં એ એના પર ચિડાયેલી રહે છે. એ જાણે છે કે એ માટેનું કારણ નજીવું છે. હીના કહે છે: ‘યોગેશને બધું જ આરામથી કરવાની ટેવ છે. એ ઇઝી-ગોઇન્ગ છે. આરામથી ઊઠે, નિત્યક્રમ ધીરેધીરે પતાવે, નાસ્તો કરતાં કે જમતાં બહુ જ વાર લાગે. એને જાણે કોઈ વાતે મોડું થતું જ ન હોય. અમારે બહારગામ જવાનું હોય ત્યારે એ હંમેશાં છેલ્લી ઘડીએ જ બહાર નીકળે. એની સામે મારો સ્વભાવ બધાં કામ ખૂબ ઝડપથી કરવાનો છે. હું દોડતી હોઉં એમ જ ચાલું, ઘરમાં પણ ઝડપથી ચાલું. યોગેશ ધીરેધીરે આરામથી વાતો કરે, હું કહું, જલદી પતાવને તારી વાત. મારું વર્તન હંમેશાં બહુ મોડું થઈ ગયું હોય એવું હોય. હું યોગેશની કાચબા જેવી ગતિથી કંટાળી જાઉં. એને વાતેવાતે ટોક્યા કરું અને કહું – ‘યોગેશ, તું તારી આદત બદલતો કેમ નથી?’ મેં એને બદલવા માટે હજાર કોશિશ કરી છે, પરંતુ એણે ક્યારેય મારો બિનજરૂરી ઉતાવળવાળો સ્વભાવ બદલવાની સૂચના આપી નથી. એણે મને હું જેવી છું તેવી સ્વીકારી લીધી છે, જ્યારે હું એ જેવો છે તેવો સ્વીકારી શકતી નથી.’

આ મૂંઝવણ એકલી હીનાની જ નથી. આપણે બધા ઓછા-વત્તા અંશે બીજી વ્યક્તિને એ જેવી હોય તેવી સ્વીકારી શકતા નથી. એ તો કબાટ ખુલ્લો જ રાખશે, કપડાં જેમતેમ જ ફેંકશે, એની ખાવાપીવાની રીતો બરાબર નથી – એવી ફરિયાદ આપણી નિકટની વ્યક્તિઓ માટે કરીએ છીએ. અંગત સંબંધ ન હોય તેવા ઑફિસના સહકાર્યકર્તાઓ, પડોશીઓ, ડ્રાઇવર, દુકાનદાર, ક્રિકેટના ખેલાડી, રાહદારીઓ – બધા જ પ્રકારના લોકોનું વર્તન બરાબર નથી એવી છાપ બાંધીને જ જીવવાની આદત પડી જાય છે. આ એક પ્રકારે ‘આઇ એમ ઓકે, યુ આર નોટ ઓકે’નું વલણ છે.

સાદી વાત છે કે દરેક વ્યક્તિ બીજાથી જુદી છે. જેમ આપણી પદ્ધતિઓ છે, આપણા અભિગમ છે, આપણી ટેવો છે તેમ અન્ય વ્યક્તિમાં પણ એની પદ્ધતિ, અભિગમ, આદતો હોઈ શકે. આપણે અન્ય લોકોમાં પોતાનું જ પ્રતિબિંબ જોવા માગીએ તે ભૂલ ભરેલું છે. શક્ય છે કે બીજી વ્યક્તિઓને એમના દૃષ્ટિકોણ પ્રમાણે આપણી ઘણી રીતભાતો પસંદ ન હોય. શું આપણે બીજાના દૃષ્ટિકોણને અનુરૂપ થવા તૈયાર હોઈએ છીએ?

અજાણી કે ઓછી પરિચિત વ્યક્તિ વિશે પણ આપણે આપણી માન્યતા મુજબ અનુમાન બાંધીએ છીએ. આ સંદર્ભમાં અમેરિકાની ગાયિકા ડેમી લોવોટાનું ચીસ જેવું વિધાન યાદ રાખવા જેવું છે: ‘તમે મારા માટે કશુંય ધારી ન લો, તમે મારું નામ જ જાણો છો, મને અંદરથી ઓળખતા નથી.’ સામાન્ય રીતે દરેક જણ બીજા લોકોને ઉપરઉપરથી જોઈને એમના વિશે મનગમતી છાપ બાંધવામાં માહેર હોય છે. તેઓ અન્ય વ્યક્તિ વિશે બાંધેલાં અનુમાનમાં સત્ય માટે કોઈ અવકાશ રાખતા નથી. આ પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિનો પિંડ ભિન્ન રીતે બંધાયેલો હોય છે. એમાં એનો ઉછેર, એને મળેલું વાતાવરણ, એના સંજોગો અને એની પારિવારિક-સામાજિક-સાંસ્કૃતિક ભૂમિકા જુદી હોય છે. બીજાને માપવા માટે આપણા માપદંડ ઉપયોગી થતા નથી.

પોતાના જ દૃષ્ટિકોણ અને પદ્ધતિઓ પ્રમાણે બીજી વ્યક્તિઓની ઉણપ શોધતા લોકો અજાણતાં જ અન્યાય કરી બેસે છે. એમને લોકોની મર્યાદાઓ દેખાય છે, એમની વિશિષ્ટતા તરફ ધ્યાન આપવાનું ચુકાઈ જવાય છે. અન્ય લોકોને ટીકાત્મક દૃષ્ટિએ જોવાનું વલણ રાખીને આપણે જાતને જ દુ:ખી કરીએ છીએ. પરિવારના સભ્યો માટે અસંતોષની લાગણી રહે છે. તે કારણે આપણે એમને આપણી સાથે જોડાવા દેતા નથી  કે નથી આપણે એમની સાથે જોડાઈ શકતા નથી. પરસપર વિચ્છૃંખલતાનો ભાવ મનમાં રહે છે. પરિવારના સભ્ય સાથે જોડાઈ ન શકતી વ્યક્તિ બૃહદ્દ જગતમાં એકલીઅટૂલી પડી જાય છે. એના મનમાં અસંતોષ અને ફરિયાદનો ભાવ કાયમ માટે ઘર કરી જાય છે.

કોઈ વ્યક્તિ આપણી માન્યતાથી જુદું કરતી હોય ત્યારે આપણામાંથી બહાર નીકળીને એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ એની સમસ્યાનો હલ આપણી પદ્ધતિ પ્રમાણે નહીં જ શોધે. કાર્ય કરવા માટે એણે નિયત કરેલું ટાઈમ ટેબલ એનું નિજનું છે. આપણા ઘડિયાળના કાંટા પ્રમાણે એ જીવે એવી અપેક્ષા વધારે પડતી છે. એનું વર્તન આપણને નુકસાન કરતું ન હોય ત્યાં સુધી એ વ્યક્તિએ બદલવું જ જોઈએ એવું માનવાનું કોઈ કારણ નથી. જેમ આપણે ‘આપણે’ છીએ તેમ એ ‘એ’ છે. એની પણ સ્વતંત્રતા છે. આપણે બીજાને આપણા કિલ્લામાં કેદ કરી શકીએ નહીં. દલાઈ લામાએ સરસ વાત કરી છે: ‘લોકો સુખ અને સંતોષ મેળવવા માટે આપણાથી જુદો માર્ગ લે એનો અર્થ એવો નથી કે તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે.’


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.