બીરેન કોઠારી
પ્રિય કાર્ટૂનિસ્ટ અજિત નિનાનના અવસાન મળ્યા ત્યારે હળવો આંચકો અનુભવાયો. માત્ર ૬૮વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ૮મી સપ્ટેમ્બરે મૈસૂર ખાતે થયેલું તેમનું અવસાન મારા જેવા તેમના અનેક પ્રેમીઓ માટે આંચકાસમાન હશે.

તેમનાં કાર્ટૂનોનો પહેલવહેલો પરિચય ‘ઈન્ડિયા ટુડે’ દ્વારા, આશરે ૧૯૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં થયો હશે. એમાં તેઓ કાર્ટૂન ઉપરાંત ઈલસ્ટ્રેશન પણ દોરતા. કદાચ રંગીન કાર્ટૂનો મેં પહેલવહેલા અજિત નિનાનનાં જ જોયાં હશે. એકદમ સફાઈદાર ચિત્ર, લસરકા નહીં, પણ સાફ રેખાઓ અને એકદમ ડિટેલ ધરાવતી પૃષ્ઠભૂમિ તેમની શૈલીની વિશેષતા કહી શકાય. તેમની બીજી વિશેષતા એ હતી કે તેમનાં કાર્ટૂનમાં કદી તેમની સહી જોવા મળતી નહીં. આને કારણે તેમનાં પૉકેટ કાર્ટૂનો લોકો આર.કે.લક્ષ્મણના નામે ફેરવતા. મારા પર આવા અનેક મેલ સ્વજનો દ્વારા મોકલાતા અને હું શક્ય એટલા તમામને જાણ કરતો કે તેમણે મને લક્ષ્મણના નામે જે કાર્ટૂન મોકલ્યાં છે એ હકીકતે અજિત નિનાનનાં છે. (હિન્દીમાં તેમનું નામ ‘નૈનન’ લખાતું.)

Just like that શિર્ષકથી તેમનાં પૉકેટ કાર્ટૂન આવતાં. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માં તેમનાં પૉકેટ કાર્ટૂન તેમજ ઈલસ્ટ્રેશન છપાતાં, પણ તેઓ એમાં મુખ્ય કાર્ટૂનિસ્ટ ન બન્યા. કારણ ખબર નથી. ‘Ninan’s word’ અને ‘Like that only’ ઉપરાંત ‘ટાઈમ્સ’માં અજિત નિનાનની બીજી મહત્ત્વની શ્રેણી ‘i-toons’ની કહી શકાય, જેમાં તેમની સાથે સુનિલ અગ્રવાલનું નામ પણ છપાતું. એમ માનું છું કે આઈડિયા સુનિલના હશે અને કાર્ટૂન અજિત બનાવતા હશે. અજિત નિનાનનાં પુસ્તકો હોવાં જોઈએ એનાથી ઘણા ઓછા છે. સુદીપ ચક્રવર્તી સાથે તેમણે સંપાદિત કરેલું ‘The India Today Book of cartoons’ અને જગ સુરૈયા સાથે ‘Like that only’ એમ બે જ પુસ્તકો તેમના નામે બોલે છે.

‘ટાર્ગેટ’ નામના બાળસામયિક માટે તેમણે ‘ડિટેક્ટીવ મૂછવાલા’ નામના પાત્રની ચિત્રપટ્ટી તૈયાર કરેલી.

મારી દૃષ્ટિએ અજિત નિનાને ખેડેલો સૌથી મહત્ત્વનો પ્રકાર એટલે કાર્ટૂનનું ક્રમિક રૂપાંતરણ. ‘poli tricks’ શિર્ષક હેઠળ તેઓ ‘ટાઈમ્સ’માં, ૨૦૦૯ની ચૂંટણીઓ દરમિયાન નિયમીતપણે આ કરતા. એક રાજનેતાના ચહેરાનું ચાર તબક્કામાં કોઈ એવી ચીજમાં તેઓ રૂપાંતર કરી દેતા કે નવાઈ લાગે. એમાં એક પણ શબ્દ લખ્યા વિના તેઓ પોતાને કહેવું છે એ જણાવી દેતા. જેમ કે, કરુણાનિધિના ચહેરાનું કાચિંડામાં રૂપાંતર, અરવિંદ કેજરીવાલના ચહેરાનું લોંકડીમાં રૂપાંતર, મુલાયમસિંહ યાદવનું સાયકલમાં રૂપાંતર, મનમોહનસિંહના ચહેરાનું દલાલ સ્ટ્રીટની ઈમારતમાં રૂપાંતર વગેરે…

તેમના કાર્ટૂનમાં શબ્દો ઘણા ઓછા રહેતા. તેઓ ચિત્ર થકી પોતાની વાત રજૂ કરવામાં પાવરધા હતા. પ્રમાણમાં નાની વયે વિદાય લીધેલા આ પ્રિય કાર્ટૂનિસ્ટને શ્રદ્ધાંજલિ.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
