ફિર દેખો યારોં

બીરેન કોઠારી

અંગ્રેજી શાસકોની ધૂર્તતા, ક્રૂરતા અને લૂંટારૂ વૃત્તિ બાબતે લગભગ સૌ એકમત હશે, એમ તેમના વહીવટ, દસ્તાવેજીકરણની સૂઝ અને સાચવણ બાબતે પણ ભાગ્યે જ કોઈ બેમત હશે. સાવ મુઠ્ઠીના કદના દેશનું શાસન અડધીઅડધ દુનિયામાં વ્યાપેલું રહે એ કેવળ તેમની બહાદુરીને કારણે નહીં, પણ આવા અનેક ‘ગુણોને’ કારણે-એ હકીકત સ્વીકારવી જ રહી. અંગ્રેજી શાસન દરમિયાન આચરવામાં આવેલી ક્રૂરતા અને ઈતિહાસ સાથે તેમણે કરેલી પદ્ધતિસરની છેડછાડના અનેક દાખલા સમયાંતરે પ્રકાશમાં આવતા રહ્યા છે. સાથેસાથે એ વક્રતા પણ જોવા મળે છે કે અંગ્રેજો જે તે દેશ છોડીને ગયા પછી સ્થાનિક શાસકોના વહીવટ અને શાસને અંગ્રેજોને સારા કહેવડાવ્યા હોય. ‘ભાગલા કરો અને રાજ કરો’ની શાસનનીતિ અંગ્રેજોની દેણગી છે, જેની પર તેમનો એકાધિકાર રહ્યો નથી.

લંડનસ્થિત બ્રિટિશ મ્યુઝિઅમ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં સ્થપાયું અને અંગ્રેજોએ પોતાના શાસનપ્રદેશોમાંથી એકઠી કરેલી અનેકવિધ મૂલ્યવાન ચીજવસ્તુઓનું તે ઉત્તમ સંગ્રહસ્થાન ગણાતું રહ્યું છે. વિવિધ પ્રકારના વિભાગ ધરાવતું આ મ્યુઝિઅમ દુનિયાભરના સહેલાણીઓને આકર્ષતું રહ્યું છે. અહીં પ્રદર્શિત અનેક મૂલ્યવાન ચીજો લૂંટીને એકઠી કરાયેલી હશે, પણ સંગ્રહ અને સાચવણ માટે આ મ્યુઝિઅમ ખ્યાતનામ છે. અલબત્ત, આ મ્યુઝિઅમમાં તેના સંગ્રહ પૈકીની માત્ર એક ટકા ચીજોને જ પ્રદર્શિત કરવામાં આવી હોવાનું મનાય છે તેના પરથી ખ્યાલ આવશે કે તેનો સંગ્રહ કેટલો વિશાળ અને મૂલ્યવાન હશે. અમુક દેશોમાંથી લૂંટીને લાવેલી ચીજો અંગ્રેજોએ એ કારણથી અહીં સાચવી રાખી છે કે તેના મૂળ માલિકીવાળો દેશ તેને જાળવી શકે એમ નથી અને તેમને જે તે ચીજ પાછી આપવાથી ત્યાં એના ચોરાઈ જવાનો ભય છે. અંગ્રેજોની આવી સામ્રાજ્યવાદી માનસિકતા ટીકાનો વિષય રહી છે, પણ તેઓ બહુ ગંભીરતાપૂર્વક આમ માને છે. છતાં, વધુમાં વધુ મુલાકાતીઓ આકર્ષતું હોય એવા સ્થળમાં તે વિશ્વભરમાં ત્રીજા ક્રમાંકે છે અને વર્ષ 2022માં ચાલીસેક લાખ લોકોએ તેની મુલાકાત લીધી હતી.

સંગ્રહ અને સાચવણની આવી પ્રતિષ્ઠા ધરાવતા બ્રિટીશ મ્યુઝીઅમ બાબતે તેની છબિથી સાવ વિપરીત કહી શકાય એવી ઘટના બની છે. એ મુજબ અહીંથી બેએક હજાર મૂલ્યવાન ચીજો પગ કરી ગઈ છે, અને એમાંની કેટલીક ઈ-બે જેવી સાઈટ પર વેચાવા માટે મૂકાઈ ગઈ છે. છેલ્લા એકાદ વરસના સમયગાળામાં આમ બનતું રહ્યું છે. ચોરાયેલી ચીજોમાં મુખ્યત્વે ગ્રીક અને રોમન રત્નો તથા ઝવેરાત છે. આ બાબતે વિવાદ ન થાય તો જ નવાઈ!

‘ધ બ્રિટિશ મ્યુઝિઅમ્સ’ પુસ્તકના લેખક પ્રો. ડેન હીક્સે જણાવ્યું છે કે આ ચોરી થકી દુનિયાભરની વિરાસતના પહેરેદાર હોવાની બ્રિટિશ મ્યુઝિઅમની માનસિકતા બદલાય તોય ઘણું! ‘ઑલ પાર્ટી પાર્લામેન્‍ટરી ગૃપ ઑફ આફ્રિકન રીપેરેશન્સ’ના વડા બેલ રીબેરો-એડીએ આકરા શબ્દોમાં કહ્યું કે આ ચીજવસ્તુઓ પોતાની પાસે રાખવાનું સૌથી અપમાનજનક કારણ બ્રિટિશ મ્યુઝિઅમ એ આપે છે કે જે તે દેશ પોતાની એ ચીજને સાચવી શકે એમ નથી. અને હવે એમના જ દેશમાં (બ્રિટનમાં) લોકો એ ચીજવસ્તુઓને ઈ-બે પર વેચવા મૂકી રહ્યા છે.

મ્યુઝિઅમના બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝમાંના એક જ્યોર્જ ઓસ્બોર્ન એ વિગત પ્રકાશમાં લાવ્યા છે કે મ્યુઝિઅમ પાસે પોતાને ત્યાંની તમામ ચીજવસ્તુઓની સંપૂર્ણ યાદી નથી. જેને આ બાબતની જાણ છે એ આનો ગેરલાભ લઈને કેટલીક કિંમતી વસ્તુઓ બારોબાર સગેવગે કરી શકે છે. આથી ગુમ થયેલી ચીજોની તપાસની સાથેસાથે પોતાની પાસેની ચીજવસ્તુઓની યાદી બનાવવાની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવી પડશે.

ઘણાના મતે આ ઘટના ‘ચોરને ઘેર ચોરી’ જેવી છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પિટ રિવર્સ મ્યુઝીઅમના વર્લ્ડ આર્કિઓલોજીના નિયોજક હીક્સ આ ઘટનાને સાચવણના વિક્ટોરિઅન મોડેલનો ધીમી ગતિએ થઈ રહેલો અંત ગણાવે છે. તેમના મત અનુસાર આ મોડેલને સમજવું હોય તો એટલું જ કહી શકાય કે તેમાં પારદર્શિતાનો અભાવ છે. બ્રિટિશ મ્યુઝિઅમ સહિત ઈન્‍ગ્લેન્‍ડનાં કેટલાંક રાષ્ટ્રીય મ્યુઝિઅમ હજી એ જ યુગજૂની સામંતશાહી માનસિકતાને વળગી રહ્યા છે. તેઓ માને છે કે આવી ચીજવસ્તુઓને પોતાના કબજામાં રાખવી અને તેના વિશે અન્યોને ન જણાવવું એ તેમનો ઈશ્વરદત્ત અધિકાર છે.

આ ચોરી બાબતે બ્રિટનમાં જ મિશ્ર પ્રત્યાઘાત મળી રહ્યા છે. શાસક માનસિકતા ધરાવતો વર્ગ શાસિતોના મનમાં એ ઠસાવવામાં સફળ રહે છે કે તેમના સિવાય શાસિતોનો ઉદ્ધાર નથી. આ માનસિકતા શાસિતોના માનસમાં એ હદે ઊંડી ઊતરી જાય છે કે તેઓ પણ એમ જ માનવા લાગે છે.

બ્રિટિશ મ્યુઝિઅમની આ ચોરીએ બ્રિટિશ મિથ્યાભિમાનને ઉઘાડું કરી આપ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. દુનિયાભરની કિંમતી ચીજોના પોતાને નૈસર્ગિક રખેવાળ માનતા-મનાવતા હોય એવા મ્યુઝિઅમમાં ચોરી થતી રહે, એટલું જ નહીં, એની જાણ સુદ્ધાં તેમને ન થાય એ કંઈ આનંદની વાત નથી, પણ કુદરતી ન્યાય જેવું કહી શકાય.

ધીમે ધીમે ઘણી વસ્તુઓ કદાચ પાછી મેળવાશે, તેની યાદી બનાવવાનો પણ પ્રયત્ન થશે, સુરક્ષાવ્યવસ્થા વધુ ચુસ્ત કરવામાં આવશે અને બીજાં ઘણાં પગલાં લેવાશે, છતાં બ્રિટિશ મ્યુઝિઅમની અત્યાર સુધી ટકાવી રાખેલી આબરૂ ખરડાઈ. તેમાં રહેલાં છીંડાં દુનિયાએ જોયાં.

આ મામલાને નાગરિકધર્મ સાથે સાંકળી શકાય કે કેમ? એક નાગરિક તરીકે એટલું અવશ્ય નક્કી કરી શકાય કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કદી સંપૂર્ણ હોતી નથી. જે તે વ્યક્તિ કે સંસ્થાને કદાચ આ બાબતની જાણ હોય છે, પણ નાગરિકો એ વીસરી જતા હોય છે. જાહેર ક્ષેત્રની વ્યક્તિ હોય કે સંસ્થા, તેના કામની સમીક્ષા નાગરિકોએ કરવી જ જોઈએ. નાગરિકો એમ કરવું ચૂકીને તેની પ્રશસ્તિમાં સરી પડે ત્યારે તેઓ પોતાનો ધર્મ ચૂકે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨ – ૧૦ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)