હરેશ ધોળકિયા

આપણા દેશમાં થોડાં વર્ષો પહેલાં એક બહુ જ જાણીતા ગણિતશાસ્ત્રી થઈ ગયા. રામાનુજમ તેમનું નામ. ભારતમાં તો તેમની જરા પણ કદર ન થઈ, પણ ઈગ્લેંડની યુનિવર્સિટીના ગણિતના પ્રાધ્યાપકે જયારે તેમનાં સમીકરણો જોયાં ત્યારે તે ચકિત થઈ ગયા અને તેમને ત્યાં બોલાવી લીધા. બન્નેએ મળીને ગણિત પર અદભુત કામ કર્યું. પણ મહત્વની વાત એ છે કે પેલા પ્રાધ્ધાપકને પણ જયારે કોઈ સમીકરણ ન સમજાતાં, ત્યારે તે રામાનુજમને આપતા અને રામાનુજમ થોડી જ વારમાં તેને સમજાવી દેતા. પેલા પ્રાધ્યાપક તો જોઈ જ રહેતા કે આવું કઠિન સમીકરણ તે કેમ સરળતાથી કરી શકયા ? તે રામાનુજમને તેનું – તેમની પ્રતિભાનું – રહસ્ય સમજાવવા પૂછતા. તો તે જવાબ આપતા કે તે પળે તેમનાં દેવી તેમના સામે આવે છે અને સમીકરણ ઉકેલી દે છે. હવે આ તો રહસ્યમય જવાબ હતો. પેલા સમજી ન શકતા. રામાનુજમ પણ પોતાનો જવાબ ન સમજી શકતા.

પણ આ જવાબ પર ચિંતન કરવા જેવું છે. દેવી સમસ્યા ઉકેલી દે છે એ જવાબ ભકતનો છે. કદાચ રામાનુજમને પણ સાચો જવાબ ખબર ન હતો. એટલે તે પોતાની ભકિત આ રીતે પ્રગટ કરતા હતા. પણ હકીકતે આ જવાબનું રહસ્ય અલગ છે.

આનો એક જવાબ મળે છે ભારતના પ્રાચીન મનોવિજ્ઞાની એવા મહર્ષિ પતંજલિ પાસેથી. તેમણે ‘યોગસૂત્ર’ નામનો યોગ પર અદભુત ગ્રંથ લખ્યો છે. તેને શુધ્ધ ભારતીય મનોવિજ્ઞાન કહી શકાય તેવો. તેમાં તેમણે લખ્યું છે કે ” જયારે તમે કોઈ મહાન ઉદેશ્ય કે કાર્યથી પ્રેરિત થાવ છો, ત્યારે તમારા બધા વિચારો બધાં બંધનો તોડી દે છે. તમારુ મસ્તક સીમાઓને પાર કરી જાય છે. તમારી ચેતના ચારગણી વિસ્તૃત થાય છે અને તમે પોતાને નૂતન, મહાન અને આશ્ચર્યજનક જગતમાં હોવાનો અનુભવ કરો છો. તમારી સુષુપ્ત શક્તિઓ,માનસિક ઊર્જાઓ અને દક્ષતાઓ જાગૃત થઈ જાય છે. તમે અનુભવો છો કે હવે તમે વ્યકિતરુપે એક એવી મહાશકિત છો, જેની તમે પોતા વિશે કયારેય કલ્પના કરી ન હતી.”

આનો અર્થ એ કે જયારે વ્યકિત કોઈ અગત્યના મુદા પર વિચાર કરવાનું શરુ કરે છે અને તેમાં આત્યંતિક તલ્લીન થઈ જાય છે, ત્યારે તે કયારેક મનને અતિક્રમીને કોઈ એવા પ્રદેશમાં ચાલી જાય છે જેની તેને પણ ખબર નથી. ત્યાં વિચાર કરવાની જરુર પડતી નથી. ત્યાં આપોઆપ જવાબ મળે છે. મનોવિજ્ઞાનના શબ્દમાં તેને કદાચ ” સુપર કોન્શ્યસ’-ઉર્ઘ્વ ચેતના કહી શકાય. માણસનું મન અનંત છે. તેનું કોઈ તળીયું જ નથી. જેમ જેમ તેમાં ઊંડા ઉતરાય, તેમ તેમ તેની શકિત વધતી જાય છે.

આ વાતને વધારે સરસ રીતે સમજાવે છે ભારતના જ પણ અમેરિકામાં રહેતા એક ઉતમ ડોકટર દીપક ચોપરા. તેમણે એક પુસ્તક લખ્યું છે ‘ સિન્ક્રો-ડેસ્ટીની.” સિન્ક્રો એટલે ” જોડાવું.” અને ડેસ્ટીની એટલે નિયતિ. આ બાબતે તે લખે છે કે જયારે કોઈ માણસ કોઈ એક ધ્યેય નકકી કરે છે અને તેના પર પૂરા સમર્પણભાવથી કામ કરવાનું શરુ કરે છે, ત્યારે તેની માનસિક ક્ષમતા આપોઆપ વધવા લાગે છે. જેમ જેમ તેની કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા વધતી જાય છે, તેમ તેમ આ માનસિક ક્ષમતા પણ વધતી જાય છે. દાખલા તરીકે પ્રતિબધ્ધતા પચાસ ટકા થઈ, તો ક્ષમતા પણ પચાસ ટકા થાય છે. પ્રતિબધ્ધતા નેવુ ટકા થઈ તો ક્ષમતા પણ નેવુ ટકા. એમ કરતાં જયારે પ્રતિબધ્ધતા નવ્વાણુ ટકાએ પહોંચે છે, ત્યારે ક્ષમતા પણ નવ્વાણુ ટકાએ પહોંચે છે. પણ અહીં સુધી તે સફળ સાથે નિષ્ફળ પણ જઈ શકે છે.

પણ જેવી વ્યકિત નેવુથી સોમા ટકે કૂદકો મારે છે, તેવી એક અદભુત ઘટના બને છે. જેમ નવ્વાણું ડિગ્રીએ પાણી ઉકળે ત્યાં સુધી પાણી પણ નવ્વાણુ ટકા ગરમ તો થાય છે, પણ તે રહે તો પાણી જ છે. પણ પાણી જેવું સોમી ડિગ્રીએ જાય છે કે તે પાણી ન રહેતા વરાળ બની જાય છે. તેનું રાસાયણિક સ્વરુપ જ બદલી જાય છે. આવું જ વ્યકિતના કિસ્સામાં બને છે. જેવું તેનું ભન, એટલે કે પ્રતિબધ્ધતા, સોમા ટકે કૂદકો મારે છે કે અત્યાર સુધી રહેલ તેનું વ્યકેતગત મન પીગળી જાય છે અને વૈશ્વિક
ભનમાં- ચેતનામાં- ભળી જાય છે. હવે તે વૈયકિતક મન રહેતું નથી. તે વૈશ્વિક મન બની જાય છે. અને વૈશ્વિક મન કયારેય નિષ્ફળ ન જાય. તે જરુરી કામ જ કરે અને તેમાં સફળ જ જાય. એટલે હવે તે જે કરે છે, તેમાં તેને સફળતા જ મળે છે. હવે તે જે બોલે છે કે વિચારે છે, તે સત્ય જ ઠરે છે. તેના મોમાંથી જે પણ વાકય નીકળે છે, તે સાચું જ ઠરે છે. એટલે કે હવે તે ધાર્યું કરી શકે છે. અને, ચોપરા કહે છે, એનો અર્થ એ થયો કે તે પોતાનું ભાવિ નકકી કરી શકે છે. તે વૈશ્વિક મન સાથે “સિંકોનાઈઝ” થવાથી-
જોડાઈ જવાથી-પોતાની માલિક બની જાય છે. માટે તે ધાર્યું કરી શકે છે.

આનો એક ત્રીજો જવાબ પણ અપાયો છે. રોન્ડા બાયરન નામનાં એક લેખિકાએ એક અદભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેનું નામ છે ” સિક્રેટ.” ગુજરાતીમાં તે “રહસ્ય” નામે પ્રગટ થયેલ છે. પાનેપાનું વાંચવા જેવું છે. તેના પહેલા જ પાને તે લખે છે, ” વ્યકિત જેવું વિચારે છે, તે બાબતને તે આકર્ષે છે. બહુ નાનું વાકય છે, પણ તેમાં ઠાંસી ઠાંસીને રહસ્ય ભર્યું છે. તેનો અર્થ એવો છે કે જે વિચાર જગત છે, તે અવ્યકત છે. આ વિચારો સમગ્ર જગતમાં ત્રણે કાળ ઘૂમ્યા કરે છે. આ વિચારોને કોઈ જ સમય કે સ્થળની ભૌતિક મર્યાદા નડતી નથી. તે સમગ્ર અસ્તિત્વમાં ઘૂમે છે અને એક પળમાં ગમે ત્યાં પહોંચી જઈ શકે છે. તેનું એક લક્ષણ એ છે કે જે વિચાર હોય તેવો જ વિચાર વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ કરતું હોય, તો તે વિચાર ક્ષણના લાખમાં ભાગમાં તેના તરફ આકર્ષાય છે અને પહોંચી જાય છે.

માની લઈએ કે એક વ્યકિત ” અ ” નામનો વિચાર કરે છે. તો આજ સુધી વિશ્વમાં જેણે પણ આ “અ” પ્રકારનો વિચાર કર્યો હશે, તે બધા જ વિચારો આકાશમાં ઘૂમ્યા કરતા હોય છે. એટલે જેવી આ વ્યકિત ”અ” વિચાર કરે છે કે તરત, પળમાં, આ બધા જ “અ” વિચારો તેના તરફ આકર્ષાય છે અને ઝડપથી તેના મનમાં ઘૂસી જાય છે. એટલે તેના મૂળ વિચારને અગણિત બળ ભળે છે. તે વિચાર પાકો થઈ જાય છે. એટલે પછી આ વિચારના આધારે તે જે કામ કરવા માગે છે, તે આ સમગ્ર બળના કારણેતરત થઈ જાય છે. અથવા સરળ થઈ જાય છે. એટલે કોઈ વ્યકિત સમર્થ રીતે એક વિચાર કરે અને વાગોળે, તો તે વિચાર સાકાર થવા લાગે છે. તેનો અમલ થવો શરુ થાય છે. અને સિધ્ધ થાય જ છે. દાખલા તરીકે લિંકને નકકી કર્યું કે અમેરિકામાંથી ગુલામી દૂર થવી જોઈએ, તો તરત આ વિચાર સાકાર થવા લાગ્યો અને થોડા જ વર્ષોમાં અમેરિકામાંથી ગુલામી દૂર થઈ ગઈ. ગાંધીજીએ પ્રબળ રીતે અંગ્રેજોને કહ્યું કે ‘ ભારત છોડો” કે તરત આ પ્રક્રિયા શરુ થઈ ગઈ અને અંગ્રેજોને ભારત છોડવું પડયું. નેલ્સન મંડેલા પણ પોતાના દેશમાંથી પરદેશીઓને દૂર કરવા માગતા હતા. સતાએ તેમને સત્યાવીશ વર્ષ જેલમાં નાખી દીધા, પણ આ સમય દરમ્યાન તે તેમનો આ વિચાર સેવતા જ રહ્યા એટલે તેમનો દેશ સ્વતંત્ર થઈ ગયો.

એટલે રામાનુજમનો જવાબ ધર્મની દષ્ટિએ ન જોતાં આ રીતે જોઈએ તો જવાબ મળે છે કે રામાનુજમ પોતાના મુદામાં એટલા તો તલ્લીન થઈ જતા હતા- સો ટકા- કે તે સીધા જ વૈશ્વિક મન સાથે જોડાઈ જતા હશે. એટલે ત્યાંથી સીધો જવાબ તેમને મળતો હશે.

છતાં કોઈ ભકત કહે કે રામાનુજમનો જવાબ સાચો હતો, તો કહી શકાય કે હા, સાચો છે. તેને ભકિતની ભાષામાં પણ જવાબ આપી શકાય. જેમ જેમ ભકતનું મન ભગવાનમાં પરોવાતું જાય, એકાગ્ર થતું જાય, તેમ તેમ આ જ પ્રક્રિયા થવા લાગે છે. ભગવાન (વૈશ્વિક ચેતના ) તેની નજીક આવવા લાગે છે અને તેના પ્રશ્નોને ઉકેલવા લાગે છે. ગીતામાં પણ કહે છે કે ” જે મને જેવી રીતે ભજે છે, તેવી જ રીતે હું તેને ભજું છું.” (યે યથા માં પ્રપધન્તે તાંસ્તથેવ ભજામ્યહમ.) આ જ જવાબ ! બીજી જગ્યાએ કહે છે કે ” જે મને નિત્યયુકત થઈ ભજે છે, તેનું યોગક્ષેમ હું કરું છું.”ફરી આ જ જવાબ. તે શ્રધ્ધાના સંદર્ભમાં જવાબ છે. ચોપરા વગેરે વિજ્ઞાનના સંદર્ભમાં જવાબ આપે છે. મૂળ સમાન છે.

મૂળ વાત એ છે કે વ્યકિત પોતાના ધ્યેયમાં જો એકરુપ થઈ જાય, સંપૂર્ણ તલ્લીન થઈ જાય, તે માટે સમગ્ર જગતને ભૂલી જાય, તો તેના મનની શકિત અનંત થઈ જાય છે. તે વ્યાપક બની જાય છે. આ વ્યાપકતામાં જ જગતના બધા સવાલોના જવાબો છે. તે આપોઆપ મળી જાય છે. આમાં કોઈ ચમત્કાર નથી. માણસનું મન પણ અંતે તો અસ્તિત્વનો જ એક ભાગ છે. અને અસ્તિત્વ સર્વત્ર અને સર્વજ્ઞ છે. એટલે જો અંશ મૂળ સાથે જોડાઈ જાય, તો તેને મૂળમાંથી જવાબ મળી જાય છે.

આને જ “યોગ” કહે છે. યોગ એટલે જોડાવું. શેના સાથે જોડાવું ? અસ્તિત્વ સાથે. એક વાર અસ્તિત્વ સાથે સંલગ્ન થઈ જવાય, તો તે તો ” ચૈતસિક ગુગલ” છે. બધા જવાબો આપશે. એટલે ભારતે યોગને મહત્વ આપ્યું છે. એટલે અહીં ઘ્યાન વગેરેનો વિકાસ થયો. આજે હવે સમગ્ર વૈજ્ઞાનિક જગત તેનો સ્વીકાર કરે છે.

આ મુદા પર ઊંડા ઉતરવાની જરુર છે. જેને પણ વ્યાપક પ્રગતિ કરવી છે, ખૂબ જ આગળ વધવુ છે, તેણે આ મુદા પર ગાઢ રીતે ચિંતન કરી તેનો અમલ કરવાની જરુર છે. આ વિચાર સફળતાના ભૂતની ચોટલી છે. ચોટલી પકડાઈ ગઈ તો આખું ભૂત હાથમાં.


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com