વેબ ગુર્જરીના વાચકો હવે સુપેરે જાણે છે કે ભાઈશ્રી ભગવાનભાઈ થાવરાણી ફિલ્મવલોઅક્ન, ફિલ્મ સંગીત, પદ્ય સાહિત્ય જેવા વિવિધ વિષયોના અભ્યાસુ અને શોખીન છે. ‘ફૂલછાબ’ રાજકોટની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં તેઓ પોતાના આ વિવિધ શોખના વિષયોની સાથેની સંવાદિતા’  રજુ કરી રહ્યા છે.
સહર્ષ જણાવવાનું કે આ ‘સંવાદિતા’નો લાભ હવે વેબ ગુર્જરીના વાચકોને પણ દર બુધવારે મળશે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી

સંવાદિતા

ભગવાન થાવરાણી

એક વિલક્ષણ અને હવે દુર્લભ કહેવાય એવી એક સંવેદનશીલ તમિલ ફિલ્મની વાત કરીએ.
સામાન્ય રીતે હવે આપણે પુષ્પા, જેલર, આર આર આર, અને બાહુબલિ જેવી હિંદીમાં ડબ થયેલી સુપર – ડુપર હિટ ધમાકેદાર તમિલ ફિલ્મોથી એ હદે ટેવાયેલા છીએ કે એ ભાષામાં આવી ઋુજુ ભાવુકતાસભર ફિલ્મ પણ બને છે એ જાણી સુખદ આશ્ચર્ય થાય ! હા, એક જમાનો એવો હતો ખરો  ૫૦ અને ૬૦ના દાયકાનો, જ્યારે લગભગ મુંબઈ જેટલી જ હિંદી ફિલ્મો તામિલનાડુના મદ્રાસ ( હવે ચેન્નઈ ) માં પણ બનતી એટલું જ નહીં, એમાંની મોટા ભાગની લોકભોગ્ય અને સમગ્ર કુટુંબ સાથે બેસીને જોઈ શકાય એવી શિષ્ટ પણ હોય. જેમિની, એ વી એમ, પ્રસાદ પ્રોડક્શન્સ અને વાસુ ફિલ્મસ જેવા નિર્માણ ગૃહોનો દબદબો હતો અને આ ફિલ્મ ફેક્ટરીઓમાંથી નિરંતર ફિલ્મોનો ફાલ ઉતરતો રહેતો.
આજે વાત કરવી છે તમિલ ફિલ્મ સર્જક હરિ વિશ્વનાથની એ જ ભાષામાં વર્ષ ૨૦૧૫ માં બનેલી ફિલ્મ રેડિયો પેટ્ટીની. રેડિયો પેટ્ટી એટલે જૂના જમાનામાં ઘેર-ઘેર જોવા મળતો મોટા બોક્સ જેવડો ઈલેક્ટ્રીસીટીથી ચાલતો રેડિયો. એ પેઢીના લોકો જાણે છે કે ત્યારે મરફી, બુશ, ફિલીપ્સ અને નેશનલ એકો જેવી કંપનીઓના આવા રેડિયો પ્રતિષ્ઠિત હતા અને એ એક રીતે સ્ટેટસ સિંબોલ પણ લેખાતા. એ યુગ જીવી ચુકેલ પેઢીની સંવેદનાઓને રણઝણાવતી આ ફિલ્મ, અરુણાચલમ નામના એવા વૃદ્ધની કરુણ કથની છે જે નિવૃત છે અને આખો દિવસ ઘરની આરામખુરશીમાં લંબાવી રેડિયો પેટ્ટી સાંભળ્યા કરે છે. એ એનો આનંદ છે. એની દિનચર્યા પણ રેડિયોમાં પ્રસારિત થતા અલગ – અલગ કાર્યક્રમોના કાંટે ગોઠવાયેલી છે.
એમનો પરિણિત દીકરો સર્વનન નોકરી કરે છે પણ એ જ્યારે ઘરમાં આવે ત્યારે સતત ચાલતો રેડિયોનો ‘ ઘોંઘાટ ‘ એને જરાય પસંદ નથી. પિતા જોડે એને કોઈ સંવાદનો સેતુ નથી પણ એ મા લક્ષ્મી દ્વારા પોતાનો બળાપો પિતા સુધી પહોંચાડતો રહે છે. એ એમ માને છે કે ઘરનું ઊંચું વીજળી બિલ પણ આ રેડિયોના પાપે આવે છે.
અરુણાચલમ માટે રેડિયો માત્ર મનોરંજન નહીં, એમના મૃત પિતાની જીવંત સ્મૃતિ પણ છે કારણ કે એમની માએ ઘરખર્ચમાંથી પાઈ – પાઈની બચત કરી આ રેડિયો એમના પિતા માટે ખરીદેલો. ભાડાના ઘરની દીવાલ પર એમનો પિતા અને રેડિયો સાથેનો એક શ્વેત – શ્યામ ફોટો પણ ટાંગેલો છે. મા એ રેડિયો સાથે સંકળાયેલા પતિના લાગણી – તંતુઓને સુપેરે પિછાણે છે.
એક દિવસ દીકરો ભયંકર ગુસ્સામાં આવી રેડિયો ઉપાડી ભોંય પર પછાડે છે. રેડિયોના ટુકડે ટુકડા અને સાથે પિતાના મનના પણ ! એ રડી પડવા સિવાય કશું ઉચ્ચારતા નથી. દીકરો ઘુંઆ – ફુંઆં ઘર છોડી પત્ની સાથે રહેવા સાસરે જતો રહે છે.
આ ઘટનાને વર્ષો વીતે છે. અરુણાચલમની દુનિયા બદલાઈ ગઈ છે. એ હવે પ્રાઈવેટ મિલમાં નોકરી કરે છે. દરરોજ સાયકલ લઈને જાય છે.  દીકરો પાછો આવ્યો નથી. મિલમાં સાથે એમનો જિગરી મિત્ર સુબ્રમણ્યમ પણ નોકરી કરે છે. પતિપત્ની નવા સંજોગોમાં ગોઠવાઈ ચૂક્યા છે. મકાનમાં નીચલા માળે રહેતા ભાડુઆતના નાનકડા દીકરા અશ્વિન સાથે અરુણાચલમને દોસ્તી છે. રેડિયો ગુમાવ્યાનું દુખ એમની માંહે હજુ ક્યાંક પડેલું છે.
એકવાર એક વાણંદની દુકાનમાં એમની પાસે હતો એવો જ જૂનો રેડિયો જોતાં એમને યાદ આવે છે કે પોતાના તૂટેલા રેડિયોના ભંગારને એમણે એક પોટલીમાં સાચવી રાખેલ છે. એ પોટલી લઈને એક શો-રુમમાં એને રિપેર કરાવવાની આશાએ જાય છે પણ આવું કામ હવે કોઈ કરે ? એ કરતાં નવો લેવાય, પણ લાગણીઓ કોણ સમજે ?
ઘરમાં હવે ટીવી છે. લક્ષ્મી પતિનું મન પારખી એમને ટ્રાંઝીસ્ટર રેડિયો મંગાવી આપે છે પણ એમને એ અવાજ અને વિશેષ તો એ સ્પર્શ સ્હેજેય ગમતો નથી. ક્યારેક પત્ની સુઈ ગઈ હોય કે વ્યસ્ત હોય ત્યારે એ ચુપચાપ ઘરનો ભારેખમ કબાટ ખસેડી એની પાછળની એ જૂની જગ્યા પસવાર્યે રાખે છે જ્યાં એક સમયે એમનો પ્રિય રેડિયો વાગતો રહેતો.
એ હવે બહેરાશનું મશીન વાપરે છે પણ એ મશીનનો પ્લગ કાનમાંથી કાઢતાં એમને રેડિયોના – ભૂતકાળના અવાજો સંભળાય છે સતત. કાનના ડોક્ટર કહે છે કે આ કાનનો નહીં પણ માનસિક રોગ છે પણ જો એમને એ અવાજો સાંભળવા ગમતા હોય તો સારવારની જરૂર શું છે ?
પુત્ર ક્યારેક માને મળવા ઘરે આવે છે પણ ઉતાવળે ચાલ્યો જાય. એને હવે એક નાનકડી દીકરી છે. એકવાર એ દીકરીને થોડાક દિવસ દાદા-દાદી પાસે મૂકી જાય છે. એમને તો જાણે વસંત આવી ! દાદા હોંશે – હોંશે પોતાને સંભળાતા રેડિયોનો અવાજો પૌત્રીને પણ સંભળાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જુએ છે. કમનસીબે, એકવાર પોતાના કાલ્પનિક અવાજોમાં લીન અરુણાચલમથી ધ્યાનચૂક થતાં પૌત્રીને એક કારચાલકની બેદરકારીથી મામૂલી ઈજા થાય છે. દીકરા સર્વનનને ફરી એકવાર પિતાની આ ‘ અક્ષમ્ય ભૂલ ‘ કઠે છે.
ફિલ્મના અંતે દીકરો મૂળ તો માને પણ કમને પિતાને પણ પોતાના ઘરે લઈ જવા આવે છે પણ લક્ષ્મી મક્કમતાપૂર્વક એમ કહી એને પાછો વાળે છે કે અમે અમારી રીતે સુખી છીએ. આથી વધારે સુખી થવું નથી !
ફિલ્મના અનેક નાના – નાના પ્રસંગો ફિલ્મની કથાને અને વિશેષ કરીને અરુણાચલમ અને લક્ષ્મીના ચરિત્રોને વધુ સુરેખ બનાવે છે. જેમ કે સાયકલ પર નોકરીએ જતા અરુણાચલમનું રસ્તામાં ડબલરોટી ખરીદીને નિયમિત રીતે એક ભિખારીને આપવું ( ‘ લે આ તારા નસીબનું ‘ ), બન્ને મિત્રોના દરિયાકિનારાની બેંચ પર બેસી ગપાટા હાંકવા અને અરુણાચલમનું પૌત્રી સાથે છેક બાળક બની જવું.
ફિલ્મમાં પોંડીચેરી શહેર, એના ગલી – મહોલ્લાઓ ત્યાંનો દરિયાકિનારો આબાદ ઝીલાયા છે. રિચાર્ડ ફોર્ડનું સંગીત ફિલ્મના વાતાવરણને પૂર્ણત: પોષે છે.
ફિલ્મને ૨૦૧૫ ના બૂસાન ( દક્ષિણ કોરિયા ) આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં ઓડિયંસ મતદાન અનુસાર શ્રેષ્ઠ ફિલ્મનું પારિતોષિક એનાયત થયેલું. ફિલ્મના સ્ક્રીનીંગ દરમિયાન પ્રેક્ષકાગારમાં અનેક દર્શકો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતા હતા. દેશ ભલે અલગ હોય, સંવેદનાઓ બધે સરખી ! એ પછી પણ આ ફિલ્મને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે.
દિગ્દર્શક હરિ વિશ્વનાથે ( ફોટો ) એ પછી ૨૦૨૧ માં એક અનોખી હિંદી ફિલ્મ બાંસુરી, ધ ફ્લ્યુટ પણ બનાવી છે.
રેડિયો પેટ્ટી યુટ્યૂબ ઉપર અંગ્રેજી સબટાઈટલ્સ સહિત અહીં ઉપલબ્ધ છે :

https://youtu.be/W9w5TcxDtH4?si=G-qHylVj9nWJuaYd


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.