હકારાત્મક અભિગમ

રાજુલ કૌશિક

એક સત્ય ઘટનાની વાત છે.

રાજકીય કારણોસર જર્મનીના બે ભાગ પડી ગયા હતા અને પૂર્વ જર્મની- પશ્ચિમ જર્મની વચ્ચે એક તોતિંગ દિવાલ બનાવી દેવામાં આવી.

જ્યારે બે પરિવાર વચ્ચેની વાત હોય ત્યારે ક્યાંક લાગણીમાં ઓટ આવી હોય કે ક્યાંક લાગણીઓ ઘવાઈ હોય, લાગણીઓને ઠેસ પહોંચી હોય અથવા તો જર- જમીનના ઝગડાએ પણ આ સ્થિતિ ઊભી થઈ હોય પરંતુ જ્યારે બે વિસ્તાર વચ્ચે જો દિવાલ ઊભી થઈ હોય ત્યારે એના મૂળ રાજકીય હોવાના અને એમાં ક્યાંય કોઇ તડજોડની શક્યતા નહીંવત જ હોવાની.

બન્યું એવું કે એક દિવસ પૂર્વ જર્મનીના કેટલાક લોકોએ એક ટ્રક ભરીને કચરો- ગંદકી દિવાલની બીજી તરફ- પશ્ચિમ જર્મનીમાં ઠલવી દીધો.

હવે આના જવાબમાં પશ્ચિમ જર્મનીના લોકોએ શું કર્યું? સ્વભાવિક છે કે ઈંટનો જવાબ પત્થરથી જ આપ્યો હોય ને? એક તરફના લોકોએ ટ્રક ભરીને ગંદકી ઠાલવી તો બીજી તરફના લોકોએ બે ટ્રક કે એથી વધુ ગંદકી જ ઠાલવી હોય ને?

પણ ના! એવું ના બન્યું. સામાન્ય ધારણાથી સાવ અલગ જ જવાબ પશ્ચિમ જર્મનીવાળાએ આપ્યો. એમણે ફ્રુટ, બ્રેડ, દૂધ અને જીવન જરૂરિયાતની સારી એવી વસ્તુઓ ભરેલી ટ્રક પૂર્વ જર્મનીની દિવાલને અડીને વ્યવસ્થિત ગોઠવી દીધી અને ઉપર એક બોર્ડ મુક્યું જેની પર લખ્યું હતું …….. “ જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે.”

કેટલી સાચી વાત સાવ જ સ્વભાવિક અને સરસ રીતે દર્શાવી દીધી !

આપણી પાસે શું છે?

પ્રેમ કે તિરસ્કાર ?

સર્જનાત્મકતા કે વિધ્વંસતા?

સકારાત્મકતા કે નકારાત્મકતા?

કોઇપણ સંજોગોમાં આપણે આપણી સારપ સાચવી જાણીએ છીએ ખરા? સામેની વ્યક્તિની જે પ્રકૃતિ હોય આપણી સ્વસ્થતા જાળવી શકીએ છીએ ખરા? ખોટા કે ખરાબ થવું કદાચ સરળ છે પરંતુ સાચા કે સારા નિવડવા જેટલી સમજ કેળવી શકીએ છીએ ખરા?


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.