ફિર દેખો યારોં

બીરેન કોઠારી

ઘટના ભલે ગુજરાતની નથી, કેરળની છે, પણ આનંદદાયક અને વિશિષ્ટ કહી શકાય એવી છે. ઝાઝું રહસ્ય ઊભું કર્યા વિના કે મોણ નાખ્યા વિના પહેલાં એ ઘટનાની વાત, અને એ પછી તેની પૃષ્ઠભૂમિ વિશે. કેરળના કોઝીકોડ એટલે કે અગાઉ કાલીકટ તરીકે ઓળખાતા શહેરને ‘યુનેસ્કો’ દ્વારા ‘સીટી ઑફ લિટરેચર’નું તેમજ મધ્ય પ્રદેશના ગ્વાલિઅર શહેરને ‘સીટી ઑફ મ્યુઝિક’ બિરુદ પ્રાપ્ત થયું છે.

તસવીર: નેટ પરથી

‘યુનેસ્કો ક્રિએટીવ સિટીઝ નેટવર્ક’ (યુ.સી.સી.એ.) અંતર્ગત ૨૦૦૪થી એવાં વિવિધ શહેરો વચ્ચેના સહયોગને ઉત્તેજન આપવા માટે આરંભાયેલું અભિયાન છે કે જેમણે શહેરી વિકાસ માટે પોતાની ઓળખ તરીકે સર્જનાત્મક પરિબળને આગળ ધર્યું હોય. વિશ્વભરનાં સો દેશોમાં આવાં ૩૫૦ શહેરોનો સમાવેશ થાય છે.

કોઈ વિદેશી સંસ્થા આપણી ટીકા કરે તો તેની અધિકૃતતા વિશે જ શંકા ઉઠાવવી અને તે આપણને પ્રમાણપત્ર આપે તો એ ગળે લટકાવીને ફરવું એવા સામાન્ય બની રહેલા વલણને બાજુએ મૂકીને કોઝીકોડને મળેલા આ વિશિષ્ટ સન્માન અંગે જાણવા જેવું છે. વિકાસની આંધળી દોટ હજી શરૂ થઈ નહોતી એવે સમયે પ્રત્યેક શહેરની આગવી ઓળખ હતી. વિકાસ પછી આવાં શહેરો એકવિધ બનતાં રહ્યાં છે. અલબત્ત, તેમનું આગવાપણું સાવ નાબૂદ નથી થયું, પણ ઘણે અંશે જવા લાગ્યું છે. એમાં પણ બી.આર.ટી; મેટ્રો રેલ્વે જેવી પરિવહન સુવિધાના આગમનથી શહેર ભૂગોળ તેમજ તેનાં સીમાચિહ્નો સાવ બદલાઈ ગયાં છે.

કોઝીકોડ શહેરની વસતિ અંદાજિત ૫.૯૪ લાખ છે. પાંચસોથી વધુ જાહેર ગ્રંથાલયો, અનેક પુસ્તકવિક્રેતાઓ, પ્રકાશકો, કળા, રાજકારણ સહિત અનેક વિષયો પર અનૌપચારિક ચર્ચા કરતી કોલાયાના મેળાવડાની ઉજ્જ્વળ પરંપરા, વખતોવખત યોજાતા પુસ્તકમેળા જેવાં અનેક પરિબળો આ શહેરને પ્રાપ્ત થયેલા ‘સાહિત્યનગરી’ના બિરુદ માટે જવાબદાર છે. આ વિસ્તારના વી.મુહમ્મદ બશીર, એમ.ટી.વી.નાયર, પી.વલ્સલ જેવા સાહિત્યકારો દેશભરમાં જાણીતા છે. પણ શહેરના વિકાસ અને આયોજન વેળા તેમાં સર્જકતાને, તેની મુખ્ય ઓળખ એવા સાહિત્યને કેન્‍દ્રમાં રખાયું છે.

કોઝીકોડની કોલાયા પરંપરા વિશિષ્ટ છે. ઘરના વરંડામાં જ સમરસિયાઓ એકઠા થાય અને વિવિધ વિષયોની ચર્ચા મંડાય. દર સપ્તાહે યોજાતી આ બેઠકપરંપરા એક સમયે કોલકાતાનાં કૉફી હાઉસોમાં ભરાતા મેળાવડાની યાદ અપાવે. કળા અને સાહિત્યની વિવિધ પરંપરા અહીં વખતોવખત શરૂ થઈ, દૃઢ થઈ, પણ એમાંની મોટા ભાગની હજી ચાલી રહી છે એ મહત્ત્વની બાબત છે.

ગુજરાતમાં ભાવનગર, વડોદરા જેવાં શહેરો ક્યારેક સંસ્કારનગરી કહેવાતાં હતાં કે નડીયાદ જેવું નગર સાક્ષરભૂમિ તરીકે ખ્યાત હતું. ભરૂચનું પણ એક આગવું સ્થાન હતું. એક સમયે આ શહેરોમાં કળા અને સાહિત્યને પોષક વાતાવરણ હતું, પણ બન્ને શહેરોની પ્રવર્તમાન સ્થિતિ સાવ જુદી છે. તેમની એ જૂની ઓળખ હવે સ્મૃતિમાં રહી ગઈ છે. કોઝીકોડ સાથે સરખામણી કરવાનો સવાલ નથી, પણ ગુજરાતમાં સાહિત્ય અને સાહિત્યકારોની એક સમયની ઉજ્જ્વળ પરંપરા શા કારણે ભૂતકાળ બની ગઈ? એ માટે જવાબદાર કોણ? સાહિત્યકાર? સરકાર? કે લોકો? અત્યારે પચાસ પાર કરી ચૂકેલી કોઈ પણ વ્યક્તિ અગિયારમા કે બારમા ધોરણમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીનું ગુજરાતીનું મૂળભૂત જ્ઞાન જુએ તો આઘાતથી છળી મરે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર માતૃભાષાનું ગૌરવ લેતા, સાહિત્યિક કાર્યક્રમોમાં હાજરી આપીને સાહિત્યકારો સાથે સેલ્ફી પડાવવામાં ગૌરવ અનુભવતા, ‘આવા બધામાં આપણને બહુ રસ’નું ગાન ગાતા આપણા નાગરિકોના ધ્યાનમાં હજી સુધી આ વાત આવી કેમ નથી એ નવાઈની વાત છે. જૂજ અપવાદ સિવાય સાહિત્યકારોનાં કોઈ સ્મારક નથી અને જો છે તો બિસ્માર તેમજ જર્જરિત અવસ્થામાં છે. વારસાના સાચવણની સૂઝ આપણું પ્રજાકીય લક્ષણ નથી.

એક સમયે નાનાં, મધ્યમ કે મોટાં નગરોમાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધબકતી રહેતી. સાહિત્યકારો અને સાહિત્યરસિકોની આખી પેઢી તેના દ્વારા ઘડાઈ છે. આવી પ્રવૃત્તિઓ છૂટીછવાઈ હજી થઈ રહી હશે, પણ તેની ધરી બદલાઈ ગઈ છે. કાં તે પરસ્પરની પીઠ ખંજવાળવાનું માધ્યમ બની રહી છે, કાં તે ધર્માશ્રયી કે રાજ્યાશ્રયી બની રહી છે. સાહિત્યિક મેળાવડા કે પુસ્તકમેળા ગુજરાતમાં છાશવારે યોજાતા રહે છે, પણ તેમાં મુખ્ય આકર્ષણ ખાણીપીણીનું બની રહે છે. લેખન સાથે સંકળાયેલો મોટો વર્ગ પોતાના ચાહકોને ‘અંકે કરવામાં’ ઈતિશ્રી માને છે કે પોતે કોઈક બાપુ, ગુરુ કે એવું જ ઉપનામ ધરાવતી સાંપ્રદાયિક ઓળખ ધરાવતી વ્યક્તિનો ‘ચાહક’ હોવાનું છાપરે ચડીને પોકારે છે.

અમદાવાદમાં એક સમયે બચુભાઈ રાવત ‘બુધવારિયું’ તરીકે ઓળખાતા, દર બુધવારે યોજાતા કવિમિલનની બેઠકો નિયમિતપણે યોજતા, જેમાં અનેક કવિઓ ઘડાયા છે. વર્તમાન સમય એવો છે કે શું રાજકારણ કે શું સાહિત્ય, ઘોંઘાટ ઘણો છે, પણ સંવાદ ક્યાંય નથી કે નથી સ્વસ્થ ચર્ચાનો માહોલ. સાહિત્યકારો રાજકારણીઓની કૃપાદૃષ્ટિ માટે લાલાયિત હોય, તો રાજકારણીઓ સાહિત્યના મેળાવડા શોભાવતા જોવા મળે.

ગુજરાતીમાં રોજેરોજ કેટલાંય પુસ્તકો પ્રકાશિત થતાં હશે, છતાં તે લોકોમાં વાંચનપ્રેમને સંકોરી શકતો નથી. અપવાદને બાદ કરતાં ગુજરાતનાં મોટા ભાગનાં પુસ્તકાલયો સરકારી અનુદાન પર નભી રહ્યાં છે. એ જ રીતે અનેક પ્રકાશકો પુસ્તકાલયને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરી રહ્યાં છે. ગુજરાતીમાં વાચક અને પ્રકાશકને જોડતો સેતુ બનવાનો આરંભ થયો છે કે કેમ એ જ ખબર નથી.

ગુજરાત અને ગુજરાતીના આવા માહોલમાં કેરળના કોઝીકોડને ‘સાહિત્યનગરી’નું બિરુદ મળે એ આનંદદાયક તો છે જ, પ્રેરણાદાયી પણ કહી શકાય. એ યાદ રાખવું રહ્યું કે મહત્ત્વ એ નથી કે આ સન્માન ‘યુનેસ્કો’ દ્વારા પ્રાપ્ત થયું છે. આ શહેરની ઉજ્જ્વળ સાહિત્યિક પરંપરા પોંખાઈ છે એ વધુ મહત્ત્વનું છે. ચાહે એ પોંખનાર કોઈ પણ હોય!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)