ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
વિશુદ્ધ હિંદી ગીતો લખનારા પંડિત નરેન્દ્ર શર્માની ગઝલો શોધતાં ખાસ્સી મશક્કત થઈ ત્યારે લાગેલું કે એમની સરખામણીમાં શુદ્ધ હિંદીના વધુ ચુસ્ત આગ્રહી પંડિત ભરત વ્યાસના ગીતોમાંથી ગઝલ શોધવી એ તો ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું આકરું નીવડશે. ખરેખર એવું જ થયું !
૧૭૫ થી વધુ ફિલ્મોમાં ૧૨૦૦ ઉપરાંત ગીતો લખનારા ભરત વ્યાસના લોકપ્રિય ગીતોની સંખ્યા પણ સોએક તો થાય જ. એમનું માત્ર એક જ જાણીતું ગીત ગણાવવું હોય તો ‘ ઐ માલિક તેરે બંદે હમ ‘ કાફી થઈ પડે ( ફિલ્મ : દો આંખેં બારહ હાથ ). એથી આગળ જઈએ તો ‘ દિલ કા ખિલૌના હાએ ટૂટ ગયા ‘ , ‘ જરા સામને તો આ ઓ છલિયે ‘, ‘ જીવન ડોર તુમ્હીં સંગ બાંધી ‘, ‘ કૌન હો તુમ કૌન હો ‘, ‘ કુહુ કુહુ બોલે કોયલિયા ‘, ‘ તેરે સુર ઔર મેરે ગીત ‘, ‘ લાગી છૂટે ના અબ તો સનમ‘, અને ‘ તૂ છુપી હૈ કહાં મૈં તડપતા યહાં ‘ વગેરે ગણાવી શકાય. એમણે જે ફિલ્મોમાં તો લખ્યા એમાંની મોટા ભાગની ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક હતી.
ગીતકાર ઉપરાંત એ અભિનેતા, નિર્દેશક અને ગાયક પણ હતા. એમના નાના ભાઈ બી એમ વ્યાસ અમારા જમાનાના ખૂનખાર ખલનાયક હતા. વિડંબનાજનક કિસ્સો એ કે બહુ જ નાની વયે ગુમ થઈ ગયેલા પોતાના કિશોર પુત્રના વિયોગમાં એમણે લખેલા બે ગીતો – જરા સામને તો આ ઓ છલિયે ( જનમ જનમ કે ફેરે ) અને આ લૌટ કે આ જા મેરે મીત ( રાની રૂપમતી ) પ્રેમ ગીત તરીકે પ્રસિદ્ધિ પામ્યા !
એમની બે દુર્લભ ગઝલો :
ન તુમ આએ ન નીંદ આઈ તુમ્હારી યાદ હી આઈ
કિસી પથ્થર સે ટકરા કર મેરી ફરિયાદ હી આઈ
તેરી આબાદ મહેફિલ સે ન કુછ ભી પા સકે હમ તો
મેરી કિસ્મત ગઈ બરબાદ ઔર બરબાદ હી આઈ
લિયે બુલબુલ ને દો તિનકે કે સારા આસમાં ચૌંકા
બહાર આઈ ભી તો દિલ મેં લિયે ફરિયાદ હી આઈ..
– ફિલ્મ : રીમઝીમ – ૧૯૪૫
– શમશાદ બેગમ
– ખેમચંદ પ્રકાશ
મુઝે તર્કે – તઆલ્લુક કે લિયે સમજાયા જાતા હૈ
સુકૂને – દિલ કી ખાતિર ઔર દિલ તડપાયા જાતા હૈ
ઝમાને કે ચલન ઔર તેરી નઝરોં કો મૈં અબ સમઝા
જો જિતના દબ કે મિલતા હૈ વોહી ઠુકરાયા જાતા હૈ
મુઝે ઈતના બતા દે આજ મેરે મોહતરમ સાકી
બહક જાતા હું મૈં ખુદ યા મુઝે બહકાયા જાતા હૈ..
– ફિલ્મ : સહારા – ૧૯૫૮
– સુધા મલ્હોત્રા
– હેમંત કુમાર
( આ ગઝલની તરજ ૧૯૬૦ ની ફિલ્મ ‘ કોહીનૂર ‘ ના વિખ્યાત યુગલ ગીત ‘ ચલેંગે તીર જબ દિલ પર ‘ ને આબેહૂબ મળતી આવે છે. કદાચ પ્રેરણા ! )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
