ઈશ્વરી ડૉક્ટર

સવારનો સોનેરી તડકો. રૂનાં ઢગલાં જેવા વાદળો. વાદળો વચ્ચેથી ડોકાતો, છુપાતો સૂર્ય.

સવારથી વરસી રહેલો વરસાદ હમણાં જ થંભ્યો હતો. પક્ષીઓ ભીની પાંખ ખંખેરીને ચણની શોધમાં ઊડી રહ્યા હતા. સૂર્યનાં આગમન સાથે જ વરસીને ચોખ્ખા થયેલાં આકાશમાં વિશાળ મેઘધનુષ રચાઈ ગયું.

પરંતુ, આ શું…….? મેઘધનુષમાંથી બધાં રંગો જ ગાયબ! મેઘધનુષનાં સાતે ય રંગો કોણ ચોરી ગયું?

હવાની પાંખ પર બેસીને સંદેશો પહોંચ્યો છેક મેઘરાજાનાં દરબારમાં….

મેઘધનુષનાં સાતે રંગો ગાયબ છે…….

મેઘરાજાએ વાદળોનાં પડઘમ વગાડી સંદેશો છેક ધરતી સુઘી મોકલ્યો: વરસાદી રાતે મેઘધનુષનાં રંગો ચોરી જનાર ચોરને શોધો:

ધરતી પણ ચિંતામાં પડી ગઈ. મેઘધનુષનાં રંગો કોણ ચોરી ગયું?ધરતીએ આકાશમાં નજર કરી તો રંગો વગરનું મેઘધનુષ સાવ ફિક્કું લાગી રહ્યું હતું.

રંગો ગયા તો ગયા કયાં?

મેઘરાજાએ હવા, પાણી, ધરતી સૌને કામે લગાડી દીધા.

મેઘધનુષનાં રંગો શોધો…….

રંગવિહીન મેઘધનુષથી મારો દરબાર કેવી રીતે શોભે?

હવા અને પાણીએ સવાલ કર્યો:”કયા કયા રંગો હતાં?”

મેઘરાજાએ વાદળ પર સંદેશો લખીને મોકલ્યો.

રંગોની યાદી: જાંબલી, નીલો,વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો.

હવા બોલી:” રાજાજી,આ તો બહુ મોટી યાદી છે. અમને તો યાદ ના રહે.”

મેઘરાજા બોલ્યાં:”તમે ટૂંકમાં યાદ રાખો. જા, ની, વા, લી, પી, ના, રા…..આ રીતે યાદ રાખવું એકદમ સરળ છે.”

સૌ રંગોની શોધમાં નીકળી પડ્યા: ચોરે ક્યાં છુપાવ્યા હશે?:

સૌ પ્રથમ બધાં જાંબલી રંગની શોધ કરવા લાગ્યા.

હવાની નજર જાંબુનાં ઝાડ પર પડી. ઝાડ પરથી પાકાં જાંબુ જમીન પર પડી રહયા હતા. જમીન પર જાંબલી રંગ ફેલાઈ રહ્યો હતો. જાંબુના ઝાડે ચોર્યો છે જાંબલી રંગ….. સૌ ઝાડને પકડવા દોડ્યા. જાંબુનું ઝાડ બોલ્યું:”મારા પર વિશ્વાસ કરો. આ જાંબલી રંગ તો મારો પોતાનો છે. કુદરતે મને ભેટમાં આપ્યો છે. વરસોથી મારી પાસે છે.”

સૌ નિરાશ થઈ ને નીલા રંગની શોધમાં આગળ વધ્યાં. ધરતીએ ઉપર નજર કરી તો વિશાળ આકાશમાં ભરપૂર નીલો રંગ ફેલાયેલો હતો.

: નીલા રંગનો ચોર મળી ગયો…….:

સૌ આકાશ તરફ દોડ્યા. આકાશ બોલ્યું:”નીલો રંગ તો જનમથી મારી પાસે છે. મારા અસ્તિત્વની નિશાની છે.” સૌ દુઃખી થઈ ગયા: ચોરે સંતાડેલા રંગો શોધવા ક્યાં?

ત્યાં જ, આકાશમાં વાદળો દેખાયાં. હવા બોલી:” અરે! વાદળી રંગ તો આ રહ્યો.ચોરે વાદળમાં સંતાડ્યો છે.”

વાદળ બોલ્યુ: ” મિત્રો, વાદળી રંગ તો મારી આગવી ઓળખ છે. એટલે તો મને વાદળ નામ આપવામાં આવ્યું છે.”

સૌ હતાશ થઈને લીલા રંગની શોધમાં જંગલ સુઘી પહોંચી ગયા. જંગલ આખામાં લીલો રંગ પથરાયેલો હતો. અધીરા થયેલાં હવા, પાણી અને ધરતી એક સાથે પૂછી બેઠાં:”તારી પાસે આ લીલો રંગ ક્યાંથી આવ્યો? ચોરે તારામાં છુપાવ્યો છે ને?”

જંગલ:”લીલો રંગ તો મારા જીવનની નિશાની છે. સૂર્ય દેવે મને ભેટમાં આપેલો છે.”

હવા ચિંતિત થઈને બોલી:”જંગલ, તેં પીળો રંગ ક્યાંય જોયો? લીલા રંગ સાથે અમે એને પણ શોધી રહ્યા છીએ.”

ત્યાં જ, તેની નજર સૂર્યમુખીનાં ફૂલ પર પડી. તેનો પીળો રંગ જોઈને હવા બોલી ઊઠી:”મેઘધનુષનો પીળો રંગ મળી ગયો. ચોરે સૂર્યમુખીમાં છુપાવ્યો છે.” હવા તો પાણીનો હાથ પકડી ને સૂર્ય મુખી તરફ દોડી.

પાણી બોલ્યુ:”સૂર્યમુખી, મેઘધનુષનો પીળો રંગ ચોરે તારામાં છુપાવ્યો છે. મેઘરાજાનો આદેશ છે કે ચોરાયેલા રંગો શોધી ને પાછાં લઈ આવો. મેઘધનુષનો પીળો રંગ અમને પાછો આપી દે. નહીંતર, મેઘરાજા તને સજા કરશે.”

સૂર્યમુખી:”અરે!આ પીળો રંગ તો મારી ખાસિયત છે. સૂર્ય દેવ એમનાં કિરણો દ્વારા મને પીળો રંગ આપતા રહે છે. સૂર્ય જે દિશામાં જાય એ દિશામાં હંમેશા હું મારું મોઢું રાખું છું. સૂર્ય જ મારું ધ્યેય છે. મારા ધ્યેય પર જ મારું લક્ષ હોય છે. તમને શંકા હોય તો સૂર્ય દેવને પૂછી જુઓ.”

હવા: “ના, ના સૂર્યમુખી અમને તારામાં વિશ્વાસ છે. અમને થોડી મદદ કરીશ?”

સૂર્યમુખી:”બોલ મિત્ર, હું તને શું મદદ કરી શકું?”

હવા:”અમે જાંબલી, નીલો, વાદળી, લીલા અને પીળા રંગની શોધ કરી પણ અમને મળ્યો નથી. મેઘરાજાએ આપેલી રંગોની યાદીમાં હવે ફકત નારંગી અને રાતા રંગની શોધ માટે પ્રયત્ન કરવાનો બાકી છે.તું એ રંગોની શોધમાં કંઈ મદદ કરી શકે?”

સૂર્યમુખી :”હા, હું હંમેશા મારું મુખ સૂર્ય તરફ રાખું છું. સવારે સૂર્ય ઊગતો હોય ત્યારે મારું મોઢું પૂર્વ તરફ રાખું છું. સાંજે આથમતો હોય ત્યારે પશ્ચિમ તરફ રાખું છું. સવારે ઉગતા સૂર્ય સાથે ખીલતી ઉષા મેં જોઈ છે. આથમતાં સૂર્ય સાથે ઢળતી સંધ્યા પણ જોઈ છે. ઉષા અને સંધ્યા પાસે નારંગી અને રાતો રંગ ભરપૂર છે.ચોરે એ બંને રંગો તેમાં છુપાવ્યા હોઈ શકે.”

હવા ને પાણી,ઉષા અને સંધ્યા પાસે દોડી ગયા. અધીરા થયેલાં હવા, પાણી બોલી ઊઠ્યા:

“ઉષા, સંધ્યા મેઘધનુષનાં રંગોનાં ચોરે નારંગી અને રાતો રંગ તમારામાં છુપાવ્યાં છે. જલદી પાછા આપી દો. નહીંતર, મેઘરાજા તમને સજા કરશે.”

ઉષા અને સંધ્યા એકસાથે બોલી ઊઠ્યા:”ના, ના આ રંગો તો અમારાં મનમાં રહેલી આશા છે. ઊગતો અને આથમતો સૂર્ય અમને રોજ આપતો રહે છે.

નવજીવનની આશા……સૂર્ય રોજ આથમે છે છતાં સવારે એક નવી આશા સાથે ઊગે છે. નારંગી અને રાતો રંગ તો આશાની નિશાની છે. યુગોથી મારી પાસે છે.”

ઉષા અને સંધ્યાની વાત સાંભળીને હવા અને પાણી નિરાશ થઈ ગયા. હવે મેઘધનુષનાં રંગોને શોધવા ક્યાં? ચોરે ક્યાં છુપાવ્યા હશે? મેઘરાજાને શું જવાબ આપવો?

ત્યાં જ, સૂર્યદેવે વાદળોની વચ્ચેથી દર્શન દીધા.

સૂર્યદેવ:”ઉષા અને સંધ્યા પાસે તેમનાં પોતાનાં જ રંગો છે. ચોરે આપેલાં રંગો તેમણે છુપાવ્યા નથી. તમે મેઘધનુષનાં રંગો શોધો છો. પરંતુ, જાણો છો? મેઘ ધનુષનાં રંગો એ એની ખૂબીઓ છે. નવજીવનની આશા, ખુશી,ધ્યેય, વગેરે ખૂબીઓથી ભરેલાં રંગો કોઈએ ચોર્યા નથી. તે બધાં રંગો તો મેઘધનુષમાં પોતાનાંમાં જ છુપાયેલા છે. જરા ધ્યાનથી જુઓ. હું આત્મવિશ્વાસ રૂપી કિરણો મેઘધનુષને આપું છું. પછી જુઓ કમાલ………….”

સૂર્યદેવે કિરણો ફેકતાં જ મેઘ ધનુષમાં આત્મવિશ્વાસ ઝળકી રહયો. મેઘધનુષ સોળે કળાએ ખીલી ને સાતે ય રંગો સાથે પ્રકાશિત થઈ ઊઠ્યું.
કુદરત ખુશ થઈ ને બોલી ઊઠી:”મેઘધનુષનાં ચોરાયેલા સાતે રંગો પાછાં મળી ગયાં………”

મેઘધનુષનાં રંગો પાછાં મળતાં મેધરાજા પણ આનંદિત થઈ ગયા.

મેઘધનુષ પણ આનંદથી નાચી ઉઠ્યું. એને સમજાઈ ગયું હતું કે,

“આંતરિક ખૂબીઓને ઉજાગર કરવા માટે આત્મવિશ્વાસ એ પ્રથમ પરિબળ છે.”