હિમાદ્રી આચાર્ય દવે
નયન એથી લાગે નિરાળા અમારા
વસે આંખમાં કંઈક સપના તમારા!
પરસ્પર છે હોવાપણુ આપણું આ
તમે ઊંડા સાગર અમે તો કિનારા!
કરી દૂર ખાટું, હું મીઠું જ આપું
છું શબરી તમારી, તમે રામ મારા!
અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!
તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!
**
:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ
Beauty Is in The Eye of The Beholder.
હજી એ નિરાળા સપનાની રંગીન દુનિયામાં ભાવક પ્રવેશે તે પહેલાં તો તરત જ બીજો શેર સાગર અને કિનારાનું રમ્ય છતાં વિરોધાભાસી દૄશ્ય ઉપસાવે છે, એમ કહીને કેઃ
પરસ્પર છે હોવાપણું આપણું આ.
તમે ઊંડા સાગર અમે તો કિનારા!
અહીં એકસામટા ઘણા અર્થો ઊમટે છે. એકમેકથી અલગ હોવા છતાં સ્ત્રી-પુરુષના અવિનાભાવની આ વાત છે? કે તફાવતની ફરિયાદનો સૂર છે? સાગર જેવી, અંદર ઘણું સમાવતી ઊંડી વ્યક્તિની વાત છે? કે પછી ત્રીજા શેરમાં પ્રગટે છે તે, શિવ થકી જીવ હોવાના, એ રીતે પરસ્પરના હોવાપણાંનો ઊંચેરો અર્થ છે?
કરી દૂર ખાટું, હું મીઠું જ આપું.
“ છું શબરી તમારી, તમે રામ મારા! “
અહીં સ્વાભાવિક રીતે જ કવયિત્રીએ સ્થૂળથી સુક્ષ્મ પ્રેમનો ભાવ વ્યક્ત કર્યો છે. કંકુ જ્યારે પાણીમાં પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ નથી રાખતું. એ પાણી મટીને કંકુ બની જાય છે. પ્રેમનું સાચું રૂપ એ જ છે અને તર્પણ પણ એ જ હોઈ શકે. મને શું મળે છે તે મહત્ત્વનું નથી. મારે શું આપવું છે તે અગત્યનું છે. ચાખી ચાખીને ખાટાં બોર દૂર કરી રામ માટે મીઠાં જ બોર ધરવાની શબરી જેવી લાગણી એ જ ખરી ભાવના. એમ બને તો જ અને ત્યારે જ કહી શકાય કે,
અચળ આપણો યુગયુગોનો છે નાતો
તમે છો ગગન ને અમે ધ્રુવ તારા!
યુગયુગોના તાંતણા કોઈપણની સાથે અનુભવી શકાય,પછી એ વ્યક્તિ હોય કે ઈશ્વર, ગગન હો કે સિતારા, વૃક્ષવેલી, નદી,સાગર, પર્વત, ખીણ- જડચેતન દરેક અવસ્થામાં ‘સ્નેહની કડી સર્વથી વડી’ એ નિર્વિવાદ સત્ય છે. આ શેરમાં ‘નાતો’ શબ્દની સાથે સહેતુક વપરાયેલ ‘અચળ’ વિશેષણ ઈશ્કે હકીકીની લાલિમા પાથરી દે છે. અહીં મને મારો એક શેર યાદ આવે છેઃ
નથી છતાં તું છે અહીં, બધે છતાં કહીં નહી.
ભીતર છે અંશ શિવ તણા, ન જીવ જાણે અંત લગી.
છેલ્લા અને પાંચમાં શેરમાં કવયિત્રીએ ગૂઢ વાત કરી છે. જે આપણને ઊંચા આસને બેસાડે છે તેના તરફ પૂજનીય ભાવ, તેની કૃપા દૃષ્ટિની અવિરત આરઝુ, ઝંખના. એકતરફ જે જોઈએ તે બધું જ આપણને મળે છે, ક્યાંય કશી પણ ખોટ કે અભાવ ન હોય ત્યારે પણ સતત એક ભાવ જાગતો રહે છે અને તે, એની અમી નજર.
તમે અમને ઊંચાઈ આપી અનેરી
શિખર જાણે પૂજે છે નીચા મિનારા!
સઘળું આપી દઈને કોઈ પૂજનીય ભાવ જગાડે અને અકબંધ રહેવા દે એ કેવી ખૂબી! કેવું બારીક નક્શીકામ?. અહીં પણ ઊંચા શિખર અને નીચા મિનારાનાં વિરોધી પ્રતિકો દ્વારા શ્લેશ અલંકાર જેવો બેવડો અર્થ ઉપસે છે. એક તો પોતાને બધું મળી ગયું છે તેનો અહોભાવ, આપનાર નીચે કે દૂર કેમ તેની મીઠી ફરિયાદ અને આ બંનેની વચ્ચે ભીતરની એક ઝંખના! સતત એનો સાથ અને એની જ પૂજા. વાહ..
મુત્કારિબ છંદના ૨૦ માત્રામાં લખાયેલ આ ગઝલ આશિક-માશુકાના ઇશ્કેમિજાજીથી શરૂ થઈ ઇશ્કેહકીકી તરફ ઢળી વિરમે છે. સાદ્યંત શુદ્ધ છંદમાં ગૂંથાઈ છે તે પણ એનું જમા પાસું છે.
આ કલમ વધુ ને વધુ વિકસતી રહે અને કાવ્યતત્ત્વથી સભર થતી રહે એવી શુભેચ્છા સાથે આવકાર અને અભિનંદન.
