પ્રવાસી યુ. ધોળકિયા

ભગવાન બુદ્ધનાં પ્રવચનોના સંગ્રહ – ધમ્મપદ /ધર્મપદ- ને એસ ધમ્મો સનંતનો  – ધર્મ સનાતન છે એવું શીર્ષક આપવામાં આવ્યું છે.

જે દિવસે ભગવાન બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને પરિનિર્વાણમાં પ્રવેશ કર્યો તે સમયગાળા દરમિયાન તેમણે જે કોઈને, જે કાંઈ, ઉપદેશ રૂપે કહ્યું તેનો સંગ્રહ બૌદ્ધ ધર્મના આગમ ગ્રંથો तिपिटक(त्रिपिटक)માં કરવામાં આવ્યો છે. બુદ્ધે પોતાનો ઉપદેશ મૌખિક રીતે આપ્યો હતો. તેમના પરિનિર્વાણના ચાર માસ પછી એટલે કે શ્રાવણ માસમાં રાજગૃહનગરમાં મહાકશ્યપના સભાપતિત્વ હેઠળ એક સંગતિ મળી, જેમાં ૫૦૦ બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તેમાં ઉપાલિને વિનય સંબંધિત અને આનંદને ધર્મ સંબંધિત પ્રશ્નો પૂછી જે પ્રશ્નોત્તરી થઈ તે પહેલી સંગતિ. તે પછીનાં ૧૦૦ વર્ષ પછી મહાસ્થવિર રેવતના સભાપતિત્વ હેઠળ વૈશાલીમાં બીજી સંગતિ થઈ. જેમાં ૭૦૦ બૌદ્ધભિક્ષુઓ સંમિલિત થયા. તે આઠ માસ સુધી ચાલી અને તેમાં ત્રણ પિટક, પાંચ નિકાય, નવ અંગ અને ૮૪,૦૦૦ સ્કંધોમાં બુદ્ધવચનોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. બુદ્ધના પરિનિર્વાણ પછી ૨૩૬ વર્ષે સમ્રાટ અશોકના સમયમાં પાટલિપુત્રમાં બૌદ્ધ વિદ્વાન સાધક तिस्स मोग्गलिपुतના સભાપતિત્વ હેઠળ ત્રીજી સંગતિ થઈ. તેમાં અનેક પ્રાંતોમાંથી બૌદ્ધભિક્ષુઓએ ભાગ લીધો, જે દરમિયાન ‘मोग्गलिपुते ‘कथा वत्थु’ ગ્રંથની રચના કરી. આમ, આ ત્રણ સંગતિઓ દરમિયાન त्रिपिटक અસ્તિત્વમાં આવ્યા. તેનો સમય ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દીનો માની શકાય. તેમાંથી ઈ. પૂ. પાંચમી-છઠ્ઠી સદીના ભારતીય જીવનની ઝલક મળે છે.

આ પાંચ નિકાય પૈકી એક ખુદ્રક નિકાય છે, જે ક્ષુદ્ર એટલે કે નાના ઉપદેશોનો સંગ્રહ છે. તેમાં ખુદ્રકપાઠ, ધમ્મપદ, ઉદાત્ત, સુત્તનિપાત, વિમાનપત્થ, પેતવત્થુ, થેર- ગાથા, થેરીગાથા, નિર્દેશ, અવદખા, બુદ્ધવંશ, ચરિયાપિટક જેવા ગ્રંથોનો સમાવેશ છે. જાતકગ્રંથ ભગવાન બુદ્ધના પૂર્વજન્મના સદાચારોને  વ્યક્ત કરતી ૫૪૭ કથાનો સંગ્રહ છે. તે કથાવસ્તુ અને નીતિશિક્ષણની ર્દષ્ટિએ મહત્વપૂર્ણ છે.[1]

હિંદુ પુરાણોની વાત કરીએ તો વાલ્મિકી રામાયણમાં સનાતન પરંપરાનો આઠ સ્થાને ઉલ્લેખ થાય છે, જે નીતિમય જીવનના સંદર્ભે પ્રયોજાયેઅલ છે. પાલિ त्रिपिटकની ગાથામાં પ્રયુક્ત છંદો વાલ્મીકિ રામાયણથી પણ અધિક પ્રાચીન મનાય છે.

પ્રસ્તુત લેખમાળામાં, ફક્ત  બુદ્ધ ધર્મ પર જ નહીં પણ ભારતની સર્વ સનાતની પરંપરાઓ પર એક સંક્ષિપ્ત વિવેચન આપવાનો આપણે પ્રયાસ કરીશું.

+                   +                  +

સનાતન ધર્મ અને અધ્યાત્મ પરંપરા વિશ્વમાં પ્રાચીનતમ છે. જોકે તે શું છે એ પ્રશ્ન કોઈ ભારતીયને અત્યારે કરવામાં આવે તો તે સમજાવી નથી શકતા નથી. આ પરંપરા એક પ્રાચીન વટવૃક્ષ સમાન છે.  વૈદિક પરંપરા તેનું થડ છે અને

૧) શ્રમણ

૨) પૌરાણિક હિંદુ

૩) આગમિક –  તાંત્રિક, અને

૪) ભક્તિ-સંત

તેની શાખાઓ છે.  તે સનાતન , એટલે કે સર્વદા નૂતન, છે. સમય અને કાળ અનુસાર તેમાં આપમેળે સુધારા થયા કરે છે.  તેની આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોવાને કારણે સનાતન પરંપરા  અડીખમ છે.

સનાતન પરંપરા વિશેની અજ્ઞાનતા સર્વવ્યાપી છે.  આવી પરિસ્થિતિમાં ડેવિડ ફ્રાઉલી (www.vedanet.com)એ કરેલી સનાતન પરંપરાની વ્યાખ્યા અતિ સટીક અને સુંદર છે. ડેવિડ ફ્રાઉલી જન્મે અમેરિકન હોવા છતાં કોઈ પણ ભારતીય કરતાં વધારે ભારતીય કહી શકાય તેમ છે. તેથી તેમને વૈદિક ઋષિ ‘વામદેવ શાસ્ત્રી’ એવું નામાભિધાન પણ કરાયેલ છે. તેમનાં પુસ્તક “સનાતન ધર્મ” (Hinduism and the Clash of Civilizations) તેઓએ જે વિચારો રજૂ કર્યા છે તે અહીં ટૂંકમાં સાદર છે.

સનાતન ધર્મને કોઈ વ્યાખ્યામાં બાંધવો મુશ્કેલ છે. છેલ્લાં હજારો વર્ષથી પણ પ્રાચીન એવી  આ પરિપાટી એક અદ્વિતીય ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરા છે. તેનું પ્રાગટ્ય પવિત્ર ભારત ભૂમિમાં થયેલ છે. યહુદીઓની રહસ્યવાદી પરંપરા  અને ચીનની તાઓવાદી પરંપરા સાથે તે એક ચોક્કસ નાતો ધરાવે છે. સનાતન ધર્મને આપણે હિમાલયની પરંપરા તરીકે ગણાવી શકીએ. તેનો શાબ્દિક અર્થ  સાર્વત્રિક શાશ્વત સત્ય અને  શાશ્વત તત્ત્વજ્ઞાન થાય છે.  તે વૈશ્વિક ચેતનાનો હિસ્સો છે. સાર્વત્રિક જીવન (Universal Life ) અને ચેતના વિશેનાં સત્યો અહીં શીખવાય છે. સનાતન ધર્મ  ધર્મ, યોગ, તંત્ર ગુરુવાદ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન અને કળાનો સમન્વય છે.

સનાતન ધર્મ સત્યનો ઉપાસક છે. सत्यमेव जयते તેનો મુળ મંત્ર છે. અહીં અંધવિશ્વાસ કે કોઈ ચોક્કસ માન્યતામાં આસ્થા રાખવાનો જડ આગ્રહ નથી. કોઈ પયંગબર કે પુસ્તકને અહીં વિશિષ્ટ દરજ્જો નથી. સનાતન ધર્મ શાશ્વત, સાર્વત્રિક સત્યની વ્યક્તિગત અનુભૂતિમાં માને છે. તેનો મુખ્ય આગ્રહ આત્મજ્ઞાનનો છે.  સનાતન ધર્મની સાધના યોગ સાધના છે. યોગ દ્વારા માનવીય ચેતના ઈશ્વરીય ચેતના સાથે જોડાઈ શકે છે. આ ધર્મ સ્વાનુભવમાં જ વિશ્વાસ ધરાવે છે. તે માટે આપણે મનથી મુક્ત થવાનું છે. યોગ સાધના મન મુક્તિ  માટે છે. સનાતન ધર્મમાં  કોઈ અન્યનાં આધ્યાત્મિક અનુભવને આધારે બેસી રહેવાનું નથી. દરેક પળે આપણે આપણી પોતાની ચેતનામાં જીવવાનું છે.

વેદાંત તેનું તત્ત્વજ્ઞાન છે. આત્માનું પરમાત્મા સાથે ઐક્ય એ તેનું અંતિમ, ચરમ શિખર છે. સનાતન ધર્મનો પ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે. અહીં પ્રાકૃતિક કાનૂનને – ઋતને – શિરોધાર્ય માનવામાં આવે છે.  કર્મ ફળ પણ આવો એક કુદરતી કાનૂન છે. આ કાનૂન કહે છે કે તમે જેવું કરશો તેવું પામશો. જો આ જન્મમાં નહીં તો આવતા જન્મોમાં પણ કર્મનું ફળ માનવીને મળવાનું જ છે. આમ છતાં સનાતન ધર્મમાં કોઈ દૈવી નીતિશાસ્ત્રને સ્થાન નથી. તે માને છે કે આપણે આપણાં સદ્વર્તનથી ઊંચા ઊઠી શકીએ છે અને દુષ્કર્મથી અધઃપતન પામીએ છીએ. તે એ વાત વિશે ચિંતિત નથી કે આપણે શું માનીએ છીએ પણ આપણે કઈ રીતે જીવીએ છીએ તે વધારે અગત્યનું છે.  સનાતન ધર્મ આપણને શીખવે છે કે આપણે બધાં જ દૈવી છીએ.

આ ધર્મ કોઈ વ્યક્તિ દ્વારા સ્થાપિત નથી. તેની પ્રસ્થાપના ઋષિમુનિઓએ આત્મદૃષ્ટિથી પ્રાપ્ત કરેલું દૈવી દર્શન છે.  આ પરંપરા સદૈવ જીવંત છે તેની સાબિતી એ છે કે દરેક સદીમાં, અને દરેક દાયકામાં, તેની યથાર્થતા અને સાર્થકતા સાબિત કરતાં રહેતાં અનેક નર નારીઓ ભારત ભૂમિને અજવાળતાં રહ્યાં છે.

સર્વવ્યાપ્ત બ્રહ્મને આધાર માનીને જ આ પરંપરા ચાલે છે. આ પરંપરા એવું માને છે કે વિશ્વ એક એવી માયા છે જેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. વિશ્વનો કણેકણ બ્રહ્મથી વ્યાપ્ત છે.

અહિંસા અને શાકાહાર પણ સનાતન ધર્મની ઢાલ છે. અહિંસા વિના માનવીનું ઊર્ધ્વીકરણ શક્ય નથી. આ ધર્મ સંસારથી દૂર ભાગવાનું, તેને છોડી જવાનું કહે છે. જોકે આ માન્યતા અણસમજથી ઊભી  થયેલ છે, કેમકે સનાતન ધર્મ જ માણસને સત્ ચિતાનંદના અનુભવને લાયક ગણે છે અને મોક્ષનો અધિકારી ગણે છે.

સનાતન ધર્મ એક એવી આધ્યાત્મિક પરિપાટી છે કે જેને વિશ્વનો કોઈ પણ માનવી ગ્રહણ કરી શકે છે.  સનાતન ધર્મ વિશ્વના બધા ધર્મોની માતા છે. પણ આ જ્ઞાન કોઈ સીમામાં બંધાઈ જવા તૈયાર નથી. તેથી, જ તેમાં સદાય પરિવર્તન ચાલતું જ રહે છે અને સુધારણાને હમેશાં અવકાશ હોય છે.

આ પરંપરામાં અસંખ્ય દેવી દેવતાઓને માટે સ્થાન છે. તેનું કારણ એ છે  કે તે આ બધાં દેવી દેવતાઓને વિશ્વમાં વહેતી પરમ ચેતના શક્તિની દૃષ્ટિએ જૂએ છે. એ શક્તિની કૃપા મેળવીને માનવી ધન્ય બને છે. આજના યુગમાં સનાતન ધર્મ જ ચાલી શકે. વ્યક્તિગત સ્વતંત્રતા આ યુગમાં દરેક માનવીને પોતાને ગમે તે ધર્મ કે આધ્યાત્મિક આસ્થા રાખવાનો અધિકાર છે.  તમામ પ્રકારની વિવિધતાઓ અને પરસ્પર વિરોધી વિચારધારાઓને ફક્ત સનાતન ધર્મ જ સ્વીકારીને ચાલી શકે. આ પરંપરામાં ઈશ્વરને નિરંકારી સહિત કોઈ પણ રૂપ કે નામથી ઉપાસી શકો છો. આ એક પરંપરા જ એવો દાવો કરી શકે એમ છે કે તેમાં દરેક ધર્મને આવરી લેવામાં આવેલ છે. તેનો વિસ્તાર અને દર્શન વિશ્વસ્તરનાં છે.

સનાતન ધર્મ વિશેનો ફ્રાઉલીનો ઉપસંહાર કોઈ પણ ભારતીયને પોતાનું મસ્તક ગર્વભેર ઊંચું રાખવા પ્રેરણા પૂરી પાડે છે. તેઓ કહે છે કે:

સનાતન ધર્મ એ એક મુક્ત પરંપરા છે જેને બધું જ સ્વીકાર્ય છે. દરેક ઘટકને તે પોતાની મેળે જ પોતાનો ધાર્મિક મને આધ્યાત્મિક માર્ગ ખોળી લેવાની સ્વતંત્રતા આપે છે.  સહિષ્ણુતા તેનો આધાર છે.

આજે જ્યારે નવા ધર્મની શોધ ચાલી રહી છે ત્યારે કોઇ નવું ચર્ચ તે સ્થાન ન લઈ શકે. આજના વૈશ્વિક યુગમાં  બધા ધર્મો અને આસ્થાઓથી ઉપર ઊઠી શકે એવી વ્યાપક ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાની આવશ્યકતા છે.  એ પરંપરા એવી હોય જે ગમે તે માન્યતા ધરાવતા દરેક માનવીને પવિત્ર માને. છેલ્લાં હજારો વર્ષોથી જીવિત હોય એવી આવી એક જ પરંપરા ભારતીય સનાતન ધર્મની જ પરંપરા છે.

હવે પછીના મણકામાં સતત વહેતી આ ધારાઓમાં  કઈ ધારા પ્રાચીનતમ છે તે પ્રશ્નનું  નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


[1] સંદર્ભઃ કલ્પના કનુભાઈ શેઠ લિખિત ગુજરાતી વિશ્વકોશનું અધિકરણ – ‘ત્રિપિટક’