કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
તમે જોજો ! ખેડૂત માત્રનો આરાધ્યદેવ બાબરોભૂત હોય તેમ ખેડૂત કદિ સાવ નિરાંતવો તમને નહીં ભળાય. તે કોઇના લગ્ન પ્રસંગમાં હાજરી આપતો હોય કે ઓફીસલી અગત્યના કામે કોઇ કચેરીમાં ગયો હોય, કે ભલેને ભાઇ-ભાંડું કે સગા-વહાલાની વચ્ચે કૌટુંબિક વ્યવહારમાં વળગેલ હોય, એના વાણી-વરતનમાં ‘આ કામ કેમ જલ્દી પુરૂં થાય અને ક્યારે હું ઘર-વાડી ભેળો થાઉં’ એવી ઉતાવળ જ દેખાયા કરતી હોય છે
એના આ ઉદ્વેગી જીવનનું કારણ બીજું કશું નહીં – એનો ખેતીનો ધંધો જ કારણભૂત છે. અને એ સ્વાભાવિક પણ છે ભાઇ ! ખેતી તો વ્યવસાય જ એવો છે કે જેમાં ભગવાને દિવસ ઘડ્યો છે 24 કલાકનો, પણ આ ધંધામાં કામ મુક્યું છે 30 કલાકનું ! એય પાછું નિરાંતનું નહીં હો ! લોહી-પાણી એક કરી દે તેવું કઠ્ઠણ મહેનતનું ! ચોમાસું હોય કે ઉનાળો, કે હોય હાડ થીજાવી દે તેવી ઠંડીવાળો શિયાળો ! ન ઋતુ જોવાની કે ન જોવાના રાત કે દિવસ. ઊઠતા-બેસતા, સુતા-જાગતા-બસ કામનું જ રટણ, અને કામના જ સળકા ઊઠતા રહે છે એના શરીર અને મનમાં
કુટુંબની આજીવિકા જ્યારે ખેતી વ્યવસાયમાં જ રહી હોય ત્યારે, અને સામે ખેતીકામોના ગંજ ખડકાણા હોય ત્યારે, એક કામ પતાવી દઈ, ઝટઝટ બીજું કામ પતાવી દેવાની ધૂન મન પર સવાર હોય એ સ્વાભાવિક છે. પરિણામે ખેડૂતના જીવનમાં કામોમાંથી ફરાગ થવાની નિરાંત ભાગ્યે જ આવતી હોય છે.
અને એનું સીધું પરિણામ એ આવે છે કે ખેડૂતનું શરીર તો થાકીને લોથ થઇ જાય છે પણ સાથોસાથ મન પણ કામ સંતોષકારક રીતે ન નિપટાયું હોય તો હતાશાભર્યો થાક અનુભવે છે. શરીરનો થાક તો રાતભરની ગાઢ નિંદ્રા ઉતારી દઇ ફરી સ્ફુર્તિ અને તાજગી આપી દે છે, પણ થાકેલા મનને તાજગી આપવાનું કામ એકલો શારિરીક આરામ નથી આપી શકતો. તમે જોજો ! મનથી થાકી ગયેલો કે હતાશ થયેલો ખેડૂત ખેતીમાં કશુએ નવું કરવાના,આગળ વિચારવાના, વધુ સમજવાના અને એ રીતે ધંધાને વધુ સુધારવાના પ્રયત્નો જ છોડી દેતો ભળાશે.કોઇપણ નવો વિચાર,પદ્ધતિ કે કાર્યક્રમના અમલની વાત સામે આવે તો તરત કહે “આ ચાલુ ખેતીકામના કામોમાંથી પરવારતા ન હોઇએ ત્યાં વળી આવા નવા નવા અખતરા કરવાની નવરાશ અમને ક્યાંથી હોય ? જેને એની પાછળ વખત અને પૈસા બગાડવાંનો હરખ હોય એ બધા ભલે એવું બધું કરતા.મારે તો મરવાનોય ગાળો નથી અને શોખ પણ નથી.”
જુઓને, કપાસ વિણાતો હોય કે ઘઉં વઢાતા હોય, જીરું નીંદાતું હોય કે આમળાં ઉતારતાં હોય, કે ભલેને બાજરાની લણણી ચાલુ હોય, કામ ગમે તે હોય- ખેડૂતને પૂછીએ તો કહેશે, “કામે ક્યાંય પહોંચાતું નથી, મજુરો પૂરા મળતા નથી, છતાં કોઇ કામ છોડી શકાય એવું ખરું ? ઘઉંમાં નિંદામણ ફાટી હાલ્યું છે ને કપાસ તરડીને તળાવ થઈ ગયો છે, તો ઝાડવામાં ફળો ઉતારવા વાંકે પાકીને નીચે પડી રહ્યાં છે, બધેય નુકશાન નુકશાન ને નર્યું નુકશાન જ થઈ રહ્યું છે, કોને કહેવું ભાઇ 1 આ ભગવાનને એટલીયે ખબર નહીં પડી હોય કે આવડો દિવસ બીજા બધાને તો ઠીક, પણ ખેડૂતને ઘણો નાનો પડે ! આઠ દસ કલાક વધુ મોટો બનાવ્યો હોત તો એનું શું બગડી જવાનું હતું ?”
ધંધામાં કામે ક્યાંય નહીં પહોંચવાના કારણે જીવ તો એવો અધીરિયો થઇ ગયો હોય છે કે કામ સિવાયની કોઇ પણ વાત એના મગજમાં ઉતરતી જ નથી. અને આ “ જલ્દી જલ્દી કામ કરી વાળવા” ની લ્હાયમાંને લ્હાયમાં કેટલીક અનિવાર્ય અને વિજ્ઞાને શોધી આપેલ ધંધાકીય વિકાસની પ્રવૃતિઓ તરફ લક્ષ આપી શકાતું નથી. પરિણામે ધંધામાં બરકત તો દૂર રહી નુકશાનીની ટકાવારી વધતી ચાલે છે.
ખાળે ડૂચા અને દરવાજા મોકળા ! =
મારી નજરમાં આવ્યું છે કે ખેડૂતના ઘેર કપાસનો તોલ ચાલુ હોય ત્યારે તોલાટના વજનિયાં બરાબર છે કે નહીં ? ધારણની ગણતરીમાં ક્યાંય ગરબડ તો નથી કરાતીને ? તેની ચોક્કસાઇ સાથે પોતે પણ કાગળ-પેન લઇ ધારણની નોંધ કરવાને બદલે રૂમમાં કે ગોડાઉનમાં દિવાલે ચોટી ગયેલા કપાસના પૂમડાં ખંખેરવા કે નીચે વેરાએલા કપાસને ભેળો કરવા રોકાઇ રહી મજૂરી બચાવ્યાનો સંતોષ લેતા હોય છે.
વેપારી કે તોલાટ બધા કંઇ માથે પ્રભુ રાખી ન્યાયી તોલ કરનારા નથી હોતા. આપણે જ્યારે સામે ચાલીને – “ કર તું-તારે ખોટું ” એવો મોકો સામેથી પૂરો પાડી આપીએ, પછી તે બે ધારણ ઓછી ગણે કે પાંચ ગાંહડીમાં વધારે નમતું જોખી લે તો એવી અનુકૂળતાઆપણે જ કરી આપી ગણાય. “ છાશમાં માખણ જાય અને વહુ ફૂવડ ગણાય ” એમ એકતો માલ આપણો વધારે જાય અને છેતરાઇ જનાર તરીકે સામાવાળો આપણને મૂરખ ગણી લે તે વધારામાં.
બસ ! ખેડૂતની તાસીર જ આ ! =
આપણામાં કહેવત છે “ વેપારીનો દીકરો ખોટી થવું પડે એટલું થાય પણ ખોટ જરીકેય ખાય નહીં ,” જ્યારે ખેડૂત ? “ ખેડૂત ખોટ ગમે તેટલી ખાય પણ ખોટી ઘડીકેય થાય નહીં !” આમ જૂઓ તો કહેવત જરીકેય ખોટી નથી હો ! માલ લઇને માર્કેટયાર્ડમાં ગયા હોઇએ અને એની હરરાજી વખતે – એક વાર, બે વાર, અને ત્રણ વાર થયું ન થયું, ને આપણે જે આવ્યું તે ભાગ્યમાં લખ્યું માની , ચલાખા ખેંચતાંકને થઇ જઇએ હાલતા ! ફળ કે શાકભાજી હોય તો કંઇકે બરાબર, પણ અનાજ, કઠોળ કે જીરુ-વરિયાળી જેવા વેચવામાં મહિનો-માસ વહેલા-મોડું થયે બગડે નહીં તેવા માલને થોડો સમય જરૂર જણાય તો રોકી પણ શકાય. પણ જે મળ્યું તે લઇ કોથળાનો વિંટલો ખંભે મારતાંકને થઇ જઇએ ઘરભેગા ! અલ્યા ! ઘરને ખેતર આટલી વારમાં કોઇ ઉપાડી નથી જવાનું ! માલ તૈયાર કરવામાં 4-6 મહિના ઘરના સભ્યોને અને પોતાની જાતને હોમી- એના વેચાણમાં મળનારા વળતરની કંઇક તો ગણતરી રાખીએ !
અમારા શેઢા પાડોશી બાઘાને વાડીમાં ઘઉંનું ઓરવાણ હાલે. પાણીની સબમર્સીબલ મોટરમાં કંઇક ખોટકો ઊભો થયો. મોટર ઘડીક હાલે ત્યાં સ્ટાર્ટર પડી જાય અને મોટર બંધ થઈ જાય. બે ત્રણ વાર બાઘો પાણી વાળવું પડતું મેલી સ્ટાર્ટરનું બટન દબાવવા આવ્યો. “આ મારું બેટું આમ ઘડીએ ઘડીએ પડ્યા કરે એ કેમ પાલવે ? આ રીતે તો ઘઉંનું ઓરવાણ ક્યારે પુરું થાય ? લે, હવે તું કેમ પડે છે તે હું જોઉં !” કહી સ્ટાર્ટરમાં સાંઠીકું ભરાવી દીધું ! અને પરિણામ ? પરિણામ કલ્પી શકાય તેવું છે- મોટર બળી ગઈ ! એકલા બાઘાના જ નહીં, વાડીમાં કામ કરવાવાળાના અને શેઢાપાડોશીનાંય કામ અટકી ગયાં. ૩૦૦ ફૂટ ઊંડા દારમાંથી મોટર બહાર ખેંચવી પડી, રીક્ષા કરી ઢસા લઈ જવી પડી. વાયરીંગ [મોટર બંધાવાના]ના બે હજાર રૂપિયા દેવા પડ્યા, ને પાછી લાવી દારમાં ઉતારવાની ત્રણ દિ’ની માથાકાહટી કરવી પડી, તે ન કરવી પડેત, જો ઘડીક ખોટી થઈ, વાયરમેનને વાડીએ બોલાવી સ્ટાર્ટર પડી જવાના રોગનો ઇલાજ કરાવ્યો હોત તો !
આયોજક અને વાહનવાળો બેય લટકી પડે તારથી :
ખેડૂતોને ખેતી અંગેની નવી જાણકારી આપવા સારું કોઇ વાડીઓ, ગૌશાળા કે બગીચા, ખાતરની ફેક્ટરી કે કૃષિયુનિવર્સિટીના સંશોધન કેંદ્રની મુલાકાતનો ખાસ પ્રેરણા પ્રવાસ ગોઠવાયો હોય કે ખેતી વિષયક બહુ જ ઉપયોગી ચર્ચાસભા કે ભલેને આયોજન થયું હોય મોટા આંતરરાષ્ટ્રીય સેમિનારનું ! તેમાં આવવા માટે પૂછીએ તો કહે “મારે નથી ગાળો !” અને માનો કે અતિ આગ્રહ કરી ‘હા’ પડાવી હોય તો પ્રવાસની બસ ઉપડતી વેળાની છેલ્લી ઘડીએ “મારે આજ કપાસ વીણવાના ઝાઝા દાડિયા મળ્યાં છે” કહી ના પાડી દે છે. પ્રવાસનો આયોજક અને બસવાળો બેય તારથી લટકી પડે બોલો !
બપોરા કર્યા – બસ વાત પૂરી ! :
કેટલીક વાર એવું અનુભવ્યું છે કે ખેતી વિષયક બહુ જ ઉપયોગી માર્ગદર્શક સેમિનારમાં ખેડૂતો આવ્યા હોય, જે તે વિષયના ખાસ જાણકારો દ્વારા બહુ જ ઉપયોગી ભાથું પિરસાઇ રહ્યું હોય, ખૂબ જ અદ્યતન જાણકારી પ્રાપ્ત થઈ રહી હોય અને હજુ બીજી સેશન્સમાં આનાથી વધારે વિગતો રજુ થવાની હોય,પણ વચ્ચે બપોરા કર્યા કે વાત ગઈ ! કોણ જાણે ક્યાંથી ઘર, વાડી ને ખેતર સાંભરી આવે કે અધૂરાં ફંકશને ભાગી નીકળે ! પોતાની ખેતીને સુધારવાની પૂરી સમજણ મેળવ્યા વગર નીકળી જાય, એ તો પેલું “હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો” જેવું થાય ! વળી કહે “નાહ્યા એટલું પૂણ્ય !” પણ હું પુછું છું કે થોડુંકેય નાહ્યા હોય તો તો બરાબર. વગર નાહ્યે પૂણ્ય ? આતો માત્ર હાથ-પગ ભીના કર્યા કહેવાય !
ખરી વાત આ છે=
અત્યારના આધુનિક સમયમાં કૃષિ વિષયક જ્ઞાનવર્ધક અને શરીર- મનને થાકથી બચાવનારા, નવી નવી માહિતીઓ પિરસનારા અને ખેતીના સાંપ્રત પ્રશ્નોનાં માર્ગદર્શક બની રહેનારા લેખો,પત્રિકાઓ, વાર્તાલાપોનો પાર નથી. પણ આપણે એને ઢુંકડા આવવા દઇએ ત્યારે ને ? અને રેડિયોમાં પણ સવાર-સાંજ રાજકોટ તથા અમદાવાદ-વડોદરાથી ખેતી વિષયક વિવિધ પાસાઓની ચર્ચાઓ પ્રસારિત થતી હોય છે. એવું જ ટીવીમાંના બીજા કાર્યક્રમો જતા કરીને આપણો સમય બચાવીએ પણ દુરદર્શન અને ઇ-ટીવી જેવાના ખેતી વિષયક કાર્યક્રમો રજુ થતા હોય છે એ જોવાનો સમય જરૂર કાઢીએ. હા, આપણે છાપાં વાંચીએ. પણ નહીં વાંચવા જેવુંતો તેમાં 70 ટકા હોય છે. બાકીના ૩૦ ટકામાં કોઇ કૃષિના અનુભવી લેખકની કોઇ કોલમ આવતી હોય, સમાજ ઘડતરના કોઇ વિચારણીય લેખો કે પ્રસંગો છપાતા હોય, જીવનઉપયોગી મનપસંદ લખાણની કોઇ શ્રેણી ચાલુ હોય તે જરૂર વાચી લઇએ. પાન,માવા, તમાકુ કે બીડી –બાકસ પાછળ ન ગણી શકાય તેટલો ખર્ચ મોટાભાગના ખેડૂતો કરતા જ હોઇએ છીએને ! તો પછી બે-ચાર કૃષિના સામયિકનું લવાજમ ભરી દીધું હોય કે દસ-વીસ ખેતીવાડીની પુસ્તિકાઓ ખરીદી રાખી હોય તો તેના ઉપયોગ દ્વારા કેટલીય વિગતો વાંચવાથી ધંધામાં માર્ગદર્શન મળી રહેતું હોય છે.
અને અંતે =
સો વાતની એક વાત કે જે બાબતો આપણને મહત્વની લાગતી હોય તેને માટે તો આપણે સમય કાઢી જ લઇએ છીએ કે નહીં ? હા, વાત મહત્વની લાગવી જોઇએ. સાચુ કહેજો ! આપણે સંબંધીઓ,ઓળખીતા કે મિત્રો-સગાના વીવાવાજમના પ્રસંગોમાં કેટલી વાર દિવસોના દિવસો વિતાવી દઇએ છીએ ? હનુમાનદાદાનો લોટ અને ખોડિયારમાની લાપસી ખાવા ક્યાંના ક્યાં જઇએ છીએ ? એ સમય કાઢવામાં આપણને અગવડ નથી પડતી કારણ કે તેનું આપણા મનમાં એક મહત્વ છે. ભલે તેમાંએ જઇએ, પણ તે જ રીતે કૃષિ વિષયક જ્ઞાન-વર્ધક કાર્યક્રમોનું મહત્વ સમજીએ તો આપણા વ્યવસાય માટે અતિ ઉપયોગી ટેકનીકો આપણે અપનાવતા થઇશું, અને એનો સમય ? સમય તો આપણને શોધતો આવશે. આપણે એને માટે વખત કાઢતાં થઇ જઇએ એટલે પછી જૂઓ ! ધંધામાં બરકત સાથે એક અનેરો આનંદ પણ ભળશે અને તન-મનને થાકથી દૂર રાખશે.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
