ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દી ફિલ્મીસંગીતના સુવર્ણકાળ દરમિયાન તેના શોખીનો માટે મનોરંજનનું એકમાત્ર સાધન રેડીઓ હતું. તે સમયે રેડીઓ વિવિધભારતી અને રેડીઓ સીલોન(હાલનું શ્રીલંકા બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન) એ બે સેવાઓ ઉપર દિવસના મોટા ભાગમાં ફિલ્મી ગીતોને લગતા અનેકવિધ કાર્યક્રમો રજૂ થતા રહેતા હતા. ક્યારેક ક્યારેક ‘ફીલર’ તરીકે ( બે કાર્યક્રમો વચ્ચેનો અવકાશ પૂરવા માટે) કોઈ વાદ્યસંગીતના કર્ણપ્રિય અંશો દ્વારા તેને ભરી દેવામાં આવતો. ૧૯૬૦-૧૯૮૦ના સમયગાળામાં રેડીઓ ઉપર ફિલ્મી ગીતો સાંભળનારા ચાહકોને એક ચોક્કસ ધૂન ચોક્કસ યાદ હશે. તે પ્રસ્તુત છે.
જસવંતસિંહ ‘જોલી’ નામના એક સુખ્યાત વાદકે આ યાદગાર ધૂન મેન્ડોલીન તરીકે જાણીતા એક તારવાદ્ય અથવા તંતુવાદ્ય ઉપર વગાડી હતી. મૂળ ઇટાલીનું આ વાદ્ય પહેલાં ફિલ્મી વાદ્યવૃંદોમાં પ્રવેશ્યું અને ધીમેધીમે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયા સુધી પહોંચી ગયું. યુ. શ્રીનિવાસ નામેરી એક દક્ષિણ ભારતીય કલાકારે નાની વયમાં જ મેન્ડોલીનના કર્ણાટકી ઢબના શાસ્ત્રીય વાદનમાં એવી મહારત કેળવી હતી કે એ દેશવિદેશમાં ‘મેન્ડોલીન શ્રીનિવાસ’ તરીકે જાણીતો બની ગયો હતો. કમનસીબે તે યુવા વયે જ અવસાન પામ્યો. ખેર, કિશોરવયે તેણે વગાડેલા કર્ણાટકી રાગની એક ઝલક માણીએ.
આ ઉપરાંત અન્ય ભારતીય વાદકોએ પણ મેન્ડોલીન ઉપર શાસ્ત્રીય રાગવાદન કર્યું છે. આમ, આ વાદ્ય હવે સંપૂર્ણપણે ભારતીય બની ગયું છે એમ કહીએ તો ખોટું નથી.

પહેલી નજરે મેન્ડોલીન ગિટાર જેવું જણાય છે, પણ રચનામાં અને વગાડવાની શૈલીમાં તે ખાસ્સું જુદું પડે છે. તેમાં તુંબડા અને હસ્ત/ગ્રીવા વચ્ચે બેની જોડીમાં ચાર એમ કુલ આઠ તાર લગાડેલા હોય છે( ગિટારમાં મોટા ભાગે બેની જોડીમાં છ એમ બાર તાર હોય છે). દરેક જોડીની ચોક્કસ સ્વરબાંધણી કરાયેલી હોય છે. ‘નખલી’ નામે ઓળખાતા સાધન વડે તાર પર પ્રહાર કરી ને સ્વર ઉત્પન્ન કરાય છે. ગ્રીવા પર ચોક્કસ સ્થાનો પર ‘પરદા’ (Fret) કહેવાતી રચના હોય છે. ઉત્પન્ન થયેલા સ્વરને જે તે પરદા ઉપર આંગળી દબાવી ને નિયંત્રિત કરવામાં આવે છે. મેન્ડોલીનની ગ્રીવા ગિટારની સરખામણીએ ઘણી ટૂંકી હોય છે. તેના તાર અલગ રીતે અને વધુ ઊંચા સપ્તકમાં સ્વરબદ્ધ કરાયેલા હોય છે. ગિટારના મૃદુ સૂરની જગ્યાએ મેન્ડોલીનનો સ્વર તીણો હોય છે. વળી ગિટારના સૂરનું ગૂંજન લાંબું ટકે છે, જ્યારે મેન્ડોલીનનો સ્વર ઝડપભેર શમી જાય છે. આ કારણથી વાદકે એક સૂર પછી બીજો સૂર ઝડપથી વગાડવો પડે છે. આથી આ વાદ્યને વગાડવું પડકારજનક બની રહે છે. આમ હોવાથી મેન્ડોલીનના સ્વર સાંભળવામાં સળંગસૂત્રી નહીં પણ તૂટકતૂટક લાગે છે, પણ કુશળ વાદકો તૂટક સ્વર વચ્ચે પણ સાતત્ય જાળવતા હોય છે. મેન્ડોલીન ગમે તેટલું ધીમું કે ઓછી માત્રામાં વાગે, તેની હાજરી આ કારણથી કાને પકડાયા વગર રહેતી નથી. તે એકલવાદ્ય હોવા છતાં સમગ્ર વાદ્યવૃંદમાં પોતાની આગવી અસર ઊભી કરી શકે છે.
ઉપરની બે ક્લીપ્સ માણ્યા પછી મેન્ડોલીનના સ્વરની બરાબર પીછાણ થઈ ગઈ હશે. માટે હવે જેમાં નોંધપાત્ર મેન્ડોલીનવાદન સાંભળવા મળે છે એવાં કેટલાંક ફિલ્મી ગીતો માણીએ.
૧૯૪૯ની ફિલ્મ ‘દુલારી’માં નૌશાદનું સંગીત હતું. તેના ગીત મીલ મીલ કે ગાયેંગે દો દિલ યહાંમાં મેન્ડોલીન સતત હાજરી પૂરાવતું રહે છે.
ફિલ્મ ‘આવારા’ (૧૯૫૧)નું ડ્રીમ સીક્વન્સ તરીકે જાણીતું ગીત અને તેનું સમગ્ર ફિલ્માંકન ફિલ્મી ઇતિહાસમાં ટોચના સ્થાને બીરાજે છે. શંકર-જયકિશનના બે ભાગમાં વહેંચાયેલા આ ગીતના બીજા ભાગ – ઘર આયા મેરા પરદેસીમાં અત્યંત વિશાળ વાદ્યવૃંદમાં મેન્ડોલીનના અંશો સૌથી વધુ ધ્યાનાકર્ષક બની રહે છે.
૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘ડાકુ કી લડકી’માં હેમંતકુમારનું સંગીત હતું. તેના પ્રસ્તુત ગીત ચાંદ સે પૂછો સિતારોં સે પૂછોના ઈન્ટરલ્યુડ્સમાં મેન્ડોલીનનું પ્રાધાન્ય જણાઈ આવે છે.
એ જ સાલની ફિલ્મ ‘નાગીન’માં પણ હેમંતકુમારનું જ સંગીત હતું. તેના ખુબ જ લોકપ્રિય ગીત જાદુગર સૈયાં છોડો મોરી બૈયાંમાં પ્રિલ્યુડ અને ઈન્ટરલ્યુડ્સમાં તો ખરું જ, સાથે સાથે મેન્ડોલીન ગાયકીને સમાંતર પણ સતત હાજરી પૂરાવતું રહે છે.
૧૯૫૪ના જ વર્ષમાં પરદા ઉપર આવેલી ફિલ્મ ‘ખૈબર’ના સંગીતનિર્દેશક હતા હંસરાજ બહલ. તેનું ગીત મૈં તેરી તમન્ના કરતા હૂં મેન્ડોલીનના ખુબ જ કર્ણપ્રિય અંશો ધરાવે છે.
ફિલ્મ ‘યાસ્મીન’ (૧૯૫૫)નું સંગીત સી.રામચન્દ્રએ તૈયાર કર્યું હતું. તે ફિલ્મનું એક ખુબ જ યાદગાર ગીત બેચૈન નજર બેતાબ જીગર સાંભળીએ, જેના વાદ્યવૃંદમાં મેન્ડોલીનનું પ્રાધાન્ય સ્પષ્ટ જણાઈ આવે છે.
એ જ વર્ષે રજૂ થયેલી ફિલ્મ ‘આઝાદમાં’ પણ સી.રામચન્દ્રનું સંગીત હતું. તેના યુગલગીત કિતના હંસી હૈ મૌસમમાં સમગ્ર ગીત દરમિયાન મેન્ડોલીન હાજરી પૂરાવતું રહે છે. ઉલ્લેખનીય છે કે ગીતમાં પુરૂષ સ્વર સ્વયં સી.રામચન્દ્રનો છે.
https://www.youtube.com/watch?v=NHvlFRILPJI
ફિલ્મ ‘હલાકૂ’ (૧૯૫૬)નું સંગીત શંકર-જયકિશને તૈયાર કર્યું હતું. એનાં બધાં જ ગીતો ખુબ કર્ણપ્રિય હતાં. તે પૈકીના ગીત દિલ કા ના કરના ઐતબાર કોઈમાં મેન્ડોલીનના અંશો ખાસ્સું પ્રાધાન્ય ધરાવે છે.
૧૯૫૭ની ફિલ્મ ‘તુમ સા નહીં દેખા’માં ઓ.પી. નૈયરનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત જવાનીયાં યે મસ્ત મસ્ત બિન પીયેના વાદ્યવૃંદમાં મેન્ડોલીનનું આગવું સ્થાન છે.
https://youtu.be/O_Nf4hDshes?si=BU_7V4CUuCoj9epg
૧૯૫૮માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘મધુમતિ’નું સંગીત સલિલ ચૌધરીએ તૈયાર કર્યું હતું. તેનાં ગીતો અતિશય લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું ગીત ઘડી ઘડી મેરા દિલ ધડકેનો પૂરેપૂરો પ્રિલ્યુડ મેન્ડોલીન વડે જ તૈયાર થયો છે. તે ઉપરાંત ગાયકીને સમાંતર તેમ જ ઈન્ટરલ્યુડ્સમાં પણ મેન્ડોલીન કાને પડ્યા જ કરે છે.
આવતી કડીમાં આ દોરને આગળ વધારશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com
