ફિર દેખો યારોં
બીરેન કોઠારી
હિમાચલ પ્રદેશ પછી હવે સિક્કિમનો વારો આવ્યો છે. આ મહિનામાં (ઑક્ટોબર, ૨૦૨૩) અહીંની તીસ્તા નદી બેકાબૂ બની. ચૌદેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા, અને સૈન્યના ૨૩ સહિત સોએક લોકો લાપતા છે. તીસ્તાનાં પૂરનાં પાણી એવાં અચાનક ધસી આવ્યાં કે સાવધ થવા જેટલો સમય રહ્યો નહીં. આવું કેમ બન્યું? રાજ્યના વાયવ્ય ખૂણે આવેલા દક્ષિણ લ્હોનક સરોવરમાં વાદળ ફાટ્યું, જેને કારણે પુષ્કળ પાણી વરસ્યું. લ્હોનક હિમનદીનો નીચાણવાળો વિસ્તાર છલકાયો અને તેણે એક કાંઠો તોડ્યો. તેને કારણે તીસ્તા નદીમાં પાણીની સપાટી બેકાબૂ બની અને કેટલાય વિસ્તારમાં પાણી ફરી વળ્યું. સિક્કિમમાં જળવિદ્યુત પેદા કરવા માટે બાંધેલો ચુંગથંગ બંધ પાણીના જોરને કારણે તૂટી ગયો, જેથી નીચાણવાળાં નગર અને ગામમાં તબાહી થઈ. સમગ્ર રાજ્યમાં તેર પુલ તણાયા. તબાહી એટલી વિશાળ પાયે છે કે હજી તેનો સાચો અંદાજ મળી શક્યો નથી.

બે વર્ષ અગાઉ હાથ ધરાયેલા એક અભ્યાસમાં આ બાબતે ચેતવણી આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દાયકાથી ઓછા સમયગાળામાં આ સરોવર ત્રણ ગણાથી વધુ વિસ્તારમાં વૃદ્ધિ પામતું રહ્યું છે, જેમાં ૬૫૦ લાખ ઘનફીટ પાણીનો જથ્થો સમાયેલો છે. અભ્યાસ અનુસાર આ સરોવર ગમે ત્યારે ફાટી શકે છે અને એમ થાય તો સરોવરના નીચાણવાળા ક્ષેત્રો અસરગ્રસ્ત થશે. સરોવરના વિસ્તારમાં થયેલો વધારો હિમનદીના પીગળવાથી છે.
દેખીતી રીતે જ વાદળ ફાટવું આ દુર્ઘટના માટે જવાબદાર લાગે, અને એમ જણાય કે એ ઘટના કુદરતી હોવાથી તેની પર આપણો કોઈ કાબૂ નથી. આ સાચું છે, પણ અડધું. આ દુર્ઘટના માટે જવાબદાર છે વિકાસની આંધળી દોટ. ઘણા કર્મશીલો આ દુર્ઘટનાને કેવળ કુદરતી આપત્તિ ગણવા તૈયાર નથી. તીસ્તા નદી પર જળવિદ્યુત યોજના માટે બંધ બંધાતો હતો ત્યારે કર્મશીલો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
સમગ્ર હિમાલય પર્વતની જૈવપ્રણાલિ અતિશય નાજુક છે. આટલી ઊંચાઈએ જળવિદ્યુત માટે આવા વિશાળ બંધ બાંધવા એ તબાહીને ખુલ્લું નોંતરું છે. તીસ્તા નદી અને તેની શાખાઓ પર બધું મળીને બાર જળવિદ્યુત પ્રકલ્પો બંધાયેલા છે. સિક્કિમ રાજ્ય આપણા દેશના સૌથી વધુ વરસાદી પ્રદેશો પૈકીનું એક છે. તેમ જ તે સિસ્મિક ઝોન ચાર અને પાંચની શ્રેણીમાં આવે છે, એટલે કે અહીં ભૂકંપની સંભાવના સૌથી વધુ છે. આમ, સમગ્રપણે જોઈએ તો સિક્કિમનું ભૂપૃષ્ઠ અતિ નાજુક કહી શકાય એવું છે.
‘અફેક્ટેડ સીટીઝન્સ ઑફ તીસ્તા’ (એક્ટ) નામના, સિક્કિમના રક્ષણાર્થે રચાયેલા સંગઠનના જનરલ સેક્રેટરી ગ્યાત્સો લેપ્ચાના જણાવ્યા અનુસાર, ‘જળવિદ્યુત યોજના ન હોત તો આ દુર્ઘટના બની ન હોત.’ હજી તીસ્તા પર અનુક્રમે ૫૧૦ મેગાવૉટ અને 520 મેગાવૉટનાં બે પાવર સ્ટેશન નં. ૪ અને ૫ દરખાસ્તના તબક્કે છે. આ સંગઠને બન્ને પાવર સ્ટેશનના બાંધકામ પર પાબંદી મૂકવાની માગ કરી છે, કેમ કે, એમ થાય તો તબાહીની ખાતરી છે.
હિમાલય પથરાયેલો છે એ તમામ રાજ્યોમાં આ સમસ્યા તીવ્ર બની છે, અને હજી આગામી વરસોમાં તીવ્રતર બની રહેશે.
આની સરખામણીએ સપ્ટેમ્બર, ૨૦૨૩માં નર્મદાના પૂરનું ઉદાહરણ મૂકવા જેવું છે. સરદાર બંધના ઉપરવાસમાં વરસાદને કારણે સરોવરમાં પાણીની આવક બરાબર થઈ રહી હતી. આમ છતાં બબ્બે દિવસ સુધી ડેમના દરવાજા ખોલવામાં ન આવ્યા. કેમ? કેમ કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. અને એ દિવસે ડેમના દરવાજા ખોલીને ‘જળનાં વધામણાં’નું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ધારીત દિવસે જળનાં વધામણાં કરવામાં આવ્યાં અને અઢારેક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. એનું પરિણામ શું આવે? જોતજોતાંમાં નર્મદાનાં પાણી ભરૂચ-અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ફરી વળ્યાં. તેની ઝડપ એટલી બધી હતી કે કોઈને કશું બચાવવાનો સમય ન મળ્યો. આ દુર્ઘટના ભૂલનું નહીં, હળાહળ બેદરકારીને પરિણામે હતી. આ બંધનાં મુખ્ય હેતુ પૈકીનો એક પૂર નિયંત્રણનો છે, પણ એ જ બંધ પૂરનું, વ્યાપક તારાજીનું કારણ બન્યો.
વિકાસનાં કામ અને તેને કારણે લેવાતો પર્યાવરણને થતું નુકસાન અલગ ચર્ચાનો વિષય છે, પણ આ રીતે ચાપલૂસી કરવા માટે કુદરત સાથે ચેડાં કરવાં એ ગુનાહિત બેદરકારી છે. આમ તો, બંધ સાથે વિવિધ એજન્સીઓ સંકળાયેલી હોય છે, અને એ દરેકની જવાબદારી નિર્ધારીત કરવામાં આવેલી છે. આમ છતાં, આવા કામ માટે આ તમામ એજન્સીઓ એકબીજા સાથે ‘મળી’ જાય એ દર્શાવે છે કે કોઈકને વહાલા થવાની વાત આવે ત્યારે નિશ્ચિત અને નિર્ધારીત કરાયેલી પ્રણાલિ, પ્રક્રિયા કે પદ્ધતિનું કશું મૂલ્ય નથી.
નર્મદાના પૂરના મામલે વડાપ્રધાનને કદાચ પૂરેપૂરા દોષિત ગણાવી શકાય એમ નથી, પણ રાજ્યમાં કેવી કાર્યસંસ્કૃતિ વકરી છે એનો અંદાજ વધુ એક વાર આ ઉદાહરણથી આવી શકે છે. આ પીડિતો સમક્ષ વળતરનો ટુકડો ફેંકવાથી તેમને જે નુકસાન થયું છે એ ભરપાઈ થઈ શકવાનું નથી. પણ લોકશાહી શાસનપદ્ધતિમાં સમગ્ર પ્રણાલિ વ્યક્તિકેન્દ્રી બની રહી છે એનો ઈન્કાર થઈ શકે એમ નથી.
કમનસીબે લોકશાહીમાં કોઈ નાગરિક હોતું નથી. સહુ કોઈ મતદાર હોય છે. રાજકારણીઓ તો આ બાબત સારી પેઠે જાણતા જ હોય, મતદારો પણ એ રીતે જ વર્તે છે. મતદારોની ટૂંકા ગાળાની સ્મૃતિનો પૂરેપૂરો ગેરલાભ રાજકારણીઓ ઉઠાવતા આવ્યા છે અને હજી એ ચાલુ રહેશે.
આફત ચાહે કુદરતી હોય કે કુદરતીના સ્વાંગમાં માનવસર્જિત, તેમાં આખરી નુકસાન નાગરિકનું જ છે એ બાબત ગાંઠે બાંધી રાખવા જેવી છે.
(શિર્ષકપંક્તિ: એન.ગોપી, અનુવાદ: રમણિક સોમેશ્વર)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
