પુસ્તક પરિચય

પરેશ પ્રજાપતિ
આપણી આસપાસ બનતી નાની મોટી ઘટનાઓથી માંડી દેશ તથા દુનિયાની તમામ ખબરો આપણા સુધી પત્રકાર થકી પહોંચે છે.વર્ષો પહેલાં અખબારો કે સામાયિકો એટલે કે પ્રિન્ટ મીડીયા અને રેડિયો- શ્રાવ્ય માધ્યમની બોલબાલા હતી. આજે હજારો કિલોમીટર છેટે બનેલા બનાવને નજરે દેખાડતાં ટેલિવિઝન તથા મોબાઇલનો જમાનો છે, છતાં પ્રિન્ટ મીડીયાનું આગવું મહત્વ સહુ કોઇ સ્વીકારે છે. આવા માહોલમાં લેખક વિકાસ ઉપાધ્યાયે આ પુસ્તક દ્વારા વિજ્ઞાનના વિષય પર પત્રકારત્વ કેવું હોવું જોઇએ, લોકભોગ્યતાથી બહોળા વાચકો સુધી કેવી રીતે પહોંચી શકાય તેનાં કેટલાંક દિશાસૂચનો કરેલાં છે. વિજ્ઞાન પત્રકારત્વને જ કેન્દ્રમાં રાખીને લખાયેલું આ પુસ્તક સંભવત: આ વિષય પરનું પ્રથમ પુસ્તક છે.
અખબારો કે સામયિકોમાં સામાજિક, આર્થિક, ન્યાય, ક્રાઇમ ઉપરાંત ગ્રામ્ય કે શહેરી, વિદેશી એમ વિવિધ ક્ષેત્રની ખબરો માટે અલગ અલગ પત્રકારોની જરૂર પડતી હોય છે. પોતાના કાર્યક્ષેત્ર તથા આવડત મુજબ ખબરોના મૂળ સુધી પહોંચીને એ તેને સમજે છે, મૂલવે છે અને જનજન સુધી પહોંચાડતી સરળ ભાષામાં પીરસે છે. મોટેભાગે એવું જોવા મળે છે કે સમાચારનો મૂળ સ્રોત અંગ્રેજી ભાષામાં હોય તો પણ ક્રાઇમ કે આર્થિક ગોટાળા વિશે પત્રકાર કોઇ ચબરાકિયું કે અર્થસભર મથાળું બાંધીને વાચકને આકર્ષતું લખાણ લખે છે; પરંતુ વિજ્ઞાનવિષયક લખાણોમાં આમ બનતું નથી. ઘણું કરીને તે શુષ્ક બની રહે એવી શક્યતા વધુ હોય છે. આવાં લખાણોમાં ઘણી બધી વાર ઉછીના શબ્દો પર ‘ઊંડાણની ઇમારત’ ખડી કરાયેલી હોવાથી લેખ વિસ્તૃત હોવા છતાં વાચકને મુદ્દાનું મહત્વ સમજાવી શકાતું નથી. પરિણામે વાચક અધવચ્ચેથી લેખ પડતો મૂકી દે અથવા એમ માનવા પ્રેરાય કે `વિજ્ઞાનમાં આપણી ચાંચ ન ડૂબે` એ શક્ય છે. ખરેખર એમ બનવું જોઇએ કે અન્ય રસપ્રદ સમાચારો વાંચવા પ્રેરાય એવા જ રસથી વાચક વિજ્ઞાનવિષયક વાંચવા પણ પ્રેરાવો જોઇએ. આ બાબતે વિજ્ઞાન વિષય પર અમુક અપવાદ સિવાય સામાન્ય રીતે પત્રકારત્વ મોળું પડતું હોવાનું જોવા મળે છે.
વિજ્ઞાન પત્રકારત્વની આવશ્યકતા સમજાવવા પુસ્તકના આરંભમાં લેખકે પોતાનું ઉદાહરણ આપ્યું છે કે નાનપણથી વિજ્ઞાનમાં તેમને રસ અને રુચિ હોવા છતાં તે સમયે યોગ્ય દિશાસૂચન આપતાં લખાણોનો અભાવ કેવો સાલતો હતો!
પુસ્તકમાં કવિતા, ચિત્રો, નાટકો કે અન્ય પદ્ધતિઓથી વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડનાર વ્યક્તિ અર્થાત `સાયન્સ કોમ્યુનિકેટર` એટલે કે વિજ્ઞાન સંચારક તથા વિજ્ઞાન પત્રકારત્વ બંને અલગ કેમ છે તેનો બારીક અર્થભેદ છતાં અર્થસભર ચર્ચા માંડી તેમણે બંનેને અલગ તારવ્યા છે. એક પ્રકરણમાં વિજ્ઞાનપત્રકારનાં લક્ષણો, ગુણો તથા જવાબદારીઓ વિશે ચર્ચા છેડાઈ છે.
વિજ્ઞાનનો વિષય શુષ્ક નથી, તેમાં પણ ઘણું વિષયવૈવિધ્ય હોવાની સમજ સાથે સમાચારો ક્યાંથી મેળવવા, કેવી રજૂઆત કરવી તથા પ્રાદેશિક ભાષામાં લખવા કેવા પડકારોનો સામનો કરવાનો થાય છે વગેરે મુદ્દાઓને વિવિધ પ્રકરણોમાં સમાવવામાં આવ્યા છે. એક પ્રકરણ એકવિધ લાગતા સમાચારોમાં કેટકેટલા આયામો સંભવી શકે તેની છણાવટ છે. એ સિવાય વિજ્ઞાન સાથે સંકળાયેલી કોઇ વ્યક્તિવિશેષને મળવાનું બને કે તેની પાસેથી વાત કઢાવવાની હોય તો શું ધ્યાન રાખવું, કેવી તૈયારી કરવી વગેરે મુદ્દાઓને પણ લેખક સ્પર્શ્યા છે.આ સાથે પ્રદેશિક ભાષામાં ઉપલબ્ધ કેટલાક અભ્યાસક્રમોની પણ થોડી જાણકારી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વિજ્ઞાન પત્રકારત્વ દેશ માટે નવું નથી. તેની હિમાયત છેક દેશના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના સમયથી થતી આવી છે. દેશમા તથા ગુજરાતમાં વિજ્ઞાન પત્રકારત્વનો ટૂંકમાં ઇતિહાસ આલેખતા અલાયદા પ્રકરણો પુસ્તકમાં છે. તેમાં ગુજરાતી સામયિકો વિશે ઘણી ઉત્સાહજનક અને પ્રેરક વાતો છે. એક પ્રકરણમાં સરળ ભાષામાં વિજ્ઞાનવિષયક લેખો લખતાં મનુભાઇ મહેતા વિશે વિગતો છે.તે સિવાય ગુજરાત તથા કચ્છની વૈજ્ઞાનિક અભિગમ દાખવતી કેટલીક વ્યક્તિઓના ટૂંકા પરિચયો પણ પુસ્તકમાં સામેલ છે.
◙
ખગોળવિજ્ઞાન તથા આકાશદર્શનમાં વિશેષ રુચિ ધરાવતા વિકાસભાઇ વાપીથી પ્રસિદ્ધ થતા `દમણગંગા ટાઇમ્સ`ના પૂર્ણ સમયના નિવાસી તંત્રી છે. બાળપણથી તેમને વિજ્ઞાન પ્રત્યે રુચિ રહી છે. તેમનું માનવું છે કે વિવિધ વિષયો પર લખવા માટે અનેક નિષ્ણાતોની ફોજ હોય છે, તેમ વિજ્ઞાન વિષય પર લખવા માટે પણ આગવી આવડત ધરાવતા પત્રકાર હોવા જોઇએ. એ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વિજ્ઞાન વિષયક લેખો લખવા વિજ્ઞાનના વિદ્યાર્થી હોવું જરૂરી નથી. તેઓ પોતે વાણિજ્ય શાખાના વિદ્યાર્થી હોવા છતાં વર્ષોથી ‘દમણગંગા ટાઇમ્સ’માં વિજ્ઞાન વિષયક લેખો લખતા આવ્યા છે.પુસ્તકની લેખનસામગ્રી વિજ્ઞાન પત્રકારત્વના ક્ષેત્રે ઘણું માર્ગદર્શન પુરું પાડી શકે એમ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
વિજ્ઞાન પત્રકારત્વ અને લેખન: વિકાસ ઉપાધ્યાય
પૃષ્ઠસંખ્યા : 104
મૂલ્ય : ₹ 50/-
પ્રથમ આવૃત્તિ: 2023
પ્રકાશક:શિતલ પબ્લિકેશન, જીવનદીપ હોસ્પિટલ પાસે, ને,હા,નં.-48, વાપી- 396191,જી. વલસાડ
લેખકસંપર્ક : મોબાઇલ નં- +91 98251 22505
વિજાણુસંપર્ક : editor.dgt@gmail.com
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
