લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
દાયકાઓ અગાઉ ડેલ કાર્નેગીનું પુસ્તક ‘જીવન જીવવાની જડીબુટ્ટી’ મેં જોયું- વાંચ્યું ત્યારે મારા યુવાન વયના વાચનકાળનું કોમળ પરોઢ ઊઘડતું આવતું હતું. ખરેખર તો ‘ફિક્શન’ એટલે કે કલ્પનોત્થ સાહિત્ય વાંચવાની મારી એ ઉંમર હતી, પણ એની સમાંતરે જીવનલક્ષી, બોધક, ઉપદેશક લખાણો વાંચવાની રુચિ પણ જાગતી આવતી હતી. પણ એ કાળે (1955 થી 65)માં ગુજરાતી પ્રકાશકોમાં એવાં કોઈ પુસ્તકો છાપવાનું ચલણ હતું જ નહીં, કારણ કે એનું કોઈ બજાર જ નહોતું. એવા સમયે ડેલ કાર્નેગીનું આ પુસ્તક મને મારા પાઠકસાહેબ નામના એસ.એસ.સીના શિક્ષકે ભેટ આપ્યું હતું, કારણ કે વાચનની મારી પ્રબળ રુચિની એમને પીછાણ હતી. એ પુસ્તક બેશક રસપ્રદ હતું, મને ગમ્યું હતું, પણ આજે હવે સમજાય છે કે એ નર્યું બોધક હતું અને દવા અને ખોરાકની પરિભાષામાં કહું તો એ દવાની જેમ સીધું ગળે ઉતારી જવા જેવું હતું. એમાં ચાવવાની એટલે કે આસ્વાદ લેવાની કોઈ મઝા નહોતી.
એ પછી તો, અત્યારની વાત કરીએ તો ગુજરાતીમાં ઉપદેશકો (મોટીવેશનલ વકતાઓ)નો રાફડો ફાટ્યો છે તેમ તેવાં પુસ્તકોથી પણ બજાર ઉભરાય છે. એમાં મોટે ભાગે સમજણને બદલે શાણપણ અને ડાહ્યાંડાહ્યાં વાક્યો ભર્યાં હોય છે. એટલે આપણે ત્યાં હવે એક વર્ગ એવો ઊભો થયો છે કે જે એવાં પુસ્તકોથી પરહેજ કરે છે. કારણ કે શાણપણ સામા ઉપર અજમાવવાની ચીજ છે, જ્યારે સમજણ પોતાના ઉપર અજમાવવાની ચીજ છે. આ સ્થિતિને કારણે એવાં મોટીવેશનલ પુસ્તકો અને વાંચનારની વચ્ચે એક અદૃશ્ય અંતર રહ્યા કરે છે.
એવા ટાણે, જ્યારે મેં મોટીવેશનલ સાહિત્ય વાંચવાની હવે જરી પણ સ્પૃહા રાખી નથી ત્યારે, ડૉ. સુધીર શાહ જેવા અતિ પ્રતિષ્ઠિત ન્યુરોફિઝિશ્યનની કલમેથી ઉતરેલું કોરું મોટીવેશનલ નહીં, એવું પુસ્તક ‘સુખોપનિષદ’ મારા હાથમાં આવ્યું. એમાં ‘સુખ’ નામની મન:સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને એટલે એનું નામ ‘સુખોનિષદ’ જેવું સૂચક અને સાર્થક રાખવામાં આવ્યું છે.
થોડા સમય પહેલાં ‘પદ્મશ્રી’ સન્માનથી સન્માનિત એવા એ સૌમ્ય પ્રકૃતિના તબીબ પોતાના વ્યવસાયમાં તો દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યા છે, પણ દાદા શાંતિલાલ સાઠંબાકર અને પિતા ડૉ.વાડીલાલ તરફથી અનુક્રમે જૈન સંસ્કારો અને ઔષધવિજ્ઞાનનો વારસો મળ્યો. એમાં સ્વચિંતન અને પદ્ધતિસરનો તબીબી વિજ્ઞાનનો અભ્યાસ ભળ્યો ત્યારે ડૉ.સુધીર શાહનું એક નિપુણ ન્યુરોફિઝિશ્યન ઉપરાંત એક મૌલિક ચિંતક તરીકેનું સ્વરૂપ નિખરી ઉઠ્યું.
આ પુસ્તક ‘સુખોપનિષદ’ માત્ર ૧૭૨ પાનાંમાં એમની છબી કોરા ઉપદેશકની નહીં, પણ જીવનલક્ષી ચિંતક તરીકેની ઉપસાવી આપે છે. એમની પોતાની સ્થૂળ દૈહીક છબી કેવળ ચહેરાની ઓળખ માટે આ પુસ્તકના છેલ્લા ટાઇટલ ઉપર એક પરંપરાની રીતે આપવામાં આવી છે, બાકી એમની ખરી ‘છબી’ તો કેવળ ૧૭૨ પૃષ્ઠનો આ ગ્રંથ જ છે. એક વિજ્ઞાનસમૃદ્ધ લેખક તરીકે ડૉ.સુધીરભાઈ જ્યારે ‘સુખ’ને વ્યાખ્યાયિત કરે છે ત્યારે એનાં હરેક સ્તરની વાતને સ્પર્શ કરે છે.

આપણે આ ક્ષણ સુધીના આપણા સમગ્ર જીવનપટ પર જરા પશ્ચાદ ( Retrospective ) દૃષ્ટિ કરીશું ત્યારે સમજાશે કે કોઈ પણ ભૌતિક પ્રાપ્તિ થાય ત્યારે આપણને ચિત્તમાં જે ઉપજે છે તે સુખ છે અને ગુમાવીએ ત્યારે, અથવા એવા સુખની અપેક્ષા હોય ત્યારે એ ન મળે તેવી અપેક્ષાભંગની સ્થિતિએ પણ ઉપજે છે તે પણ દુઃખ છે. બોલવામાં આ સાવ સાદી અને સરળ લાગતી આ બે મનઃસ્થિતિઓ વચ્ચે મનુષ્યનું જીવન, પહેલો શ્વાસ લીધાની ક્ષણથી માંડીને છેક અંતની ઘડી સુધી, અંતિમ શ્વાસ છોડ્યાની ક્ષણ સુધી એક સાતત્યપૂર્ણ પ્રવાહની રીતે વહ્યા કરે છે. એ જીવનમાં નિદ્રાના કલાકો બાદ કરતાં જે બાકી રહે છે એ આપણું સજાગ જીવન છે. પણ એ સજાગ જીવનમાં શું આપણે ખરેખરા અર્થમાં ‘સ-જાગ’ હોઈએ છીએ? ભલે, જાગીએ તો છીએ, પણ ‘જાગ્રત’ હોઇએ છીએ ?
આપણે સૌ કોઇ સવારમાં ઉઠતાંવેંત સુખમય ક્ષણો પામવાના ઉદ્યમમાં લાગી જઈએ છીએ. કોઈને દુઃખ વશોરવું નથી. આપણે ધાવણા શિશુ તરીકે પણ સામે ધરેલો ઘુઘરો હાથમાં આવે ત્યારે સુખનો અનુભવ કરીએ છીએ અને એ છીનવી લેવામાં આવે ત્યારે રડીને દુઃખ વ્યક્ત કરીએ છીએ. આ ખોટું પણ નથી. સાવ સ્વાભાવિક જ છે. એ વૃત્તિ પુખ્ત,પ્રૌઢ અને ઘરડા થયા પછી પણ બરકરાર રહે છે. એવું કોણ નહી ઈચ્છતું હોય કે સુખ કાયમ માટે ટકી રહે? આ સ્પષ્ટ સમજને જાગૃતિ કહે છે.
‘સુખોપનિષદ’ પુસ્તકના આમુખમાં ડૉ.સુધીરભાઈ વાચકમાં આવી ‘જાગૃતિ’ પ્રતિ ઈંગિત કરે છે. તેઓ કહે છે કે “આ પુસ્તકની રચના પાછળનો હેતુ સુખપ્રાપ્તિના સચોટ ઉપાયો શોધવાનો છે. હકીકત એ છે કે દરેક માણસ જીવનભર સુખની શોધ કરે છે. એને પ્રાપ્ત કરવા માટે રાતદિવસના ઉજાગરા કરે છે. પરંતુ દુઃખથી પીછો છોડાવી શકતો નથી. એટલે સતત એ સુખનાં હરેક દ્વાર ખખડાવતો રહે છે. એ એને ક્ષણિક ધોરણે મળતું હશે, પણ કાયમી રીતે મળતું નથી. જીવન સાથે જોડાયેલી આ એક ચિરંતન વાસ્તવિકતા છે.
ડૉ.સુધીરભાઈ આ કઠોર વાસ્તવિકતા તરફ આ ગ્રંથમાં આપણને અભિમુખ કરે છે. અને એ અભિમુખતાની યાત્રામાં જ સુખનો, બલકે કાયમી ધોરણે સુખનો અનુભવ કરવાનો કીમિયો ઉજાગર થતો આવે છે. જો કે, એની ઝાંખી પામવાને માટે કોઇ એક ગુરુચાવી એમણે આપી દીધી નથી. એ આપવી શક્ય પણ નથી. કારણ કે એની, એને પામવાની, અનેક દિશાઓ છે. એટલે કોઈ એક દિશાને બદલે એ બધી અલગઅલગ દિશાઓનું એક માનસિક સમ્મિલન સાધવું જરૂરી બની રહે છે.
આ પુસ્તકમાં ડૉ.સુધીરભાઈ એવી બધી શાખા-પ્રશાખાઓનું એક રસાયણ કાલવી બતાવે છે. માત્ર કેટલાંક પ્રકરણોના શિર્ષકો જ જોઈએ તો એ સ્વયમ જ એ હકીકતોની પુષ્ટિ કરે છે. ‘સુખનું મનોવિજ્ઞાન’, ‘સુખની અનુભૂતિ અને ન્યૂરોસાયન્સ’, ‘સુખી થવાની શારીરિક અને તબીબી વિજ્ઞાનની ચાવીઓ’, ‘સુખપ્રાપ્તિ માટેના જીવનના ફિલોસોફિકલ અને આધ્યાત્મિક નિયમો’, ‘આધ્યાત્મિક ચાવીઓ’ , ‘આધ્યાત્મિક સાધના’, ‘ધ્યાન સાધના’.
ડૉ.સુધીરભાઈ આ બધું એક કોરા ઉપદેશ તરીકે નથી વર્ણવતા, પણ ઉદાહરણો સાથે,અને છતાં અઘરી મેડિકલ પરિભાષાને ખાસ સ્પર્શ્યા વગર સરળ ભાષામાં આલેખન કરે છે ત્યારે વાચકની સામે ઉપસ્થિત થઈને, આંખમાં આંખ પરોવીને, મિત્રભાવે એ બધું કહેતા હોય એવી નીરાડંબરી શબ્દાવલીમાં કહે છે, એ આ પુસ્તકની વિશેષતા છે.

આ પુસ્તકને સમર્થ લેખક-ચિંતક ડૉ. કુમારપાળ દેસાઈની વિશદ્ પ્રસ્તાવના પ્રાપ્ત થઈ છે જે આ વિશિષ્ટ પુસ્તકને ઉકેલવામાં, એનું સરળ અર્થઘટન કરવા માટે બહુ ઉપયોગી નીવડે છે. તેઓ લખે છે કે ‘સુખ વિષે આવું અનેકવિધ વિષયોને આવરી લેતું, અનેકવિધ ક્ષેત્રોને આવરીને સુખનું નવનીત તારવી આપતું પુસ્તક ગુજરાતી ભાષામાં તો નથી જ, પણ હિંદી કે અંગ્રેજી ભાષામાં પણ આવી રીતે સુખને જુદી જુદી દૃષ્ટિએ જોઇને એની પ્રાપ્તિનો ઉપાય સૂચવતું પુસ્તક જોવા મળતું નથી.’
એવી જ રીતે બહુશ્રુત વિદ્વાન અને વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ભાગ્યેશ જહા પણ ‘નવગુજરાત સમય’ ની પોતાની ‘સમયનો પગરવ’ કટારમાં પણ એને શાસ્ત્ર અને વિજ્ઞાનના સમન્વય જેવા બહુમૂલ્ય ગ્રંથ તરીકે ઓળખાવે છે.
આ ગ્રંથને જૈન આચાર્ય નયનપદ્મ સાગરજીના આશીર્વાદ પણ સાંપડ્યા છે.
પ્રસ્તુત પુસ્તક ‘સુખોપનિષદ’નું પ્રકાશન નામાંકિત પ્રકાશકો ‘ગુર્જર પ્રકાશન’,202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, અમદાવાદ- 380 006 દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેમનો સંપર્ક: +91 79 22144663 અને મોબાઇલ: +91 92270 55777. અને ઈ મેલ: goorjar@yahoo.com
———————————
જાન્યુઆરી ૨૦૨૪ સુધી ડૉ.સુધીરભાઇ શાહનો સંપર્ક:
Dr.Sudhirbhai Shah,
Sangini Complex, Besides Doctor House,
Near Parimal Underbridge,
Ellisbridge,
AHMDABAD 380 006.
Contacts- +9179 26467052, 2646 7467 // M0. +91 74055 56862 and 95740 08732
જાન્યુઆરી ૨૦૨૪થી સંપર્ક:
Dr. Sudhirbhai Shah,
619-626, 6th Floor, SWS-3 Building, B Wing,
Opp. Manav Mandir, Near Helmet Cross Roads,
Drive In Road, Memnagar, AHMEDABAD 380 052
લેખક સંપર્ક –
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
