સંવાદિતા
ભગવાન થાવરાણી
પોલિશ કવયિત્રી – નિબંધકાર – અનુવાદિકા વિસ્લાવા શિંમ્બોર્સકા ( આખું નામ : મારિયા વિસ્લાવા અન્ના શિંમ્બોર્સકા, પોલિશ ઉચ્ચાર : વિસ્સાવા ) ની જન્મ – શતાબ્દી ગત ૨ જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવાઈ. પોલેંડના આ કવયિત્રીને ૧૯૯૬ માટેનું સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત થયું એ પહેલાં પોલેંડની બહાર ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. ૨૦૧૨માં ફેફસાંના કેંસરથી પોલેંડના શહેર ક્રેકોમાં ૮૮ વર્ષે અવસાન પામનારા વિસ્લાવાએ આખરી ૮૦ વર્ષ આ જ શહેરમાં વીતાવેલા અને એમાંના મોટા ભાગના એક જ મકાનમાં ! એમને નોબેલ સન્માન મળ્યું ત્યારે સાહિત્ય – જગતમાં આશ્ચર્યની લહેરખી ફરી વળેલી કારણ કે એમની કવિતાઓની ત્યાં લગી વિશ્વ-ફલક પર ભાગ્યે જ નોંધ લેવાયેલી !

અડધી સદી જેટલી સર્જન – યાત્રા દરમિયાન એમણે માંડ ત્રણ સો કવિતાઓ લખી. ખ્યાતિ પ્રાપ્ત થયા બાદ જ્યારે એમને કોઈ પત્રકારે પૂછ્યું કે આટલા દીર્ઘ સર્જનકાળ છતાં આટલી ઓછી કવિતાઓ કેમ ત્યારે એમણે એક જ વાક્યમાં જવાબ આપેલો, ‘ મારે ત્યાં કચરા ટોપલી છે ને ‘ !
નોબેલ સ્વીકારતી વખતના બીજ – વક્તવ્યમાં એમણે કહેલું ‘ કોઈ પણ જ્ઞાનપ્રાપ્તિ જો નવા પ્રશ્નો ન જન્માવે તો એ સમયાંતરે મૃત્યુને વરે છે. જીવનને ધબકતું રાખવા માટે જોઈતું તાપમાન છે નવા પ્રશ્નો. હું કબૂલ કરું છું, હું ખાસ જાણતી નથી. જે લોકો એવો દાવો કરે છે કે તેઓ ઘણું જાણે છે એમણે જ દુનિયામાં ઘણી તકલીફો ઊભી કરી છે. ‘ કવિતા વિષે વાત કરતાં એમણે આ વક્તવ્યમાં કહેલું કે મને શંકા છે કે એ વિષે વાત કરવા હું યોગ્ય વ્યક્તિ નથી. જેમ અન્ય વિષયોના નિષ્ણાત પ્રાધ્યાપકો હોય તેમ કવિતાના પણ હોય એવું સાંભળ્યું નથી. કવિ હોવા – કહેવડાવવા માટે પાનાઓ ભરીને કવિતા લખવી એ પર્યાપ્ત નથી. કવિઓ પ્રકાશિત થવા, વંચાવા, અર્થઘટિત થવા તલસે છે પરંતુ સામાન્યતામાંથી બહાર આવવા, ઘેટાંના ટોળામાંથી જાતને અલગ તારવવા ભાગ્યે જ કશું કરે છે. છેવટ તો રાહ જોઈ રહેલો સફેદ કાગળ જ એમની ક્ષમતાની અંતિમ કસોટી છે. કવિની દરેક રચના એના અજ્ઞાનનો કવિતા દ્વારા અપાયેલો જવાબ હોવો જોઈએ. કવિતાની ભાષામાં દરેક શબ્દનું પોતીકું વજન હોય છે. ત્યાં કશું જ રાબેતા મૂજબનું કે સામાન્ય નથી !
વિસ્લાવાની કવિતાઓ અસ્તિત્વના સવાલોને લગતી છે જેને કોઈ એક બીબામાં મૂકી શકાય નહીં. માનવીય અસ્તિત્વના ગહનતમ સવાલોને વ્યાખ્યાયિત કરવા આ કવિતાઓ પ્રયત્નશીલ છે. એમની ભાષા ભાવક સાથે સીધી વાત કરે છે. બહુધા એમની કવિતાઓનો અંત અણધાર્યો હોય છે. આધ્યાત્મિકતા, સરળતા અને સમાનુભૂતિના સાયુજ્ય સમી એમની મોટા ભાગની કવિતાઓમાં એક પ્રકારની સ્થિતપ્રજ્ઞતા, પ્રેક્ષકભાવ અને કરુણાસભર હળવાશ હોય છે. ગંભીરમાં ગંભીર વાત એ ગજબની નિર્લેપતાથી કહી નાંખે છે.
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના જર્મની દ્વારા આચરાયેલા નરસંહારના એ સાક્ષી હતા. એમનો પોતાનો દેશ જર્મનીના આધિપત્ય હેઠળ હતો અને એમના શહેર ક્રેકોમાં યહૂદીઓ માટે એક વિશાળ છાવણી ( ઘેટ્ટો ) ઊભી કરાયેલી જ્યાંથી એમને પછી અલગ – અલગ યાતના શિબિરોમાં લઈ જવાતા. એમની ખાસિયત પ્રમાણે વિસ્લાવાએ આ યાતનાઓને વાચા તો આપી પણ આડકતરી રીતે – એમની એક કવિતા TORTURES દ્વારા. એ કવિતાના ભાવાનુવાદ સાથે વિરમીએ :
|| યાતનાઓ ||
કશું બદલાયું નથી
દેહ પીડાનો ભંડાર છે ;
એને ભૂખ લાગે, એ શ્વસે, એ ઊંઘે
એની પાતળી ત્વચા અને એની બરાબર નીચે લોહી ;
એને દાંત અને નખ ઊગતા રહે
એનાં હાડકાં ભાંગી શકાય ; એના સાંધાઓ ખેંચી શકાય
યાતનાઓમાં આ બધું ગણતરીમાં લેવાય છે.
કશું ય બદલાયું નથી
દેહ પહેલાં કંપતો એમ જ કંપે છે
રોમની સ્થાપના પહેલાં અને પછી પણ
વીસમી સદીમાં, ઈસુ પહેલાં અને પછી પણ
યાતનાઓ બરાબર એ જ છે જે પહેલાં હતી
માત્ર પૃથ્વી સંકોચાઈ છે
અને જે કંઈ ચાલી રહ્યું છે એ પરથી તો એવું લાગે
જાણે બાજુના જ કોઈ કમરામાં એ ઘટિત થઈ રહ્યું હોય.
કશું જ બદલાયું નથી
સિવાય કે લોકોની સંખ્યા વધી છે
અને જૂના અપરાધોમાં નવા ઉમેરાયા છે –
વાસ્તવિક, કાલ્પનિક, અલ્પકાલીન અને અસ્તિત્વહીન
પરંતુ શરીર જે ચિત્કાર દ્વારા એનો પ્રત્યાઘાત આપે છે
એ તો સદીઓ પુરાણા માપદંડ અને ઉતાર-ચડાવ અનુસાર
એક નિર્દોષ ચીસ સમો જ રહ્યો છે.
કશું ક્યાં બદલાયું છે ?
રીત-રસમો, વિધિ-વિધાન અને મુદ્રાઓ સિવાય
મસ્તકને પ્રહારથી રોકનાર હાથની મુદ્રા હજી પણ એ જ રહી છે
દેહ હજી પણ એમ જ આળોટે છે, આંચકી ખાય છે, તણાય છે
એ ધકેલાય છે, જમીન પર પટકાય છે, ગોઠણો સંકોચે છે,
ઉઝરડાય છે, સૂજે છે, લાળ વહાવે છે, લોહીલુહાણ થાય છે
બધું એમ જ છે
સિવાય કે નદીઓનું વહેણ
જંગલોનો વિસ્તાર, સમુદ્ર-કાંઠાઓ, રણો અને હિમ-નદીઓ
બિચારો અંતરાત્મા એ દૃશ્યો વચાળે ખોવાય
પાછો ફરે
નિકટ આવે, દૂર જાય, છટકે, જાણે સ્વયંથી પણ અણજાણ
ક્યારેક ચોક્કસ , ક્યારેક પોતાના જ વજૂદ વિષે અનિશ્ચિત
પરંતુ દેહ તો છે, છે અને છે
અને એના માટે કોઈ છટકબારી નથી.
– વિસલાવા શિંમ્બોર્સકા
( મૂળ પૉલિશ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી ભાવાનુવાદ )

વિસ્લાવા શિંમ્બોર્સકાની સમગ્ર કવિતાઓનું અંગ્રેજી ભાષાંતર સંકલનરૂપે મેપ ( M A P ) નામના આ પુસ્તકમાં પ્રકાશિત થયું છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

એક પોલેન્ડ દેશની એક અજાણ વિદુષી કવિયેત્રી વિસ્લાવા શિંમ્બોર્સકા આપનો લેખ અને તેની હૃદય સ્પર્શી કવિતા બે વખત વાંચી ગયો. “અદ્તભુત”.-નીતિન વ્યાસ
LikeLike
ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ !
LikeLike