મોજ કર મનવા

કિશોરચંદ્ર ઠાકર

એક ઘટના વારંવાર વાંચવામાં કે સાંભળવામાં આવતી. વિમાનમાં એક ખૂબ જ પ્રખ્યાત અભિનેતાની બાજુમાં એક મોટા ઉદ્યોગપતિ બેઠા હતા. પેલા અભિનેતાએ ઉદ્યોગપતિને કહ્યું કે આપ તો મને જાણતા જ હશો, હું ફલાણો ફલાણો અભિનેતા છું. પરંતુ  ઉદ્યોગપતિએ જવાબમાં કહ્યું કે માફ કરજો હું આપને ઓળખતો નથી અને આપનું નામ પણ કદી સાંભળ્યું નથી. અહીં અભિનેતાને બદલે કોઇ જાણીતા ક્રિકેટર કે અન્ય કોઇ મોટી હસ્તીનું નામ અને બીજા કોઈ મોટા ઉદ્યોગપતિનું નામ લખીને પણ વાત કરી શકાય છે, મૂળ હેતુ તો પોતાની પ્રસિદ્ધિમાં રાચતી કોઈપણ જાણીતી હસ્તીને નહિ જાણતા લોકો પણ હોય છે એમ જણાવવા ઉપરાંત પેલી જાણીતી હસ્તીનો અહમ ઘવાયો હશે તેવી કલ્પનાનો આનંદ લેવાનો જ  છે.

પ્રસિદ્ધિની ઝંખના નાનામોટા દરેકને હોય છે. પરંતુ માંડમાંડ પોતાનું પેટિયું ભરતા માણસને ‘કોઠીમાં જાર’ નામે ઓળખાતું અને મેરિટમાં બીજા નંબરનું સુખ કહેવાય છે તે પ્રાપ્ત થાય ત્યાં સુધી પોતાની  પ્રસિદ્ધ થવાની મનોકામના સુષુપ્ત અવસ્થામાં રાખવી પડે છે. આથી જ કહેવાય છે કે માણસને સંપત્તિનું સુખ મળ્યા પછી તેનો ડોળો  કીર્તિ પર જાય છે. કીર્તિ મેળવવા માટે વધારે લોકોમાં તે પ્રસિદ્ધ થાય તે જરૂરી છે. ક્યારેક પ્રસિદ્ધિ અને કીર્તિ એકરૂપ બની જતા હોય છે.

મહાન હાસ્યલેખક જ્યોતિ‌ન્દ્ર દવેએ એક પ્રસંગ લખેલો છે. તેમના એક જૂના મિત્ર તેમના ઘરે પહેલી જ વખત આવવાના હતા. પોતે એક મોટા લેખક હોવાથી જ્યોતિ‌ન્દ્ર દવેને એવો ખ્યાલ હતો કે  મુંબઈ શહેરમાં અને ખાસ કરીને તેમના વિસ્તારમાં તો બધા તેમને જાણતા જ હશે. લોકભાષામાં કહીએ તો નાનું છોકરુંય તેમનું ઘર બતાવી શકે. આથી મિત્રને તેમણે જણાવેલું કે મારું ઘર શોધવામાં તમને તકલીફ નહિ પડે. અમારા વિસ્તારની કોઇપણ વ્યક્તિને તમે પૂછશો કે પેલા હાસ્ય લેખક  દવે ક્યાં રહે છ?  તો તે તરત આપને મારા ઘર સુધી દોરી જશે.

પરંતુ પેલા મિત્રને અનુભવ થયો કે જે તે વિસ્તારમાં તો ઠીક, જ્યોતિ‌ન્દ્ર દવેને તેમનાં પોતાનાં બિલ્ડીંગમાં પણ  કોઈ ઓળખતું ન હતું!

જો કે આપણા એ હાસ્ય લેખકે તો રમૂજમાં આ વાત કરી હતી. પણ ઘણાખરા લોકોને   પ્રસિદ્ધ થવાની ઝંખના હોય છે. માત્ર એટલું જ નહિ પોતે કેટલા પ્રસિદ્ધ છે તે જણાવવા આતુર હોય છે.  જ્યાં કોઇપણ પ્રકારનો લાભ થવાની શક્યતા જ ન હોય તેમાં મનુષ્યને પ્રસિદ્ધ થવા માટેની ઝંખના કેમ હશે તે સમજાતું નથી. કોઇ માણસને વધુ ને વધુ માણસો જાણે તો તેથી તેને થતા આનંદનું રહસ્ય મનોવૈજ્ઞાનિકોએ શોધવું રહ્યું.

કોઇ વ્યક્તિને થોડા લોકો જાણે કે વધારે તેથી તેમની ભૌતિક કે આધિભૌતિક સ્થિતિમાં શું ફરક પડે છે તેનો ખ્યાલ નથી આવતો. વળી ચોક્કસ કેટલી સંખ્યામાં લોકો જાણે તો પ્રસિદ્ધ થયા કહેવાય તેવો કોઈ માપદંડ હજુ સુધી શોધાયો નથી.

છાપામાં કોઇ સામાયિકમાં પોતાનું નામ છપાય તેથી થતો આનંદ પ્રસિદ્ધિનાં કુળનો હરખ છે.  મારા એક મિત્ર  નવાસવા લેખક બની બેઠા છે. કોઇ એક સામાયિકમાં એટલે કે પ્રિન્ટ મિડિયામાં સૌ પ્રથમ તેમનો એક લેખ પ્રસિદ્ધ થયો. આ બાબતે વધામણી કરતો તેમનો ફોન એક સવારે મારા મારા પર આવ્યો.

.”આ મહિનાનું ‘સાહિત્યવાટિકા’ તમે વાંચ્યું?”

“આવા કોઇ સામાયિકનું નામ પણ  મેં સાંભળ્યું નથી”

“શું ભલા માણસ, મારી વાર્તા જેમાં છપાઈ છે તે સામાયિકનું નામ પણ તમે જાણતા નથી? તમે કેવા મિત્ર છો?”

મેં દિલગીરી વ્યક્ત કરીને મિત્રને આશ્વસ્ત કરતા જણાવ્યું ”હું કોઇની પાસેથી મંગાવીને વાંચી લઈશ.” પછી તેમને પુરસ્કાર કેટલો મળ્યો તેમ પૂછતા તેમણે જણાવ્યું. “કોઇ સામાયિકમાં આપણું નામ છપાય તે કાંઈ ઓછો પુરસ્કાર છે!” આ રીતે તેમને કોઈ પુરસ્કાર મળ્યો નથી એ વાત બીટવીન ધ લાઈન જણાવી દીધી.

પછીથી  મેં તે સામાયિક મેળવવા ઘણી જગ્યાએ તપાસ કરી. પરંતુ ક્યાંયથી મને મળ્યું નહિ.

પરંતુ મિત્રે  કહ્યું કે ચિંતા ન કરો. મેં મિત્રો માટે વીસેક નકલો ખરીદી લીધી છે. તમને પણ  હું મોકલી આપીશ.

આમ કોઇ કૃતિ માટે પુરસ્કારની આશા તો એક બાજુએ રહી પરંતુ  માત્ર ને માત્ર પોતાનું નામ છપાય તેથી કૃતાર્થ થઈ શકાય છે, પોતાને મળેલી આ સિદ્ધિની જાણ વધુ ને વધુ લોકોને થાય તે માટે ગાંઠના પૈસા ખર્ચીને પણ પ્રસિદ્ધ થઇ શકાય છે. આ જ પ્રમાણે ધન ખર્ચીને કોઇ સંસ્થા કે સભાના પ્રમુખ બનવાનો હેતું પણ પ્રસિદ્ધિનો જ હોય છે.

ઉપર દર્શાવેલા ઉપાયો વડે સામાન્ય જનતાને પ્રસિદ્ધ થવું મુશ્કેલ હોય છે. આથી તેઓ યાત્રાધામામાં કે કોઇ પ્રવાસના સ્થળે પોતાના નામો લખીને કે કોતરીને ‘કીર્તિ કેરા કોટડા’ ઊભા કરવાના ઉપાયો અજમાવતા હોય છે.

પ્રસિદ્ધ થવાની ઝંખનાથી હું પોતે મુક્ત નથી. એક જ બિલ્ડિંગમાં મેં સળંગ દસ વર્ષ નોકરી કરી અહીં બહુ જ ઓછા લોકો મને ઓળખતા હતા તેની જાણ તો હતી જ, પરંતુ એક દિવસે મારા માટે  એક કરુણ બનાવ બન્યો. તે  દિવસે હું સ્ટાફ માટેના સાયકલ સ્ટે‌ન્ડ પર મારી સાયકલ મૂકવા જતો હતો તે સમયે ત્યાંના વોચમેને મને એમ કહીને રોક્યો કે આ જ્ગ્યા તો સ્ટાફના લોકો માટે છે. તમે અહીં સાયકલ મૂકી શકો નહિ! પછી મેં મારી ઓળખાણ તો આપી. પરંતુ  મને આઘાત તો બહુ મોટો લાગ્યો. હું કોઇ જૂના જમનાના રાજાની જેમ વેશપલ્ટો કરીને તો આવ્યો ન હતો કે મને દરવાન ઓળખી ન શકે. પરંતુ મિત્રોએ આ માટે મારાં વ્યક્તિત્વને જવાબદાર ગણ્યું. પરંતુ મનોમન નિશ્ચય કર્યો કે કોઈપણ ઉપાયે વધુ ને વધુ લોકો મને ઓળખે તેવા ઉપાયો અજમાવવા. જો કે કોઇ  હજુ સુધી કોઈ  ઉપાય કારગત નીવડ્યો નથી.

એવામાં ફેસબુક જેવા સોશિયલ મિડિયાનો પાદુર્ભાવ દેશમાં થયો. અહીં નવાનવા મિત્રો બનાવીને  તેમજ જેવા પણ આવડે તેવા લખાણ લખીને તેમનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો. અહીં પણ નિરાશ થવાના યોગ હતા. ફેસબુકના કોઇ મિત્ર રૂબરૂ મળે ત્યારે તો એમ જ કહેતા ”ઓળખાણ ન પડી તમારી”.  કેટલાક મિત્રોના અનુભવે એવો ખ્યાલ આવ્યો કે ફેસબુક પર પ્રસિદ્ધ થવા માટે પોતાના ફોટા  મૂકવા જોઈએ. જો બુઢ્ઢા થઈ ગયા હોઈએ તો યુવાનીનો ફોટો મૂકવો જોઈએ. એથી મેં મારા જૂના  જમાનાના શ્વેતશ્યામ ફોટા ફંફાસ્યા. પરંતુ એ તો જાણે મારા એક્ષ રે હોય  તેવા  લાગ્યા. એક મિત્રે સલાહ આપી કે બ્યુટી પાર્લરમા  બારાબર તૈયાર થઈને એક નવો જ ફોટો પડાવો. બ્યુટી પાર્લરવળા ભાઈએ કહ્યું  “આ વદન જે આકૃતિને પામ્યું છે તે જોતા જગતમાં કોઇ તેને સુંદર બનાવી શકે તેમ નથી. એક કામ કરો, પ્લાસ્ટિક સર્જરી કરાવો”. પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાતે પ્રયાસ કરવાનું સ્વીકાર્યું પણ ગેર‌ન્ટી આપવાની ના પાડી. આખરે મને લાગ્યું કે તસવીરવાળી યુક્તિ કામ નહી લાગે આથી બીજું કશું વિચારવું જોઈએ અને હજુ એ વિચારણા ચાલુ જ છે.

મારી  એ વિચારણાને સમાંતર બીજી એક વિચારણા પણ ચાલુ છે. માણસને જાણીતા થવાનો ધખારો કેમ થતો હશે? શાસ્ત્રો અને ઉપદેશકોએ ભલે પ્રસિદ્ધ થવાની લાલસાને લોકૈષણા કહી હોય પરંતુ એ લોકૈષણાના મૂળ માણસનાં સામાજિક પ્રાણી હોવામાં છે. મારા અસ્તિત્વને કોઇ માન્યતા આપે તેથી જ મને મારા હોવાપણાની ખાતરી થાય છે. વધારે ને વધારે લોકો મારા અસ્તિત્વને માન્યતા આપે તેને જ આપણે પ્રસિદ્ધિ કહીએ છીએ. અને જીવન બીજું છે પણ શું? જેમ કોઇ પ્રવાસના સ્થળે જઈ આવ્યાની  જાણ વધુ ને વધુ લોકોને થાય તેવા પ્રયાસો  કરીને પ્રવાસને સાર્થક બનાવીએ છીએ તે રીતે આ પૃથ્વીના આપણે પણ પ્રવાસી છીએ તેની જાણ વધુને વધુ લોકોને થાય તેમાં જં આપણા જીવનની સાર્થકતા છે, ઇતિ મે મતિ.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.