જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૨ ખર્ચ અંશ ૪ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
ખર્ચ શક્તિનું અર્થતંત્ર
આપણે જે પ્રકારની નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં વસીએ છીએ તેમાં આપણી નાણા-સ્વરૂપે થયેલ આવક જ ખર્ચ કરી શકાય એવી વ્યવસ્થા જ જોવા મળે છે. પરંતુ, આપણે જોઈ ચુક્યાં છીએ કે આપણી અંગત અર્થવ્યવસ્થામાં નાણા સિવાયના, બિનનાણાકીય, સ્વરૂપે થયેલી આવકો પણ વાપરવી શક્ય છે.
નાણાપ્રધાન અર્થવ્યવસ્થા ધીમે ધીમે આર્થિક જેલ પરવડવા લાગે એટલી હદે આપણે આપણી નાણાસ્વરૂપ આવક રૂપી જેલર દ્વારા મળતી સગવડો અને જરૂરિયાતોને આધીન બની ગયાં છીએ. આપણે શું ખરીદવું તે નક્કી કરવામાં આપણી પાસે કેટલાં નાણાં છે અને જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાઓ કયા ભાવે મળશે એવી ગણતરીઓનો પ્રભાવ વધતો ગયો છે. આ પ્રક્રિયાનું એક નોંધપાત્ર પાસું એ છે કે ગરીબ કે તવંગર બન્ને માટે ભાવ સરખા જ હોય, એટલે દરેક વ્યક્તિની ખરીદશક્તિમાં ફરક માત્ર તેની પાસે ઉપલબ્ધ નાણાને કારણે જ પડે છે. અને નાણાપ્રધાન અર્થવ્યવસ્થાના પાયામાં જ વ્યક્તિની ખરીદશક્તિ છે, એટલે નાણાપ્રધાન અર્થવ્યવસ્થામાં વ્યક્તિની સફળતા નક્કી કરવામાં આ ખરીદશક્તિ અતિમહત્ત્વનું પરિબળ બની રહે છે.
જોકે, માણસ જાતમાં અવરોધોને બાજુએ રાખીને પોતાનો માર્ગ કાઢવાનું એવું જબરૂં કૌશલ્ય છે કે આર્થિક જેલના જેલરને ઊંઠાં ભણાવીને બીજાંઓ કરતાં વધારે આવક પેદા કરી લઇને તે વધારે ખરીદીઓ પણ કરી લે છે. આ કૃત્રિમ રીતે પેદા કરેલ ખરીદ શક્તિના તફાવતને કારણે સર્વસામાન્ય સિદ્ધાંતો અને નિયમોથી ચાલતી આર્થિક જેલમાં પણ વર્ગ પદાનુક્રમની અસમાનતા અડ્ડો જમાવી બેસે છે.
બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે જો આપણે આપણી ખરીદ શક્તિઓની મર્યાદામાં રહીને જ આપણાં સુખને સિદ્ધ કરવા બેસી જઈશું તો ખરાંખોટાં સાધનોથી વધારાની ખરીદ શક્તિ ઊભી કરનાર લોકો સાથે સરખામણી કરીને આપણે અભાવની મનોદશાનાં કળણમાં ફસાઈ જઈશું. આવી પરિસ્થિતિમાં ન મુકાવું પડે એટલે આપણે એ સતત યાદ રાખતાં રહેવું જોઈએ કે આપણી અંદર બિનનાણાકીય સાધનો ઊભાં કરી શકવાનું અદભૂત સામર્થ્ય રહેલું છે જેના વડે આપણે આપણી ખરીદ શક્તિની સીમાઓ વધારી શકવા સક્ષમ છીએ.
અંગત અર્થવ્યવસ્થાનાં ખર્ચનાં અર્થતંત્રમાં, આમ, વાસ્તવિક અર્થમાં વ્યક્તિની માત્ર નાણાકીય ખરીદ શક્તિ નહી પણ તેની પોતાનાં સમગ્ર કૌશલ્ય વડે શક્ય છે તેવી ખરીદ શક્તિ મહત્ત્વની બની રહે છે.
ખરીદ શક્તિના અર્થંતંત્રના આ પ્રવાહોની સામે કેમ તરતાં રહી શકાય એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
આપણે અગાઉની ચર્ચાઓમાં જોઈ ગયાં છીએ કે આપણી પાસે ખર્ચવા માટે આપણો સમય, આપણી શારીરિક અને માનસિક શક્તિઓ, સેવાઓ લૈ આપી શકવાની આપણી આવડત, આપણા સાથી ‘જેલવાસીઓ’ સાથેની આપણી સહકારની ભાવના જેવાં બિનનાણાકીય સાધનો પણ છે. આ વધારાનાં બિનનાણાકીય સાધનો આપણી જરૂરિયાતો પુરી કરવા આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરવામાં, ભલે કદાચ તાકાલિક અસર સ્વરૂપે ન શકય બને તો પણ, ઘણી રીતે મદદરૂપ બની શકે છે.
આમ આપણે જરૂરથી યાદ રાખવું જોઈએ કે આપણી પાસે ખુબ જ કિમતી એવા સમય, આપણા સહપ્રવાસીઓ માટે અન્યોન્ય સમાનુભૂતિ જેવાં અનેક કૌશલ્યો આપણી અંદર છુપાયેલાં પડ્યાં છે જેનાં યોગ્ય આયોજન અને વપરાશ માટેનાં કૌશલ્યના કેળવવાથી આપણે નાણાકીય સાધનોની સાથે આપણી પાસે ઉપલબ્ધ બિનનાણકીય સંસાધનો વડે આપણે, ભલે કદાચ આજે નહીં તો કમસેકમ ભવિષ્યમાં, તો આપણી ખરીદશક્તિની સીમાઓઓ વધારી શકીએ છે. એટલે એમ કહી શકાય કે આપણી ખરીદ શક્તિને આપણી પાસે ઉપલબ્ધ નાણાથી મર્યાદિત કરી લેવાની જરૂર નથી. બિનનાણાકીય આવકો પેદા કરવાની જે માનવસહજ શક્તિઓ આપણી અંદર રહેલ રહેલી છે તેની કલ્પનાશીલ કેળવણીની મદદ વડે આપણી ખરીદ શક્તિની સીમા આપણે જાતે પણ નક્કી કરી શકીએ છીએ.
‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું‘ ની ભાવના પર આધારિત સમાજની રચના
આપણી પાસે ઉપલબ્ધ હોય તેવાં નાણાકીય તેમ જ બિનનાણાકીય સાધનોનો આપણી મરજી મુજબ ઉપયોગ કરીને આપણાં જીવનને સુખી બનાવી શકવું એ આપણા દરેકનો હક્ક છે. જોકે અપેક્ષિત સુખની સિદ્ધિ માટે આપણે આપણી પાસે ઉપલબ્ધ સંસાધનોની સીમાઓને પાર કરવી પણ પડી શકે છે. આપણે આપણી પોતાની એવી આગવી અર્થવ્યવસ્થા, અને કયારેક સમાજવ્યવસ્થા પણ, ઊભી કરવી પડે, જ્યાં આપણે આવડત, સમય, બિનનાણાકીય કે બીજાંઓ માટે સમાનુભૂતિ જેવાં આપણાં સંસાધનો, તેમની પાસેથી કોઈ જ વળતરની અપેક્ષા વિના, તેમની જરૂરિયાત પ્રસંગે, આપણી મરજી મુજબ વાપરી પણ શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણે આપણાં સંસાધનોનો ઉપયોગ આપણા સમાજનાં કલ્યાણ માટે, સમાજના સભ્યોની, વ્યક્તિગત કે સામુહિક, જરૂરિયાતો પુરી કરવા માટે, સખાવત સ્વરૂપે વાપરીએ છીએ.
માનવ સભ્યતાના વિકાસના ઇતિહાસમાં જેમ બીજાંઓને શોષતો વર્ગ બનતો રહ્યો છે તેમ બીજાંઓને માટે પોતાની પાસેનાં, નાણાકીય તેમજ બિનનાણાકીય, સંસાધનો વાપરીને નિઃસ્વાર્થ મદદ કરનારો પણ એક વર્ગ હંમેશ બનતો રહ્યો છે. આવી પરમાર્થી મનોવૃતિવાળી વ્યક્તિઓ વડે ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચના થાય છે. આ સમાજ પોતાનાં સુખદુઃખ કરતાં એકબીજાંનાં સુખદુઃખને સમાજના સામુહિક વાણી, વિચાર અને વર્તનમાં પ્રાથમિકતા આપે છે. પરિણામે, સમાજમાં પ્રવર્તવા લાગતાં સકારાત્મકતાનાં વાતાવરણને કારણે એકંદરે સુખમય જીવનની અનુભૂતિ વિકસે છે, જે દરેક વ્યક્તિનાં જીવનમં પણ પ્રતિબિંબિત થતી જોવા મળે છે.
આવી સમાજ રચના લાંબા ગાળા સુધી સંપોષિતપણે ટકી રહે એ માટે, અલગ અલગ સમયે, વિવિધ માળખાંઓ તેમજ સાંસ્કૃતિક વાતાવરણ રચતાં મૉડેલો આવતાં રહ્યાં છે. આવાં દરેક મૉડેલના પાયાના પ્રણેતા ‘ગાંધીઓ’ પાસે ‘જે પરિવર્તન તમે લાવવા માગો છો તેની શરૂઆત તમારાથી જ કરો’ જેવી જ કોઈને કોઈ જડીબુટી રહી છે. જ્યાં સુધી આવા વિચાર પ્રવર્તકોના પ્રભાવની અસર રહે છે ત્યાં સુધી એ વિચારના સમર્થકોની પ્રેરણાની સરવાણીઓથી અન્ય અનુયાયી વ્યક્તિઓ આ પ્રવાહમાં જોડાતી રહે છે. તેનું એક સકારાત્મક પરિણામ રૂપે સામુહિક સુખની ભાવનાનો ગુણોત્તરના દરથી વિકાસ થતો જોવા મળ્યો છે.
સુખ અને આનંદની અનુભૂતિથી ધબકતો સમાજ સુખી અને આનંદમય જીવન જીવતી વ્યક્તિઓથી જ રચાય છે. બુદ્ધ, ઈસુ, ગાંધીજી અને એવા યુગપ્રવર્તકોની જીવનશૈલીમાંથી એક શીખ અચૂક મળે છે કે ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચનાનો સમુદ્ર અનેક વ્યક્તિઓની એ ભાવનાઓનાં ટીપાંઓનાં એકત્રિત થવાથી થાય છે.
આપણે અગાઉની ચર્ચાઓમાં જોઈ ચુક્યાં છીએ કેટલીયે સરકારો કે શાસન વ્યવસ્થાઓએ આવા ‘એકબીજા માટે લાગણી રાખવી અને વહેંચીને ખાવું’ ની ભાવના પર આધારિત સમાજની રચનાને તેની જાહેર નીતિઓ અને કાર્યક્રમોનાં જાહેર લક્ષ્ય તરીકે પ્રાધાન્ય આપ્યું છે. જોકે આવા સમાજની રચનાના સૂર્યના પ્રકાશનો ઉદય થાય તેની રાહ જોવાની જરૂર નથી. આપણે દરેક વ્યક્તિ એક એક દીવો થઈને પોતાનાથી શક્ય એટલો પ્રકાશ ફેલાવવાની શરૂઆત કરી જ શકીએ છીએ.
અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં એક ઘટક તરીકે ‘બચત’ને લગતાં મહત્ત્વના પાસાંઓની ચર્ચા હવે પછીના મણકાઓમાં તબક્કાવાર કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
