તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.

ઘરમાં સાધારણ દાઝવા કે બળવાના અકસ્માતો બનતા હોય છે.

દાઝવાના અકસ્માતો નીચે આપેલાં કારણોથી થાય છે, અને તેના પ્રકાર પ્રમાણે સારવાર થોડી જુદી પડે છે અને નુકસાન પણ જુદા પ્રકારનું થાય છે, તેથી સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.

(૧) સ્કાલ્ડ બર્ન્સ (Scalds) – રસોડામાં દૂધ, ચા, તેલ, દાળ, નહાવાનું ગરમ પાણી, વગેરે ગરમ પ્રવાહીથી થાય છે.

(૨) ફ્લેમ (Flame) બર્ન્સ – દીવા વગેરેની જ્યોતથી, સળગતી વસ્તુઓથી થાય છે. ગેસ કે કેરોસીનથી, ચૂલો/સગડી સળગાવતાં થાય છે.

(૩) ઇલેક્ટ્રિક (Electrical) બર્ન્સ – વિદ્યુતનો કરંટ લાગે ત્યારે ખૂબ જ જટિલ પ્રકારના દાઝવાના પ્રકારો થાય. તણખો થાય અને આગ લાગે ત્યારે ફ્લેમ બર્ન્સ થાય.

કરંટ શરીરમાં થઈને વહે તો પ્રવેશ (Entry) અને બહાર (Exit) નીકળતા ભાગ પર ખાસ બળવાની નિશાની દેખાય છે. પણ યાદ રાખવું કે કરંટ આ દરમ્યાન વચ્ચેના શરીરના આંતરિક અવયવોને ઘણું નુકસાન કરી શકે છે, અને એ જ તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. આ વખતે હાજર બચાવ કરનારે પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી, પછી જ વ્યક્તિને અડકવું. જો તેમ ના થઈ શકે તો સૂકા લાકડા/પ્લાસ્ટિકની ખુરશી જેવા વિદ્યુત-અવાહકથી વ્યક્તિ કે વાયરને ધક્કો મારી છૂટો કરવો. નહીં તો બચાવનારને પણ જાનનું જોખમ ઊભું થાય છે.

વિદ્યુત કરંટથી આગ લાગે ત્યારે પાણીનો ઉપયોગ કદીયે ના કરાય, કારણ કે પાણી વિદ્યુત-વાહક હોવાથી પાણી નાખનારને ઝડપી લે છે, અને કરંટ લાગે છે.

મોટા બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે અથવા આતંકીય/લડાઈને લીધે બોંબ વિસ્ફોટથી થનારી દાઝવાની પ્રક્રિયા સાથે બીજું ઘણું શારીરિક નુકસાન થાય છે, તેની માહિતી અત્રે અસ્થાને છે.

(૪) રાસાયણિક (Chemicals) બર્ન્સ – એસિડ કે આલ્કલીઝથી થાય છે. આવા કેસમાં પણ તાત્કાલિક પાણીથી ધોવું જરૂરી છે.

સારવારના (Treatment) પ્રાથમિક નિયમોઃ

દાઝી ન જવાય તેની કાળજી લેવી તે પહેલું પગથિયું. (Prevention)

જ્યારે અકસ્માતે દાઝી જવાય તો ગભરાયા વગર, મદદ માટે બૂમ પાડવી. ગરમ પાણી કે પ્રવાહીથી દાઝ્યા હોય તો તરત જ ભાગને ઠંડા પાણીના નળ નીચે રાખી મૂકવો, કે બરફનું પાણી ભરેલી ડોલમાં ડુબાડી રાખવો. ઘી, મલમ કે કોઈ પણ રંગવાળી દવા લગાડવી નહીં, જેથી ડૉક્ટરને તપાસવાની સુગમતા રહે.

ભાનમાં હોય તો જ ખૂબ પાણી/પીણાં પી શકાય, કારણ કે બળવાથી શરીરમાં ખૂબ જ પ્રવાહીનો નાશ થાય છે.

શરીરનો કેટલો ભાગ દાઝ્યો છે, તે પ્રમાણે બળવાના ટકા નક્કી થાય છે, જો આખું શરીર દાઝ્યું હોય તો ૧૦૦% દાઝેલા છે એમ કહેવાય. અને કેટલા ઊંડાણ સુધી દાઝ્યા છે, તે ડિગ્રી તરીકે મપાય છે. સાધારણ લાલાશ અને ફોલ્લા ના થયા હોય તો ફર્સ્ટ ડિગ્રી, ફોલ્લા હોય તો સેકંડ ડિગ્રી. આ બંને પ્રકાર ૧ થી ૩ અઠવાડિયાંમાં મટી જાય અને ખાસ નિશાની પણ રહેતી નથી. જો કે તેની દવા કરાવવી જરૂરી છે.

થર્ડ ડિગ્રી (Full Thickness) બર્ન્સમાં ચામડી તેમજ તેની નીચેની માંસપેશીઓ/અવયવો ઉપરાંત ઘણીવાર હાડકાં સુધી નુકસાન થયું હોય છે. ખૂબ જ ગંભીર પ્રકારના આવા બળવાના કેસમાં સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની સારવારની જરૂર પડે છે અને દર્દીને દવાખાનામાં દાખલ થવું જરૂરી છે. આ મટતાં ઘણીવાર મહિનાઓ થાય છે, બેડોળપણું, પગ, હાથ, ગળું જેવાં અવયવોના હલનચલનમાં નુકસાની આવે છે. વારંવાર પ્લાસ્ટિક સર્જરી કરવી પડે. ઘણીવાર જંતુઓ લાગવાથી (Infection, Septicaemia), ૩ થી ૪ અઠવાડિયાંમાં રસી થઈને તેનું ઝેર પ્રસરી જતાં મૃત્યુ થાય છે.

ડ્રેસિંગ કરવું કે નહીં, ભાગ ખુલ્લો રાખવો કે કેમ, એ ડૉક્ટરને નક્કી કરવા દેવું, પાટાથી કે અન્ય રીતે ઘાનું ધૂળ, જંતુઓ અને માખીઓથી રક્ષણ કરવું જોઈએ.

વિદ્યુત કરંટથી, અથવા શરીરના અગત્યના અવયવો જેવા કે ચહેરો, આંખ, હાથ-આંગળીઓ, જનનેન્દ્રિયો પર દાઝ્યા હોય, તો ડૉક્ટરની સલાહ અનુસાર ઇસ્પિતાલમાં દાખલ થવું જરૂરી છે. ઘણાં રસાયણોથી શરીરમાં ઝેર પ્રસરી શકે છે. કોઈ પણ રસાયણ શરીર ઉપર પડે તો વારંવાર પાણીથી તાત્કાલિક ધોવું. આંખમાં પડે તો પાણીની છાલક મારી આંખ ચોળ્યા વગર ધોવી જોઈએ.

ખાસ નોંધઃ

આ માહિતી, અકસ્માતે તાત્કાલિક ઘરગથ્થુ સારવાર શી કરી શકાય તેની જાણકારી માટે જ છે. આ બધા જ દર્દીઓએ ડૉક્ટરને અવશ્ય બતાવવું અને તેમની સલાહ પ્રમાણે કરવું. ડિગ્રીધારી (Qualified) ડૉક્ટરને બતાવી એમના અભિપ્રાય પ્રમાણેની સારવાર લેવી જરૂરી છે.


ક્રમશ: 


ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.