પુસ્તક પરિચય

(ક્રાંતિની કેળવણી : શતાબ્દીની સફર, લેખન-સંપાદન: બીરેન કોઠારી)

પરેશ પ્રજાપતિ

‘साविद्यायाविमुक्तये’એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા, એવો ધ્યેયમંત્ર ધરાવતી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ ઓક્ટોબર ૧૯૨૦માં કરી હતી. ૨૦૨૦માં આ વિદ્યાપીઠની સ્થાપનાને સો વર્ષ પૂરાં થયાં, જે કોઇ પણ સંસ્થા માટે ઐતિહાસિક સિદ્ધીની અને ગૌરવની બાબત ગણાય. અગાઉ વિઠ્ઠલદાસ કોઠારીએ પુસ્તક ‘કેળવણી થકી ક્રાંતિ’માં તેના આરંભિક ત્રણ દાયકાનો ઇતિહાસ આલેખ્યો હતો, પરંતું વિદ્યાપીઠનો એ પછીનો સળંગ ઇતિહાસ આપતું કોઇ પુસ્તક ઉપલબ્ધ નહોતું. તેથી શતાબ્દી વર્ષ નિમિત્તે વિદ્યાપીઠની સો વર્ષની યાત્રા આલેખતું પુસ્તક ‘ક્રાંતિની કેળવણી:શતાબ્દીની સફર’નું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું, જેનું લેખન- સંપાદન બીરેન કોઠારીએ સંભાળ્યું છે.

અંગ્રેજોએ ભારતીય શિક્ષણ પ્રણાલીને સ્થાને મેકૉલેની નવી શિક્ષણનિતિ દાખલ કરી. ગુલામીની માનસિકતા સર્જતી તેની દૂરોગામી અસરો વરતી ગયેલા ગાંધીજીએ વૈકલ્પિક બુનિયાદી શિક્ષણ પર ભાર મૂકવાની સાથે આઝાદીની લડતમાં પૂરક બની રહે તે આશયથી વિદ્યાપીઠની સ્થાપના કરી. એ ગાળામાં ગાંધીજીએ અસહકાર આંદોલન, મીઠાનો સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ, વિદેશી કાપડની હોળી વગેરે જેવા ઘણા જલદ કાર્યક્રમો દ્વારા આઝાદીની લડત ઉગ્ર બનાવી હોવાથી, વિદ્યાપીઠનો એ ગાળાનો ઇતિહાસ ઘટનાપ્રચુર રહ્યો. સમાંતરે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ- મુસ્લીમ એકતા તથા કુદરતી આપત્તીઓ સમયે રાહત કાર્યો જેવાં સામાજિક તથા માનવીય ગુણો તથા સત્ય, અહિંસા અને પ્રેમ આધારિત અંતરાત્મા ઢંઢોળતા કાર્યક્રમો પણ અમલમાં મૂકી વિદ્યાપીઠને અનોખી પ્રયોગશાળા બનાવી દીધી હતી. આઝાદી તુરંત બાદનો ગાળો રાષ્ટ્રઘડતર માટે મહત્વનો બની રહ્યો હતો. આમ, ૧૯૨૦ થી ૧૯૭૫ સુધીના પ્રથમ અર્ધશતાબ્દી દરમ્યાન આઝાદીના આંદોલન સાથે વિદ્યાપીઠને અસર કરતી ઘણી બધી ઘટનાઓ એક સાથે આકાર લેતી રહી હતી. તેનું મહત્વ જોતાં આલેખન માટે મહત્ત્વનાં પડકારરૂપ એવા આ ગાળામાં લેખકે દાયકાવાર આલેખન કર્યું છે.

સમય સાથે વિદ્યાપીઠની પ્રાથમિકતા બદલાઇ. તેથી પછીની અર્ધશતાબ્દી દરમ્યાન વિદ્યાપીઠનું મુખ્ય ધ્યેય વિવિધ પ્રવૃત્તિઓના વિસ્તરણ અને વ્યાપ વધારવાનું રહ્યું. તેથી શરૂઆતના વર્ષો જેવી ઘટનાસંકીર્ણતા પછીના વર્ષોમાં ન રહે એ સ્વાભાવિક છે. તેથી બીજા ખંડમાં ૧૯૭૧ થી ૨૦૨૦ના વર્ષોના આલેખનમાં લેખકે વર્ષ કે દાયકાઓને બદલે માત્ર મહત્વની ઘટનાઓ ધ્યાનમાં લઇ વિદ્યાપીઠની ઉપલબ્ધિઓ, વિસ્તરણ, કાર્યરત વિભાગો તથા તેની હાલની સ્થિતી અંગેનો ચિતાર રજૂ કર્યો છે. તેથી અડધી શતાબ્દી બાદનો સમય વિદ્યાપીઠ માટે કેવો રહ્યો? તેની ગતિ કેવી અને કઇ દિશામાં રહી? કેટલી હદે તે વિસ્તરી, વગેરે બાબતો બીજા ખંડમાં જાણવા મળે છે.

પુસ્તકમાં સૌથી રસપ્રદ પાસું ઘટનાઓનાં આલેખનનું જણાય છે. તેમાં વિદ્યાપીઠની સ્થાપના પાછળના ગાંધીવિચારોથી માંડી વિદ્યાપીઠને લગતી તમામ વિગતોની વિદ્યાપીઠના સંદર્ભે મૂલવણી અને રજૂઆત સાથે સળંગસૂત્રમાં પરોવીને મૂકાઈ છે. કેટલાંક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં આલેખનો અનેસંસ્મરણોમાં વિદ્યાપીઠનો તે વખતનો માહોલ આબાદ ઝીલાયો છે. ઉપરાંત તે સમયે રાષ્ટ્રીય ચળવળના અનેક ખ્યાતનામ આગેવાનોએ શિક્ષણકાર્ય સંભાળ્યું હોવાથી વાચક આઝાદીની લડતની સમાંતરે એ આગેવાનોની શિક્ષક તરીકેની લાક્ષણિકતાઓથી પણ અવગત થાય છે. વિદ્યાપીઠના ઇતિહાસ આલેખનના પુસ્તકમાં એ બહુમુલ્ય ઘરેણું સાબિત થાય છે.

પુસ્તકમાં વિદ્યાપીઠ પાસેથી ગાંધીજીની અપેક્ષાઓ, સેવેલા સપનાં તેમજ અંતરાત્મા ઢંઢોળતા પ્રયોગોની સાથે વિદ્યાપીઠના પુસ્તકાલયની સમસ્યા. ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરની નારાજગી, કાકાસાહેબના મનદુ:ખ, વગેરે જેવી બાબતોને ઉવેખવાને બદલે આછા લસરકા જેવા ઉલ્લેખ છે. જેથી પુસ્તક વાંચતી કોઇ વ્યક્તિને રસ જાગે તો તે વધુ ઉંડી ઉતરી શકે.

પહેલા ખંડમાં પરિશિષ્ટમાં વિદ્યાપીઠનાં બંધારણ, સુધારા, રાષ્ટ્રિય શિક્ષણ પરિષદમાં થયેલા ઠરાવો તથા તમામ પદવીદાન સમારંભોની ઉપલબ્ધ માહિતી અને ઐતિહાસિક ઘટનાઓ સહિત મહત્વના દસ્તાવેજોની તસવીરોનો સમાવેશ છે. બીજા ખંડમાં પરિશિષ્ટમાં વિદ્યાપીઠના તમામ કુલપતિઓ, કુલનાયકો, પદવીદાન સમારંભો, વિદ્યાપીઠના ભવનો, ગ્રામસેવા કેન્દ્રો, વિવિધ પ્રવૃત્તિઓની તેમજ મહત્વના મુલાકાતી મહાનુભાવોની રંગીન તસવીરો મૂકાયેલી છે.

ગાંધીજીએ કહ્યું હતું કે માત્ર એક વિદ્યાર્થી હશે તો પણ હું પદવીદાન સમારંભમાં હાજર રહીશ. વિદ્યાપીઠની મહત્તા સમજવા આ શબ્દો પૂરતા છે. વિદ્યાપીઠ જેવી ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સંસ્થા સાથે ગાંધીજી સહિત અનેક સ્થાનિક અને રાષ્ટ્રિય ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓ સંકળાયેલી હોવાથી તેના ઇતિહાસ આલેખનમાં રોમાંચ સાથે લેખકની જવાબદારી પણ અનેકગણી વધી જાય છે. પુસ્તકના આરંભે આપેલી સંદર્ભસૂચિ પરથી લેખકે ઉઠાવેલી જહેમત અને મહેનતનું પૂઅનુમાન કરી શકાય છે. લેખન સામગ્રી માટે તેમણે ‘ફર્સ્ટ હેન્ડ’ માહિતી પર મુખ્ય મદાર રાખતાં નવજીવન, યંગઇન્ડિયા, વિદ્યાપીઠ, સાબરમતી, હરિજનબંધુ ઉપરાંત શિક્ષણ અને સાહિત્યના અંકો તથા ગૂજરાત વિદ્યાપીઠના વાર્ષિક અહેવાલોમાંથી પણ વિદ્યાપીઠને લગતી માહિતી તારવીને તેનો ઉપયોગ કર્યો છે.

અઢળક ગાંધીસાહિત્ય ઉપલબ્ધ હોવાંથી માહિતીઓના ઢગમાં ભટકી જવાય એ સંભવ છે. પરંતું આનંદ સાથે એ  નોંધવું રહ્યું કે પુસ્તક, ‘ક્રાંતિની કેળવણી : શતાબ્દીની સફર’માં લેખકે વિદ્યાપીઠના ઇતિહાસની ધરીને સતત વળગી રહીને વિદ્યાપીઠના ઇતિહાસને માહિતીસભર છતાં રસાળ અને વાંચનક્ષમ બનાવ્યો છે.

કોરોના મહામારીની અસર પુસ્તકના લેખન અને પ્રકાશન પર પણ પડી. પરિણામે વિદ્યાપીઠની સ્થાપનાની શરૂઆતનાં પચાસ વર્ષો એટલે કે ૧૯૨૦ – ૧૯૭૦ સુધીનો ઇતિહાસ આવરી લેતો બસો ચોવીસ પાનનો પહેલો ખંડ ઓક્ટોબર ૨૦૨૧માં, જ્યારે ઉત્તરાર્ધના ૧૯૭૧ થી ૨૦૨૦ સુધીનો ઇતિહાસ આવરી લેતો બસો પાનનો બીજો ખંડ ઓગસ્ટ- ૨૦૨૩માં પ્રકાશિત કરવામાં આવ્યો.

બીરેન કોઠારીએ આજ સુધીમાં ઘણાં ચરિત્રલેખનો, હાસ્યલેખો તથા અનુવાદો આપ્યા છે. તેમણે ત્રીસીના દાયકાની અગ્રણી ફિલ્મનિર્માણસંસ્થા સાગર મુવિટોનના સ્થાપક ચીમનલાલ દેસાઈની જીવનકથાની ઓથે હિન્દી ફિલ્મોના ઇતિહાસનું સુંદર આલેખન આપ્યું છે. યોગ્ય પરિપ્રક્ષ્યમાં ઇતિહાસને રજૂ કરવાની તેમની આવડતનાં દર્શન પુસ્તક ‘ક્રાંતિની કેળવણી :શતાબ્દીની સફર’માં પણ થાય છે. લેખકે અનેક ઘટનાઓના તાણાવાણા વિદ્યાપીઠના સંદર્ભમાં ગૂંથી વાચકો સમક્ષ રજૂ કર્યા છે. આમ પૂર્વાપર સંબંધોની ગૂંથણી એ વિદ્યાપીઠનો ઇતિહાસ આલેખતા પુસ્તકની એ ખાસિયત ગણાવી શકાય.

‘ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર’ પુસ્તક વાંચનમાં, શિક્ષણમા તેમજ ઇતિહાસમાં રસ ધરાવનાર વ્યક્તિઓ માટે વાંચન ઉપરાંત વિવિધ ક્ષેત્રે સંશોધન અર્થે એમ સૌ કોઇ માટે મહત્વનું સાબિત થાય એમ છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

ક્રાંતિની કેળવણી શતાબ્દીની સફર : બીરેન કોઠારી

પૃષ્ઠસંખ્યા : ખંડ-1 224 ; ખંડ-2 200
કિંમત : ₹ ખંડ-1 રૂ, 250/- ખંડ-2 રૂ, 250
આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ; ખંડ-1 ઓક્ટોબર-2021 ખંડ-2 ઓગસ્ટ- 2023

પ્રકાશક:ડૉ. નિખિલ ભટ્ટ કા. કુલસચિવ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
પ્રાપ્તિસ્થાન  : પુસ્તક ભંડાર, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ- 308 014
સંપર્કઃ +91 79 40016269
વિજાણુ સંપર્ક  : gvpustakbhandar@gujaratvidyapith.org


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com