(૧) એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર..

માધવ રામાનુજ

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યાં છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં

 

(૨) દીપ જલે….

દેવિકા ધ્રુવ

દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

કાચું કોડિયું વાત આ જાણે,

પરમ પુનિત ને પાવન.

મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,

ઝગમગ દીપ સુહાવન.
ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર.

અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન.
અભિનંદન, અભિનંદન.