પારુલ ખખ્ખર

  આજે વાત કરવી છે એક એવા અનોખા બંધનની જે બાંધવા જતાં છૂટી જાય છે અને છૂટ્ટુ મૂકો તો સરળતાથી બંધાઇ જાય છે! આ બંધન એટલે લગ્નનું બંધન. લગ્ન વિશે દુનિયાભરના લેખકોએ ચિક્કાર લખ્યું છે. જેના વિશે અઢળક વિધાનો થયા છે, અઢળક સંવાદો અને વિવાદો થયાં છે તો પણ પૂરેપૂરો જાણી નથી શકાયો એવો આ કોયડો એટલે લગ્ન! લગ્નને એક બેડી કહેનારા લોકો જ હોંશેહોંશે ઘોડે ચડી જતાં હોય છે. આ લાકડાંનો લાડૂ એવો તો આકર્ષક છે કે ભલભલા એનો સ્વાદ ચાખ્યા વગર નથી રહી શકતાં. ખાનારા પણ પસ્તાય અને ન ખાનારા પણ પસ્તાય એવી આ વાનગી કોઈકને મધથીય મીઠી લાગે છે તો કોઈનાં દાંત ખાટા કરી નાંખે છે. મજાક બાજુ પર મૂકીને વિચારીએ કે લગ્ન એટલે કેવો સંબંધ? તો એમ કહી શકાય કે ‘લગ્નસંબંધ’ એટલે એવો સંબંધ કે જેની શરુઆત તો ધામધૂમથી થાય પરંતુ સમયની આંધીમાં એમાં રહેલો ઝગમગાટ ઝાંખો પડતો લાગે, લાગણીઓ નામશેષ થતી હોય એવું લાગે. પણ શું ખરેખર એવું હોય છે? ચાલો તપાસીએ..

ક્યારેક જાતે શોધેલા તો ક્યારેક પરિવારે શોધેલા પાત્ર સાથે લોકો પરણી જતાં હોય છે. પણ જીવનસાથી બનવાની શરુઆત તો સુહાગરાત પછીની સવારથી થતી હોય છે ! આ  એક અજીબોગરીબ પ્રેમદાસ્તાન છે. આ એક એક અનોખુ પ્રકરણ છે ! આ સંબંધ ઉલ્ટા ક્રમે ચાલે છે. આમાં તનગમતાથી શરુ થઇ મનગમતા થવા સુધીની સફર ખેડવાની હોય છે . અહીંયા હરણફાળે એકબીજાનાં દિલમાં સ્થાન નથી બનાવી શકાતું કાચબાની જેમ ધીમે ધીમે ભાંખોડિયા ભરતા ભરતા એકબીજાને ગમતાં થવાનું હોય છે.

‘ઇડરિયો ગઢ જીત્યારે…’ કહીને એક છોડને આખેઆખો મૂળસોતો લઇ આવવાની ઘટના એટલે લગ્ન ! એ છોડ ફરીથી કોઇ અજાણ પ્રદેશની અજાણ માટીમાં રોપાય છે. અજાણ્યુ પાણી. ને અજાણ્યો માળી ! ક્યારેક મરુભૂમિનો થોર કાશ્મીરના બગીચામાં…તો ક્યારેક દરિયાકિનારાની નાળિયેરી આસામનાં જંગલોમાં રોપાય. ક્યારેક ગુજરાતનો કેસૂડો રામેશ્વરમાં રોપાય તો ક્યારેક કેરાલાની એલચી રાજસ્થાનમા વવાય . અને તે પછી છોડનાં પુનઃજન્મની શરુઆત થાય છે. જે મળી તે માટીમાં કોળાવું અને જે મળ્યુ તે પાણી ને અનુરુપ થઇને વિકસતા જવું એ જ લગ્નજીવન !

‘તું મીંઢળ જેવો કઠણ ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી’

કહીને નમણી નાજુક વેલ જેવી સ્ત્રી અડીખમ ધીરગંભીર વૃક્ષ જેવા પતિની આસપાસ વિકસતી રહે છે. જળની ચંચળ બારાખડી જેવી આ સ્ત્રી  શિલાલેખ જેવાં નક્કર સાથી પર પોતાની આગવી નકશી કરતી જાય અને અવનવા આકારો કોતરતી જાય. અનેક વિરોધાભાસો વચ્ચે પાંગરવા લાગે એક નાનેરી કૂંપળ  જે સાથે ઉઠતાં-બેસતાં. ખાતાં-પીતાં, સૂતાં-જાગતાં વિકસતી રહે. જે એકબીજાની ખામીઓ-ખૂબીઓને અપનાવતા અપનાવતા પાંગરતી રહે! એકને આંકડા સાથે પ્રેમ તો બીજાને અક્ષરો સાથે ! એક પ્રકૃતિને ચાહે તો એક આલિશાન બંગલાઓને ! એકને લોંગડ્રાઇવ ગમે તો એકને ચાર દિવાલો વચ્ચે બેસી રહેવું હોય ! એકને પંજાબી ફૂડ ભાવે તો એકને સાઉથઇન્ડીયન ! એક ફીલીંગ વ્યક્ત કરે ત્યારે બીજું સીલીંગ ને તાક્યા કરે ! એકને ફોન સાથે ભાઇબંધી તો બીજાને ટી.વી. સાથે ! એક બકબકીયું તો એક અબોલ ! આવી કેટકેટલી વિષમતા હોય છતાં પણ મનના મેળ મળતાં જાય

ભલે ને બર્થડે, મેરેજડે કે વેલેન્ટાઇન ડે યાદ ન રહે તો શું છે ? ભલેને મોઘીદાટ હોટેલમાં લંચ કે ડિનર ન હોય તો શું થયું? માત્ર હાથમાં હાથ અને આંખમાં આંખ નાંખી ગાળેલી એક સાંજ જ હોય તોપણ જીવન જીવવા જેવું લાગે એનું નામ સુખી લગ્નજીવન.  ! ભલે ને વરસના વચલે દિવસે પણ ‘I LOVE YOU’ ન કહેવાતુ હોય..પણ તેમ છતાં દુનિયાભરના તમામ જોડાણને છેડાછેડીનું જોડાણ અતિક્રમી જાય એનું નામ સુખી લગ્નજીવન. !

‘સાયબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની !’

કહેતી કહેતી એક કન્યા સાવ અજાણ્યા માણસને પોતાનો બનાવી લે. એનાં સ્વભાવને ઓળખી લે, એની વિશેષતાઓને અપનાવીને એના જેવી થતી રહે એ જ લગ્નજીવનની સાર્થકતા ખરું ને ? બાકી ગુલાબ ભલે રંગ, સુગંધ અને દેખાવમાં મેદાન મારી જતું હોય તો પણ એનાં કાંટાઓ સહેવાની તૈયારી સાથે જ લવિંગની વેલી એને વીંટળાતી હશે ને ! બાકી વિરોધાભાસ તો ક્યાં નથી હોતા?  જો કે સ્ત્રીને નાનપણથી જ બીજાને અનુકૂળ થવાની ટ્રેનીંગ અપાતી હોય છે તેથી જે જોડાણમાં સ્ત્રી સમજદાર હોય છે તે સંબંધ અનેક મુસીબતો વચ્ચે પણ ટકી જતો હોય છે.

આમતો બધી જ નદીઓ ધસમસતી સાગર તરફ જ વહેતી હોય પણ સાગર અનેક પ્રકારનાં હોય. કોઇ એવો તોફાની કે એક જ છાલકમાં તરબતર કરી દે  તો કોઇ એકદમ ધીરગંભીર  હોય. કોઈ ધસમસ ઉછાળતો તો કોઈ શાંત, અચલ, અગાધ…હોય એ હળવેથી પોતાનામાં સમાવી લે ! કોઇ વળી ચંચળ. મસ્તિખોર હોય તો કોઇ એવો  છીછરો કે સહેજ પગ બોળો ત્યાં તળિયું દેખાય તેવો. પરંતુ નદી તો નદી જ હોય છે. આ નદીમાં વહેતી હોય છે એક સંબંધ નામની નાવ અને આ નાવ વિશે તો એવું પણ કહેવાય કે..

‘તરંગો થી રમી લે છે. ભંવરનું માન રાખે છે,
નહી તો નાવ પોતે સેંકડો તોફાન રાખે છે !’

લગ્ન વખતે સપ્તપદીનાં સાત પગલાં પતિપત્ની સાથે ચાલે છે. છ પગલાં ચાલ્યા પછી સાતમા પગલે સ્ત્રી કહે છે

त्वं सखा सप्तमे जातः सखी भूतास्मि तेप्यहम्,
आजीव नाथ ! बद्धास्मि भूत्वमनुवर्तिनी.

અર્થાત્ ‘આપણે સાત પગલાં સાથે ચાલવાથી મિત્ર થયા છીએ, હવે હું સમગ્ર જીવન માટે આપની સાથે બંધાઇ છું‘

કેવી અદ્ભૂત વાત !

પતિ -પત્નીમાંથી મિત્ર બનવામાં આમ જુઓ તો માત્ર સાત પગલાંની જ સફર ને? પણ રસ્તો કેવડો લાંબો ! યહાં પે આતે આતે સૂખ જાતી હૈ કઇ નદીયા….અને અલબત..દરિયાઓ પણ સૂકાઇને રણ બની જાય! પરંતુ સાચો પ્રેમ તો સરસ્વતી નદી જેવો ગુપ્ત હોય છે અંદર અંદર ચુપચાપ વહેતો રહે છે. બહાર દેખાય કે ન પણ દેખાય પણ એ એકધારો વહેતો રહે છે. ! કાંટા, કાંકરા, ઠેસ, ઠેબાં. ઠોકર ખાતાં ખાતાં  સાતમે પગલે પહોંચવાનું હોય છે. સહજીવન કંઇ માખણમાં ચલતી છરી જેવું નથી હોતું. એ તો સમય અને સંજોગોની તાવણીમાં તપાવે છે. પણ એક વાત યાદ રાખવી પડે કે તપ્યા પછી જ સોનું કુંદન બને છે. કંઇ કેટલાયે વળાંકો અને ત્રિભેટાઓને પાર કરતાં કરતાં  આ ડગર પર ચાલવાનું હોય છે. એકબીજાના ગમા-અણગમાને સમજીને તેને અનુરુપ થતાંથતાં સાથ નિભાવી જાણે છે તે સાતમે પગલે પહોંચી શકે છે.

તેરા સાથ હૈ તો મુજે ક્યા કમી હૈ,
અંધેરો સે ભી મિલ રહી રોશની હૈ.

કહીને એકબીજાના સુખે સુખી થઇને એકબીજાના દુખે દુખી થવાનું હોય છે. બાહ્ય દેખાવ કે સુંદરતા કદાચ બેપાંચ વર્ષ સુધી આનંદ આપી શકે બાકી સારો સ્વાભાવ અને મનનો મેળ જ આખી જીંદગી સાથે રહેવાનું બળ આપતો હોય છે.

સતત પ્રથમ પ્રેમનાં ઓછાયા સાથે જીવતી ‘ન હન્યતે’ નવલકથાની નાયિકા ‘અમૃતા’ વિશે વાંચ્યું છે તમે ? ‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મની ‘ નંદિની’ તો યાદ જ હશે આપને ! પ્રથમ પ્રેમ ભલે ને લાજવાબ હોય, સ્વપ્નપુરુષનો સાથ ગમે એટલો લોભામણો હોય પરંતુ વાસ્તવિકતાને સ્વીકારે એજ તો ખરો પ્રેમ. મનગમતો સાથ ગુમાવ્યા પછી પણ નવેસરથી જીવનની શરુઆત કરી શકાય છે. એકને ચાહ્યા પછી પણ જેની સાથે સાત પગલાં ચાલ્યા હોય એને ચાહી શકાય છે.માત્ર પામવું એટલે પ્રેમ નહી પણ આપવું એટલે પણ પ્રેમ કહેવાય છે.

અને આ પ્રેમ આપીને પ્રેમ પામવાનું રહસ્ય જેમને સમજાયું એનો બેડોપાર ! અને એટલે જ તો ‘અમૃતા’ હોય કે ‘નંદિની’  હેમખેમ આ સાતમે પગલે પહોંચે કે જ્યાં પતિ  ‘સખા’ બની જાય છે ! આ નાયિકાઓને એક સમયે તો પતિ તરફથી આઝાદી પણ મળે કે ‘ચાલ….તારા મનગમતા પાત્ર પાસે હું જ લઇ જાઉ ,તારો પ્રથમ પ્રેમ પાછો અપાવી દઉ !’ અને ત્યાંજ આ નાયિકાઓ પતિના સાચા સ્વરુપને ઓળખે, પછી તો લાલચટ્ટાક સાડી, બંગડી, બીંદી, ચૂડી , સેંથામાં સજ્જ થઇ ને પતિને કહે કે ’પ્યાર કરના ઉનસે સીખા થા..પ્યાર નિભાના આપ સે સીખી હું’ અને પછી સાબિત કરી આપે કે   સાતમું પગલું સખ્યનું છે. સાતમું પગલું સુખનું છે.

અગ્નિની સાક્ષીએ ધર્મ, અર્થ, કામના ફેરામાં પતિને આગળ કરતી સ્ત્રી ચોથા મોક્ષનાં ફેરામાં પોતે આગળ થાય છે, અને સાથે ચાલેલા આ સાત પગલાનો સંગાથ સ્મશાનનાં અગ્નિ સુધી સાથ નિભાવી જાય છે ! આ કંઇ ગુલાબી ઘેન નથી કે દિવસ ઉગતાની સાથે જ ઉતરી જાય !! આ તો લાલઘૂમ પ્રેમ છે જે દિવસે દિવસે ઘેરો થતો જાય.


સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.