વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સ્ટેશન પર ઊભેલી ગાડીના ડબ્બામાં આબિદ, ઝુબૈદા સહિત સામાન અને પોતાની જાતને ધકેલીને સુરૈયાએ ઊંડો શ્વાસ લીધો. જરા વારે ડબ્બાના બીજા ખૂણામાં બે શીખને બેઠેલા જોયા. એણે મનોમન ખુદાતાલાને યાદ કર્યા. સુરૈયાને એમની આંખોમાં કોઈ અમાનુષી તત્વ દેખાયું. એમની નજર એની કાયાને છેદીને સીધી અંદર સુધી ઉતરી જતી હોય એવું લાગ્યું. એણે ચહેરા પર બુરખો ખેંચી લીધો.
ગાડીની ગતિ તેજ થઈ હતી એટલે હવે એ બીજા ડબ્બામાં જઈ શકે એમ નહોતી. જરૂર પડી તો એના માથા પર ઝૂલી રહેલી સંકટ સમયની સાંકળ ખેંચીને ગાડી ઊભી રખાવવાનું વિચારી લીધું.
“ક્યાં જશો?” એક ભારેખમ અવાજ સાંભળીને સુરૈયા ચમકી.
“ઈટાવા” સુરૈયાએ એકાક્ષરી જવાબ આપ્યો.
“કોઈ સાથે નથી?”
ખલાસ, એકાદ ક્ષણ તો સુરૈયાને થયું કે જો એકલી છું એમ કહીશ તો જોખમ વધી જશે. મને મારીને ડબ્બાની બહાર ફેંકી દેતા વાર પણ નહીં લાગે, એમ માનીને સુરૈયાએ જવાબ આપ્યો,
“બીજા ડબ્બામાં મારો ભાઈ છે.”
“અરે અમ્મી! મામુ તો લાહોર ગયા છે.” નાનકડા આબિદને સુરૈયાના જવાબથી નવાઈ લાગીને એ સાચું બોલી ઊઠ્યો.
સુરૈયાએ આબિદને તો ચૂપ કર્યો પણ શીખ ક્યાં ચૂપ રહે એમ હતો?
“આજ-કાલ સંજોગો ખરાબ છે. આમ એકલા બેસવાના બદલે તમારે ભાઈ સાથે જ બેસવું જોઈએ. પણ ઠીક છે મુસીબતના સમયમાં જેનું કોઈ નહીં એના સૌ.”
એટલામાં સ્ટેશન આવતાં ગાડી ઊભી રહી અને બીજા બે આદમી ચઢ્યા. એ પણ હિંદુ…
સુરૈયાએ પોતાનો સામાન સમેટવા માંડ્યો.
“કેમ, ઉતરી જવું છે?” શીખે સવાલ કર્યો.
“વિચારું છું કે ભાઈ પાસે જઈને બેસું.”
“અહીં કોઈ ડર ન રાખતાં, તમે મારી બહેન જેવા જ છો. અલીગઢ સુધી તો હું તમને બરાબર પહોંચાડીશ અને એ પછી આગળ કોઈ જોખમ નથી અને ત્યાંથી તો તમારા ભાઈ પણ મળી જશે ને?”
“સરદારજી, એમને જવું હોય તો જવા દોને, તમે શું કામ રોકો છો?” નવા આવેલા હિંદુથી બોલ્યા વગર ન રહેવાયું.
શીખ અને હિંદુની ટીપ્પણીથી શું કરવું એની સુરૈયાને મૂંઝવણ થઈ. નિર્ણય કરવાનો સમય આવે એ પહેલાં ગાડી ઉપડી. સરદારજી મૂળ પંજાબના શેખુપુરાના નિવાસી હતા પણ હવે ટ્રેનનો આ ડબ્બો જ એમનું રહેઠાણ બની ગયું હતું.
“એનો અર્થ તમે શરણાર્થી છો?”
“હા.”
“તો, તમારા પરિવારને બહુ વેઠવું પડ્યું હશે નહીં?” ક્ષણ માટે શીખની આંખમાં તણખો પ્રગટ્યો.
એ નજર જોઈને હિંદુએ સુરૈયા તરફ નિશાન બદલ્યું.
“ખબર છે ને, દિલ્હીમાં કેવા હુલ્લડ થયાં હતાં. હિંદુ અને શીખ પર તો કેવા જુલમ થયા! બોલતા શરમ આવે છે પણ સ્ત્રીઓને બાપ અને ભાઈઓ સામે જ નગ્ન કરીને…..” શીખથી હવે ચૂપ ન રહેવાયું.
“બાબુજી, જે અમે જોયું છે એમાં તમે વધારે શું કહેવાના?”
“હા પણ, એમના શા હાલ થયા હશે જેમની નજર સામે પોતાની બહુ-બેટી…..”
“બાબુ સાહેબ, બહુ-બેટી તો સૌને હોય…”
પણ હિંદુ શખ્સ આવી કોઈ સાદી વાત સમજવાની તૈયારીમાં જ નહોતા. એમની વાણી અને વાતોમાં તો મનમાં ભારેલા અગ્નિના તણખા જ તતડતા હતા.
“હવે તો હિંદુ અને શીખોએ પણ ચેતવા જેવું છે. બદલો લેવાની વાત ખોટી છે, પણ હવે ક્યાં સુધી સહન કરવું જોઈએ? દિલ્હીમાં તો મોરચા કાઢયા છે. મારું માનો તો આ જ એનો સાચો ઉપાય છે. ઈંટનો જવાબ પત્થર. સાંભળ્યું છે કે કારોલબાગમાં કોઈ મુસ્લિમ ડૉક્ટરની દીકરીને…”
“બાબુજી, એક પણ ઓરતની બેઇજ્જતી કોઈનાય માટે શરમજનક વાત છે.” અત્યાર સુધી સહજતાથી વાત કરતા શીખના અવાજમાં હવે ચીઢ ભળી અને સુરૈયા તરફ જોઈને બોલ્યા,
“તમારે આવું બધું સાંભળવું પડે છે એના માટે તમારી માફી માંગું છું બહેન.”
“અરે! પણ આ બધું એમને ક્યાં કહું છું? એ તમારી સાથે છે?” હિંદુ સહેજ છોભીલો પડી ગયો.
“જી હા, મારે એમને અલીગઢ પહોંચાડવાના છે.”
“તમે અલીગઢ જવાના છો?” અત્યાર સુધી સંવાદ સાંભળી રહેલી સુરૈયા બોલી ઊઠી.
“હા.” શીખે એકાક્ષરી જવાબ વાળ્યો.
“કોણ છે ત્યાં તમારું?”
“મારું તો ક્યાંય કોઈ નથી. બસ ફક્ત મારો છોકરો છે મારી સાથે. જ્યાં હું જઈશ ત્યાં એ આવશે.”
“ત્યાં ક્યાં રહેશો?”
“રહેવાનું ક્યાંય નહીં વળી, બસ જ્યાં સુધી કોઈ કાયમી ઠેકાણું ન મળે ત્યાં સુધી આ ચાલ્યા કરતી ગાડી એ જ મારું ઠેકાણું.” શીખના અવાજમાં પીડા ભળી.
“તમને કોઈ છૂરો ભોંકી દેશે એવો ડર નથી લાગતો?” સુરૈયાના મનમાં આ ભલા શીખ માટે અનુકંપા જાગી જે એના સવાલમાં પડઘાઈ.
“એમ થશે તો મને છુટકારો મળશે.”
“અરે! આ તે કેવી વાત?”
“અને મારશે કોણ? ક્યાં તો મુસલમાન ક્યાં તો હિંદુ. મુસલમાન મારશે તો જ્યાં ઘરનાં સૌ પહોંચ્યા છે ત્યાં એમને જઈને મળીશ અને હિંદુ મારશે તો માની લઈશ કે દેશમાં જે બીમારી ફેલાઈ છે એ એની ચરમસીમાએ પહોંચી છે. બસ બીજું શું?”
“પણ હિંદુ શું કરવા મારે? હિંદુ લાખ બુરા હશે પણ એવું હત્યાનું કામ નહીં કરે.” અત્યાર સુધી સુરૈયા અને શીખની વાતો સાંભળી રહેલા હિંદુને અકળામણ થઈ. હવે તો શીખને ખૂબ ગુસ્સો ચઢ્યો.
“રહેવા દો બાબુ સાહેબ, અત્યાર સુધી પૂરા રસથી દિલ્હીના વાતો કરતા હતા. જો તમારી પાસે છરો હોય અને તમને જરા અમસ્તા ભયનો અંદેશો હોય તો તમે તમારી બાજુમાં બેઠેલી સવારીને છોડો ખરા, અને જો હું વચ્ચે પડું તો મને પણ છોડો ખરા?”
હિંદુ વચ્ચે બોલવા ગયા પણ શીખે આડો હાથ દઈને એને બોલતા રોકી લીધા.
“બાબુ સાહેબ,મારા તરફ તમે હમદર્દી દર્શાવો છો કારણકે તમે મને તમારો શરણાર્થી માનો છો. જો સાચા અર્થમાં હમદર્દની જેમ મળ્યા હોત તો હું પણ ન્યાલ થઈ જાત. પણ હવે હું જે કહું એ કાન ખોલીને સાંભળશો તો શરમથી તમારું માથું ઝૂકી જશે. હિંદુ હોય કે મુસલમાન કોઈ પણ ઓેરતની બેઇજ્જતી એ એની માતાની બેજ્જતી સમાન છે. શેખુપુરામાં અમારી સાથે જે થયું એનો હું બદલો લેવા બેસુ તો શક્ય છે એનો અંત જ નહીં આવે. અમારી સાથે જે થયું છે એ તો હું કોઈની સાથે થાય એવું હું સપનામાં કે ભૂલમાં પણ નથી વિચારતો. હું બદલો લેવા નહીં બદલો આપવામાં માનુ છું અને એટલે જ દિલ્હી અને અલીગઢ વચ્ચે ફરીને લોકોને અહીંથી ત્યાં પહોંચાડુ છું. મારા દિવસો પસાર થાય છે અને બદલો ચૂકવાતો જાય છે. જે દિવસે હિંદુ કે મુસલમાન, કોઈ પણ મને મારી નાખશે એ દિવસે તો બદલો લેવાનો કે દેવાનો જ નહીં રહે. હું તો માત્ર એટલું જ ઇચ્છુ કે ભલે હિંદુ હો, મુસલમાન કે શીખ મેં જે જોયું છે એ કોઈનેય જોવાના દિવસો ન આવે. મરતાં પહેલાં મારા ઘરનાં લોકોની જે અવદશા, જે ગતિ થઈ છે, પરમાત્મા કરે ને કોઈનીય વહુ-બેટીની એવી અવદશા ન થાય.”
આ સાંભળીને ટ્રેનના ડબ્બામાં ભયાનક સોપો છવાઈ ગયો. અલીગઢ પહેલાં ગાડી ધીમી પડી ત્યારે સુરૈયાને થયું કે એ સરદારજીને બે શબ્દ આભારના કહી શકે પણ એનાં શબ્દો હોઠ સુધી પહોંચી જ ન શક્યા.
“કાકા ઊઠ, અલીગઢ આવી ગયું.”
સરદારજીએ ઉપરની બર્થમાં સૂતેલા એના દીકરાને જગાડ્યો. અને હિંદુ મહાશયની તરફ જોઈને બોલ્યા, “બાબુ સાહેબ કોઈ કડવી વાત થઈ ગઈ હોય તો માફ કરજો. અમે તો તમારા આશરે છીએ.”
કાપો તો લોહી ન નીકળે એવા હિંદુને થયું કે જો અહીં સરદારજી ઉતરી ન ગયા હોત તો એ સ્વયં ઉતરીને બીજા ડબ્બામાં ચાલ્યા જાત.
સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન- ‘અજ્ઞેયજી’ લિખિત કથા- બદલા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
