મંજૂષા

વીનેશ અંતાણી

લીડરશિપના ખ્યાલોમાં પરિવર્તન આવી રહ્યું છે. હવે કલેક્ટિવ લીડરશિપનો ખ્યાલ વિકસ્યો છે.

સિત્તેર વર્ષ પહેલાંની વાત છે. એક ગામના થોડા છોકરા રોજ સાંજે એમની શેરીમાં ક્રિકેટ રમતા. ગામના સુતારે બનાવેલાં બેટ અને વિકેટ. રબરનો દડો. શેરીનો એક ઊંચો-જાડો દાધારંગો છોકરો જાતે એમનો નેતા બની બેઠો હતો. ઉંમરમાં મોટો. છોકરાઓ એની શેહમાં આવી ગયા હતા. એ કહે તે જ નિયમ. બોલ-બેટ વગેરેના ભાગે પડતા પૈસા આપતો નહીં. બેટિંગ કરતો હોય ત્યારે આઉટ થાય તો કહેતો કે નોટ આઉટ છે. એને અનુકૂળ આવે તેમ રમતના નિયમો બદલાવી નાખતો. કોઈ છોકરો એનો વિરોધ કરી શકતો નહીં.

એ જ શેરીમાં બિન્ધાસ્ત છોકરી રહેતી હતી. રોજ ઓટલા પર બેસી છોકરાઓની રમત જોતી. એક દિવસ દાધારંગા છોકરાની વિકેટને બોલ વાગ્યો છતાં એણે જાતે જ નો બોલ જાહેર કર્યો. છોકરીથી સહન ન થયું. એ એની સામે ઊભી રહી, ચલ, નીકળ, તું આઉટ છો. હવે મારી બેટિંગ. છોકરાએ કહ્યું: ‘તું છોરી છો, તારાથી છોરા ભેગું ન રમાય.’ છોકરીએ એના હાથમાંથી બેટ ખેંચી લીધું. છોકરાએ એને ધક્કો માર્યો. છોકરીએ એની બોચી પકડી લીધી, ‘ખબરદાર બીજી વાર મને હાથ અડાડ્યો છે તો!’ બીજા છોકરાઓને કહ્યું, ‘હાલો. બોલ નાખો.’ બધાએ એને બેટ પાછું આપવા સમજાવી. છોકરીએ શરત મૂકી, ‘મને રમાડો તો તમને રમવા દઈશ.’ લાંબી રકઝક પછી છોકરા તૈયાર થયા. છોકરીએ માથાભારે છોકરા સામે આંગળી ચીંધીને નવી શરત મૂકી: આને કાઢો તો જ હું રમીશ અને તમને રમવા દઈશ. બધાએ કબૂલ થવું પડ્યું. છોકરીએ બધાની સાથે મળી રમતના યોગ્ય નિયમો બનાવ્યા અને પેલાને રવાનો કર્યો.

વાત સામાન્ય છે પરંતુ એમાંથી નેતૃત્વ – લીડરશિપના ઘણા મુદ્દા સમજાય છે. કોઈ વ્યક્તિ એની મરજી મુજબ સંચાલન કરી શકે નહીં. કોઈ લીડર પોતાના જ લાભ માટે કાર્યવાહી કરતો હોય અને સાથીદારોને અન્યાય કરતો હોય તો મૂંગા મોઢે સહન કરાય નહીં. આ વાત પરિવારથી માંડી વિવિધ સંસ્થાઓ, નાનીથી મોટી કંપનીઓ અને રાજકારણ જેવાં બધાં ક્ષેત્રોને લાગુ પડે છે.

સૌથી અગત્યની બાબત એ કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાનો અધિકાર માત્ર પુરુષોને જ નથી. આજે અનેક મહિલાઓએ દરેક ક્ષેત્રમાં એમની કાબેલિયતથી આ વાત સાબિત કરી દીધી છે. સફળ નેતૃત્વ કળા છે. ઘણાં લોકોમાં એનાં બીજ અગાઉથી પડેલાં હોય છે, ઘણાં લોકો યોગ્ય તાલીમ અને અનુભવથી નેતૃત્વની કળા વિકસાવે છે. આજના ગળાકાપ સ્પર્ધાના સમયમાં નેતૃત્વના ગુણની ડગલે ને પગલે કસોટી થાય છે. એના નિર્ણયો અને સંચાલનની આવડત સામે પડકારો આવે છે.

આપણે કોઈ સંસ્થા કે કંપનીનો વિચાર કરીએ ત્યારે સામાન્ય રીતે આપણું ધ્યાન ટોચના નેતાઓ પર જ જાય છે. નીચેની હરોળના લોકો તરફ ધ્યાન જતું નથી. હવે એ માળખું જૂનવાણી થવા લાગ્યું છે.

લીડરશિપના ખ્યાલોમાં પરિવર્તન આવી રહ્યું છે. ઘણાં ક્ષેત્રોમાં કલેક્ટિવ લીડરશિપ – સહિયારું નેતૃત્વ –નો ખ્યાલ વિકસ્યો છે. સહિયારું નેતૃત્વ એટલે અલગઅલગ પ્રકારની નિપૂણતા ધરાવતા લોકો સાથે મળીને સંસ્થાના હિતમાં નિર્ણયો લે એવું માળખું. દરેકની ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને એમણે એમના વિભાગની સંપૂર્ણ જવાબદારી ઉપાડવાની હોય છે. ઘણી કંપનીઓમાં નીચેની પાયરીએ કામ કરતા લોકોને પણ નેતૃત્વની તાલીમ આપવાનું વલણ વધ્યું છે, જેથી દરેકમાં નેતૃત્વની ભાવના વિકસે અને સમય આવે ત્યારે જાતે નિર્ણય લઈ શકે.

તાજેતરમાં સંપન્ન થયેલા વન ડે ક્રિકેટના વર્લ્ડ કપની રમતો દરમિયાન ભારતના યશસ્વી ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાને એક પત્રકારે એવા મતલબનો સવાલ પૂછ્યો કે એમને ટીમના કેપ્ટન થવું ગમે કે કેમ? જાડેજાએ પહેલાં હળવાશમાં જવાબ આપ્યો કે ચોક્કસ ગમે, પછી ઉમેર્યું: ‘હું કેપ્ટન નથી પણ મારી પ્રથમ મેચથી કેપ્ટનની જેમ જ વિચારું છું.’ એ કહેવા માગતા હતા કે રમતમાં ઊભી થતી પરિસ્થિતિ પ્રમાણે દરેક ખેલાડીએ ચોક્કસ સમયે ટીમના હિતમાં જાતે નિર્ણય લેવા પડે છે. ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ એકથી વધારે વાર જણાવ્યું હતું કે ભારતની ટીમના દરેક ખેલાડી એમણે શું કરવું તે જાણે છે. અફઘાનિસ્તાન સામેની એક મેચમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય નિશ્ચિત હતો ત્યારે બેટર મેક્સવેલ ઇજાગ્રસ્ત હતો છતાં એણે બસો રન બનાવીને એકલા હાથે ટીમને વિજય અપાવ્યો. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ એની સાથે ક્રિઝ પર હતો છતાં મેચના એ તબક્કે મેક્સવેલે જ બધા નિર્ણય લીધા હતા.

લશ્કરમાં પણ જવાનોને એમનાથી ઉપરની પાયરીની તાલીમ આપવામાં આવે છે, જેથી સમય આવે ત્યારે તેઓ ચાલુ યુદ્ધે સિનિયરનું સ્થાન લઈ શકે. આ અભિગમ કોઈ પણ ક્ષેત્રની ટીમ માટે આવશ્યક છે. કોરોના સમયમાં લોકડાઉન વખતે વર્ક ફ્રોમ હોમની પ્રથા શરૂ થઈ પછી અલગ પ્રકારનું વર્ક કલ્ચર ઊભું થયું છે. એક સમયે એક જ છત નીચે ઓફિસરની કડક નિગરાનીમાં કામ કરવાનું રહ્યું નથી. ઘેરથી જ કામ કરતા લોકોની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાના અભિગમમાં બદલાવ જરૂરી છે. નિષ્ઠાની સાથે સ્વયંશિસ્તની ભાવના વિકસે તો કાર્ય પ્રત્યે પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાય અને સફળતા મળવી સહેલી થઈ જાય. પોતે જ પોતાના નેતા બનીએ.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.