રજનીકુમાર પંડ્યા

“ભુવન”.

પહેલા તો થયું કે આ તો ભણકારો. બાકી હવે આ નામે કોણ બોલાવે ? એ તો એવું થાય. રાતની બસની મુસાફરીમાં એકધારી ઘરઘરાટીમાં ઘણી વાર માણસનો અવાજ ભણકારારૂપે તંદ્રાની
દીવાલો પર અફળાયા કરે. પચાસ વરસની ઉંમર પછી એવું વિશેષ થાય. એમ જ હશે. આટલી વિચારરેખા ઝબકીને બુઝાઈ ગઈ. ફરી ત્રિભુવન ઝોલે ચડ્યો.
“ભુવન.”

ફરી ધીમો-ધીરો અને નર્યા ઉચ્છવાસમાંથી પ્રગટ થયો હોય એવો સ્ત્રીસ્વર ! કોણ હશે આ નામે બોલાવનારી ? ત્રિભુવને બરાબર આંખો ખોલી. નીંદર અને જાગરણ બન્ને સેળભેળ થઈ ગયેલા હોય એવા ઉંબરા ઉપર આવીને કોણ આ સાદ કર્યો ? મોટાભાગની છતબત્તીઓ તો ડ્રાઈવરે બુઝાવી નાખેલી; એટલે આજુબાજુ જોવાથી પણ કોઈના મોં ઓળખાય નહીં. વળી શિયાળો છે એટલે સૌ સાવ ઢબુરાઈને બેઠા છે. કોણ હશે ? જરી ડોક ફેરવીને પાછળ નજર કરી.

ઘેરી કથ્થાઈ રંગની માથાઢંક શાલને માત્ર ચશ્માં પરથી હટાવીને કોઈ બાઈમાણસ જોતું હતું. એના ખોળામાં સાત-આઠ વરસનો છોકરો સામી સીટ તરફ પગ લંબાવીને ઘૉંટી ગયેલો.

ત્રિભુવને નજર કરી એટલે પોતે જરી મરકી એમ બતાવવા સારુ બાઈએ શાલ વધારે હટાવી ત્યારે કપાળથી ઉપરના કાબરચીતરા વાળ પણ વધારે સ્પષ્ટ થયા. હસવાને કારણે હોઠ એવી રીતે ખૂલ્યા અને દાંત એવી રીતે દેખાયા કે જાણે દૂરથી કોઈ દીવો દેખાયો ! પણ પછી બીજી જ ક્ષણે એના મનમાં અજવાળું ઝોકાર થઈ ગયું. અને દાબી રાખેલો ફુવારો છૂટી પડે એમ નામ જીભ પર આવી ગયું છતાં બળપૂર્વક એણે એને દબાવી દીધું.

આ બસમાં, જ્યારે એ આમ સાવ છાના અવાજે સાદ પાડતી હોય ત્યારે આપણાથી એને બૂમ પાડીને જવાબ દેવાય ? ત્રિભુવનને વિચાર આવ્યો અને ઊંઘ ઊડી ગઈ. બસ, આ જ વાંધો છે આપણામાં. એકાદ ઘડી આપણા પર સવાર થઈ જાય છે અને એ ઘડીમાં તો દુનિયા ડૂબી જાય છે, અને એ ઘડીકમાં તો…

એટલે બિલકુલ દાબેલા અવાજે એણે કહ્યું : “અરે સરલા, તું ?’

જવાબમાં ફરી ગાલે ખંજનવાળુ એ સ્મિત, એ જ મૉોંફાડ, દાંતની એજ પંક્તિ અને પછી પોપચાં જરી ઝપકાવીને ભણેલી, ‘હા !’

ત્રિભુવન ન્યાલ થઈ ગયો !

‘પણ…’ ત્રિભુવન બોલવા ગયો, પણ સરલાએ નાકે આંગળી મૂકી. કીકીને છેક આંખોના ખૂણા સુધી ખેંચીને સંકેત કર્યો અને પછી છેક છાતી સુધી બંગડિયાળો હાથ લઈ જઈને અંગૂઠો પણ સામેની બારી તરફ તાક્યો, કે જ્યાં એક પુરુષ માથે મફલરના ત્રણ-ચાર આંટા દઈને કાચના ટેકે માથું ઢાળીને જામી ગયો હતો. એ તરફ ત્રિભુવને દ્રષ્ટિ કરી કે તરત જ એ બોલી : “મારા મિસ્ટર.’

હમણાં એ માણસ માથું ઊંચું કરીને ઊંઘરેટી ખિજાળ આંખે પોતાના ભણી જોશે એમ… એવા કશા પણ સંજોગ વગર પણ ત્રિભુવનને લાગ્યું. છાતી ધડક ધડક થઈ ગઈ, નજરને પાછી વાળીને ધૂજતા છાયાચિત્ર જેવા લાગતા ડ્રાઈવરના માથા તરફ જોયું. અહીં અંધારું છે, પણ સામે રસ્તા પર પ્રકાશ ધોધમાર છે. બસ પૂરઝડપે પ્રકાશનો લાંબો શેરડો ફેંકતી દોડ્યે જાય છે. જંગલ-ઝાડવા, નદી-નાળાં બધું જ વીંધીને ! એના મનમાં સવાલ થયો. કેટલે પહોંચ્યા હોઈશું ?

એણે બીજા વિચારમાં જીવ પરોવવા કોશિશ કરી, પણ જીવ છટકીને પાછો સરલાના જ વિચારોમાં સરકી જવા માંડ્યો.

ન કરવા જોઈએ… હવે ન જ કરવા જોઈએ. વિચારો બહુ ઘાતકી હોય છે. લોહીલુહાણ કરી મૂકે. બહુ અસુખ થાય છે એ વિચાર કરીને કે એક વાર આ જ માર્ગે, આવા જ સમયે, એ પણ શિયાળામાં જ અમદાવાદ ગયો હતો. સરલા સાથે હતી. અડોઅડ, અને એની બહેનપણી પણ સાથે હતી.

“એ જાણે છે ?’ ત્રિભુવને પૂછ્યું હતું. એ વખતે, ચાલુ બસે, અંધારામાં જ. બરાબર યાદ છે.
ત્યારે સરલાએ ભોળપણમાં પૂછ્યું હતું : ‘શું ? કોણ ?’

“તારું કપાળ !’ બોલીને એણે સરલાના કપાળ પર ચોડેલા ચાંદલા સામે જોયું હતું અને કહ્યું હતું : “આ તારી ફ્રેન્ડ… કહું છું, જાણે છે ?’

‘પણ શું ?’ સરલાએ ફરી પૂછ્યું : ‘શું જાણે છે ?’

ફરી ત્રિભુવને સરલાના ગૌર કપાળ ઉપર નજર ઠેરવીને કહ્યું : ‘તારા કપાળ પરના ચાંદલાનો ભેદ જાણે છે ?’

‘કયો ભેદ ?’ સરલાએ બિલકુલ અજાણ થઈને પૂછ્યું.

ત્રિભુવન સમસમી ગયો હતો. સાવ જડ જેવી છે. કાલે જ તો કહેતી હતી કે ચાંદલો તો ત્રિભુવનનું પ્રતીક છે. ત્રણ ભુવન એટલે ? એમ બોલવાની સાથે જ સરલા ખડખડાટ હસી; એટલે આખો અર્થ ઝગમગી ગયો. ત્રિભુવનના શરીરમાં મીઠી લહેર દોડી ગઈ. એણે એનો કોમળ હાથ ઉષ્માથી પોતાના હાથમાં લઈને ઉત્તેજનાથી છલકાઈને પૂછ્યું : “લગ્ન પહેલાં જ ?’

‘હા, પણ પ્રેમ થયા પછી.’ જવાબમાં સરલા બોલી હતી .

‘તો પછી હવે વચલો ગાળો સહેવાતો નથી.’

સરલાના અવાજમાં કોઈ ગજબનું ઉદ્દીપન હતું કે શું ? ત્રિભુવનના હોઠ પર ગરમ ગરમ લોહી ઘસી આવ્યું. અંધારામાં પણ એ પારખી ગઈ હોય એમ સરલા બોલી હતી એ આટલા વરસે પણ શબ્દસઃ યાદ આવી ગયું ત્રિભુવનને,એ બોલી હતી ઃ ‘વચલો ગાળો સહેવો પડે. એમાં જ પ્રેમની કસોટી થાય, ભુવન.’

કેટલાં વરસ થયાં હતાં આ સંવાદને ? મનોમન ગણતરી કરવા માંડી. પચ્ચીસેક તો ખરાં જ. એ વખતે સત્તાવીસની ઉંમર હતી ને સરલા તો હશે માંડ તેવીસની. આ સંવાદ આમ આગળ ચાલ્યો હતો.

‘મારું પૂછવાનું એટલું જ કે તારી આ બહેનપણી આપણી બાબતનું બધું જાણે છે કે નહીં ?’

‘કેમ ?’

‘મૂરખ!” ત્રિભુવન ચાલુ બસે પણ જરા ઘાંટો મોટો કરીને બોલ્યો હતો : ‘તો મને ખબર પડે કે કેમ બેસવું ! ન જાણતી હોય તો સખણો બેસું ને નહીંતર…..’ આગળના શબ્દો ત્રિભુવન જીભથી નહીં, હાથથી “બોલ્યો’ હતો. કમરમાં ગલી થઈ એટલે સરલા જરા દૂર હઠી. બહેનપણી પણ શી ખબર, બધું જ જાણતી હોય એમ અચાનક જ આ બન્ને તરફ મોં ફેરવીને હસી પડી.અને બોલી : “જરા વડીલની તરફ આમન્યા રાખો !’ ‘વડીલ’ શબ્દ સાંભળીને ત્રિભુવન મૂંઝવણમાં પડી ગયો હતો; એટલે પેલી બોલી હતી : “હું સરલા કરતાં ત્રણ મહિને મોટી છું.વડીલ નહિ ? ‘ કહીને બનાવટી ગંભીરતા ધારણ કરતાં કરતાં ઊંઘવાનો ઢોંગ કરીને આંખો બંધ કરી ગઈ હતી.

ત્રિભુવને એ વખતે સરલાને કહ્યું હતું : “તારી બહેનપણી સમજદાર લાગે છે.”

‘તારી થનારી પાટલા સાસુ !’ સરલાએ બોલીને સહેજ કોણી ત્રિભુવનના પડખામાં મારી.

બસ, એ જ વખતે બસે તીવ્ર વળાંક લીધો. ફરી ત્રણે સીટમાં બેઠે બેઠે જ ખળભળી ગયાં. ફરી રોમાંચની લહેર દોડી ગઈ. અને એટલામાં જ બસ ઊભી રહી.

ત્રિભુવને ચા-પાણી પીવા માટે નીચે ઊતરતા ઊતરતા બન્ને બહેનપણીઓને પૂછ્યું હતું : “ભજિયાં-બજિયાં ખાવાં છે ? લઈ આવું ?”

“નથી ખાવાં ભજિયાં.’ પેલી બહેનપણી ટોળમાં બોલી : “હવે જલદી લાડવા ખવડાવો એટલે..’

એ ખડખડાટ હાસ્ય, એ કોમળ માંસલ સ્પર્શ અને એ સંકેતો અને મીઠી મજાકની એ પ્રેમભરી છાલક બધું જ આજે પચ્ચીસ વરસના અંતરાલે પણ એવું ને એવું જ યાદ. જાણે કે હમણાં જ અહીંથી પસાર થયેલી મઘમઘતી અગરબત્તીની તરબતર કરી નાખનારી સુગંધ.

ફરી ત્રિભુવને બારી તરફ જોયું. “મિસ્ટર’ ઘસઘસાટ ઊંઘતો હતો. આ આજની ઊંઘ જ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખ હોય એ રીતે ! એક ક્ષણ માત્ર એક જ ક્ષણ ત્રિભુવન જાણે કે પોતાના શરીરની બહાર નીકળી ગયો અને એ માણસના શરીરમાં પ્રવેશ્યો. એક જ ક્ષણ એને એવું લાગ્યું કે મફલરના ત્રણ-ચાર આંટા માથા ફરતે મારીને સૂઈ ગયેલી વ્યક્તિ એ પોતે જ છે, પણ એ તો ફક્ત એકાદ ક્ષણ જ. બીજી જ ક્ષણે એને એ ગાંડા વિચાર પર હસવું આવ્યું. અરેરે, પોતે એ જગ્યાએ ક્યાંથી હોય ? હોત ? હોત તો ?

હા, ‘ફોવા’ને કાંઠે આવી ગયો હતો એક વાર. સરલાને પ્રથમ વાર જોયા પછી માત્ર ચાર જ વર્ષમાં એ મુકામ આવી ગયો હતો.માત્ર લગ્નનો ઉંબર જ ઓળંગવાનો બાકી હતો. તો આજે પેલી બારીવાળી વ્યક્તિની જગ્યાએ પોતે હોત.અને સરલાના ખોળામાં સૂતેલું બાળક પોતાના લોહીનું હોત. સુંદર મજાનું એ હોત કારણકે સરલા તો બહુ જ સુંદર, પણ પોતે પણ ક્યાં કાંઈ કમ ? જ્યારે અત્યારે સરલાના ખોળામાં સૂતેલું બાળક કેવું હશે ? ન જ હોય, સુંદર ન જ હોય એવો એક કડવી પણ કરવી ગમી એવી વાંછનાનો ભાવ મનમાં જન્મી ગયો. એ સાથે જ એણે ફરી પાછળ ડોક કરીને નજર કરી અને સરલા તરફ જોયું. એ હજુ પણ નિષ્પલક નજરે ચશ્માંમાંથી એની સામે જ જોયા કરતી હતી. બંધ હોઠ કશુંક બોલવા માટે થરકતા હતા એમ લાગ્યું.

ત્રિભુવને સફસા જ એના ખોળામાં સૂતેલા બાળક તરફ નજર કરી. છોકરાનું મોં તો જોઈ ન શકાયું. માત્ર ગરદન પરથી શાલ ખસી ગઈ હતી એટલો જ ભાગ જોવાયો. અંદાજ આવી જાય છે. ત્રિભુવને વિચાર્યું : સાવ ઓર્ડીનરી લાગે છે. મનમાં જરી ટાઢક અનુભવી. પેલા બરછટ લાગતાં માણસ પર જ ગયા હોય ને બાળકો ! બાકી સરલા તો કેટલી સુંદર. આ ચશ્માં તો હમણાં આવ્યાં હશે.’

અઢાર વરસની ઉંમરથી સુંદર સ્ત્રીઓ ઉપર આંખ ઠરવા માંડી હતી પણ કદી કોઈને રસ્તામાં ઊભી રાખીને વાત કરવાની જિગર થઈ નહોતી, પણ કોણ જાણે શું થયું આ સરલાની બાબતમાં.

સ્ટેશને જતા રસ્તા ઉપર એ ચાલી જતી હતી. બન્ને બાજુ એની અનુચરીઓ લાગે તેવી બહેનપણીઓ. સાઈકલ ઉપર સાવ નજીકથી પસાર થઈ ગયા પછી ત્રિભુવને તરત બ્રેક મારીને સાઈકલ ઊભી રાખી હતી કારણ કે નજર ક્યાંયથી અથડાઈને એવી રીતે પાછી વળી હતી કે ભીતર ને ભીતર ખળભળાટ મચી ગયો હતો.જોઈ હતી તો માત્ર એની કમ્મર જ, પણ કાંઈક પાગલ કરી નાખનારું એવું એમાં હતું. એનો કુંજાની ગરદન જેવો ઘાટ ? કે કથ્થઈ સાડીની પડછે ઊપસતો ગૌર વર્ણ ? કે એની ચાલ ? કે કોઈ અદ્રશ્ય ચુંબક જેવો પ્રભાવ ? ગમે તેમ પણ ત્રિભુવન ઊભો રહી ગયો. પાછો વળ્યો ને નજર મેળવી, પણ સરલાની આંખમાં રોષનો લાલ દોરો જોયો કે ફરી એણે સ્ટેશન તરફ સાઈકલનું પેડલ માર્યું. આગળના દાંડા ઉપર એનો નાનો ભાઈ બેઠો હતો.

એણે પૂછ્યું : “શું થયું ભાઈ ?’

ત્રિભુવન બોલ્યો, “કશું નહીં, જરા જોતો હતો કે કોણ છે ?’

નાનો ભાઈ બોલ્યો કે “હું ઓળખું છું. આફ્રિકાના ટોરોરોથી હમણાં જ આવી છે. આપણી ન્યાતની જ છે. પેલા ચંપક શંકરની પેઢીવાળા છોટુભાઈ નહીં ? એની આ ભાણી.”

ત્રિભુવનના મનમાં આ સાંભળીને તરત જ જાણે કે પહેલા વરસાદનો ટાઢો છાંટો પડ્યો, “ત્યારે તો કહે ને કે આપણી ગલીથી ચોથી જ ગલીમાં.” આ પછી સાઈકલ ફરી ઊભી રાખીને એને નાનાભાઈને એક પાનપટ્ટી  ખવડાવી અને પાનની દુકાનના લાંબા અરીસામાં ટીકીટીકીને પોતાના પ્રતિબિંબને જાણે કે પહેલી જ વાર જોઈ લીધું: કેવી લાગે જોડી પેલીની સાથે ?

બહુ આકસ્મિક રીતે પછી એ જોડી જમાવવાની વાત આગળ ચાલી. મા-બાપ વચ્ચે એક દિવસ મોડી રાતે થયેલી વાતચીત એના કાને પડી હતી. બા કહેતી : “આ માગશરે ત્રિભુવનને ચોવીસમું બેઠું. હવે શું કરવા મોડું કરવું ? તમારું તો લોહી જ ધગતું નથી.’

“હં…” બાપાનો ભારે રણકતો અવાજ આવ્યોઃ “હું તને કહેવાનો જ હતો…. પેલી છોટિયાની ભાણી તને કેમ લાગે છે ? હાલ આફ્રિકેથી આવી છે એ ?’

ત્રિભુવનની છાતી જાણે કે એક થડકારો ચૂકી ગઈ. બા-બાપુજી સરલાની વાત કરતાં હતાં ?

“એની મામી તો આપણો ઉંબરો રોજ ટોચે છે, પણ તમને ટાઈમ હોય તો વાત કરું ને ?”

“તને ગમે છે ? એ કહે ને !’ બાપા બોલ્યા હતા : “મને ઠપકો પછી આપવાનું રાખ.”

“છોડી જોઈને મારી તો આંખ ઠરે છે.’ મા બોલી હતી : “રંગરૂપે આરસની પૂતળી જેવી છે. ભણેલી છે. કામેકાજેય ટંચન છે. વળી આપણે ભાણે ખપતી કન્યા છે. બીજું શું જોવે ?”

ત્રિભુવન એ આખી રાત સૂઈ શક્યો નહોતો. પડખાં ઘસતો રહ્યો હતો. ઉત્તેજનાથી ઊંઘ ઊડી ગઈ. કેવું કહેવાય,નહીં ? મનનું પંખી જે ડાળે બેઠું હતું એ જ ડાળની વાત થતી હતી ! અને એ પણ માળો બાંધવા માટે.

ત્રણ જ દિવસ પછી જ્ઞાતિનો મેળાવડો હતો. નાના,મોટા, સ્ત્રીઓ, બાળકો, વડીલો સૌ ભેગાં થયાં હતાં.અત્યારે યાદ નથી આવતું. જમણવાર જેવું કશુંક હતું. બસ બીજું કશું નહોતું. ખાસ કશું બન્યું પણ નહોતું. એટલું જ બન્યું હતું કે એ સાંકડી-લાંબી પરસાળને પેલે છેડેથી ચાલી આવતી હતી અને ત્રિભુવન આ છેડેથી. બંને અધવચ્ચે ભેગાં થઈ ગયાં. ભીંતની ઊંચેની વાબારીમાંથી ઢળતી બપોરનો પ્રકાશ અંદર પડતો હતો. બન્ને ખચકાઈને અર્ધી મિનિટ માટે ઊભાં રહી ગયાં.

તે દિવસની જેમ સરલા આજે પણ કોરે કપાળે હતી, પણ આંખમાં તે દિવસે રોષનો લાલ દોરો હતો તે ગાયબ હતો. આંખનાં નર્યા શુભ્ર પટમાં ગોળ ગોળ કાળી કાળી કીકીઓ ક્ષણભરને માટે ત્રિભુવન પર સ્થિર થઈ, ન થઈ ને ઢળી ગઈ. કદાચ થનારી સગાઈની વાત એના સુધી પણ પહોંચી ગઈ હતી. કશું જ નહીં છતાં વગર આશ્લેષે એ આશ્લેષનો લજ્જા ભરેલો કંપ અનુભવી રહી હોય એમ લાગ્યું. માત્ર અર્ધી જ મિનિટ. પછી બન્ને યંત્રવત પોતપોતાની દિશાએ આગળ ચાલ્યાં છતાં, પણ ફરી એક વાર બન્નેએ પાછી ડોકી કરીને જોયું -એક જ ક્ષણે.

ત્રિભુવનથી ફરી ઊંડો નિઃશ્વાસ નખાઈ ગયો. શા માટે આજે પચ્ચીસ-છવ્વીસ વરસે એ બધું યાદ આવે છે ! આજે તો બાવન ઉપર થયાં હવે તો તમામ લાગણીઓ થીજી ગયેલા સરોવર જેવી થઈ ગઈ. પહેલાં વીજળીના તાર પરથી પટકાઈને મરી જતું કબૂતર જોઈને મોઢામાં મોળ ચડતી. હવે ટ્રક નીચે છૂંદાઈ મરેલા સાઈક્લિસ્ટને જોઈને પણ તરત લગ્નનું જમવા જઈ શકાય છે. કશું જ થતું નથી. આનંદ છે. શો વાંધો છે આપણને ! શા માટે બળ કરી કરીને સ્મૃતિમાંથી બધું બહાર આવે છે ? એને અટકાવવું જોઈએ.

પણ સરલાએ તો પછી શા માટે આમ ચાલુ બસે દબાયેલા અવાજે પણ એને ઢંઢોળ્યો ? શું કાંઈ કહેવા માગતી હશે ?

એણે ફરી વાર બારીને અઢેલીને સૂઈ રહેલા ‘સુખી’ માણસ તરફ એની નજર ફેંકીને જોયું. અને એટલી જ વારમાં કલ્પના કરી : સરલા પણ હવે આંખ બંધ કરીને સૂઈ ગઈ હશે નક્કી. પણ ના, એ હજુ પણ જાગતી હતી. ત્રિભુવને નજર કરી એ વખતે જ એણે નાક પરથી ચશ્માં કાઢીને હાથમાં લીધા. એ સાથે જ પચ્ચીસ વરસ પહેલાંની એની ચશ્માં વગરની સુરત ઝબકારાની જેમ તરવરી ગઈ. પહેલા તો માત્ર જીભથી એ બોલી હતી. હવે પૂરા ચહેરાથી બોલવા માંડી.

ત્રિભુવને ફરી બારી તરફ ચોરનજર ફેંકીને કેવળ નેણના ઈશારે જ પૂછ્યું : “શું છે ?”

ફરી સરલાએ નાકે આંગળી મૂકીને ડરથી બારી તરફ જોયું. ત્રિભુવન લાઈલાજ થઈ ગયો. અદબ વાળીને બેસી ગયો. વગડા પર ફેંકાતા લાઈટના શેરડામાં પ્રગટ થતી અને અંધારામાં બીજી જ ક્ષણે ગરક થઈ જતી ઝાડીને જોઈ રહ્યો. સરલા અને એની બહેનપણી સાથે અમદાવાદ આ જ બસમાં પચ્ચીસ વરસ અગાઉ જતો ત્યારે રસ્તો જલદી ખૂટી ગયો હતો. આખી રાત માણેલી સ્પર્શ-સમાધિ બહુ જલદી તૂટી ગઈ હતી. પણ આજે કેમ રસ્તો છેડા વગરનો લાગે છે ?

આજે પણ એમ જ હોત. એને વિચાર આવ્યો કે જો સરલા એની બાજુમાં બેઠી હોત. શ્વાસોચ્છવાસ પણ સંભળાઈ શકે એટલી નિકટ. અને કોઈ બાળક એ બન્નેના ખોળામાં લંબાઈને નીંદર ખેંચતું હોત તો આ બધું જ જુદી જ ભાતમાં, જુદાં જ રંગમાં હોત. જિંદગી જુદા જ માર્ગે ફંટાઈ ગઈ હોત.

કલ્પના વધુ આગળ દોડી જાય ત્યાં જ એક સવાલ, માત્ર મનમાં જાગેલા એક જ સવાલથી એની ગતિ ખોડંગાઈ ગઈ. કેમ, આ બધું જીવનમાં ના બન્યું ? કેમ ? શો વાંધો પડ્યો હતો ?

કોઈનો ક્યાંય કશેથી વિરોધ નહોતો. અરે, સાથે ફરવા જવાની છૂટનો એ જમાનામાં પણ પૂરેપૂરો લાભ લીધો હતો. એ દિવસો અને એ રાત્રીઓ. એ દરિયા કિનારાની ચાંદની રાતો અને ગુલાબી ઠંડીના ચમકારામાં, વસંતની સુગંધી હવામાં અને વર્ષાની ઝરમરતી સાંજોમાં બન્ને પૂરેપૂરાં, પૂરેપૂરાં પલળ્યાં હતાં. અને એમાં જ પરસ્પરની ચાહના પરકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. જાણે કે કોઈ જ્વર ચડ્યો હતો. સગાઈ અને લગ્ન થયાં નહોતાં. બસ એ જ અવરોધ નડતો હતો… નહીંતર બન્ને બહારગામ ફરવા ઉપડી ગયાં હોત.

તો પછી વાંધો ક્યાં પડ્યો હતો ? ત્રિભુવને જાતને પૂછ્યું. એને પાછળથી બારીમાંથી ઠંડી હવા બરછીની જેમ કૂંકાતી હતી એટલે એને મુઠી મારી મારીને બારીને બંધ કરી.અને ફરી જાતને જ સમજાવી. જવા દે ને એ બધી વાત ! છોડ….છોડ..

પછી યાદ આવ્યું. ધૂળને રાખ જેવો વાંધો. કોઈ ઝઘડો, કોઈ ટંટો કે ક્લેશ નહીં. કોઈની ચડવણી કે કોઈ ત્રીજો ખૂણો પણ નહીં. કોઈની ચાડિયાગીરી કે ચાંચિયાગીરી પણ નહીં. તો હતું શું?

એક દિવસ સિનેમા જોઈને પાછાં આવતાં હતાં ત્યારે નાનકડો તણખો જન્મ્યો હતો. મોડી રાતે છૂટીને ચાલતાં ચાલતાં પાછાં આવતાં હતાં ત્યારે સરલા અમસ્તું જ બોલી હતી : “આ ફિલ્મવાળા પણ ખરા છે. છેવટે નાટકિયાવેડાં કરાવ્યે જ છૂટકો કર્યો.”

“કેમ ?’ ત્રિભુવને પૂછ્યું હતું.

“આ હીરો-હીરોઈનનો પ્રેમ સાચો, પણ કોઈ કારણસર જુદા પડી ગયાં તે પડી ગયાં. એના વગર છોકરી જિંદગી આખી સોરાય એ પણ ઠીક, પણ એમ કોઈ છોકરી જીવ થોડો કાઢી દે ? મરી થોડી જ જાય ?”

“કેમ ના જીવ કાઢી દે?” ત્રિભુવન બોલ્યો: “હદયનો સાચ્ચો પ્રેમ કોને કહેવાય ? અરે, એવું ના બને તો જ નવાઈ કહેવાય. પ્રેમને પ્રાણ સાથે જ જાય. સ્ત્રીના તો ખાસ.”

સરલા કશું બોલી નહોતી. સાડીના છેડાને વળ ચડાવતાં ચડાવતાં એણે જરીક જરીક જ ઉપલો હોઠ મચકોડ્યો હતો. એનાથી જ કે પછી કદાચ અમસ્તાં અમસ્તાં જ ત્રિભુવનના મનમાં સળવળાટ સળવળાટ થઈ ગયો હતો. કશું પણ આગળ ન બોલવા એણે બહુ પ્રયત્ન કર્યો. રિક્ષાવાળાની દાદાગીરીની કે પછી આઈસ્ક્રીમની અને એવી વાતની આડી પાળ બાંધવા પ્રયત્ન પણ કર્યો, પણ અંતે કડવી વાત જીભ પર આવી જ ગઈ. એ બોલ્યો હતો : “સાચું કહે . તું એની જગ્યાએ હો તો શું કરે ?”

સરલા બોલી નહીં. રસ્તા ઉપર આગળ આગળ ચાલી રહી.

ત્રિભુવનના અવાજમાં થોડી બરડતા આવી : “તને મારા વગર ત્યારે ચાલે ખરું એમ ને ?”

ફરી સરલા બોલી નહીં. માથાને ઝટકો આપીને આગળ ચાલતી રહી.

“ત્યારે….’ ત્રિભુવનના અવાજમાં તપારો આવ્યો : “પ્રેમની, વિરહની, અગ્નિની ને ઝૂરવાની ને એવી બધી વાતો ખાલી બોલવાની, એમ જ ને ?”

સરલા એકદમ,અચાનક ઊભી રહી ગઈ. એની નજરમાં એક ધાર…. એક અણી…એક લાલ રેખા આવી ગઈ : ” પ્રેમની વાત બનાવટ છે એમ હું કહેતી નથી. છતાં તારે એમ સમજવું હોય તો સમજ. મને વાંધો નથી. મારું તો માત્ર એટલું જ કહેવાનું કે આ દુનિયામાં કોઈને કોઈના વગર ન ચાલે ને એના વગર મરી જાય એવું નથી. શું સમજ્યો ?”

ત્રિભુવનના મનમાં ઝાંઝ ચડી ગઈ. ચહેરો તમતમી ગયો. એનાથી બોલાઈ ગયું : “ઠીક ત્યારે, જીવી જજે મારા વગર, બસ ?”

આટલી વાતમાં તો સરલાનું ઘર આવી ગયું. ડેલી સુધી તો એ આવ્યો, પણ હંમેશની જેમ પાણી પીવા પણ એ અંદર ન ગયો. સરલાને મનમાં ઘણું થયું હશે કે એને પાછો વાળે, મનાવી લે, પણ જીભ પર વ્યાપેલી વેણની કડવાશને જેમ ઊલ ઉતારે તેમ ઉતારી શકાઈ નહીં. એણે ડેલીનું બારણું અંદર જઈને જરા જોરથી બંધ કરી દીધું. કદાચ બોલી પણ હશે :  “ત્યારે શું વળી ? બધું એ કહે એમ પોપટની જેમ બોલી બતાવવાનું ?’

આ વાક્ય ત્રિભુવને સાંભળ્યું નહોતું. કદાચ ન પણ બોલી હોય,પણ ત્રિભુવનના મનમાં બરાબર આ જ વાક્ય ઊગી ગયું હતું.

આ સાવ નાનકડી, પણ ઝેરના બી જેવી વાત યાદ આવતાં આટલાં વરસે પણ ત્રિભુવનનું મોં કડવાશથી છલોછલ થઈ ગયું. શા માટે પોતે આમ વર્ત્યો ? શા માટે માટે બીજે દિવસે જઈને એને મનાવી ન લીધી ? શા માટે સરલા જ સામે ચાલીને મનાવવા આવે એવી દિવસો સુધી રાહ જોયા કરી ? શા માટે પછી સરલા જ્યાં આગળ ભણવા ચાલી ગઈ ત્યાં જમશેદપુરનું સરનામું મેળવીને એને પત્ર ન લખ્યો ? શા માટે પોતે કમાવા માટે બરાડ ચાલ્યો ગયો ?

ઓહ, કેટલા બધા “શા માટે ?”ની લંગાર ? પીડાથી એની આંખો બંધ થઈ ગઈ. પાછળ છોડી દેવાયેલા અંધકારમાં ગરક થઈ ગયા એ બધા પ્રશ્નો. હવે શું છે ? આજ આટલાં વરસે આ બસમાં એ અચાનક મળી ગઈ એટલે ને ! નહીંતર ક્યાં છાતીમાં કદી દુખતું હતું ? ક્યાં સળવળાટ પણ થતો હતો ? યાદેય ક્યાં કદી આવતું હતું ?

એકાએક નાનકડા સ્ટોપ પર બસ ઊભી રહી. રાતના બે વાગી ગયા. માત્ર વિચારોમાં જ. એક પણ મટકું માર્યા વગર. શા માટે ?

બસ ઊભી રહી અને સૌ ચા-નાસ્તા માટે નીચે ઊતરવા માંડ્યા. કદાચ આ એ જ સ્ટેન્ડ હતું જ્યાં પચ્ચીસ વરસ પહેલાં પણ ભજિયાં વખણાતાં હતાં. અને ત્રિભુવન નીચે ઊતર્યો હતો. અને બન્ને બહેનપણીઓને પૂછ્યું હતું : “ભજિયાં-બજિયાં ખાવા છે ?”

હમણાં જ બોલાયા હોય એવા શબ્દો હજુ કાનમાં પડઘાય છે. શા માટે ? એટલામાં સરલાનો પતિ પણ ઊભો થયો. ગળાનું મફલર ઓટોગોટો વાળીને જગ્યા પર મૂક્યું. સરલાની નજીક આવ્યો.

ત્રિભુવનના કાન પાછળ જ મંડાઈ ગયા. પેલાએ પૂછ્યું : “ખાવા છે ભજિયાં તારે ? લઈ આવું ?”

સરલાએ ઉધરસના ઠસકા સાથે ના પાડી એ ત્રિભુવને સાંભળી. પેલો આગળ ચાલ્યો ને બસના બારણામાંથી નીચે ઊતરતો હતો ત્યાં ત્રિભુવનથી પાછળ ડોક કરીને એના ભણી જોવાઈ જ ગયું. વિચિત્ર સિલાઈના સાવ જુનવાણી, મોળિયા ચડાવેલા ચોળાયેલા પેન્ટમાં એ સાવ સખળડખળ અને અષ્ટાવક્ર લાગતો હતો. એક પગ એક દિશામાં પડતો હતો ને બીજો બીજી દિશામાં. અરે, ત્રિભુવનના મનમાં કંપારીની જેમ વિચાર જન્મ્યો. ક્યાં સરલા ? ક્યાં આ ? જમશેદપુર જઈને ભણી કારવીને પરણી, તે શું આની સાથે ? આની સાથે પગલે પગલું મેળવ્યું. અને ઘરસંસાર ચલાવ્યો આટલાં વરસ ? કપાળે આનો ચાંદલો કર્યો ? આનાં છોકરાંને જન્માવ્યાં ? આના રોટલા ટિપ્યા ?

નીચે ઊતરીને પેલો લૂશલૂશ ભજિયાંના ડૂચા મોંમાં મૂકીને ઢોર માથું ધુણાવતાં ધુણાવતાં નીરણ ચાવે એમ ચાવતો હતો ને અવળા હાથે વારંવાર કોટની બાંયથી હોઠ લૂછ લૂછ કરતો હતો.

શું આ સરલાનો “ધણી” હતો ? આને સરલાએ પ્રેમ કર્યો હશે ? કે આણે સરલાને પ્રેમ કર્યો હશે ?

સરલાનું શિલ્પ જેવું શરીર આના માટે હતું?

“સરલા,” એણે પાછળના હાથ ટેકવીને સરલા તરફ જોયું : “એક વાત પૂછું ?”

સરલા એની સામે તાકી રહી.

“પૂછું છું.” એ બોલ્યો : “સુખી તો છો ને આ માણસ સાથે ?”

સરલાની આંખમાં અનેક ભાવ ઊમટી આવ્યા. એ કશું બોલી નહીં.

“સાચું કહેજે સરલા,” એણે પૂછ્યું : “ભલે પરણ્યા છે, પણ પ્રીતિ ઊપજી શકી આ માણસ ઉપર?”

“કોઈ સવાલ, કોઈ જ સવાલ ન પૂછો મહેરબાની કરીને.” એકદમ સાવ અબળા બનીને સરલા બોલી : “મને સવાલોનો બહુ ડર લાગે છે.’ વળી થોડી વારે ધીમો ધીમો કંપ અનુભવતા એના હોઠમાંથી શબ્દો સર્યા : “એમણેય મને કદી આવું પૂછ્યું નથી. પૂછ્યું હોત તો…”

એના કપાળે કરેલા મોટા ચાંદલા સામે જોઈને ત્રિભુવને પૂછ્યું : “તો તો શું થાત, સરલા?”

ખોળામાં સૂતેલા છોકરાના માથાના વાળમાં આંગળીઓ ફેરવતાં એ એકદમ છળી ગયેલી સ્ત્રીના અવાજે બોલી : “તો મારું બીજું ઘર ભાંગત.”

પછી સામેથી ‘ઘરવાળા’ને ચાલ્યો આવતો જોઈને એણે આંખે ચશ્માં ચડાવી લીધાં.


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com