તવારીખની તેજછાયા

  • ડિસેમ્બર, ૧૯૭૩ : આઝાદી પછીનું કદાચ એ પહેલંુ એવું આંદોલન હતું, જેમાં રાજ્ય સરકારે ખુરશી ખાલી કરવી પડી હતી
  • તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ
  • નવ નિર્માણ આંદોલનનાં પચાસ વરસ એ આગળ જવા સારુ પાછળ નજર કરવાનો અવસર છે. કાનૂની સાર્વભૌમ પર રાજકીય સાર્વભૌમની સત્તાનો સિદ્ધાંત એણે ઘૂંટ્યો હતો.

પ્રકાશ ન. શાહ

તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ: ૧૯૭૪ના ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું છે અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં હરિવંશરાય બચ્ચનની આ સલામી પંક્તિઓ સાથે એક બુઝુર્ગે વાત માંડી છે. આરંભે કદાચ ક્ષીણ લાગતો આ અવાજ સામે છલકાતા છાત્રયુવા મહેરામણની આંખ શું આંખ પ્રોવતો એકદમ ખૂલવા લાગે છે, કેમ કે ખરી દૂંટીનો એ અવાજ જયપ્રકાશ નારાયણનો છે. એ જયપ્રકાશનો જેણે ગુજરાતની તરુણાઈના તેડ્યા સ્વરાજ આગમચ પાંચ જ દિવસ પર, દસમી ઓગસ્ટે, ગુજરાત કોલેજમાં શહીદ વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકી હતી. શું હતું જેપીનું નિમિત્ત? નવ નિર્માણ આંદોલનના વાસંતી ઉદ્રેક સાથે, જોઈએ તો જયપ્રકાશને હાઈજેક કરી લાવો એવા છાત્રયુવા સાદ સાથે, ‘રવિશંકર મહારાજનો સંદેશ એટલે આદેશ’, એવા હૃદયભાવ સાથે એ આવી પુગ્યા હતા. ગુજરાતના યુવજન સૌ રણે ચડ્યા એનો બુંગિયો અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડબિલના આકરા વધારા થકી (એમાંથી ઢેકો કાઢતા ભ્રષ્ટાચાર ને મોંઘવારીના એકંદર માહોલ થકી) બજ્યો હતો. પૂર્વે મોરબીની એન્જિનિયરિંગ કોલેજે પણ આવા કોક મુદ્દે યુવા અજંપો પ્રગટ કીધો હતો અને પોલીસ દમન વહોર્યું હતું.

પણ અમદાવાદના કેન્દ્રવર્તી સ્થાને વ્યાપક ગુજરાતમાં વમળો જગવ્યાં હતાં અને યુનિ. સિન્ડિકેટના વિદ્યાર્થી સભ્ય મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વમાં કંઈક સ્વયંભૂ એવો લોકઉદ્રેક પ્રગટ થવા લાગ્યો હતો. છાત્રયુવા અજંપો ને મધ્યમવર્ગી પ્રતિક્રિયા એકત્ર આવી રહ્યાં હતાં અને 14 ઓગસ્ટ શ્રમજીવી હિલચાલોનોયે એમાં હિસ્સો હશે સ્તો. જરી પાછળ જઈને એકંદર સિનાર્યો સંભારીશું? ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનની સાંસ્થાનિક પકડમાંથી મુક્ત કરી બાંગ્લાદેશનું નિર્માણ કર્યા બદલ ઈન્દિરા ગાંધીની પ્રતિમા ખાસી ઊંચકાઈ હતી ને ‘ગરીબી હટાવો’ના નારા સાથે નયી રોશનીની ચમકદમક પણ હતી. એમણે લોકસભાની મુદતવહેલેરી ચૂંટણી નાખી અને જ્વલંત ફતેહ હાંસલ કરી. પણ વળતે વરસે ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસી ઉમેદવાર પસંદગી બાબતે તેમ આંતરિક જૂથબંધીની સત્તામારી અંગે મધ્યમવર્ગની તીવ્ર પ્રતિક્રિયા હતી.

હજુ ૧૯૭૧માં તો લોકસભાની ચૂંટણી વખતે ઈન્દુલાલ યાજ્ઞિકે કોંગ્રેસના નિશાન પર અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. પણ ૧૯૭૨ના માર્ચમાં લોકસભામાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં મોહભંગનાં લક્ષણો દેખાતાં હતાં. જુલાઈમાં તો એ ગયા અને ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને શિકસ્ત આપીને અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવળંકર ચૂંટાઈ આવ્યા તેમાં ઈન્દિરાજી સામે પડકારનો મિજાજ ચોખ્ખો વરતાતો હતો.

૧૯૭૨ની ચૂંટણીમાં કોંગ્રેસે વિધાનસભામાં બહુમતી મેળ‌વી અને ઘનશ્યામ ઓઝા ઈન્દિરાનીમ્યા દંડનાયક પેઠે મુખ્યમંત્રી બન્યા. એમની પ્રતિભા જરૂર સારી હતી પણ જેમ જૂની કોંગ્રેસમાં ‘સર્વોચ્ચ’વાદ ચાલતો હતો તેવું આ નિમણૂકમાં જણાયું એથીયે લોકલાગણી કંઈક વંકાઈ. એને એક ઓર વળ અને આમળો ત્યારે મળ્યો જ્યારે પોતાના જ મુખ્યમંત્રીને ઉથલાવીને ચિમનભાઈ પટેલે સત્તા હાંસલ કરી. એમણે બહુમતી ઊભી કરવા ને સાબિત કરવા જ્યાં ધારાસભ્યોને એકઠા કર્યા તે પંચવટી ફાર્મને લોકજીભે ઓળખ પણ ચોંટડૂક મળી, પ્રપંચવટી! મોંઘ‌વારી, જૂથબંધી, ભ્રષ્ટાચારના આ માહોલ વચ્ચે એલ.ડી. એન્જિનિયરિંગ ઘટના ને પોલીસ પ્રતિક્રિયા સામે એકંદર જનરોષ બહાર આવ્યો અને જોતજોતામાં જંગલના દવની જેમ ગુજરાતવ્યાપી બની રહ્યો એની શરૂઆત ડિસેમ્બર ૧૯૭૩માં થઈ હતી.

આજે, ૨૦૨૩માં, પાછળ નજર કરીએ ત્યારે એની પચાસીએ શું સમજાય છે? યુવા ઉદ્રેકનું તત્કાળ નિમિત્ત જે પણ હોય, ૧૯૬૮માં યુરોપીય-અમેરિકી કેમ્પસો પરથી જે યુવા ઉન્મેષ પડમાં આવવા લાગ્યો હતો, કંઈક એની જેમ જ અહીં વર્તમાન સામે ફરિયાદ ને ભાવિ સુધારનો કાંઈક આંતરિક ધક્કો ખસૂસ હતો… કેવો મિજાજ હશે ત્યારે એનું એક ઉદાહરણ, કંઈક હટકે આપું? ‘જવાની દિવાની’ નામે ફિલ્મનું અવલોકન રાધેશ્યામ શર્માએ જુલાઈ ૧૯૭૩માં લખ્યું, એનું શીર્ષક હતું- ‘જવાની દિવાની’ : ખાનદાની ખૂન વર્સીસ યુવા વિદ્રોહ.

વ્યાપક પ્રજાવર્ગની સહાનુભૂતિ સાથે છાત્રયુવા આંદોલનમાં અધ્યાપકોનું જોડાવું એ પણ એક મોટી વાત હતી. પણ આંદોલન જેવું આગળ ‌વધ્યું અને કોંગ્રેસના જૂથગત નેતાપલટા માત્રે એણે અટકવું મુનાસીબ ન માન્યું ત્યારે અધ્યાપક મંડળ ખસી ગયું. એ પ્રજાકીય આંદોલન સાથે નહીં એટલું કોંગ્રેસનો આંતરિક સત્તામારીમાં એક જૂથ સાથે હતું.

વિધાનસભાના વિસર્જનની માંગ એક નિર્ણાયક મુદ્દો હતો. માર્ચના બીજા અઠવાડિયામાં મોરારજી દેસાઈએ આંદોલનની માંગના સમર્થનમાં અને હિંસાના વિરોધમાં અનશનનો રાહ લીધો અને ૧૫મી માર્ચે રાજ્યપાલના સલાહકાર સરીને એમને રૂબરૂ મળીને ખબર આપી કે કેન્દ્ર સરકાર વિધાનસભાના વિસર્જનમાં સંમત છે.

ખરું જોતાં બહુ જ ઉતાવળે અને કંઈક અછડતી વાત આ કરી છે. એંશી-પંચાસી દિવસના આ આંદોલનને ગોળીબારથી નીપજેલ ચાળીસથી વધુ મોત કે જાહેર નુકસાનીના આંકડામાં અગર તો ટૂંક સમયમાં ચારસોથી વધુ નવ નિર્માણ સમિતિઓ કાર્યરત થઈ એવી વિગતમાત્રમાં ખતવી ન શકાય. મુદ્દે, વિધાનસભા વિસર્જનની એની સફળ માંગે લોકશાહી રાજકારણમાં એક મહદ્ સિદ્ધાંત સ્થાપી આપ્યો કે કાનૂની સાર્વભૌમ (સરકાર) પર આખરી સત્તા રાજકીય સાર્વભૌમ એટલે કે લોકોની છે. સાંકડા રાજકીય-શાસકીય માળખાની બહારથી આવેલી લોકપહેલનો આ ચમકારો તે જયપ્રકાશને મળેલો ‘પ્રકાશ’ હતો. બિહાર આંદોલન ઉપડ્યું એના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, ઓક્ટોબર ૧૯૭૪માં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વ હેઠળની રેલીમાં, ક્યારે ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી સાથે પગપાળા ચાલતા મિત્રોમાં વડનગરના વસંત પરીખે મજાનું સૂત્ર આપ્યું હતું: ‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ…’એ બધી વાતો વળી ક્યારેક, યથાપ્રસંગ.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.