હરેશ ધોળકિયા
સામાન્ય રીતે કોઈ મોટા માણસનાં વિધાન વાંચીએ તો તેમાંથી પ્રેરણા મળે છે. જીવવાનું બળ મળે છે. પણ કયારેક તેમનું કોઈ વિધાન વિચારમાં નાખી દે છે. એ વિધાન સાચું છે કે બિનજરુરી, તેવો વિચાર આવે છે. પણ બોલનાર વ્યકિત બહુ જ વિચારક હોય તો સીધું તેને નકારી પણ ન શકાય. એટલે તે બાબતે ઝીણવટથી વિચાર કરવો પડે છે.
હમણાં સ્વામી વિવેકાનંદનું એક વિધાન વાંચ્યું. વિવેકાનંદને વાંચવા એ જીવનનો એક અલભ્ય લહાવો છે. તેમનું એક એક વિધાન સમગ્ર અસ્તિત્વને રણઝણાવી નાખે તેવું હોય છે. છેલ્લા છ દાયકાથી તેનું સેવન ચાલે છે એટલે તેનું મહત્વ બરાબર ખ્યાલ છે. એટલે જરા વિચિત્ર લાગે તેવું વિધાન વાંચ્યું એટલે વિચારમાં પડી જવાયું.
આ વિધાન શિક્ષણ સંદર્ભે છે. વિવેકાનંદે શિક્ષણ વિશે ઊંડું ચિંતન કરેલ છે. તેમનું વિધાન ” શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલ પૂર્ણતાની અભિવ્યકિત” શિક્ષણની સર્વોતમ વ્યાખ્યા છે. આવી વ્યાખ્યા આજ સુધી કોઈએ નથી આપી. આ સંદર્ભે ” પૂર્ણતા”, ” ચારિત્ર્યનું શિક્ષણ” ” મનુષ્ય બનાવતું શિક્ષણ” વગેરેની તેમણે વિસ્તૃત રીતે વિચારણા કરી છે. એ તો વાંચીએ તો જ સમજાય. પણ તેમણે શિક્ષણ અને શિક્ષક બાબતે ઉતમ ચર્ચા કરી છે. ત્યારે આ વિધાન જરા વિચારમાં પાડી દે તેવું છે.
વિધાન આમ છે : ” જો કોઈ છોકરાઓ સાથે લાબા સમય સુધી શિક્ષણ આપવાનું કામ કરે, તો એ વ્યકિતની બુધ્ધિ બુઠ્ઠી બની જાય છે. તેને કારણે તેની બુધ્ધિની પ્રતિભા નથી પ્રગટતી. જો કોઈ છોકરાઓનાં ટોળાં વચ્ચે રાત દિવસ રહે, તો તે મંદ બુધ્ધિના બની જાય છે.”
આ તો ભારે વિચિત્ર વિધાન છે. શિક્ષણ આપવા માટે છોકરાઓ સાથે તો રહેવું જ પડે. લાંબો સમય પણ રહેવું પડે. તેમના સાથે જ રહીને કામ કરવું પડે. તો શું ” આવા” શિક્ષકોની બુધ્ધિ બુઠ્ઠી કે મંદ થઈ જતી હશે ? વિચારમાં પડી જવાય તેવું વિધાન છે.
આપણે તો સદીઓથી ઉતમ શિક્ષકોને જોતા આવ્યા છીએ. અનેક શિક્ષકોએ જ તેના વિદ્યાર્થીઓને મહાનતા તરફ વાળ્યા હોય છે. ખુદ વિવેકાનંદને રામકૃષ્ણ તરફ આકર્ષનાર તેના કોલેજના આચાર્ય જ હતા. રામકૃષ્ણ પાસે મહેન્દ્રનાથ ગુપ્ત હતા જેની પ્રેરણાથી અનેક યુવકો રામકૃષ્ણ વિવેકાનંદ તરફ આકર્ષાયા હતા અને સન્યાસીઓ બન્યા હતા. તે મહેન્દ્રનાથ પણ શિક્ષક જ હતા. ટાગોર પણ શિક્ષક હતા. તેમની બુધ્ધિ તો પ્રજ્ઞા જ હતી. ભૂતકાળમાં પણ સાંદીપની, દ્રોણ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ચાણકય-આ બધા પણ શિક્ષકો જ હતા. કોની બુધ્ધિ વધારે પ્રતિભાશાળી હતી તે કહેવું પણ મુશ્કેલ છે. આજે પણ દર વર્ષે અનેક શિક્ષકો રાજય કે રાષ્ટ્ર સ્તરે ઉતમ શિક્ષકો જાહેર થાય છે. તે બધા મંદ બુધ્ધિના ?
બરાબર, પણ વિવેકાનંદ પણ સમજયા-વિચાર્યા વિના તો ન જ બોલેને ? એ કંઈ ફેંકાફેંક કરનારા વિચારક ન હતા. પોતા તરફ ધ્યાન ખેંચાય એટલે ગમે તેવાં વિધાનો કરનારા પણ ન હતા. તેમના મોમાંથી નીકળતો એક એક શબ્દ ઉપનિષદ-ગીતા-તત્વજ્ઞાનમાં બોળાઈને બહાર આવતો હતો. તેમના દરેક શબ્દની અમૂલ્ય કિંમત હતી. એટલે સીધી ટીકા કરવા બદલે આ વિધાન પર વિચાર કરવાની જરુર છે.
પહેલો મુદો એ છે કે છોકરાઓની સંગત શિક્ષકને મંદ બુધ્ધિના બનાવે છે.
આનો અર્થશું?
એક કહેવત કહે છે કે જેવા સાથે રહો, તેવા થઈ જવાય. અહીં ‘ જેવા’ એટલે ‘છોકરા’ મનાય. એટલે પહેલો અર્થ તો એ થયો કે છોકરાઓ, અથવા તો વિદ્યાર્થીઓ, મંદ બુધ્ધિના હોય તો જ શિક્ષક તેવા થાય.
શું વિદ્યાર્થીઓ મંદ બુધ્ધિના હોય છે ?
વિદ્યાર્થીઓ મંદ બુધ્ધિના તો નથી હોતા, પણ શરુઆતમાં “અજ્ઞાની” હોય છે. શિક્ષકના કામની શરુઆત અજ્ઞાની બાળકો સાથે થાય છે. આ વિધાન પ્રમાણે શિક્ષક પણ આવાં બાળકોની સંગતથી અજ્ઞાની થઈ જાય છે.
થઈ જાય છે ? અથવા તો થવાય?
થવાય, જો ધ્યાન ન રખાય તો.
ઘ્યાન રાખવું એટલે શું?
શિક્ષક વર્ગમાં જાય ત્યારે તેને ખ્યાલ હોવો જોઈએ કે બાળકો અજ્ઞાની છે. તેમને તેણે જ્ઞાન તરફ દોરવાનાં છે. પણ મોટા ભાગના શિક્ષકો બાળકોને જ્ઞાન તરફ દોરવાને બદલે બાળકોના અજ્ઞાન પર અટકી પડે છે. બાળકને ન આવડે તો ધીરજ રાખી ક્રમશઃ તેને જ્ઞાન તરફ દોરવાને બદલે તેના અજ્ઞાનની ટીકા કરવા પર અટકી પડે છે. જો આમ બને, તો વિવેકાનંદ કહે છે તેવી ઘટના બનવાનો સંભવ છે. આવો શિક્ષક જો રાત દિવસ કે લાંબો સમય બાળકો સાથે રહે, તો તે બાળકોની મર્યાદાઓ જ જોયા કરશે અને તેની ટીકા કર્યા કરશે.
ટીકા કરવાથી તો બાળક સુધરવાનું નથી. ટીકાથી તેના જ્ઞાનમાં પણ વધારો થવાનો નથી. ટીકાથી તો બાળક હતાશ થઈ જાય તેવો સંભવ છે. અને જો વારંવાર આવી ટીકા કર્યા કરાય, તો તો બાળક વધારે મંદ પડતું જશે. આવી પરિસ્થિતિમાં લાંબો સમય રહેનાર પોતે પણ મંદ પડતા જશે. શિક્ષકને ભણાવવાની ઈચ્છા જ નહીં થાય. પરિણામે તે પણ વાસી બનતો જશે. વિવેકાનંદનું વિધાન સાચું ઠરશે.
પણ જો શિક્ષક જાગૃત હશે, તો તે બાળકના અજ્ઞાનને ચોકકસ જોશે, પણ તેની ટીકા નહીં કરે. તે જાણતા હશે કે બાળક ભલે અજ્ઞાની છે, પણ તેના પાસે જિજ્ઞાસા પણ છે. તેનામાં શીખવાની તત્પરતા પણ છે. એટલે તે બાળકની મર્યાદા જોવા બદલે તેની જિજ્ઞાસા પર ધ્યાન આપશે. તે તેની જિજ્ઞાસાને ઉશ્કેરશે. જ્ઞાન તરફ દોરશે. વિચારવા પ્રેરશે. આવું થશે તો બાળકની જિજ્ઞાસા પ્રદિપ્ત થશે અને તે વધારે જ્ઞાન મેળવવા તરફ દોરાશે. આવાં બાળકો વચ્ચે શિક્ષક ગમે તેટલો લાંબો સમય રહે તો પણ તે મંદ બુધ્ધિનો નહીં બને.
પણ તેની શરત છે શિક્ષકની ”જાગૃતિ.” જાગૃત શિક્ષકને જમીની હકીકતની ખબર છે. તેને બાળકના અજ્ઞાનનો પણ ખ્યાલ છે. તેને એ પણ ખબર છે કે જો તે પ્રયાસ નહીં કરે તો બાળક અજ્ઞાન જ રહેશે. અને આવાં બાળકો સાથે પોતે રહેશે તો, સમય જતાં, તેનું પણ અજ્ઞાન વધતું જશે. એટલે તે બાળકો પાસે જવા પહેલાં જ જાગૃત થઈ જાય છે. બાળક સામે કઈ રીતે જ્ઞાન પીરસવું તેની તૈયારી કરે છે. બાળકની જિજ્ઞાસાને કેમ ઉશ્કેરવી તેનો પણ અભ્યાસ કરે છે. તાલીમ લે છે. જિજ્ઞાસા ઉશ્કેરાય પછી તેને કેમ સંતોષવી તેનાં પગથિયાં ( પઘ્ધતિ) પણ તે જાણે છે. એ પ્રમાણે જ તે શિક્ષણ આપે છે.
બીજું, જાગૃત શિક્ષકને બાળકના અજ્ઞાનની ચોકકસ ખબર છે. પણ તેથી પોતે પણ અજ્ઞાની રહેવાનું છે તેમ નથી માનતા. અજ્ઞાન સામે લડવાનો એક માત્ર ઉપાય વધારે જ્ઞાન મેળવવાનું છે. ” જેવા સાથે તેવા” કહેવતને તે બરાબર સમજે છે. જેમ કોઈ સામે કોઈ તલવારથી લડવા આવે અથવા હુમલો કરે, તો સામે તલવાર ચોકકસ લેવાની છે, પણ ‘ જેવા સાથે તેવા’ ન્યાયે સાથે ઢાલ પણ રાખવાની છે. લડવા સાથે પોતાનો બચાવ પણ કરવાનો છે. માટે ઢાલ. અથવા અત્યારે બુલેટ પ્રૂફ જેકેટ.
એટલે જાગૃત શિક્ષક, બાળક ગમે તેટલું અજ્ઞાની હોય છતાં, પોતે તો સતત જ્ઞાન મેળવતા રહેશે. આ જ્ઞાન તે બાળકને આપશે. શિક્ષકનું સતત વધતું જ્ઞાન અને જાગૃતિ જ બાળકને પ્રેરશે અને તે પણ જ્ઞાન મેળવવા તરફ પ્રેરાશે. બાળકના અજ્ઞાન સામે શિક્ષક જ્ઞાનથી લડશે. એટલે, સંભવ છે, બાળકને તો જ્ઞાન મેળવવામાં સમય લાગશે. ઘણો સમય તે અજ્ઞાનમાં પણ રહેશે.
પણ તેથી શિક્ષક જ્ઞાન મેળવવાની પ્રક્રિયામાં ઢીલ નહીં કરે. પોતે તો સતત જ્ઞાન વધારતો જશે. તેની આ જ્ઞાન સાધના જ બાળકને વધારેને વધારે પ્રેરશે. આવા જાગૃત અને જ્ઞાનપ્રેમી શિક્ષકો જો લાંબો સમય પણ બાળકો સાથે રહેશે તો પણ મંદ બુધ્ધિના નહીં થાય. તેમની બુધ્ધિ બુટ્ટી નહીં બને. ઉલટું મંદ બુધ્ધિનાં અજ્ઞાની બાળકો તેમના સંપર્ક અને સંસર્ગથી જ્ઞાન તરફ દોરાશે અને આગળ વધશે.
જો આવું થતું હોય, તો સ્વામીજીએ આવું વિચિત્ર વિધાન કેમ કર્યું હશે ?
સ્વામીજીએ માનવ મનનો અભ્યાસ કર્યો હતો. મોટા ભાગનાં માનવ મન સામાન્યતામાં અને અભાનતામાં રહે છે. તેમનામાં જાગૃતિ કાં તો હોતી નથી અથવા તો મંદ હોય છે. પાછા આ બાબતે પણ તેઓ જાગૃત નથી હોતા. ” આ તો એમ જ હોય” એમ માનીને જ જીવતા હોય છે. ‘ આવા” લોકોમાંથી જો કોઈ શિક્ષક થાય અને લાંબો સમય બાળકો સાથે રહે, તો તે, સંભવ છે, મંદ બુધ્ધિના થવાના. તે બાળકોને જ્ઞાન તરફ દોરવાને બદલે બાળકોના અજ્ઞાનથી પ્રભાવિત થવાના અને તેની ટીકા-નિંદા કરવામાં સમય બગાડતા હોવાથી તેમનું જ્ઞાન પણ નથી વધતું અને બાળકોના જ્ઞાન વધારવામાં પણ તેઓ મદદરુપ થઈ શકતા નથી.
એટલે બાળકોના સંસર્ગથી શિક્ષકની બુધ્ધિ બુઠ્ઠી કે મંદ બનતી નથી, પણ શિક્ષકની બુધ્ધિ જો જાગૃત ન હોય તો આવું બનવું સંભવ બને છે. બાળકોના સંસર્ગથી નહીં, જાગૃતિના અભાવે તે બુટ્ઠા રહે છે. બાળકો તો બાળકો છે. અજ્ઞાની જ છે. પણ તેઓ તો જ્ઞાન મેળવવા માગે છે. પણ તેમની જિજ્ઞાસા સુષુપ્ત છે. તમને ખ્યાલ નથી કે તેને કેમ જાગૃત કરવી. તે તો માત્ર શિક્ષક જ કરી શકે. પણ શિક્ષક પોતે જ જો અજાગૃત હોય, બાળક માનસ જાણતો ન હોય, કેવળ નોકરી કરવા જ આવ્યા હોય, જ્ઞાનપ્રેમી ન હોય, તો તે બાળકમાં જિજ્ઞાસા પ્રદિપ્ત કરી નહીં શકે. ઉલટું ટીકા-નિંદાથી બાળકની મૂઢતા વધારશે. તેની પણ સતત ટીકા તેને પોતાને પણ મૂઢ બનાવશે. મંદ બુધ્ધિના બનાવશે. એક વિચિત્ર વિષચક ઊભું થશે.
એટલે આ વિધાન અજાગૃત શિક્ષકના સંદર્ભમાં છે. અને, કમનસીબે, મોટા ભાગના અજાગૃત સ્થિતિમાં રહે છે. પોતાની સામાન્યતા બાબતે સજાગ નથી હોતા. પોતામાં રહેલ અસામાન્યતા વિશે તેમને ખબર હોતી નથી. પરિણામે પણ અજાગૃત રહે છે. “આવા”, ફરી, કમનસીબે, બહુમતિમાં હોય છે. માટે વિવેકાનંદનું વિધાન સાચું ઠરે છે.

તેને ખોટું પાડી શકાય છે. જાગૃતિ હોય તો !


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com