વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

કેટલાક લોકો એમનાં નસીબમાં સુખ લખાવીને નથી આવતા. હલ્કૂ પણ આવા દલિત લોકોમાંનો એક હતો. એનાં સંઘર્ષમય જીવનમાં સદા ત્રણ સાંધતા તેર તૂટે એવા સંજોગોનો સામનો કરવાનું લખાયેલું હતું. આખા દિવસની મજૂરી પછી પાછા આવેલા હલ્કૂએ ઘરમાં પેસતા જ એની સ્ત્રીને કહ્યું, “સહના આવ્યો છે તારી પાસે જે રૂપિયા હોય તે આપ, એને આપી દઉં એટલે બલા ટળે.”

મુન્ની ઘરની સફાઈ કરી રહી હતી. રૂપિયા આપવાની વાત એને ઘા જેવી લાગી. પાછળ વળીને પતિ સામે જોતા બોલી, “ માંડ ત્રણ રૂપિયા ભેગા થયા છે, એ આપી દેશો તો કામળો ક્યાંથી આવશે? આ શિયાળાની રાતો કેવી રીતે કાઢશો? તેને કહો, તે પાક તૈયાર થશે એટલે આપી દઈશ.”

હલ્કુ અનિશ્ચિત સ્થિતિમાં એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. પોષ મહિનો માથા પર આવી રહ્યો છે. વાત તો સાચી હતી ને કે કામળી વિના ખુલ્લા આસમાન નીચે ખેતરમાં રાતો કાઢવી કપરી થશે સાથે એને એ પણ ખબર હતી કે, એનો લેણદાર સહના માનશે નહીં ને કેટલીય તો ગાળો દેશે. આજે રૂપિયા નહીં આપે તો કાલે અડ્ડો જમાવી માથા પર ઊભો રહેશે. ઠંડીમાં ઠૂંઠવાનું સહી લેવાશે પણ આ સહનાની પઠાણી ઉઘરાણી નહીં સહન થાય. એવું વિચારીને કે તેણે ભારે મન સાથે સમાધાન કરી તેની પત્નીને કહ્યું, “આપ જોઉં કામળી માટે અન્ય કોઈ ઉપાય કરશું.”

સહના હલ્કૂનો લેણદાર હતો. એની પઠાણી ઉઘરાણીને હલ્કૂ ક્યાં ટાળી શકવાનો હતો!

મુન્ની આંખોમાં આંસુ સાથે બોલી “ખાક ઉપાય કરશો! કોણ આપશે તમને કામળી દાનમાં? કોણ જાણે કેટલા ઉધાર બાકી છે કે ચૂકવાતા જ નથી! હું કહું છું આ ખેતી કેમ છોડી નથી દેતા? આખો દિવસ મરી મરીને કામ કરો તોય દેવું ચૂકવાતું નથી. એને કહી દો ઉપજ થાશે ત્યારે બાકીના ચૂકવીશ અત્યારે એને રવાના કરો. પૈસા ચૂકવવા માટે તો આપણે જન્મ્યા છે,પણ અત્યારે હું રૂપિયા નહીં આપું.”

હલ્કુએ ઉદાસીથી કહ્યું, “તો મારે શું ગાળ ખાવાની ?

મુન્નીએ વેદનાથી કહ્યું, “તમને શું કામ ગાળો આપે એનું રાજ ચાલે છે ? પત્નીની ઉગ્રતા જોઈ હલકું થોડો ઢીલો પડી ગયો.

પણ, બંનેના જીવનનું એક કઠોર સત્ય તેમને ઘૂરકિયા કરીને જોઈ રહ્યું હતું. ઘીસ ખાઈને મુન્નીએ અંદર જઈ સાચવેલા રૂપિયા હલ્કૂને આપતા બોલી, “તમે ખેતી છોડી દયો ને આપણે મજૂરી કરી રોજેરોજનું પેટ્યું રળશું. મજૂરીમાં બે રોટલી તો ખાવા મળશે. કોઈના લાળા તો ચાવવા નહીં પડે. એક તો ખેતી કરો અને ઉપરથી આ બધાનો રૂવાબ.”

હલ્કૂ જાણે રૂપિયા નહીં હૃદય કાઢીને આપતો હોય તેમ સહનાને આપવા ગયો. બીચારી મુન્નીએ એક એક પાઈ ભેગી કરીને માંડ ત્રણ રૂપિયા બચાવ્યા હતા. હતી. દરેક પગલાં સાથે, અપમાનના વજન અને ગરીબીની શરમથી તેનું માથું ઝૂકી રહ્યું હતું પણ ધાબળો લેવા એકઠા કરેલા રૂપિયા સહાનાને હલ્કૂના દેવા પેટે આપી તો દેવા જ પડ્યા

મુન્નીએ કોઈ ફાટેલાં કપડાંના ટુકડાઓથી ધાબળામાં થીગડાં મારીને કામચલાઉ કે આંશિક ઉકેલ આણી તો દીધો. છૂટકો ક્યાં હતો?

રાત પડે ખેતરે પહોંચેલા હલ્કૂએ જોયું કે, પોષ મહિનાની રાતની કારમી ઠંડી આવા ફાટેલા ધાબળાથી તો સહન થાય એવી નથી એટલે બે-ચાર છાણાંનું તાપણું કરીને કે ચલમની બે-ચાર ફૂંક મારીને, એણે થોડી રાહત મેળવવાના વ્યર્થ ફાંફા મારતા ઠંડીમાં ઠુંઠવાતા માંડ રાત પસાર કરવા માંડી.

અતિ દરીદ્રતામાં જીવતો હલ્કૂ એક વાતે સમૃદ્ધ હતો. કોઈ એની સાથે હોય કે ન હોય પણ આવી કપરી રાતમાં એની આસપાસ ફરતો એક માત્ર એનો સાથી કૂતરો હંમેશાં એને સાથ આપતો. જબરો એનું નામ. આવી કારમી ઠંડીવાળી રાત પૂરી કરવા આ એક જબરો જ તો હતો જેની સાથે હલ્કૂ વાત કર્યા કરતો.

“ખબર નથી પડતી આ ઠંડી ક્યાંથી આવે છે ?, જાગવું તો પડશે, રાત કંઈ એમને એમ પૂરી થવાની નથી.” ચિલ્લમ પીતા હલ્કૂ સ્વગત બબડ્યો. “ખેતીની આજ જ તો રામાયણ છે, જબરા. ગરીબને છોડીને ભગવાન બાકી સૌની સાથે છે. કશો વાંધો નહીં આ શિયાળો પસાર થવા દે. ભાગ્યનું ગાડું ચાલશે તો આપણે પણ મજા કરીશું , ચાલ અત્યારે તો આવી જ મજા કરીએ! ”

હલ્કૂ ઊભો થયો, ખાડામાંથી એક નાનો અંગાર લેતા તેના કૂતરા જબરાને કહ્યું, “જબરા આજનો દિવસ ઠંડી ખાઈ લે કાલે કૈંક વ્યવસ્થા કરશું. એવું હોય તો મારી જોડે ચલમ પી. ઠંડી તો જવાની હશે તો જશે પણ મનને સારું લાગશે.”

જબરો પ્રેમથી એના માલિકને જોઈ રહ્યો અને જરા ખસીને એના માલિકની નજીક ગયો અને હલ્કૂએ જબરાના શરીરની ઉષ્માથી ગરમાટો અનુભવ્યો. ચલમ પીને હલ્કૂએ એક નિર્ણય સાથે લંબાવ્યું કે, “બસ હવે હું સૂઈ જઈશ.” પણ, ઠંડી ભૂતની જેમ એને વળગી. એ સૂઈ ન શક્યો એણે જબરાને પોતાની બાજુમાં કામળીની અંદર લઈ લીધો. કૂતરાના શરીરમાંથી ગંધ આવવા છતાં તેને ખોળામાં લેતા હલ્કૂને જે આનંદની અનુભૂતિ થઈ રહી હતી. આવી અનુભૂતિ મહિનાઓથી જાણે તેને મળી નહોતી. હલ્કૂ જબરાને તેના કોઈ પણ મિત્ર અથવા ભાઈ હોય એવા ઉત્સાહથી ગળે લગાડતો. જબરાના શરીરની ગંધથી એને ક્યારેય નફરત નહોતી થતી.

એક કલાક વીતી ગયો. રાત્રે પવન સાથે ઠંડીનો કડાકો શરૂ થયો. હલ્કૂએ બેઠા બેઠા બંને ઘૂંટણને છાતી સુધી ખેંચીને તેમાં પોતાનું માથું છુપાવી દીધું છતાં ઠંડી ઓછી થતી ન હતી. એને લાગ્યું કે શરીરમાં લોહી થીજી રહ્યું છે. ધમનીઓમાં લોહીને બદલે બરફ વહી રહ્યો છે. તેણે ઊંચે નજર કરીને આકાશ તરફ જોયું, હવે કેટલો સમય બાકી છે! સપ્તર્ષિ આકાશમાં અડધો પણ ચડ્યો નથી. હજી રાત ઘણી બાકી છે.

વળી એ જબરા સામે જોઈ રહ્યો, “જબરા આ ઠંડી સહન નથી થતી ચાલ પાંદડા ભેગા કરી આગ પેટાવીએ.” અને હલ્કૂએ બબડતા બબડતા બગીચા તરફ ચાલવા માંડ્યું.

“જબરા તને સુગંધ આવે છે?”  ઝાડમાંથી ટપકતાં ઝાકળનાં ટીપાં, મહેંદીનાં ફૂલોની ગંધ સાથે એક એક પગલે હલ્કૂના શ્વાસનો નિસાસો સંભાળતો હતો. પણ જબરો તો પાંદડાના ઢગલામાંથી મળેલો હાડકાનો ટુકડો ચૂસવામાં મસ્ત હતો. પાંદડા એકઠાં કરીને હલ્કૂએ આગ પેટાવી. થોડો ગરમાટો મળ્યો અને એણે શરીરને પડતું મૂકી લંબાવ્યું.

“તારે જે કરવું હોય તે કરી લે હું તો આ સૂતો.” જાણે ઠંડીને કહેતો ન હોય એમ કહીને એ હસ્યો. કડકડતી ઠંડીના જોરને જીતીને વિજયનો ખુમાર ચઢ્યો હોય એમ એણે લંબાવ્યું

આગ બુઝાવા આવી હતી. હલ્કૂ કામળી ઓઢી ગીત ગાતો બેસી રહ્યો. ઠંડી વધતી જતી હતી. ત્યાં કોઈ સંચારનો અણસાર આવતા જબરો જોરથી ભસ્યો અને ખેતર તરફ દોડી ગયો. હલ્કૂને ખ્યાલ તો આવ્યો કે સંભવતઃ પ્રાણીઓનું ટોળું ખેતરમાં આવી ગયું છે. મોટાભાગે નીલગાયનો ટોળું હશે એવું પણ એને સમજાયું. તેમના કૂદકા અને દોડવાના અવાજો સ્પષ્ટ કાનમાં આવી રહ્યા હતા.  થોડી વારમાં કંઈક ચાવતા હોય એવો અવાજ સંભળાયો તેમ છતાં મનોમન આશ્વાસન લેતા બોલ્યો, “ હું ખોટી મૂંઝવણમાં છું. મારે શું ચિંતા! જબરો છે ને! એના લીધે કોઈ પ્રાણી મેદાનમાં આવી શકવાનું નથી. મને પણ કેવા કેવા ખોટા ભાસ થાય છે!”

વળતી પળે એણે જબરાને બોલાવા બૂમો પાડી, “જબરા, જબરા.”

જબરો ભસતો રહ્યો, પણ તેની પાસે ન આવ્યો તે ના જ આવ્યો. હલ્કૂને થયું કે એણે પણ ખેતરમાં આંટો મારવો તો જોઈએ પણ આ શિયાળાની ઠંડીમાં ખેતરમાં જવું અને પ્રાણીઓની પાછળ દોડવું એને અસહ્ય લાગ્યું. તે તેની જગ્યાએથી હટ્યો નહીં.

પ્રાણીઓ નિરાંતે ચરવા લાગ્યા હશે એવું એને લાગ્યું તો ખરું. ખેતરમાં પાક તૈયાર હતો, ખરેખર ખેતી સારી થઈ હતી, પરંતુ આ દુષ્ટ પ્રાણીઓ તેનો નાશ કરી નાખશે એમ વિચારી એ મન મક્કમ કરી બચાવવાના સંકલ્પ સાથે ઊભો થયો અને બે-ત્રણ પગલાં ચાલ્યો, પણ અચાનક ઠંડીનો ચમકારો આવ્યો. ઠંડીના સૂસવાટામાં વીંછીના ડંખ જેવો અનુભવ થયો. રહીસહી હિંમત ઓસરી ગઈ ને ફરીથી તાપણા પાસે બેસી ગયો. આમ તો તાપણું ઠરી ગયું હતું પણ એની વેરાયેલી થોડી હૂંફાળી લાગતી રાખ પર પોતાના ઠંડા શરીરને ગરમ કરવાનું શરૂ કર્યું. જબરો ગળું ફાડીને ભસતો રહ્યો. નીલગાય આખા ખેતરને સાફ કરી ગઈ. હલ્કૂને લાગ્યું કે ઠંડા પડી ગયેલા શરીરની નિષ્ક્રિયતાનાં દોરડાંએ તેને બધી બાજુથી પકડી રાખ્યો હતો. કોઈ લાંબા વિચાર વગર ઠંડીથી થથરતો રાખની નજીકની ગરમ જમીનની હૂંફને પથારી સમજી સૂઈ ગયો.

મુન્નીના ઢંઢોળવાથી માંડ હલ્કૂ જાગ્યો ત્યારે સૂર્યપ્રકાશ ચારેબાજુ ફેલાઈ ગયો હતો. ક્રોધ અને હતાશાથી કાંપતી મુન્ની એને હડબડાવતી, ચીસો પાડીને, કહેતી હતી કે, ‘હજી ક્યાં તમે ઊંઘતા રહેશો? આ જો આખું ખેતર ચવાઈ ગયું!”

હલ્કૂ ઊભો થયો અને બોલ્યો, “તું ખેતરમાં થઈને આવી?”

“હા, આખું ખેતર નાશ પામ્યું ને તમે દારૂના નશામાં પડ્યા રહ્યા?” મુન્ની હજી જાણે ચીસો પાડતી હતી.

હલ્કૂ નિરાંતવા જીવે વ્યંગ કરતા બોલ્યો , “હું મરીને બચી ગયો, તને ખેતરની પડી છે. મારા પેટમાં કેવું શૂળ ઉપડ્યું હતું એની તને કેવી રીતે ખબર પડે આ ફક્ત હું જ જાણું છું!”

પતિ-પત્ની ખેતરની હાલત જોઈ રહ્યા હતા. મુન્નીના ચહેરા પર ઉદાસી હતી, પરંતુ હલ્કૂ ખુશ દેખાતો હતો .

મુન્ની હૈયાફાટ રડતી હતી એને આવતીકાલની ચિંતા હતી..એ બોલી “હવે તમારે મજૂરી કરવી પડશે.”

હલ્કૂએ ખુશહાલ ચહેરા સાથે કહ્યું, “હા, હવે મારે રાત્રે ઠંડીમાં અહીં સૂવું નહીં પડે.” અને ફરી એ તદ્દન નિશ્ચિંત થઈને કામળો માથે ઓઢી પડખું ફરીને સૂઈ ગયો.”

જરાક અમસ્તા કપરા ચઢાણ આવે તોય માણસની હિંમત તૂટી જાય એવા સમયે એક અભણ, દલિત વ્યક્તિની સહજભાવે સંજોગો સ્વીકારી લેવાની તાકાત, અલગ મિજાજને જોઈને પોષ મહિનાનો સૂર્ય હૂંફાળો તડકો વેરી રહ્યો.


પ્રેમચંદ મુનશી લિખીત વાર્તા -પૂસ કી રાત- ને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.