ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

ચટકી માખીમાર પક્ષી એટલે કથ્થાઈ પીઠ અને સફેદ પેટાળ ધરાવતું જેનું માથું બદામી રંગનું હોય છે અને નરનું ગળુ નારંગી/ ઓરેન્જ રંગનું હોય છે. બદામી રંગ નરમાં મુગટ ઉપર માથામાં માદા કરતા થોડું વધારે ઉપર સુધી જાય છે. તેઓની ધારદાર ચાંચ કાળી હોય છે જેનો આકાર હવામાંથી  જીવડા પકડી ખાતા પક્ષીઓની ચાંચ જેવો હોય છે. નર અને માદા બંનેના પગ કાળા હોય છે. નર અને માદા દેખાવે જુદા હોય છે. નરનું ઉપલું શરીર બદામી રંગનું હોય છે, પૂંછડી કાળી હોય છે અને નરને કાળી પૂંછડીમાં વચ્ચેના ભાગમાં બંને બાજુમાં સફેદ ડાઘ હોય છે. નરને મુગટ સુધી નારંગી રંહોય છે. પૂંછડીનો બહારનો ભાગ નર અને માદા બંનેમાં સફેદ હોય છે. જ્યારે માદા મુખ્યત્વે કથ્થાઈ/ બ્રાઉન રંગની હોય છે. માદાના ગળામાં લાલ રંગ નથી હોતો.

*ચટકી માખીમાર/ સિફીયા માખીમાર/Red breasted Flycatcher/ મરાઠી: લાલ છાતીચા તામ્બૂલા/Scientific name: Ficedula parva*
કદ:૧૨ સે.મી – ૪.૭૨ ઇંચ, વજન: ૧૧ થી ૧૨ ગ્રામ. પાંખોનો ફેલાવો: ૧૯ થી ૨૧ સે.મી.

બચ્ચું હોય ત્યારે શરૂઆતના વર્ષમાં નર અને માદા વચ્ચેનો તફાવત જલ્દી દેખાતો નથી. પહેલા વર્ષ પછી નર બચ્ચામાં ધીરેધીરે ગળાનો નારંગી રંગ ઉભરે છે અને ત્રીજા વર્ષમાં તે સ્પષ્ટ દેખાય છે. નરને આંખની ફરતે સફેદ રિંગ હોય છે. તેઓને પગમાં સીધી દિશામાં આગળ ત્રણ આંગળી અને નખ હોય છે અને એક આંગળી અને નખ પાછળ હોય છે. આંગળી – નખની આવી રચનાના કારણે તેઓ ડાળી ઉપર બેસી સ્થિર પકડ જાળવી રાખે છે. તેઓ ખોરાક માટે ટૂંકા ઉડાણ ભરી ગોળગોળ ફરે છે અને ચક્કર મારી પાછા પોતાની જગ્યાએ ડાળી ઉપર પાછું આવી જાય છે.

આ નાનું અને સુંદર પક્ષી પૂર્વ યુરોપથી લઇ છેક સાઇબિરિયા સુધી તેમનો સ્થાનિક વિસ્તાર છે.  મધ્ય એશિયા, પશ્ચિમ યુરોપથી શિયાળાની ઠંડીમાં સ્થળાંતર કરી જતા હોય ત્યારે પશ્ચિમ યુરોપમાં પણ પશ્ચિમ – પૂર્વ એશિયા તરફ જતી વખતે જોવા મળે છે. શિયાળાની ઠંડીમાં દક્ષિણ – મધ્ય એશિયામાં સ્થળાંતર કરીને આવે છે. ભારતવર્ષમાં ગુજરાત, દિલ્હી,કર્ણાટક,હરિયાણા જેવા રાજ્યોમાં તેમજ શ્રીલંકામાં દર વર્ષે અચૂક આવી જાય છે. સપ્ટેમ્બરથી માર્ચ મહિના દરમ્યાન ભારતમાં આવે છે. ભારતમાં તાપમાન વધતાની સાથે અને વસંત ઋતુ બેસતાની સાથે તેઓ વતન પાછા જતા રહે છે. અગાઉ મુખ્યત્વે આફ્રિકામાં સ્થળાંતર કરી જતા હતા પરંતુ હવે તે ભારતમાં નિયમિત રીતે આવે છે. ગુજરાતમાં તેઓ ઠેર ઠેર જોવા મળે છે.

ચટકી માખીમારની એશિયાની પ્રજાતિ જુદી પડે છે અને તેઓની આગવી ઓળખ પ્રસ્થાપિત થયેલી છે. તેઓને લાલ ગળું હોય છે અને તેની ફરતે રાખોડી/ સિલેટિયા રંગની રિંગ/ નળાકાર વલય હોય છે. તે ઉપરાંત તેઓનું ગાવાનું પણ જુદું પડે છે.

પક્ષીજગતના વિશ્વમાં ચકલી જેવું નાનું કદ ધરાવતા હોય તેવા પક્ષીને પેસેરાઈન બર્ડ એટલેકે ચકલીના કદનું પક્ષી કહેવાય છે અને ચટકી માખીમાર આવું ચકલીના કદનું પક્ષી ગણાય છે.

ચટકી માખીમાર જેવો ખોરાક જુવે કે તરત પોતાની પૂંછડી ઊંચીનીચી કરી શિકાર માટે તૈયાર થઇ જાય છે. મુખ્યત્વે હવામાં ઉડતા જીવડા ખાય છે અને ક્યારેક જમીન ઉપર જોઈ જાય તો પણ ઉઠાવી લે છે. પતંગિયા, ભમરા,વાણિયા, તીડ જેવા ઉડતા જીવ અને કરોળિયા તેમજ વનરાજીમાં બેઠેલી ઈયળ પણ તેમનો પ્રિય ખોરાક છે. શહેરી વિસ્તારમાં વડ અને પીપળાના ટેટા ખાતા પણ જોવા મળે છે. પોતાની હદમાં તેમના કદ જેવડા બીજા દેવ ચકલી જેવા પક્ષીઓને આવવા દેતા નથી.

ચ રૃ … રૃ … રૃ … અને ટીકક… ટીકક… ટીકક જેવા અવાજ કાઢે છે. નર ચટકી માખીમાર પ્રજનનની ઋતુમાં સુંદર ગાય છે અને માદાને ગીતથી પોતાની તરફ આકર્ષે છે. પરંતુ ભારતમાં તેમનું આ સુંદર ગાવાનું જલ્દી સાંભળવા મળતું નથી. જ્યારે ભારતમાં આવે ત્યારે ક્યારેક શરૂઆતના સમયમાં બોલતું સાંભળવા મળી જાય છે. બોલતી વખતે પૂંછડી આજુબાજુ કે ઉપર નીચે હલાવ્યા કરે છે.  મુખ્યત્વે તેઓ પાણીની નજીકના ગીચ ઝાડી અને જંગલ વિસ્તારમાં જોવા મળે છે.

તેઓ મુખ્યત્વે એકજ જોડીદાર પસંદ કરે છે. નર માદાને આકર્ષવા માટે જ્યારે માદા નજીક આવે ત્યારે ગાવાનું બંધ કરી પોતાની પૂંછડી અને બંને પાંખો સુંદર મુદ્રામાં ફેલાવે છે અને માદાની પાછળ ફરે છે. પછીથી નર જ્યા માળા માટેનું થાળમાં બાકોરું શોધ્યું હોય ત્યાં માદાને દોરી જાય છે અને બંને બાકોરામાં જાય છે.  માદાએ નરને નાપાસ કર્યો હોય તો માદા બાકોરું પહેલા છોડી દે છે. શરૂઆતમાં માદાને રીઝવવા માટે અને બીજા નારથી દૂર રાખવા માટે માદા માટે ખોરાક લાવી ખવડાવે છે.

તેઓ ૮૦૦ થી 3,૦૦૦ મીટરની ઊંચાઈ સુધી માળા બનાવે છે. થડના કાણામાં માળો બનાવે છે અને ૭ ઈંડા મુકવાની ક્ષમતા ધરાવે છે. ૧૦ થી ૧૨ દિવસ માદા ઈંડાને સેવવાનું કામ કરે છે અને તે દરમ્યાન નર માદા માટે ખોરાક લાવે છે. લગભગ ૨૭ દિવસમાં બચ્ચા ઉડતા થઇ જાય છે. દર વર્ષે ફરીફરીને તેઓ તેજ માળાને પસંદ કરે છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વમાં તેઓની વસ્તી ૬,૪૦,૦૦૦ થી ૯,૨૦,૦૦૦ સુધીની અંકાય છે.

(ફોટોગ્રાફ્સ: શ્રી સેજલ શાહ ડેનિયલ).

*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

   *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214