આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે.  અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


પોપટલાલ ગોવિંદલાલ શાહ

અંગ્રેજીમાં જે વિષયોને “સાયન્સ” કહેવામાં આવે છે, તેને માટે ગુજરાતીમાં ‘વિજ્ઞાન’ શબ્દ હવે રૂઢ થઈ ગયો છે. “સાયન્સ” શબ્દનો મૂળ અર્થ “જ્ઞાન” થાય છે; તેને બદલે ગુજરાતીમાં “વિજ્ઞાન” શબ્દ વાપરવાનું ખાસ પ્રયોજન છે, સંસ્કૃત તત્તજ્ઞાન અને આધ્યાત્મવિદ્યામાં જ્ઞાન અને વિજ્ઞાન એ બે શબ્દો જૂદી રીતે વપરાયા છે; જ્ઞાન ધ્યાન અને ચિંતનથી પ્રાપ્ત યાય છે, અને વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવથી (સાક્ષાત્કાર રૂપે) પ્રાપ્ત યાય છે. લગભગ આવો જ ભેદ અર્વાચીન જ્ઞાન અને વિજ્ઞાનમાં છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાનઃ અને તે પ્રત્યક્ષ અનુભવ અને નિરીક્ષણથી ધડાયેલું જ્ઞાન. આ ઉપરાંત વિજ્ઞાનની વિશેષતા વ્યવસ્થા અને નિયમમાં સમાયેલી છે. સાધારણ જ્ઞાન ત્રૂટક વસ્તુઓ કે વિચારોનું હોય છે, પણ જ્યારે આ છૂટક જ્ઞાનને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં આવે ત્યારે તેમાંથી વિજ્ઞાનનાં તત્ત્વોનો આવિર્ભાવ યાય છે, સાધારણ જ્ઞાનને ઈંટોના ઢગલાની સાથે સરખાવીએ તો વિજ્ઞાનને તેમાંથી ઇંટોને નિયમસર ગોઠવીને ચણેલી દિવાલ સાથે સરખાવી શકાય. સાધારણ જ્ઞાનને જળબિન્દુની વૃષ્ટિ સાથે સરખાવીએ તો વિજ્ઞાનને તેમાંથી ઉત્પન્ન થતાં સ્રોત, ઝરા અને નદીની સાથે સરખાવી શકાય, જલવૃષ્ટિ જે ઠેકાણે પડે તે ઠેકાણેજ સમાઈ જય છે અને તેટલી જ જમીનને પોષી શકે છે; પરંતુ પ્રબળ વૈગવાળા જળસ્રોતથી ડુંગરોની કઠણ જમીન કપાઈને પોચી બને છે અને તેના જળમાર્ગની બાજુ પર સ્થળે સ્થળે લીલોતરી ઉત્પત્ર થાય છે, જળચક્કી ચાલી શકે છે, અને ધૂળવાળાં શહેરોની તરસી વસતીને માટે જળાશયો ભરી શકાય છે. સાધારણુ જ્ઞાનને વિચ્છિન્ન, અસંબદ્ધ, વિભક્ત, અફલ અને કાર્ય સાધવાને અશક્ત ગણીએ તો વિજ્ઞાન સંયોજિત, સંબદ્ધ, અવિભક્ત, ફલોત્પાદક અને કાર્યસાધક હોય છે.

જ્ઞાન અને વિજ્ઞાનનો સબંધ

જ્ઞાન અને વિજ્ઞાનનો સંબંધ અને જ્ઞાનમાંથી વિજ્ઞાનનો પરિપાક કેવી રીતે થાય છે તે સમજવાને એક દૃષ્ટાંત બસ થશે.

દરિયાની નજીક આવેલા ખ’ભાત, ભરૂચ, સુરત, મુંબઈ વગેરે સ્થળોએ દરિયાની ભરતી અને ઓટ જોનારને તે સંબંધી થોડુંએક જ્ઞાન પ્રાપ્ત થાય છેઃ દિવસમાં ભરતી બે વખત ચઢે છે, અને બે વખત ઊતરે છે; અને આ ભરતી અને ઓટનો સમય દરરોજ બદલાય છે; વળી અમુક વખતે મોટી ભરતી-જુવાળ-આવે છે; આ બધી જૂદી જૂદી હકિકતોને જ્ઞાનનું’ રૂપ આપી શકાય, પરતુ તેમાં જ્યાં સૃધી ચોકસાઇથી આ ભરતીઓટનું માપ ન થાય અને આ હકિકતોને વૈજ્ઞાનિક તથ્યનું રૂપ ન અપાય ત્યાં સુધી વિજ્ઞાનનો ઉદ્ભવ યતો નથી. નાના જુવાળમાં ભરતીનું પાણી ૧૦-૧૧ ફીટ ઊંચું ચડે છે અને મોટા જુવાળર્માં પાણી ૧૪-૧૫ ફીટ ઊંચું ચડે છે; આ પાણીનું વજન જેટલું અને તે વજન ઉપાડવાને કેટલું બળ જોઈએ? સાધારણ કુંડી કે ડોલમાંનું પાણી ઊંચકવાને આપણને કેટલું બળ જોઇએ છીએ તે આપણે સમજી શકીએ છીએ; પરંતુ દરિયામાં ભરતી આવવાથી કરોડો મણ જેટલા પાણીની ઊથલપાથલ થાય છે તે માટે કેટલું બળ જોઇએ તેનો ખ્યાલ આપણને સહેલાઈથી આવી શકે નહિ. આ પાણીને ખેંચનાર સૂર્ય અને ચંદ્રનું બળ કેટલું છે; આ સૂર્ય આપણી પૃથ્વીથી નવ કરોડ માઇલ જેટલા અંતરે છે અને ચંદ્ર અઢી લાખ માઇલ જેટલે દૂર છે; આ બધી હકીકતો મેળવ્યા પછી પણ જાણવાનું ઘણું બાકી રહે છે, ગુરુત્વાકર્ષણના બળના નિયમો અને પરિણામો સમજ્યા પછી જ આ ભરતીઓટનું ખરૂં સ્વરૂપ સમજી શકાય છે; ભલે અત્યારે એટલી ચોકસાઈથી આ હકીકતો સમજાઈ છે કે અમ્રુક દિવસે અમુક સ્થળે ભરતી કેટલે વખતે, અને કેટલા સમય માટે કેટલી નાની મોટી આવશે તેની ગણત્રી પંચાંગોમાં આપવામાં આવે છે. ભરતીઓટ થાય છે એ સાધારણ માહિતી મેળવવી એને જ્ઞાન કહેવાય; પરંતુ તેના વિષે કાર્યકારણનો સ’બંધ નક્કી કરી તેનું ચોક્કસ અને વિગતવાર વર્ણન મેળવવું એ વિજ્ઞાનનું કાર્ય ગણાય.

વિજ્ઞાનની વ્યાખ્યા

આ પ્રમાણે જો કે હકીકતો એકઠી કરવાનું કામ ઘણું જ અગત્યનું છે તે છતાં ફકત હકીકતોનું જ્ઞાન મેળવવું એ વિજ્ઞાનને માટે બસ નથી. હકીકતોને વિવેકપૂર્વક એકઠી કરીને તેમાંથી બીજા મનુષ્યોથી ચોકસાઈ થઈ કે એવા રૂપમાં તેમને વ્યવસ્થાપૂર્વક ગોઠવીને, તેમાંથી નિયમો તારવવા, પૂર્વાનુપૂર્વી[1] સંબંધો શોધવા, અને દરૈક ઘટનાની સંપૂર્ણ સમજૂતી મેળવવી એ વિજ્ઞાનનું મુખ્ય કાર્ય છે. ફક્ત જ્ઞાન મેળવવામાં અને તેનો સંગ્રહ કરવામાં જ વિજ્ઞાનનું કાર્ય સમાપ્ત થતું નથી, ભરતીઓટ સંબંધી ત્રુટક હકીકતોના જ્ઞાનમાંથી વિજ્ઞાનનો પરિપાક થતાં પહેલાં ઘણું કામ કરવાનું બાકી રહે છે. તે કામ કેવી રીતે થાય છે અને વિજ્ઞાનની પદ્ધતિ કેવી છે તે વિષે પછીથી વિવેચન કરીશું. પરંતુ અત્યારે એટલું જાણવાનું બસ છે, કે વિજ્ઞાનની વ્યાખ્યા[2] ટૂંકામાં એમ આપી શકાય કે નિરીક્ષણ અને અનુભવ ઉપરથી વ્યવસ્થા પ્રમાણે અને નિયમશોધનની દષ્ટિએ ગોઠવેલું જ્ઞાન, તે વિજ્ઞાન. આ પ્રકારનું જ્ઞાન બધાથી સમજી શકાય અને તેની વાસ્તવિકતા વિષે ચોકસી કરી શકાય તેવા રૂપમાં હોવું જોઈએ અને તે  મનુષ્યની અંગત લાગણીથી અકલુષિત હોવું જોઇએ. વિજ્ઞાનની શાખાઓ અને ઉપશાખાઓ એટલી બધી વધતી જાય છે, અને તે દરેકની કાર્યપદ્ધત્તિના પ્રદેશો, અને તેમની કાર્યની બાહ્યપદ્ધતિ એટલી ભિન્ન દેખાય છે કે તેમનો પરસ્પર સંબંધ સાધારણ દૃષ્ટિએ સ્પષ્ટ દેખાય નહિ, અને છતાં વિજ્ઞાનની બધી પ્રવૃત્તિનું પ્રયોજન એ છે સૃષ્ટિની દરેક ઘટનાનું સર્વદેશીય જ્ઞાન મેળવીને, સૃષ્ટિનું રહસ્ય સમજવું. વિજ્ઞાનની વ્યાખ્યા થોડા શબ્દોમાં આપવાથી આપણને વિજ્ઞાનના સ્વરૂપનો ખરો ખ્યાલ આવતો નથી. તે સમજવાને માટે વિજ્ઞાનનું ક્ષેત્ર, વિજ્ઞાનનો ઉદેશ, વિજ્ઞાનની પદ્ધતિ, વિજ્ઞાનના મૌલિક સિદ્ધાન્તો, અતે વૈજ્ઞાનિક વૃત્તિ વગેરે વિષયો સમજવાની જરૂર છે.

વિજ્ઞાનનો ઉદ્દેશ

વિજ્ઞાનનું ક્ષેત્ર શું એ સમજવા પહેલાં “વિજ્ઞાનનો મુખ્ય હેતુ શો? વિજ્ઞાનનો ઉદ્દેશ શો ? ” એ પ્રશ્નોનો ઉત્તર મેળવવો સાર્થક છે, “જ્ઞેય સૃષ્ટિનું ટૂકામાં વર્ણન કરવું એ વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ છે”[3] એ સાદા વાકયમાં ઊંડું રહસ્ય સમાયેલુ’ છે. જ્ઞેય સૃષ્ટિ એટલે જાણી શકાય એવી સૃષ્ટિ માત્રનું ચોકસાઈથી જ્ઞાન મેળવવું, અને તે જ્ઞાનને વ્યવસ્થાપૂર્વક અને ગોઠવીને, તેમાંથી ટૂંકા સૂત્રરૂપ નિયમોમાં તેમનું “વર્ણન કરવું” એ વિજ્ઞાનનો હેતુ છે.

આ સ્થળે “વર્ણન” શબ્દનો વૈજ્ઞાનિક અર્થ સ્પષ્ટ કરવો જરૂરનો છે. એક ચિત્રમાં કે ફોટોગ્રાફ અસલ વસ્તુનું વર્ણન આપણને મળે છે અથવા તો પ્રતિભાશાળી લેખકોનાં શબ્દચિત્રોથી આપણને વસ્તુસ્થિતિનો આબેઠ્રબ ખ્યાલ આવે છે. પરંતુ તેમાં વસ્તુસ્થિતિનું બાહ્ય વર્ણન જ હોય છે. વૈજ્ઞાનિક “વર્ણન”માં વસ્તુસ્થિતિનાં બાહ્ય વર્ણન ઉપરાંત આંતરર્ચના, તેમની પૂર્વાનુપૂર્વી, વસ્તુસ્થિતિની ઉત્પત્તિ અને નાશનો સંબંધ, અને તે બધું દર્શાવનાર સૂત્રરૂપી ટૂંકા નિયમોના વર્ણનનો સમાવેશ યાય છે. સાદામાં સાદા અને ઓછામાં ઓછા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરીને “વર્ણન” આપી શકાય તેવા જ ટૂંકા નિયમો ખરા ઉપયોગી થઈ પડે છે; કારણ કે તેમાંથી જ સૃષ્ટિક્રિયાની ખરી સમજૂતી મળી શકે. વળી આ નિયમોનું “વર્ણન” એકબીજાથી અસંગત ન હોય અને કોઇ પણ હકીકત મુખ્ય સમજૂતીની વિરૂદ્ધ ન હોય તેની સ’ભાળ રાખવી પડે છે. આ દૃષ્ટિએ અનુભવજન્ય જ્ઞાનનું  સાદામાં સાદી અને સ્પષ્ટ ભાષામાં સંપૂર્ણ અને સુસંગત વર્ણન[4] આપવું એ જ વિજ્ઞાનનું કર્તવ્ય છે.  આ વર્ણન કરવામાં જ કારણની શોધ ઘણીવાર યાય છે. સાધારણ દૃષ્ટિએ જેને આપણે કારણ કહીએ છીએ તેના કરતાં વૈજ્ઞાનિક કારણ જૂદા જ પ્રકારનું છે.

સાધારણ રીતે કારણમાં કર્તાનો કતૃત્વશક્તિનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક કારણમાં આ કર્તૃત્વ ભાવના કરતાં ફકત પૂર્વાનુપૂર્વી સંબંધોનો જ સમાવેશ યાય છે. ન્યાયશાત્રની દૃષ્ટિએ કારણો બે જાતનાં હોય છે. એક તો આદિકારણ કે જેમાં પ્રયોજન, ઉદેશ, ઈચ્છા, અને કતૃત્વભાવના સ્પષ્ટ હોય છે; જેવી રીતે મેજને બનાવનાર સુતાર. બીજી જાતનાં કારણો ગૌણ અથવા નિમિત્તકારણ કહેવાય છે, તેમાં અમ્રુક પરિસ્થિતિ પ્રાપ્ત થતાં અમુક ક્રિયા અથવા કાર્યના પ્રાદુર્ભાવનો સંબંધ દેખાય છે; જેવી રીતે મેઘધનુષ્યનું કારણ સૂર્ય કિરણો. આ બે જાતનાં કારણોમાંથી બીજી જાતનાં કારણો ઉપર વિજ્ઞાન વધારે ધ્યાન આપે છે એ સ્પષ્ટ કરવું આવશ્યક છે.

વિજ્ઞાનમાં “આ શા માટે’ અથવા તો “ આ કોણે બનાવ્યું”‘ એ પ્રશ્ન અનુચિત છે; તેને બદલે “આ શી રીતે થાય છે” એ પ્રશ્નનો ઉત્તર મેળવવા વિજ્ઞાન યત્ન કરે છે. ટેબલ બનાવનારમાં નહિ પણ ટેબલ બનાવવાની રીતમાં જ વૈજ્ઞાનિકોને રસ પડે છે. અંતિમ કારણો શોધવા કરતાં અમુક બનાવો અને અમુક ધટના કેવા સ’યોગોમાં, કેવી રીતે થાય છે, અને ફરીથી ક્યારે અને કેવી રીતે થશે તે શોધવાનું કામ જેટલું વધારે કઠિન છે તેટલું  જ વધારે ફલપ્રદ છે. વળી અમુક ઘટના શા માટે યાય છે તે સમજવા કરતાં તે કેવી રીતે થાય છે, અને  બીજી વસ્તુઓ અને બીજી ઘટનાઓ સાથે અને બીજા જાણીતા નિયમો સાથે તેનો સંબંધ કેવી જાતનો છે તે જાણવાનું  વધારે અગત્યનું છે. નિત્ય અને સ્થાયી પૂર્વાનુપુર્વી વ્યાપ્તિસંબંધ શોધવામાં જ  વિજ્ઞાનનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આવા વર્ણનાત્મક અને કારણરૂપ નિયમો-સૂત્રો જેમ બને તેમ ટૂંકા, સાદાં, સ’પૂર્ણ અને સુસંગત રૂપમાં શોધી કાઢવાનો વૈજ્ઞાનિકો સતત પ્રયાસ કરે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે શું, વિશ્વમાં દ્રવ્યના કણોની ગતિ કેવા પ્રકારની છે અને તે દરેક કણની ગાતિ બીજા કણથી કેવી રીતે અને કેટલી બદલાય છે એનુ’ ટૂંકું ‘ વર્ણન એટલે ગુરૂત્વાકર્ષણનો નિયમ; આ કણો શા માટે અથવા શા કારણથી ફરે છે, અને પૃથ્વી અને બીજા ગ્રહો શા માટે સૂર્યની પ્રદક્ષિણા અમુક કક્ષામાં જ કરે છે તેનું કારણ સમજવાનો સહેજ પણ પ્રયત્ન  આ નિયમમાં થતો નથી. ગ્રહો ને તારાની ગતિ સંબંધી વિશાળ ઘટનાની ટૂંકાણમાં સમજૂતી આપણને આ નિયમમાં મળે છે. આ “વર્ણન” કેવળ ચિત્ર જેવું નહિ, પણ વિવેકપૂર્વકના અન્વેષણ અને પૂર્વાનુપૂર્વી સંબંધથી યુક્ત હોવાને લીધે ઘણું ઉપયોગી હોય છે.

 

[1] Uniform Antecedent

[2] Science is organized and formulated observation and experience.

[3] The primary aim of science is the concise description of knowable universe.

[4] Complete and consistent description of the facts of experience in simplest possible terms


ક્રમશઃ

હવે પછીના અંશમાં ‘વિજ્ઞાનનું ક્ષેત્ર’ અને ‘વિજ્ઞાનની પદ્ધતિ’ વિશે વાત કરીશું