દીપક ધોળકિયા
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટનની રાણીએ જાહેરનામું બહાર પાડીને ઈસ્ટ ઇંડિયા કંપનીની જગ્યાએ ભારતનું આધિપત્ય પોતાના હાથમાં લઈ લીધું. રાણીએ રાજાઓને ખાતરી આપી કે બ્રિટન હવે એમના પ્રદેશો પર કબજો નહીં કરે, બદલામાં રાજાઓએ પણ બ્રિટન હસ્તકના મૂળ ઈસ્ટ ઇંડિયા કંપનીએ પ્રાપ્ત કરેલા પ્રદેશો પર હુમલા ન કરવા. રાજાઓની હિંમત તો નહોતી કે એ બ્રિટિશ ઇંડિયાના પ્રદેશો પર હુમલા કરીને પોતાના ગુમાવેલા પ્રદેશો પાછા લઈ લેવાની કોશિશ કરે, પણ એમને પોતાનાં રાજ્યો અકબંધ રહેશે એવી ખાતરી મળી ગઈ. તે ઉપરાંત હવે એમને પાડોશી રાજ્ય સાથે લડાઈ થવાનો ભય પણ નહોતો કારણ કે એમના સંરક્ષણની જવાબદારી પણ રાણીએ લઈ લીધી હતી એટલે એમણે સૈન્યો પણ રાખવાનાં નહોતાં. ક્યાંય પણ વિખવાદ ઊભો થાય તો એમના ઉપરની સર્વોપરિ સત્તા સમક્ષ ફરિયાદ કરવાનો એમને અધિકાર હતો. આમ રાજાઓએ ગવર્નર જનરલોની ખુશામત કરવાથી વધારે કંઈ કરવાપણું નહોતું રહ્યું. ૧૮૫૭ કરતાં તદ્દન જુદી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું, આથી રાજાઓ મોજમસ્તીમાં પડી ગયા અને બ્રિટન પ્રત્યે વફાદાર રહેવું એ હવે એમના લાભમાં હતું. છેક ૧૯૪૭ સુધી એમનું એ જ વલણ રહ્યું. આથી બ્રિટનની સત્તાનો વિરોધ કરવાની જવાબદારી ફરી રૈયતના હાથમાં આવી ગઈ.
(૧) ૧૮૫૯નો ગળી વિદ્રોહ
૧૮૫૭ના વિદ્રોહના પડઘા શમે તે પહેલાં જ બંગાળના ગરીબ ખેડૂતોએ વિદ્રોહના નવા દોરનો ધ્વજ સંભાળી લીધો.
ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે બ્રિટનમાં કાપડ ઉદ્યોગનો ઝડપભેર વિકાસ થયો. એમાં કપડાંને રંગવા માટે ગળીની બહુ જરૂર રહેતી. ઈસ્ટ ઇંડિયા કંપનીએ આથી બિહાર અને બંગાળમાં ગળીનું વાવેતર કરવા માટે ખેડૂતોને ફરજ પાડી. દરેક ખેડૂતે પોતાની જમીનનો એક ભાગ જમીનદારને કે ગોરા પ્લાંટરને (ગળીનું કારખાનું ચલાવનારને) ગળીના વાવેતર માટે આપવાનો હતો.ધીમે ધીમે બ્રિટિશ પ્લાંટરોનું જોર એટલું વધી ગયું કે એ ખેડૂતોને અનાજને બદલે ગળીનો પાક લેવા માટે ફરજ પાડવા લાગ્યા. પ્લાંટરો નધણિયાતી જમીન પર ગળી ઉગાડતા અને ખેડૂત બિનવારસ મરી જાય કે ગામતરું કરી ગયો હોય તેની જમીન પર પણ એ કબજો કરી લેતા.ગળીનો પાક લેવા માટે એ ખેડૂતોને આગોતરા પૈસા પણ લોન તરીકે આપતા. પરંતુ ખેડૂત એ રકમ લેવાનો ઇનકાર ન કરી શકતો. વાવેતર થઈ જાય તે પછી ફાલ ઊતરે ત્યારે ખેડૂતે એ પ્લાંટરના કારખાનામાં પહોંચાડી દેવો પડતો અને ગળી કાઢી આપવી પડતી. એના બદલામાં એમને નજીવું વળતર મળતું, એમાંથી એ લોન તરીકે મળેલી આગોતરી રકમ પણ ભરપાઈ ન કરી શકતા. ખેડૂતો પર દેવાનો ભાર વધતો જતો.
૧૮૫૯ના માર્ચમાં બંગાળના નાદિયા જિલ્લાના એક ગામના ખેડૂતો અહિંસક રીતે સંગઠિત થયા અને ગળીના વાવેતર માટે ના પાડી દીધી. તરત જ આ આંદોલન બીજા જિલ્લાઓમાં પણ ફેલાઈ ગયું. આ આંદોલનને શરૂઆતમાં જમીનદારોએ પણ ભારે ટેકો આપ્યો કારણ કે પ્લાંટરો જમીનદારો કરતાં પણ વધારે શક્તિશાળી બની ગયા હતા.
જો કે, આંદોલન જેમ ફેલાતું ગયું તેમ હિંસાની ઘટનાઓ પણ બની. પ્લાંટરોની બળજબરીનો લોકો જવાબ પણ દેવા લાગ્યા. ખેડૂતોએ માટે લોન લેવાની ના પાડી એટલું જ નહીં પ્લાંટરોના ગુમાસ્તાઓનો પણ બહિષ્કાર કર્યો. એમને ગામની દુકાનોએ ચડવાની મનાઈ ફરમાવી. એટલે એમને રસોડા માટે જોઈતો સામાન પણ મળતો બંધ થઈ ગયો. ખેડૂતોને દબાવી દેવા માટે પ્લાંટરો હિંસાનો માર્ગ લેવા લાગ્યા પણ ખેડૂતો નમતું નહોતા આપતા. સ્ત્રીઓ પણ ઈંટ-પથ્થર, જે કંઈ હાથમાં આવ્યું તે છૂટથી વાપરતી. કંઈ ન મળે તો રસોડાનાં વાસણો પણ કામે આવતાં. ખેડુતોને જૂથ બનાવીને કારખાનાં પર હુમલા કર્યા અને ક્યાંક પ્લાંટરોએ વિરોધ કર્યો તો એ માર્યા ગયા
ભદ્રલોકનો પણ ગળીના ખેડૂતોને ટેકો મળ્યો. ૧૮૬૦માં દીનબંધુ મિત્રાએ ‘નીલ દર્પણ’ નાટક લખ્યું અને એનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકાશિત થયો. આથી યુરોપમાં પણ બંગાળના ખેડૂતોની હાલત વિશે લોકોનું ધ્યાન દોરાયું, ૧૮૬૧માં બ્રિટને આની સામે નમતું મૂક્યું અને ગળીના ખેડૂતોની સમસ્યાનો અભ્યાસ કરવા પંચ નીમ્યું. પંચે ૧૩૪ સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં અને ગળીના વાવેતરમાં થતા શોષણ પર પ્રકાશ પાડ્યો. પરિણામે બંગાળમાં તો ધીમે ધીમે ગળીનું વાવેતર બંધ પડ્યું પણ બિહારમાં ચાલુ રહ્યું તે છેક ૧૯૧૭માં મહાત્મા ગાંધીએ ચંપારણમાં સત્યાગ્રહ કર્યો તે સાથે બંધ થયું.
૦૦૦
સંદર્ભઃ
૧. https://www.britannica.com/topic/Indigo-Revolt
૨. https://www.worldhistory.org/Indigo_Revolt/
૩. https://indianculture.gov.in/stories/indigo-revolt-bengal#
૦૦૦
(૨) એબરડીનની લડાઈ (આંદામાન) અથવા દૂધનાથ તિવારીની દગાબાજી
૧૮૫૯નું વર્ષ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી માત્ર ગળીના ખેડૂતોના વિદ્રોહ માટે જ નહીં પણ આંદામાન ટાપુ પર ઍબરડીનમાં ગ્રેટ અંડમાનીઝ જાતિએ અંગ્રેજો વિરુદ્ધ છેડેલા યુદ્ધ માટે પણ જાણીતું છે. ૧૮૫૭ પછી આદિવાસીઓના જેટલા બળવા થયા તેમાં ઍબરડીનની લડાઈ સૌથી પહેલી હતી.

આંદામાન ટાપુઓ ત્યારે ‘કાલા પાની” તરીકે ઓળખાતા. ૧૮૫૭ના વીરોને કાં તો ફાંસી આપી દેવાતી અથવા કાલા પાની મોકલી દેવાતા. એમને કઠોર પરિશ્રમની ફરજ પાડવામાં આવતી. જેમને તરીપારની સજા કરાતી તે ફાંસીએ ચડાવેલા લોકો કરતાં વધારે નસીબવાળા નહોતા. મોટા ભાગે તો એક કે બે વર્ષની અવધિમાં અત્યંત જુલમ અને કાળી મજૂરીને કારણે મોતને ભેટતા. કોઈક એવા હતા કે જંગલમાં કામ કરવા જતા ત્યારે ભાગી છૂટવામાં સફળ થતા અને નિષ્ફળ જાય તો ગાર્ડો એમને ગોળીએ દઈ દેતા. આવા કેદીઓનો સામનો આદિવાસીઓ સાથે થતો. આદિવાસીઓ એમને જોતા અને મોટા ભાગે તો મારી નાખતા. પરંતુ એમને એક વાત સમજાઈ હતી કે તળભૂમિના આ લોકો બે પ્રકારના હતા – એક તો બેડી ડસકલાંવાળા હતા અને એમની સાથે કોઈ મુક્ત લોકો પણ હતા. મોટાભાગે તો એ મુક્ત લોકો એટલે કે ગાર્ડોને જ પોતાના તીરકામઠાંનું નિશાન બનાવતા અને બેડીઓમાં ઝકડાયેલા લોકોને ઉપાડી જતા. તે પછી એમનો વ્યવહાર જોઈને એમને પોતાની જાતિમાં ભેળવી લેતા અથવા મોતને ઘાટે ઉતારી દેતા.
આવો એક કેદી દૂધનાથ તિવારી ૧૮૫૮માં આંદામાન પહોંચ્યા પછી બે જ અઠવાડિયાંમાં ભાગવામાં બીજા નેવું કેદીઓ સાથે સફળ થયો. એ બધા જંગલમાં ભોજન અને પાણીની શોધમાં ભટકતા હતા ત્યારે આંદામાનીઓએ એમને જોઈ લીધા અને બધાને મારી નાખ્યા પણ દૂધનાથ અને બીજા બે કેદી બચી ગયા અને ભાગી છૂટ્યા. એમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, પણ જંગલમાં ભટકતા રહ્યા. ફરી એમનો ભેટો આંદામાની સ્ત્રીઓ અને બાળકોના એક જૂથ સથે થયો. ભારે સકહ્ત હુમલામાં બે જણ મર્યાગયા પણ દૂધનાથ મરવાનો ડોળ કરીને પડ્યો રહ્યો.
હવે એને જીવતો જોઈને આંદામાનીઓને નવાઈ લાગી અને મારી નાખવાની તૈયારી કરતા હતા પણ દૂધનાથે દયાની ભીખ માગી એટલે એને બદલે એને પોતાની સાથે લઈ ગયા અને એને મિત્ર માન્યો. એ એમની સાથે જંગલમાં ખાવાનું શોધવા કે શિકાર કરવામાં પણ સાથે જતો. એમની ચર્ચાઓ અને લડાઈની તૈયારીઓમાં પણ સામેલ થવા લાગ્યો. જૂથ સાથે ભટકતાં એ જંગલના રસ્તાઓનો ભોમિયો બની ગયો અને આંદામાનીઓની ભાષા પણ શીખી ગયો. પરંતુ હજી એને શસ્ત્રાગાર સુધી જવા નહોતા દેતા. એમ ઘણા મહિના કાઢ્યા પછી. આંદામાનીઓને દૂધનાથ પર સંપૂર્ણ ભરોસો બેઠો. એમણે પોતાની જાતિની જ એક છોકરી સાથે એને પરણાવી દીધો.
આંદામાનીઓ સાથે લગભગ એક વર્ષ રહ્યા પછી એને ખબર પડી કે એમણે ઍબરડીનમાં અંગ્રેજોની છાવણી પર હુમલો કરવાની યોજના બનાવી છે. દૂધનાથને એમાં પોતાની મુક્તિ જોવા મળી.
એ પણ હુમલા માટે જતા જૂથ સાથે હુમલા માટે જોડાયો. પરંતુ છેલ્લી ઘડીએ એ સૌની નજર બચાવીને અંગ્રેજો પાસે પહોંચી ગયો અને એમને સાવધ કરી દીધા. આદિવાસીઓ હુમલો કરે તે પહેલાં જ અંગ્રેજી ફોજ તૈયાર થઈ ગઈ. તીરકામઠાં બંદુકો અને તોપો સામે નિષ્ફળ ગયાં અને હજારો આંદામાનીઓ માર્યા ગયા. અંગ્રેજોએ એને પોતાની સાથે લઈ લીધો અને એની જનમટીપની સજા માફ કરી.
સવાલ એ છે કે દૂધનાથ ને અંગ્રેજોએ જ સજા કરીને આંદામાન મોકલ્યો હતો. તે પછી એને આદિવાસીઓએ માનભેર સ્વીકાર્યો. તેમ છતાં એણે એમને દગો દીધો અને એના શોષક અંગ્રેજોની સાથે મળી ગયો. કદાચ એને અંગ્રેજો વધારે પોતાના જેવા લાગ્યા!
ગમે તેમ, આ આપણા જેવા સુધરેલાઓના માથે એક કલંક છે.
માનો કે અંગ્રેજોએ એની સજા માફ ન કરી હોત તો એ કઈ રીતે બચી શક્યો હોત?
૦૦૦
સંદર્ભઃ
https://utkarshrai.com/battle-of-aberdeen-andaman-1859-ad/
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
