ગઈ કાલે ડૉ. પરેશ વૈદ્યના લેખમાં ‘નેટ – ઝીરો’નાં વિવિધ પાસાંઓને લગતી અગત્યની જાણકારી આપણે મેળવી હતી. આજે હવે એ અંગે હાલમાં થઇ રહેલ કામ વિશે પણ માહિતી મેળવીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી

વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૦.૦૪૦૭ ટકાથી વધારે નથી. મામૂલી લાગતો આંકડો હકીકતે મોટી સમસ્યા છે, માટે બ્રિટને ૨૦ અબજ પાઉન્ડના ખર્ચે ‘કાર્બન કેપ્ચર’ની યોજના શરૂ કરી છે…

લલિત ખંભાયતા 

જગત પાસે બે જ રસ્તા છે. પ્રદૂષણ ઘટાડો, ગ્લોબલ વોર્મિંગ કાબૂમાં રહે એવાં પગલાં ભરો અથવા તો ગ્લોબલ વોર્મિંગથી સર્જાતી આફતોનો સામનો કરો. ગ્લોબલ વોર્મિંગથી સાવ પીછો છોડાવવો શક્ય નથી. માટે એક તરફ ગ્લોબલ વોર્મિંગ કાબૂમાં લેવાના પ્રયાસો ચાલે છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ પેદા કરતો કાર્બન હવામાં ઓછો ફેલાય એનાંય પગલાં લેવાઈ રહ્યાં છે.

બ્રિટને એ પગલાંના ભાગરૂપે જ ‘કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ (CCS)’ના જંગી પ્લાનની જાહેરાત કરી છે. ઋષિ સુનકની યોજના CCS પાછળ ૨૦ અબજ પાઉન્ડ જેવી જંગી રકમ ખર્ચવાની છે. અલબત્ત, આ ખર્ચ ૨૦ વર્ષના ગાળામાં થશે. પરંતુ આમ પણ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા રાતોરાત તો કાબૂમાં આવવાની નથી, પણ ઉપાયો જેટલા વહેલા લાગુ કરવામાં આવે એટલા વહેલા તેના સારાં પરિણામો મળે.

* * *

ધરતી ફરતે હવાનું આવરણ (વાતાવરણ) ડઝનેક ગેસોનું બનેલું છે. એમાં વિલન બની ચૂકેલો કાર્બન માંડ ૦.૦૪૦૭ ટકા પ્રમાણ ધરાવે છે. એટલે એક ટકોય હાજરી નથી. આંકડો બહુ મામૂલી છે, છતાં તેની માથાકૂટનો પાર નથી. આ આંકડો પણ જરાક મોટો છે કેમ કે હજુ ગઈ સદીમાં તો ધરતી પર કાર્બનનું પ્રમાણ ૦.૦૩ ટકા જેટલું જ હતું.

કાર્બન સમસ્યા છે એ સ્પષ્ટ છે એટલે હવે તેને કેદ કરવાની યોજનાઓ શરૂ થઈ છે. કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ એટલે કે હવામાંથી કાર્બન કેદ કરવો અને તેને ક્યાંક સાચવીને મૂકી દેવો, એવી યોજના બ્રિટને લાગુ કરવાનું નક્કી કર્યું છે. ટૂંકમાં સીસીએસ તરીકે ઓળખાતી યોજના નવી નથી, વિજ્ઞાનીઓ વર્ષોથી તેના વિશે જાણે છે. પરંતુ હવે તેનો મોટે પાયે અમલ કરવો પડે એવી સ્થિતિ આવી પડી છે. કોઈ એક ઉપાય દ્વારા હવાનો કાર્બન સંપૂર્ણ કાબૂમાં આવવાનો નથી. આ ઉપાય દ્વારા પણ કાર્બનનો પ્રશ્ન પૂરેપૂરો હલ નહીં થાય, પરંતુ થોડો-ઘણો તો હલ થશે જ.

કાર્બન કેદ કરવો કેમ?

કાર્બનને કેદ કરવાની મુખ્યત્વે બે પદ્ધતિ વપરાશે. એક પદ્ધતિ છે ‘પોઈન્ટ સોર્સ કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ.’ જ્યાંથી કાર્બન પેદા થાય ત્યાંથી જ તેને કેદ કરી લેવાનો. જેમ કે, ચીમનીમાંથી કાર્બન બહાર નીકળે ત્યાં જ ગળણું બાંધીને એને કેદ કરી લેવાનો એટલે એ હવામાં પહોંચે નહીં, હવામાં પહોંચે નહીં તો ફેલાય નહીં અને ફેલાય નહીં તો તેનાથી ઊભી થતી મુશ્કેલીઓ આવે નહીં. મુશ્કેલીઓ જોકે આવી ચૂકી છે એટલે ઓછી થાય અને ખાસ તો ભવિષ્યમાં કાર્બનનું પ્રમાણ થોડા-ઘણા અંશે કાબૂમાં રહે.

બીજી રીત છે, હવામાં ઓલરેડી ફેલાયેલા કાર્બનને કેદ પકડવાની. એ પદ્ધતિ ‘ડાયરેક્ટ કાર્બન/એર કેપ્ચર’ તરીકે ઓળખાય છે. બન્ને પદ્ધતિઓ પોતપોતાની રીતે અસરકારક છે. અત્યારે એ માટે બ્રિટિશ કંપનીઓએ ‘એક્રોન’ અને ‘વાઈકિંગ પ્રોજેક્ટ’ નામે બે યોજના શરૂ કરી દીધી છે. બ્રિટિશ સરકાર તેને ટેકો આપશે.

૧૦ કરોડ ડોલરનું ઈનામ

કાર્બનને કેદ કરવો અશક્ય નથી પરંતુ મુશ્કેલ જરૂર છે. એટલે જ ભવિષ્ય પારખીને ઈલોન મસ્કે ૨૦૨૧ માં જાહેરાત કરી હતી કે જે કોઈ કાર્બન કેપ્ચરની સારામાં સારી રીત શોધી આપશે તેને હું ૧૦ કરોડ ડોલરનું ઈનામ આપીશ. ઘણી કંપનીઓ એ દિશામાં કામ કરી રહી છે અને સ્ટાર્ટઅપ કરનારાઓ પણ ઈલોનના ઈનામ માટે મથી રહ્યા છે. કોઈ કંપનીએ કાર્બન કેદ-સ્ટોર કરવો હોય તો ટન દીઠ ૨૦ થી લઈને ૧૫૦ ડોલર સુધીનો ખર્ચ થઈ શકે છે. બધી કંપનીઓને ખર્ચ કરવામાં રસ ન હોય એ સ્વાભાવિક છે.

જ્યાંથી ફેલાય ત્યાંથી જ પકડો

કાર્બન સૌથી વધારે જ્યાંથી ફેલાય એવી રિફાઈનરી, સ્ટીલનાં કારખાનાં… વગેરે સ્થળોએ આ બન્ને કંપનીઓ કાર્બન પકડવા પર કામ કરી રહી છે. યુરોપના ઘણા દેશોના કાર્બન પ્રદૂષણના નિયમો કડક છે. કંપનીઓ હવામાં અમુક માત્રા કરતાં વધારે કાર્બન ફેલાવી શકતી નથી. વધુ કર્બન ઉત્સર્જીત થાય તો કંપનીએ તેનો નિકાલ પોતાની રીતે કરવો રહ્યો. માટે ઘણી કંપનીઓ ખાનગી ધોરણે કાર્બન કેદ કરી સંગ્રહનો અમલ કરવા લાગી છે. જર્મનીની કંપની ‘હેઈડલબર્ગ મટિરિયલ્સે’ તો ઘણા દેશોમાં પોતાનો સીસીએસ બિઝનેસ વિસ્તાર્યો છે.

ઓસ્ટ્રેલિયાની ‘શેવરોન કોર્પોરેશન’ નામની પેટ્રોલિયમ કંપની જગતનો સૌથી મોટો કમર્શિયલ સીસીએસ પ્લાન્ટ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત અન્ય દેશોમાં પણ કાર્બન કેદ કરવા માટે એ કંપની સંઘર્ષ કરી રહી છે, પરંતુ જોઈએ એવી આર્થિક સફળતા મળી નથી. જગતમાં કુલ ૧૯૦ પ્રોજેક્ટ સીસીએસ માટે ચાલી રહ્યા છે. એમાંથી ૬૧ પ્રોજેક્ટ તો ૨૦૨૨ માં જ શરૂ થયા છે. એટલે કે હવે આ દિશામાં સ્પીડ આવી છે. બ્રિટનની જાહેરાતમાં નવી વાત એ છે કે કોઈ દેશની સરકારે મોટેપાયે આ યોજના માટે તૈયારી કરી છે.

આપણે કેટલો કાર્બન ફેલાવીએ છીએ?

‘ગ્લોબલ સીસીએસ’ નામની સંસ્થાએ નોંધેલી વિગત મુજબ તો છેક ૧૯૭૦ ના દાયકાથી કાર્બન કેપ્ચર-સ્ટોરેજનું કામ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૦ કરોડ ટન કાર્બન કેદ કરીને સ્ટોર કરી દેવાયો છે. બીજી બાજુ જગતે ૨૦૨૨ માં ૩૭ અબજ ટન કરતાં વધારે કાર્બન હવામાં ઠાલવ્યો. આ વર્ષ પૂરું થશે ત્યાં આંકડો વધી ગયો હશે. એટલે હવામાંથી કાર્બન કેદ કરવાની યોજના મોટે પાયે લાગુ થાય તો તેનો બેશક ફાયદો મળી શકે.

બકરું કાઢવા જતાં ઊંટ ન પેસે

રાષ્ટ્રસંઘની પર્યાવરણ બેઠકમાં પણ કાર્બન કેદ કરી સાચવવાનો મુદ્દો વારંવાર ઊઠ્યો છે. ત્યાં નિષ્ણાતો એવા તારણ પર આવ્યા છે કે આ દિશામાં કામ થવું જ જોઈએ. પરંતુ અત્યારે જે કાર્બન ઉત્સર્જન થાય એ ઘટાડવાની દિશામાં કામગીરી ચાલુ રાખો અને સાથે સાથે જે કાર્બન ફેલાયો છે એને સમેટવા પ્રયાસ કરો. આ ભય ખોટો નથી. અમે તો કાર્બન કેદ કરીને સ્ટોર કરીએ છીએ.. એમ માનીને ઘણી કંપનીઓ વધારે કાર્બન હવામાં ફેલાવવા ન લાગે એ મોટો ડર છે જ. એટલે બકરું (હવાનો કાર્બન) કાઢવા જતાં ઊંટ (નવો કાર્બન ) પેસી ન જાય એ જોવું પડે.

નેટ ઝીરોની નજીક પહોંચવાનો પ્રયાસ

ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવા માટે જગતભરમાં એ પ્રયાસ થઈ રહ્યો છે કે બધા દેશો નેટ ઝીરોનો ટાર્ગેટ રાખે અને હાંસલ કરે. નેટ ઝીરોનો અર્થ થાય છે કે હવામાં કાર્બનનો બિલકુલ ફેલાવો ન કરવો. ઈન કેસ ફેલાવો થાય તો તેને કાબૂમાં લેવાના પ્રયાસો પણ એટલા જ કરવા. એટલે કાર્બન ઉત્સર્જન સરવાળે ઝીરો થાય. બ્રિટનનો ટાર્ગેટ ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો પહોંચવાનો છે. ભારતે આ લક્ષ્યાંક માટે ૨૦૭૦નું વર્ષ નિર્ધારિત કર્યું છે. એ રીતે વિવિધ દેશોએ વિવિધ વર્ષ જાહેર કર્યાં છે. ત્યાં સુધીમાં ખરેખર કાર્બન ઉત્સર્જન કેટલું ઓછું થાય એ અલગ વાત છે. બ્રિટિશ સરકારે જે પ્લાન જાહેર કર્યો એ મુજબ વર્ષે ૨ થી ૩ કરોડ ટન કાર્બન કેદ કરી સાચવી લેવાનો છે.

* * *

વિજ્ઞાનીઓ વર્ષોથી કાર્બન કેપ્ચર-સ્ટોરેજ અંગે જાણકારી ધરાવે જ છે, પણ તેની સચોટ કહી શકાય એવી પદ્ધતિ હજુ સુધી મળી નથી. અત્યારે તો જે પદ્ધતિઓ છે એ વાપરીને કાર્બનને કેદ કરવો અનિવાર્ય છે. બ્રિટને એ દિશામાં પહેલ કરીને સારું કામ કર્યું છે.
અમેરિકા પણ આ દિશામાં કામ કરવા માંગે છે, પરંતુ અમેરિકામાં હજુ પડકારો છે. અમેરિકી પાવર સેક્ટરે બાઈડોનનો પ્રસ્તાવ નકારી દીધો છે. પરંતુ આ રસ્તો અજમાવવામાં આવે તો કંઈ ખોટું નથી કેમ કે ૯૦ ટકા સુધીનું કાર્બન ઉત્સર્જન કેદ કરી શકાય એમ છે. અત્યારે આ યોજના ખર્ચાળ લાગી રહી છે, પરંતુ ધરતીનું નિકંદન કાઢવાની કિંમત તો ચૂકવવી જ પડે ને!

કાર્બનના ઉપયોગો કાર્બન પ્લાસ્ટિક, કોંક્રીટ, બાયોફ્યુલ વગેરે ઉત્પાદનમાં કામ આવી શકે છે. ઘણી કંપનીઓ એ દિશામાંય કામ કરી જ રહી છે. કેદ થયેલા કાર્બનને બળતણ તરીકે ઉપયોગ કરી વીજળી પેદા કરવાનો પ્લાન પણ બ્રિટિશ વિજ્ઞાની ડેવિડ જોન્સને તૈયાર કર્યો છે, જેના પર કદાચ હવે કામ થશે.

ભારત ક્યાં છે? સરકારે ૨૦૭૦નો ટાર્ગેટ જાહેર કરી દીધો અને સાથે સાથે સીસીએસ પ્રોજેક્ટ પણ લોન્ચ કરી દીધો છે. બીજી તરફ સરકારી કંપની ‘ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે (GAIL)’એ અમેરિકી કંપની ‘લાન્ઝાટેક’ સાથે જોડાણ કર્યું છે. બન્ને મળીને ભારતમાં કાર્બન કેપ્ચર કરશે અને તેમાંથી કોઈક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવશે. આ સિવાય પણ ઘણી ભારતીય કંપનીઓ પોતાની રીતે આ દિશામાં કામગીરી કરી રહી છે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૪ – ૦૮  -૨૦૨૩ ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘સમયાંતર’ માં પ્રકાશિત લેખ