તવારીખની તેજછાયા

૨૯મી નવેમ્બર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઈની પ્રજા સાથે ઊભા રહેવાના (‘સોલિડારિટી’ના) દિવસ તરીકે ઊજવાય છે.
પ્રકાશ ન. શાહ
બ રાબર છોંતેર વરસ પૂરાં થયાં : ૧૯૪૭ની ૨૯મી નવેમ્બરે યુનાઈટેડ નેશન્સે જોર્ડન નદી અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેના પ્રદેશમાં યહૂદીઓ સારુ સુવાંગ એક વતનઈલાકો કોરી આપ્યો હતો. જલાવતન યહૂદી સમુદાય સારુ એ હરખઘડી હતી, પણ એ વિસ્તારમાં વસતી બહુમતી આરબ પ્રજા માટે વસમી ક્ષણ હતી. બાકી વિશ્વમત આ ઘટનાને યહૂદીઓ તરફે ઈતિહાસન્યાય તરીકે જોતો હોય એ જો સ્વાભાવિક હોય તો પણ આરબ બહુમતીને વર્તમાન સંદર્ભમાં એક અન્યાય પણ એમાં નિહિત હતો. હમાસના ઘોર આતંકવાદી હુમલાને અને તે સામેની ઈઝરાયલની આક્રમક જવાબી કારવાઈને મહિનો થયો (૭મી નવેમ્બરે) ત્યારે મૃત્યુઆંક ૯,૦૦૦ને વટી ગયો હતો અને મેડિકલ સહાય સેવા સહિતની નાગરિક કારવાઈ સબબ ઈઝરાયલી આક્રમકતા પણ ટીકાપાત્ર બનતી રહી છે.
અહીં ‘જેરુસલેમ પોસ્ટ’ના કટારચી ને શાંતિબટુક (પીસનિક) બાસ્કિને આગળ કરેલો એક બુનિયાદી વિગતમુદ્દો સમજવા જોગ છે. બાસ્કિન કહે છે કે યુએન ઠરાવ પછીના ઈઝરાયલી જાહેરનામામાં, બંને પ્રજાઓના આત્મનિર્ણયના અધિકારની જિકર નથી જ્યારે ભલે રાજીપા વગર પણ વાસ્તવિકતાને ધોરણે પેલેસ્ટાઈની જાહેરનામામાં આ ભૂમિ પર હવે બે રાષ્ટ્રો છે એવો સ્પષ્ટ સ્વીકાર છે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલી નેતૃત્વની માનસિકતા ‘એકમાત્ર અમે જ’ તરેહની છે જ્યારે પેલેસ્ટાઈની નેતૃત્વ ‘આપણે બંને’ની ભૂમિકાએ એળે નહીં તો બેળે પણ છે. બલકે, થોડા પાછા પગલે જઈએ તો, તટસ્થ પર્યવેક્ષકોના મતે પેલેસ્ટાઈને યાસર અરાફતના નેતૃત્વમાં જે સમજૂતી કરી હતી એમાં ખાસું નમતું જોખ્યું હતું.
લગીર ઉતાવળે આપેલી આ પૃષ્ઠભૂ હમાસ જેવી નોન-સ્ટેટ આતંકવાદી પ્રવૃત્તિના બચાવમાં અલબત્ત નથી. હા, ક્યારેક ઈઝરાયલી નેતૃત્વ અને હમાસનો સંબંધ એક તબક્કે ઈન્દિરા ગાંધીની રાજનીતિ અને ભીંડરાંવાલે વચ્ચે હશે એવો જરૂર હતો. ગમે તેમ પણ, ઈઝરાયલે ‘આ ભૂખંડના ધણી એકમાત્ર અમે’ એ માનસિકતા પરહરવી રહે છે. ૧૯૪૭ના યહૂદી વતન જોગવાઈના ઠરાવ પછી તરતનાં વરસોમાં યુનાઈટેડ નેશન્સે કરેલો બીજો એક ઠરાવ આ સંદર્ભમાં સૂચક છે. આ જ દિવસ (૨૯મી નવેમ્બર) હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પેલેસ્ટાઈની પ્રજા સાથે ઊભા રહેવાના (‘સોલિડારિટી’ના) દિવસ તરીકે ઊજવાય છે. જો યહૂદી વતન જોગવાઈની સાથે તો પેલેસ્ટાઈનના અસ્તિત્વના અધિકાર સાથે પણ ઊભા રહેવાનો જે ધર્મ, તેનો એમાં સ્વીકાર રહેલો છે.
હમણાં મેં શાંતિબટુક બાસ્કિનનો ઉલ્લેખ કર્યો. આ દિવસોમાં એ હમાસે બાન પકડેલ ઈઝરાયલીઓને છોડાવવા પ્રયત્નશીલ છે. તાજેતરનાં વર્ષોનું એમનું એક સૂચન દર ૨૯મી નવેમ્બરે બંને બાજુ એકબીજાના અધિકારોના સમાદર રૂપે ‘નેશનલ હોલી ડે’ મનાવવાનું છે. જે એક વિદેહ યહૂદી ચિંતક આ દિવસોમાં સવિશેષ સ્મરણીય છે એ તો માર્ટિન બુબર છે. લગરીક ઉભડક તો પણ સહેજસાજ લાંબે પને વાત કરું તો એમની વિચારભૂમિકા ‘આઈ-ધાઉ’ની છે- ‘હું અને તું/તમે’- નહીં કે ‘હું અને તે’, ‘આઈ-ઈટ.’ એક વ્યક્તિ બીજી વ્યક્તિને ‘તું/તમે’ તરીકે નહીં પણ ‘તે’ તરીકે જુએ છે ત્યારે એને માટે બીજી વ્યક્તિ, વ્યક્તિ મટીને વસ્તુ (ઓબ્જેક્ટ) બની જાય છે. બંને વચ્ચેનો વ્યવહાર વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો મટી જઈ ‘વ્યક્તિ અને વસ્તુ’નો બની જાય છે. ઈઝરાયલી અને પેલેસ્ટાઈની પ્રજાઓએ એકબીજાને વસ્તુ તરીકે નહીં જોતાં વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે. આ અભિગમને ધોરણે બુબર ‘બાયનેશનલિઝમ’ની હિમાયત કરે છે જેમાં એક પા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય તો બીજી પા સંવાદી સહઅસ્તિત્વ શક્ય બને. ઈઝરાયલના હોંશીલા નાગરિક એ ખસૂસ હતા, પણ આરબ નિર્વાસિતો સાથેના દુર્વ્યવહારના એવા જ આલોચક પણ એ હતા. એમણે કહ્યું કે આપણું ઝાયોનિઝમ તે યહૂદી રાષ્ટ્રવાદની ચળવળ નહીં પણ નવા સમાજ માટેની ચળવળ છે. આરબો પરના (બીજા પરના) આધિપત્ય માટેની આ ચળવળ નથી. આ પૃષ્ઠભૂ પર જોઈએ ત્યારે ભારતમાં સરકારી સ્તરે, સત્તાપક્ષી સ્તરે તેમ એકાધિક પ્રજાકીય વર્તુળોમાં ઈઝરાયલ-હમાસ સંઘર્ષ બાબત જે ભાવદ્વિધા પ્રવર્તે છે, સામસામા હોઈ શકતા ખયાલો પ્રગટ થતા રહે છે તેને સમજવાની દૃષ્ટિએ કેટલીક વિગતો જરી મુખરપણે સામે આવે છે.
જાડી રીતે વર્ણવું તો ભારત સરકારનો (ભાજપ સરકારનો) પ્રથમ પ્રતિભાવ એકદમ ઈઝરાયલ તરફે ગા ગા લ ગા હતો. હમાસનું મુસ્લિમ હોવું એમાં એક ધક્કો હશે, તો વર્ષોથી ઈઝરાયલને રાષ્ટ્રવાદના એક પ્રતિમાન તરીકે જોવાને પરિણામે હશે. પાછળથી વિદેશ ખાતાએ અને મોડેથી સંઘ પ્રવક્તાએ (બેલાશક હમાસની ટીકા અકબંધ રાખીને પણ) બંને પક્ષો વિશે જુગતાં વચનો કહીને નુઆન્સ્ડ ભૂમિકાની છાપ આપવા કોશિશ કરી. સ્વસ્થ, સ્પષ્ટ પ્રતિભાવ અભિગમ ખાસું પથ-સંસ્કરણ (કોર્સ કરેક્શન) માગે છે. ૧૯૪૯નો યુનાઈટેડ નેશન્સનો ઠરાવ, તે પછીનાં વર્ષોમાં પેલેસ્ટાઈન સોલિડારિટી ડે માટેનો એનો ઠરાવ, હવે નેશનલ હોલી ડે માટેની ઝુંબેશ આ ત્રણ દિવસ (સાલફેરે એક જ તારીખના ત્રણ દિવસ) જે રીતે સામે આવ્યા તે પરથી એની બધી સંકુલતા સોતી એક સરસ સમજ ઊપસી રહે છે.
આપણે ત્યાં રાષ્ટ્રવાદના નિદર્શન રૂપે એક વર્ગ હિટલરનો હેવાયો જ હેવાયો હતો. યહૂદી નિકંદન સત્રનો પ્રશંસક હતો. આ જ યહૂદીઓને ન્યાયની દૃષ્ટિએ ઈઝરાયલનું કોઈ લોજિક હોય તો એ જ હેવાયો વર્ગ ઈઝરાયલ વાસ્તે પણ એકદમ કૂદી પડે છે. આ અનવસ્થા વિશે કોઈ સૂક્ષ્મ (ન્યુઆન્સ્ડ) સમજ ક્યાંથી લાવશું? ગાંધી-રવીન્દ્ર, અને સવિશેષ તો માર્ટિન બુબર બે માનવીય બોલ કહી શકે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯ – ૧૧ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
